મહાનાયક શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ આજે પણ સાધુ ધર્મની અનેરી મિસાલ છે

Published: Dec 01, 2019, 16:44 IST | Chimanlal Kaladhar | Mumbai

સૌધર્મ બૃહત્ તપોગચ્છીય ત્રિસ્તુતિક સમુદાયના મહાનાયક શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ આજે પણ સાધુ ધર્મની અનેરી મિસાલ છે

સૌધર્મ  બૃહત તપોગચ્છીય ત્રિસ્તુતિક સમુદાયના મહાનાયક શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજની કેટલીક પ્રેરણાદાયી વાતો ગતાંકમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. આજે અહીં આ મહાપ્રતાપી જૈનાચાર્યે જૈન સાધુત્વને કંઈ રીતે યશસ્વી અને ઉજ્જવળ બનાવ્યું તેની સવિશેષ માહિતી પ્રસ્તુત છે.

શ્રી ધરણેન્દ્રસૂરિ પોતાના વિદ્યાગુરુ રત્નવિજયજીનો પોતાના પરનો ઉપકાર ભૂલ્યા ન હતા. તેમની પ્રબળ ઇચ્છા હતી કે આ પ્રશ્ને હવે રત્નવિજયજી સાથે સમાધાન કરી લેવું જોઈએ. તેથી તેમણે મોતીવિજયજી અને સિદ્ધકુશલજી નામના યતિઓને શ્રી રાજેન્દ્રસૂરિ પાસે જાવરા મોકલ્યા હતા. રાજેન્દ્રસૂરિએ તે બન્ને યતિઓને કહ્યું કે યતિઓમાં રાગ-દ્વેષ, પ્રપંચ, માયાચાર, દેવ-દેવીઓના ચમત્કારથી તથા મંત્ર-તંત્રથી શ્રાવકોને ડરાવવાનું કામ વધતું જાય છે, તેથી મેં ક્રિયોદ્ધાર કરવાનો નિર્ણય કર્યો છે. હવે ધરણેન્દ્રસૂરિ આ વિવાદનો અંત લાવવા ઇચ્છતા હોય તો શાસ્ત્રોક્ત સમાચારી મુજબ મેં આ પ્રમાણે નવ નિયમો વિચાર્યા છે.  (૧) સવારે ને સાંજે સંઘની સાથે જ પ્રતિક્રમણ કરવું. રોજ નિયમિત વ્યાખ્યાન આપવું. જિનમંદિરે દર્શન કરવા જતી વખતે કે અન્ય વખતે પાલખીનો ઉપયોગ ન કરવો. સોના-ચાંદીના કોઈ ઘરેણા ધાર્મિક અનુષ્ઠાનના નિમિત્તે પહેરવા નહીં કે પાસે રાખવા નહીં. બન્ને સમય સ્થાપનાજીનું પડિલેહણ કરવું. (૨) ગૃહસ્થો પાસે ધનનો અપવ્યય ન કરાવવો. ઘોડાગાડી વગેરે વાહનોનો ઉપયોગ ન કરવો. (૩) છરી, તલવાર વગેરે હિંસક શસ્ત્ર પાસે ન રાખવા. આભુષણોનો સ્પર્શ સુધ્ધાં ન કરવો. (૪) સ્ત્રીઓ સાથે એકાંત સેવન ન કરવું. સ્વાધ્યાય નિમિત્તે પણ સાધ્વીજી કે શ્રાવિકા સાથે એકાંતમાં ન બેસવું. સ્ત્રીઓ સાથે હસીને મજાક-મશ્કરી ન કરવી કે ટોળટપ્પા ન મારવા. (૫) બટાટા, કાંદા, લસણ વગેરે અભક્ષ્ય ન ખાવા, રાત્રી ભોજન ન કરવું. ભાંગ, ગાંજો વગેરે માદક પદાર્થોનું સેવન ન કરવું. જે યતિઓએ તે ચાલુ રાખ્યું હોય અને બંધ ન કરે તેમ હોય તેમને સમુદાય બહાર મૂકવા. (૬) દંતમંજન વગેરે કરવા નહીં. કૂવા, તળાવ વગેરેનું કાચું પાણી વાપરવું નહીં. વનસ્પતિ વગેરે કાપવી કે કપાવવી નહીં. (૭) સંઘ તરફથી થતી નોકરો વગેરેની વ્યવસ્થા જરૂર પૂરતી મર્યાદિત રાખવી. વળી તેમાં પણ દુરાચારી, માંસાહારી નોકરોને રાખવા નહીં. (૮) શ્રી પૂજ્ય કે અન્ય કોઈ યતિઓએ દ્રવ્ય ખર્ચ કરવા માટે સંઘ પાસે હઠાગ્રહ કરવો નહીં. (૯) પગમાં જોડા, ચાખડી વગેરે પહેરવા નહીં. શતરંજ, પાસાં વગેરે રમત રમવી નહીં. રાતના ઉપાશ્રયની બહાર જવું નહીં.

આ નવ નિયમોમાં એવું કશું ન હતું કે જે સાચા જૈન યતિઓને તે સ્વીકાર્ય ન હોય. ધરણેન્દ્રસૂરિએ આ નવ નિયમો વાંચીને તેને સ્વીકારવાનો નિર્ણય લીધો. અને આ રીતે વિવાદના એક મહત્ત્વના પ્રકરણનો એ સમયે અંત આવ્યો. રાજેન્દ્રસૂરિએ પછી શિથિલાચારને દૂર કરવાની અને ક્રિયોદ્ધાર કરવાની દૃષ્ટિએ યતિઓને વ્યક્તિગત સમજાવવાનું અને વ્યાખ્યાનોમાં શુદ્ધ સાધ્વાચારનું પ્રતિપાદન કરવાનું ચાલુ કર્યું. એ રીતે તેમની તરફેણમાં ક્રમે ક્રમે યતિઓનું પ્રમાણ વધતું ચાલ્યું અને વાતાવરણ એકદમ સાનુકૂળ બનતું ગયું. સં. ૧૮૬૯માં જાવરામાં શ્રી ઋષભદેવ ભગવાનના દેરાસરમાં ચૈત્યવંદનાદિ વિધિ કરી શ્રી રાજેન્દ્રસૂરિએ તેમની પાસેના શ્રી પૂજય તરીકેના છત્ર, ચામર, પાલખી, સૂર્યમુખી, ચંદ્રમુખી વગેરે જે કંઈ પરિગ્રહ હતો તે તમામનો જિનેશ્વર ભગવંતની સાક્ષીએ ત્યાગ કર્યો અને સંવેગી સાધુઓના શુદ્ધ આચાર પ્રમાણે ચાલવાનો નિર્ણય જાહેર કર્યો. સાદા સાધુ તરીકે તેઓ તેમના શિષ્યો સાથે જિનાલયમાંથી જેવા બહાર આવ્યા કે હજારો ભાવિકોએ તેમને વધાવી લીધા અને ત્યાંથી વાજતેગાજતે શોભાયાત્રા નીકળી. ગામના ઉપાશ્રયમાં રાજેન્દ્રસૂરિજીએ ‘જૈન સાધુઓના શાસ્ત્રોક્ત શુદ્ધ આચાર પાલન’ એ વિષય પર મર્મસ્પર્શી વ્યાખ્યાન આપ્યું. રાજેન્દ્રસૂરિની આ ઐતિહાસિક ક્રાંતિના પ્રસંગની યાદગીરીરૂપે જાવરાના એ જિનમંદિરમાં સંઘ તરફથી ક્રિયોદ્ધાર પદ્દક સ્થાપિત કરવામાં આવ્યો.

જાવરામાં ક્રિયોદ્ધાર કર્યા પછી રાજેન્દ્રસૂરિ એ હવે શ્રીપૂજ્ય યતિમાંથી પંચાચારનું પાલન કરનારા સાચા જૈન સાધુ બન્યા. એમણે તપગચ્છને નવું સ્વરૂપ આપ્યું અને ‘સૌધર્મ બૃહત્ત તપાગચ્છ’ની સ્થાપના ઘોષિત કરી. એ સમયે યતિઓમાં આધ્યાત્મિક સાધના, આત્મસ્વરૂપ રમણતા કરતાં પણ ભૌતિક લાભ માટે યંત્ર-તંત્ર-મંત્ર, દેવ-દેવીઓની ઉપાસનાનું મહત્ત્વ ઘણુંબધું વધી ગયું હતું. ગૃહસ્થો પણ શુદ્ધ મોક્ષમાર્ગથી અને નિરતિચાર ચારિત્રથી વિમુખ બની ભૌતિક સુખ-સંપત્તિ મેળવવા માટે મંત્ર-તંત્ર-દેવ-દેવીઓની ઉપાસના પાછળ પડી ગયા હતા. વળી યતિઓ પણ ગૃહસ્થોને મંત્ર-તંત્ર- અને દેવ-દેવીઓનો ડર બતાવી પોતાનો સ્વાર્થ સાધી લેતા હતા. એટલા માટે જ શ્રી રાજેન્દ્રસૂરિજીએ  દેવ-દેવીઓની ઉપાસનાને ગૌણ બનાવી. કોઈ પણ‌ દેવ કરતાં સાચો માનવ ચડિયાતો છે તે વાત પર તેમણે સતત ભાર મૂક્યો. સાચા સાધુને દેવો કશું જ કરી શકે નહીં. દેવગતિ કરતાં મનુષ્યગતિ શ્રેષ્ઠ છે. ફકત મનુષ્યગતિમાં ત્યાગ, સંયમ અને મોક્ષ પ્રાપ્તિ છે. મનુષ્ય જો ઉત્તમ ચારિત્ર પાળે તો દેવો તેને વંદન કરવા આવે છે. તો પછી દેવને વંદન કરવાની શી જરૂર છે? એટલા માટે એમણે ત્રિસ્તુતિક (ત્રણ થોય) ધર્મનો બોધ આપ્યો. ચાર શ્લોકના ઘણા સ્તોત્રમાં ચોથા શ્લોકમાં દેવ-દેવીઓની સ્તુતિ હોય છે. દેવ-દેવીઓની સ્તુતિની જરૂર નથી. માટે ત્રણ થોય જ બોલવી યોગ્ય છે. એ પછી આ માન્યતા ધરાવનાર એમનો સમુદાય ‘ત્રિસ્તુતિક સંઘ’ તરીકે ઓળખાવા લાગ્યો.

શ્રી રાજેન્દ્રસૂરિએ ક્રિયોદ્ધાર કરીને પછી પોતાની દૃષ્ટિ સાહિત્યસર્જન તરફ વાળી. તેઓએ ‘ષડ દ્રવ્ય વિચાર, સિદ્ધાંત પ્રકાશ, ધનસાર ચોપાઇ, અઘટકુમાર ચોપાઇ, ૧૦૮ બોલકા થોકડા, પ્રશ્નોતર પુષ્પવાટિકા, શ્રી કલ્પસૂત્ર બાલવબોધ, વિહરમાન જિન ચતુષ્પદી, કેસરિયાનાથ સ્તવન, કલ્યાણ, મંદિર સ્તોત્રવૃત્તિ, ગચ્છાચાર પયન્નાવૃત્તિ, સિદ્ધ-હેમ પ્રાકૃત ટીકા, હીર પ્રશ્નોત્તર બીજક, ઉપદેશમાલા, કમલ પ્રભા, શુદ્ધ રહસ્ય જેવા અનેકાનેક ગ્રંથોની રચના કરી. તેમનું સૌથી મહત્ત્વનું અને સૌથી યશસ્વી સાહિત્ય કાર્ય છે ‘અભિધાન રાજેન્દ્ર કોશ’ની રચનાનું. એક મોટી યુનિવર્સિટી કરી શકે એટલું વિરાટ કાર્ય આ જૈનાચાર્યે એકલા હાથે કર્યું છે. રાજેન્દ્રસૂરિમહારાજ પાસે ઘણા લોકોએ દીક્ષા લીધી હતી, તેમાં મોહનવિજય, દીપવિજય, યતિન્દ્રવિજય, ઉદયવિજય, ઋષભવિજય, ધનચંદ્રવિજય, ભૂપેન્દ્રવિજય, મેઘવિજય, ગુલાબવિજય, પદ્મવિજય, ધર્મવિજય વગેરેનો સમાવેશ થાય છે. પૂજ્યશ્રીએ ઇ.સ. ૧૯૦૬ના ૩૧મી ડિસેમ્બરે ૮૦ વર્ષની વયે સંથારો લઈ સમાધિપૂર્વક દેહ છોડ્યો. તેઓ રાજગઢ ખાતે કાળધર્મ પામ્યા અને ત્યાંથી અઢી કિ.મિ.ના અંતરે આવેલ મોહનખેડા તીર્થમાં તેમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. અગણિત વંદના હો એ શ્રમણ શ્રેષ્ઠ જૈનાચાર્યને!

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK