Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એ દિવસે મુંબઈમાં ભજવાયું પહેલવહેલું ગુજરાતી નાટક

એ દિવસે મુંબઈમાં ભજવાયું પહેલવહેલું ગુજરાતી નાટક

07 December, 2019 03:20 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

એ દિવસે મુંબઈમાં ભજવાયું પહેલવહેલું ગુજરાતી નાટક

ગેઇટી થિયેટર, લંડન

ગેઇટી થિયેટર, લંડન


એ દિવસે વાર હતો શનિ, તારીખ હતી ૨૯, મહિનો હતો ઑક્ટોબર, સાલ હતી ૧૮૫૩. ત્યારે મુંબઈ શહેરમાં બત્તી પેટાવવા નહોતી વીજળી કે નહોતી વિદ્યાનું અજવાળું પાથરતી મુંબઈ યુનિવર્સિટી. ગુજરાતી છાપાં પણ ત્યારે ગણતરીનાં. પ્રચારનાં બીજાં કોઈ સાધનો નહીં અને છતાં એ દિવસે સાંજે ગ્રાન્ટ રોડ પર રોજ કરતાં વધુ લોકોની અવરજવર દેખાતી હતી. હા, તેમાંના ઘણા પારસી હતા તો સાથોસાથ કેટલાક હિન્દુ પણ હતા. ગુજરાતી ભાષા બોલનારાઓની સાથે થોડા મરાઠીભાષીઓ પણ હતા. ક્યાંક-ક્યાંક રડ્યોખડ્યો ગોરો સાહેબ પણ દેખાતો હતો.  હા, બધાના પગ એક જ દિશામાં જઈ રહ્યા હતા, જગન્નાથ કહેતાં નાના શંકરશેટે બંધાવેલા થિયેટર તરફ. એ તરફ જનારા સૌની આંખોમાં આતુરતા હતી. અંતરમાં આનંદ હતો, કારણ કે આજે એ થિયેટરમાં જે બનવાનું હતું એ અપૂર્વ હતું. એવું તે શું બનવાનું હતું એ દિવસે? આજે અહીં ભજવાવાનું હતું એક ગુજરાતી નાટક. થોડા વખત પહેલાં આ જ થિયેટરમાં પહેલવહેલી વાર એક મરાઠી નાટક ભજવાયું હતું. સાંગલીમાં મરાઠીનું પહેલું નાટક ‘સીતા સ્વયંવર’ ભજવ્યા પછી વિષ્ણુદાસ ભાવે એ નાટક લઈને મુંબઈ આવ્યા હતા. એનો પહેલો ખેલ જોકે ગિરગામ રોડ પર આવેલી જગન્નાથ શંકરશેટની વાડીમાં ભજવાયો હતો. (આજે એની જગ્યાએ બહુમાળી ઇમારત ઊભી છે, પણ આ લખનારે બાળપણમાં એ અનેક વાર જોઈ હતી.) પણ એ હતો માત્ર આમંત્રિતો માટેનો એક ખાસ ખાનગી પ્રયોગ. એ પછી એનો પહેલો જાહેર પ્રયોગ ગ્રાન્ટ રોડ પરના નાના શંકરશેટના આ જ થિયેટરમાં થયેલો. એ અગાઉ મુંબઈમાં અંગ્રેજી નાટકો ભજવાતાં ખરાં. ઇંગ્લૅન્ડથી નાટક મંડળીઓ આવતી અને શેક્સપિયરનાં કે બીજાં અંગ્રેજી નાટકો ભજવતી પણ એ નાટકો જોવા મોટે ભાગે તો ગોરાઓ જતા. ક્યારેક બે-પાંચ પારસી કે મરાઠીભાષીઓ જાય એ જુદી વાત. આવી રીતે અંગ્રેજી નાટકો જોનારાઓમાંના એક હતા દાદાભાઈ નવરોજી. તેમને થયું કે અંગ્રેજીમાં ભજવાય, મરાઠીમાં ભજવાય તો ગુજરાતીમાં નાટક કેમ ન ભજવાય? એટલે થોડાક મિત્રોને સાથે લઈને તેમણે પારસી નાટક મંડળીની સ્થાપના કરી. દારાશાહ રિપોર્ટર એના સેક્રેટરી બન્યા. પારસી તવારીખની સોનાની ખાણ જેવા  ‘પારસી પ્રકાશ’માં કહ્યું છે કે ‘મુંબઈ મધે ગુજરાતી ભાષામાં નાટકો કરનારી એકુ ટોલી ન હોવાથી કેટલાક કેળવણી પામેલા પારસી ગરહસ્થોની આગેવાની હેઠલ આએ શાલમાં પેહલ વહેલી એક પારસી નાટક મંડળી સ્થાપવામાં આવી હતી.” આમાંથી બે વાત સૂચવાય છે: આ અગાઉ ગુજરાતી નાટક ભજવી શકે એવી કોઈ નાટક મંડળી મુંબઈમાં નહોતી. આ એવી પહેલી જ મંડળી. બીજું, થોડા પારસી જુવાનિયાના મનમાં કીડો સળવળ્યો અને નાટકનો એક ખેલ કરી નાખ્યો એવું નહોતું. રીતસર નાટક મંડળી સ્થાપેલી. એના હોદ્દેદારો હતા, મંત્રી હતા, પ્રમુખ હતા. નાટક ભજવતાં પહેલાં સારોએવો વખત રિહર્સલ પણ કર્યાં જ હોય. પછી જે નાટક રજૂ થયું એ અંગે ૨૯ ઑક્ટોબર, ૧૮૫૩ના દિવસનું પારસી પ્રકાશ નોંધે છે કે ‘એ દિવસે પારસી નાટક મંડળીએ ગ્રાન્ટ રોડ પરની નાટકશાળામાં ‘રુસ્તમ અને શોરાબ’નો નાટક તથા ‘ધનજી ગરકનો ફારસ’ કરી બતાવ્યો હતો. પારસીઓમાં નાટકનું કામ આ પહેલવહેલું હોવાથી નાટકશાળા ઊભરાઈ ગઈ હતી.” મુંબઈમાં આ પહેલવહેલું ગુજરાતી નાટક ભજવાયું એ ઘટનાની નોંધ એ વખતના અંગ્રેજી અખબાર ‘બૉમ્બે કુરિયરે’ તેના ૩૧ ઑક્ટોબરના અંકમાં લીધી હતી. આ નાટકમાં જેમણે અભિનય કરેલો તેમનાં નામ પણ આપેલાં : પેસ્તનજી ધનજીભાઈ માસ્તર, નાનાભાઈ રૂસ્તમજી રાણીના, દાદાભાઈ નસરવાનજી એલીએટના, માણેકજી મહેરવાનજી મેહરહોમજીના, મંચેરશાહ માણેકજી મોદી, બહેરામજી જીવણજી ઝવેરી, ભીખાજી ખરશેદજી મૂસ, મંચેરજી ફરદુનજી સુનાવાલા, કાવસજી હોરમજજી બિલિમોરિયા, ડૉક્ટર રૂસ્તમજી હાથીરામ, ડૉક્ટર મહેરવાનજી ઇજનેર અને કાવસજી નસરવાનજી કોહીદારૂ.

પછીથી આ નાટક મંડળીનો કારભાર ફરામજી ગુસ્તાદજી દલાલ ચલાવતા હતા. પારસીઓની ટેવ પ્રમાણે તેમનું પણ રમૂજી ઉપનામ પાડ્યું હતું: ‘ફલુઘૂસ.’ તેમણે પોતાની આખી જિંદગી રંગભૂમિને આપી દીધી હતી. તેઓ નાટક માટેના પ્રેમ ઉપરાંત તીખો, આખાબોલો સ્વભાવ, સાહસિક વૃત્તિ અને વેપારી માનસ ધરાવતા હતા. પછી તો મુંબઈમાં ગુજરાતી નાટકની ગાડી સડસડાટ દોડવા લાગી. ૧૮૬૯ સુધીમાં મુંબઈમાં લગભગ ૨૦ નાટક મંડળીઓ કામ કરતી થઈ ગઈ હતી. અલબત્ત, આમાંની કેટલીકનું આયુષ્ય થોડાં વરસનું જ હતું. આવી નાટક મંડળીઓમાંથી કેટલીકનાં નામ: એમેટર્સ ડ્રામેટિક ક્લબ, પારસી સ્ટેજ પ્લેયર્સ, ઝોરાસ્ટ્રિયન નાટક મંડળી, આલ્બર્ટ નાટક કંપની, એલ્ફિન્સ્ટન ડ્રામેટિક ક્લબ, વિક્ટોરિયા નાટક મંડળી વગેરે.



parsi-natak


પારસી નાટક મંડળીના સભ્યો

પણ પારસી રંગભૂમિનું ઘડતર અને ચણતર કરવાનું કામ કરનાર તો હતા કેખુશરુ કાબરજી. તેમનો જન્મ ૧૮૮૪ના ઑગસ્ટની ૨૧ તારીખે થયો હતો. તેઓ બેહસ્તનશીન થયા ૧૯૦૪ના એપ્રિલની ૨૪મી તારીખે. તેમના જમાનાના કાબરજી આગળ પડતા પત્રકાર હતા. પારસી મિત્ર, જામે જમશેદ, રાસ્તગોફતાર જેવાં પત્રો સાથે તેઓ સંકળાયેલા હતા. પણ પત્રકાર તરીકેની તેમણે સૌથી મોટી સેવા તો ‘સ્ત્રીબોધ’ દ્વારા કરી જે અંગે આપણે અગાઉ વાત કરી છે. તેમને અંગકસરતમાં પણ રસ હતો. આ માટે તેમણે કસરતશાળા શરૂ કરાવી હતી અને ૧૮૬૭થી ૧૮૭૫ સુધી તેઓ એના વડા રહ્યા હતા. ૧૮૬૮ના મેં મહિનાની ૧૬ તારીખે તેમણે ‘વિક્ટોરિયા નાટક મંડળી’ શરૂ કરી. એના પ્રમુખ હતા વિનાયકરાવ જગન્નાથ શંકરશેટ. અને એની સમિતિમાં ડૉ. ભાઉ દાજી લાડ, સોરાબજી શાપુરજી બંગાલી, ડોસાભાઈ કરાકા, અરદેશર ફરામજી મુસ વગેરેનો સમાવેશ થતો હતો. શરૂઆતમાં આ મંડળીએ શેક્સપિયરનાં કેટલાંક નાટકોનાં રૂપાંતર ભજવ્યાં હતાં. પછી ૧૮૬૯ના માર્ચની ૨૦મી તારીખે કેખુશરુ કાબરજીએ લખેલું નાટક ‘બેજન અને મનીજેહ’ ભજવ્યું હતું. ઈરાની પહેરવેશ, રીતરિવાજ, વગેરે આ નાટકની વિશિષ્ટતા હતી. આ નાટક ખૂબ લોકપ્રિય થતાં એના ઘણા પ્રયોગ રજૂ થયા હતા. ત્યાર બાદ નવાં નાટકો મેળવવા માટે આ નાટક મંડળીએ ઇનામી હરીફાઈ યોજવાનું ચાલુ કર્યું હતું. પહેલી હરીફાઈમાં જમશેદજી એદલજી ખોરીના ‘રુસ્તમ અને સોરાબ’ નાટકને ૩૦૦ રૂપિયાનું ઇનામ મળ્યું હતું અને ભજવાયું ત્યારે એ પણ લોકપ્રિય થયું હતું. ૧૮૭૦માં ગ્રાન્ટ રોડ નજીક આ નાટક મંડળીએ ‘વિક્ટોરીયા નાટક શાળા’ નામનું પોતાનું થિયેટર બંધાવ્યું હતું. વખત જતાં આ નાટક મંડળીએ ગુજરાતી ઉપરાંત ઉર્દૂ નાટકો ભજવવાનું શરૂ કર્યું અને આ નાટકો ભજવવા માટે જુદાં-જુદાં સ્થળોનો પ્રવાસ પણ શરૂ કર્યો. હૈદરાબાદ, દિલ્હી, બનારસ, લાહોર, જયપુર વગેરે શહેરોમાં ઉર્દૂ નાટકો ભજવ્યા પછી ૧૮૭૮માં આ મંડળી રંગૂન અને સિંગાપોર ગઈ હતી. તેમની ખ્યાતિ એ વખતના બર્માના રાજા સુધી પહોંચી હતી. એ વખતે માંડલે બર્માની રાજધાની હતું. રાજાએ ત્યાં આવી નાટકો ભજવવા આમંત્રણ મોકલ્યું હતું. આ માટે કુલ ૪૧ જણનો કાફલો માંડલે ગયો હતો. એનો રોજનો ખર્ચ ૨૦૦ રૂપિયા જેટલો થતો હતો, પણ મંડળીએ એ જોખમ ઉઠાવ્યું હતું. તેમનાં નાટકો જોઈ રાજા એટલા ખુશ થયા હતા કે  મંડળીએ ભજવેલા ૩૫ ખેલ માટે તેને ૪૩ હજાર રૂપિયા (એ વખતે ઘણી મોટી રકમ) આપી હતી. આ ઉપરાંત નાટક મંડળીના દરેક સભ્યને ૪૦૦ રૂપિયા, સોનું, ઘરેણાં વગેરે રાજાએ આપ્યા હતા. મંડળી મુંબઈ પાછી ફરી ત્યારે ખરચ બાદ કરતાં તેને ૫૦ હજાર રૂપિયાનો નફો થયો હતો. એ પછી બર્માના રાજાના આમંત્રણથી એ મંડળીએ બીજી ત્રણ વાર બર્માની મુલાકાત લીધી હતી. એ વખતે દરેક ખેલ માટે રાજાએ મંડળીને એક હજાર રૂપિયા ચૂકવ્યા હતા.


udayram

રણછોડભાઈ ઉદયરામ

૧૮૮૫માં ઇંગ્લૅન્ડ ખાતે ‘ઇન્ડિયન ઍન્ડ કોલોનિયલ એક્ઝિબિશન યોજાયું હતું. એ પ્રસંગે ઉર્દૂ નાટકો ભજવવા માટે આ મંડળી લંડન ગઈ હતી. એ વખતે દુભાષિયા તરીકે કુંવરજી સોરાબજી નાઝરને સાથે લઈ ગયા હતા. આ નાઝર પણ વખત જતાં આગળ પડતા નાટકકાર તરીકે જાણીતા થયા હતા. લંડનમાં એક અઠવાડિયા સુધી રોજ ગેઇટી થિયેટરમાં આ મંડળીએ ઉર્દૂ નાટકો ભજવ્યાં હતાં. ત્યાર બાદ ચાર મહિના સુધી પોર્ટલૅન્ડ હૉલમાં પોતાના ખેલ ભજવ્યા હતા. તેમાં સયફસ સુલેમાન, હરિશ્ચન્દ્ર, મહમૂદશાહ, હુમાયુન નાશીર, આશક્કા ખૂન વગેરે નાટકોનો સમાવેશ થયો હતો. જોકે આ સફરમાં આર્થિક રીતે ખોટ ગઈ હતી, પણ હિન્દુસ્તાનનાં નાટકો વિદેશની ધરતી પર ભજવાયાં હતાં.  ઇંગ્લૅન્ડ જઈને નાટકો ભજવનારી આ પહેલવહેલી ગુજરાતીઓની નાટક મંડળી હતી. આ બધા પ્રવાસોમાં થયેલા નફામાંથી આ મંડળીએ પોતાનાં નાટકો ભજવવા માટે કોટ વિસ્તારમાં ‘નોવેલ્ટી થિયેટર’ બંધાવ્યું હતું. પણ સાથોસાથ આ મંડળી વખતોવખત જાહેર સખાવતોમાં પણ મોટી રકમો આપતી – મુંબઈમાં તેમ જ મુંબઈ બહાર જ્યાં-જ્યાં પ્રવાસે જાય ત્યાં પણ. સમય સાથે આ મંડળી સાથે નવી-નવી વ્યક્તિઓ જોડાતી ગઈ. જૂની વ્યક્તિઓ કાં અલગ થઈ કાં મૃત્યુ પામી. પણ છેક ૧૯૨૪ સુધી આ વિક્ટોરિયા નાટક મંડળી કામ કરતી રહી હતી. પછી બૅન્કનું દેવું ભરપાઈ ન કરી શકાતાં બૅન્કે એની સ્થાવર-જંગમ અસ્કયામત પોતાના તાબામાં લીધી હતી.

આ પણ વાંચો : મુંબઈકર, ચાલો પ્લૉગિંગ કરીએ: દોડતા જાઓ અને કચરો વીણતા જાઓ

૧૮૫૩માં શરૂ થયેલી પારસી નાટક મંડળીના ‘ફલુઘૂસ’ વિષે થોડી વધુ વાત. પારસી નાટક મંડળી છોડી તેઓ વિક્ટોરિયા નાટક મંડળીમાં જોડાયા અને પછીથી કેખુશરુ કાબરાજી સાથે  તે છોડી ‘નાટક ઉત્તેજક મંડળી’માં જોડાયા. આ વર્ષો દરમિયાન નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજી મિત્રો બન્યા હતા. પહેલું કોમેડી નાટક ‘સૂડી વચ્ચે સોપરી’ ફ્લોપ જતાં આ મંડળીએ રણછોડભાઈના ‘હરિશ્ચંદ્ર’ અને ‘નળદમયંતી’ નાટકો ફરી ભજવ્યાં. આ ઉપરાંત કવિ નર્મદનું ‘સીતાહરણ’ નાટક પણ સફળતાપૂર્વક ભજવ્યું. હવે બન્યું એવું કે મુંબઈની કેટલીક ગુજરાતી નિશાળના માસ્તરો ‘હિરશ્ચન્દ્ર’ નાટકનો એક સોલ્ડ આઉટ શો મેળવવા પેલા ફલુઘૂસ પાસે ગયા. એક ખેલ માટે માસ્તરોએ ૩૦૦ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ ફલુઘૂસે ૫૦૦ રૂપિયા માગ્યા. માસ્તરોએ ભાવ કરવાનો પ્રયત્ન કર્યો એટલે ફલુઘૂસનો પિત્તો ગયો. કહે: ‘જા, જા, વાનિયા! તારે વેપલો કરવો હોય તો મૂક ૫૦૦ રૂપિયા મારા ટેબલ પર અને નહીં તો નીચી મૂંડી કરી ચાલતો થા.’ એ વખતે બધી નાટક મંડળીઓ પારસીઓની હતી, હિંદુ ગુજરાતીઓની એક પણ નહોતી. ફલુઘૂસની વાત સાંભળી નરોત્તમ નામના એક મહેતાજીને લાગી આવ્યું. બોલ્યા : ‘જોજો, હિંદુ ગુજરાતીઓ પણ પોતાની નાટક મંડળી શરૂ કરશે.’ આ સાંભળી ફલુઘૂસ વધારે વીફર્યા : ‘અલ્યા વાનિયા! તું સ્ટેજ ઉપર એક ઉંદરડી સરખી પણ ચલાવી નહીં શકે.’ આ રીતે અપમાનિત થયેલા મહેતાજીઓ પહોંચ્યા રણછોડભાઈ પાસે. કહે: ‘દક્ષિણીઓ નાટક મંડળીઓ ચલાવે, પારસી નાટક મંડળીઓ ચાલે, ઉર્દૂ નાટક મંડળીઓ ચાલે તો આપણી નાટક મંડળી કેમ નહીં?  રણછોડભાઈએ પહેલાં તો એ મહેતાજીઓને થોડા વાર્યા. પણ પછી તેમની ધગશ જોઈ ૧૮૬૬માં પ્રગટ થયેલા પોતાના નાટક ‘લલિતાદુઃખદર્શક’ની પાંચ નકલ તેમના હાથમાં મૂકી. પેલા નરોત્તમભાઈ કહે કે આ નાટક તો મેં ૬૫ વખત વાંચ્યું છે. પછી તો એ નાટક ભજવવા માટે રણછોડભાઈના આશીર્વાદ સાથે ૧૮૭૮ના જૂનની પાંચમી તારીખે ‘ગુજરાતી નાટક મંડળી’ શરૂ થઈ. આ નાટક ભજવવાની પરવાનગી આપતી વખતે રણછોડભાઈએ એક શરત કરેલી: નાટકનો પહેલો પ્રયોગ માત્ર આમંત્રિત મહેમાનો માટે જ. તેમને ખેલ પસંદ પડે તો જ ટિકિટ વેચીને જાહેર પ્રયોગો કરવાના. વિક્ટોરિયા થિયેટરમાં આમંત્રિત મહેમાનો માટે પહેલો ખેલ થયો એને ખૂબ આવકાર મળ્યો. રાતે આઠ વાગ્યે શરૂ થયેલો ખેલ સવારે સાડાત્રણે પૂરો થયો. પછી તો ગુજરાતી નાટક મંડળીએ આ નાટકના ૯૦ જેટલા પ્રયોગ કર્યા. આમ ‘ફલુઘૂસ’ની તુમાખી ગુજરાતી નાટક મંડળીના જન્મ માટે નિમિત્તરૂપ બની.

૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં બે અલગ રાજ્યો થયાં. ગુજરાતનું પાટનગર ગાંધીનગર થયું. પણ છેક ૧૮૫૩થી આજ સુધી ગુજરાતી રંગભૂમિનું પાટનગર તો મુંબઈ જ રહ્યું છે. એવા મુંબઈની બીજી થોડી વાતો હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2019 03:20 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK