Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પહેલું ગુજરાતી પુસ્તક છપાયેલું મુંબઈમાં

પહેલું ગુજરાતી પુસ્તક છપાયેલું મુંબઈમાં

05 December, 2020 06:28 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

પહેલું ગુજરાતી પુસ્તક છપાયેલું મુંબઈમાં

પહેલું ગુજરાતી પુસ્તક છપાયેલું મુંબઈમાં

પહેલું ગુજરાતી પુસ્તક છપાયેલું મુંબઈમાં


તારીખ-વાર તો જાણવા મળતાં નથી, પણ ઈ.સ. ૧૮૦૮ના કોઈક દિવસે લેડી જેન ડન્ડાસ નામનું શઢવાળું વહાણ હિન્દુસ્તાનથી લંડન જવા નીકળ્યું. સાથે બીજાં ત્રણ વહાણો હતાં – કલકત્તા, બેન્ગાલ અને જેન ડચેસ ઑફ ગૉર્ડન. આવી મુસાફરીને એ વખતે આઠ-દસ મહિના લાગતા અને રસ્તામાં જોખમો પણ ઘણાં એટલે કોઈ વહાણ
એકલ-દોકલ ભાગ્યે જ જાય. કાફલામાં જ સફર ખેડે. ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખ સુધી તો બધું હેમખેમ હતું. એ દિવસે ચારે વહાણો મૉરિશિયસથી સુખરૂપ રવાના થયાં. પણ પછી ક્યાં ગયાં એની કોઈને ખબર પડી નહીં. ભયંકર વાવાઝોડામાં ફસાઈને ચારે વહાણ ડૂબ્યાં. લેડી જેન ડન્ડાસ પર જે મુસાફરો હતા તેમાંના એક હતા ડૉક્ટર રૉબર્ટ ડ્રમન્ડ. મુંબઈ સરકારના સર્જ્યન જનરલ. હિન્દુસ્તાનની કારકિર્દી પૂરી કરીને સ્વદેશ જવા રવાના થયા હતા. થોડા દિવસ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ‘લૉસ્ટ ઍટ સી’ એવી નોંધ સાથે પોતાના દફતર પરથી તેમનું નામ દૂર કર્યું.
પણ આપણી ભાષાના પુસ્તક પ્રકાશનના ઇતિહાસમાંથી તેમનું નામ દૂર નથી થયું, પણ ભુલાઈ તો ગયું છે. ૧૮૦૮માં પહેલવહેલું ગુજરાતી પુસ્તક છપાઈને બહાર પડ્યું એ આ ડૉ. ડ્રમન્ડનું લખેલું. પુસ્તકનું નામ જરા લાંબું લચક હતું: ‘ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઑફ ધ ગુજરાતી, મહરટ્ટ ઍન્ડ ઈંગ્લિશ લૅન્ગ્વેજિસ’. ગુજરાતી અને મરાઠી વ્યાકરણનો તેમાં અંગ્રેજી દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. આમ પુસ્તક હતું ત્રિભાષી. પણ જેમાં ગુજરાતી મજકૂર છપાયો હોય એવું એ પહેલું પુસ્તક. પુસ્તકનો હેતુ અલબત્ત, હિન્દુસ્તાનમાં ખાસ કરીને મુંબઈ ઇલાકામાં કામ કરતા અંગ્રેજ અફસરો અને પાદરીઓને બે સ્થાનિક ભાષા જાણવામાં મદદરૂપ થવાનો હતો. આ પહેલું ગુજરાતી પુસ્તક છપાયું હતું મુંબઈમાં જેણે પહેલી વખત ગુજરાતીમાં સરકારી જાહેરાત છાપેલી એ જ બૉમ્બે કુરિયર પ્રેસમાં. અને એમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં એ બહેરામજી છાપગરે બનાવેલાં એ જ.
આ પુસ્તકના લેખક ડૉ. ડ્રમન્ડનો જન્મ ક્યાં અને ક્યારે થયો એની વિગતો તો મળતી નથી, પણ ૧૭૯૬માં તેઓ મુંબઈ સરકારની તબીબી સેવામાં જોડાયા એવી નોંધ મળે છે. વડોદરામાં રેસિડન્ટ સર્જ્યન તરીકે અને ગુજરાતના અપીલ ઍન્ડ સર્કિટ જજના સર્જ્યન તરીકે કામ કર્યું હતું એટલે તેમને ગુજરાતી ભાષાનો સારોએવો પરિચય. વખત જતાં તેઓ મુંબઈ સરકારના અસિસ્ટન્ટ સર્જ્યન અને પછી સર્જ્યન જનરલ બન્યા. આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની પુરોગામી અને માતૃ સંસ્થા ‘લિટરરી સોસાયટી ઑફ બૉમ્બે’ની સ્થાપના ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ થઈ ત્યારે એના સ્થાપક અંગ્રેજોમાંના એક હતા ડૉ. રૉબર્ટ ડ્રમન્ડ.
પુસ્તકની શરૂઆતમાં ગુજરાતી અને મોડી લિપિમાં સ્વર-વ્યંજનનો કોઠો આપ્યો છે. (શરૂઆતમાં મરાઠી પુસ્તકો છાપવા માટે મોડી લિપિ વપરાતી.) એ પછી સંસ્કૃત વ્યાકરણને અનુસરીને ગુજરાતી અને મરાઠી નામની સાત વિભક્તિનાં એક વચન અને બહુવચનનાં રૂપ આપ્યાં છે. પછી સર્વનામ અને આખ્યાતનાં રૂપો આપ્યાં છે. ત્યાર બાદ સામાન્ય વપરાશના કેટલાક શબ્દો કે શબ્દસમૂહો ગુજરાતી અને મરાઠીમાં આપી અંગ્રેજીમાં એની સમજૂતી આપી છે. એ વખતે ધૂડી નિશાળોમાં કક્કો, બારાખડી, આંક શીખવવા માટે જે ઉપદેશાત્મક વાક્યો ગોખાવાતાં એ પણ અહીં આપ્યાં છે. ગુજરાતી કહેવતોનો પણ સર્વપ્રથમ સંગ્રહ – ભલે નાનો – પણ આ પુસ્તકમાં થયો છે. કહેવતોનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે. પુસ્તકનો છેલ્લો ભાગ છે ‘ગ્લોસરી.’ આમ તો ગ્લોસરી એટલે શબ્દસૂચિ કે શબ્દસંગ્રહ, પણ અહીં ડ્રમન્ડે જે આપ્યું છે એ તેના કરતાં ઘણું વધારે છે. ‘પારસી’ કે ‘સતી’ જેવા શબ્દો સમજાવવા માટે તો તેમણે નાના નિબંધો જ લખ્યા છે. બાયડી અને બૈરી જેવા શબ્દોના પ્રદેશભેદે થતા અર્થભેદ પણ નોંધ્યા છે. વ્યાકરણ ઉપરાંત ભલે સંપૂર્ણ ન કહી શકાય તોય આપણી ભાષાનો આ પહેલો સાર્થ શબ્દકોશ છે, પહેલી ગુજરાતી-અંગ્રેજી ડિક્શનરી છે જેમાં મરાઠી ભાષામાં મજકૂર છપાયો હોય એવું મુંબઈમાં છપાયેલું પણ આ પહેલું પુસ્તક છે. જોકે મરાઠીનું પહેલવહેલું પુસ્તક સેરામપુરના મિશન પ્રેસમાં છપાઈને ૧૮૦૫માં પ્રગટ થયું હતું. વિલ્યમ કેરેએ લખેલા એ પુસ્તકનું નામ હતું ‘અ ગ્રામર ઑફ ધ મહરટ્ટ લૅન્ગ્વેજ.’ એ વખતે બંગાળમાં મોડી લિપિના ટાઇપ નહોતા બન્યા અને એટલે આ પુસ્તક દેવનાગરી લિપિમાં છપાયું છે. મોડી લિપિના ટાઇપ પહેલી વાર વપરાયા એ ડૉ. ડ્રમન્ડના પુસ્તકમાં.
આમ ગુજરાતી પુસ્તકના છાપકામ અને પ્રકાશનની શરૂઆત થઈ મુંબઈમાં. અમદાવાદનું પહેલું ગુજરાતી છાપખાનું છેક ૧૮૪૫માં ‘પુસ્તકવૃદ્ધિ કરનાર મંડળી’એ શરૂ કર્યું હતું. ત્યાર બાદ બાજીભાઈ અમીચંદનું અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં છાપખાનાં શરૂ થયાં, પણ ત્રણે થોડાં વરસ ચાલી બંધ પડ્યાં. ૧૮૬૩ સુધી અમદાવાદમાં કુલ છ છાપખાનાં હતાં અને એ બધાં જ લિથોગ્રાફ પદ્ધતિનાં હતાં. અમદાવાદમાં મૂવેબલ ટાઇપ વાપરતું પહેલું છાપખાનું છેક ૧૮૬૩માં શરૂ થયું, અમદાવાદ યુનાઇટેડ પ્રેસ. મુંબઈની મુલાકાત દરમ્યાન કવિ દલપતરામે દફતર આશકારા પ્રેસની મુલાકાત લીધા પછી એ જોઈને તેમણે બીજા કેટલાક ભાગીદારો સાથે મળીને આ પ્રેસ શરૂ કરેલું. ૧૮૪૫ સુધીમાં છપાયેલાં ૧૨૪ ગુજરાતી પુસ્તકોની માહિતી મળે છે. એમાંનાં મોટા ભાગનાં મુંબઈમાં અને થોડાં સુરતમાં છપાયેલાં છે.
આમ પહેલવહેલાં ગુજરાતી બીબાં બનાવ્યાં એક પારસીએ, બહેરામજી છાપગરે. પણ ગુજરાતી છાપકામનો પાયો મુંબઈમાં નાખ્યો એ તો બીજા એક પારસીએ. સુરતની કણપીઠમાં કમનગરની શેરીને નાકે આવેલા મોબેદ (પારસી ધર્મગુરુ) પિતાના મકાનમાં ૧૭૮૭માં એવણનો જન્મ. નામ ફરદુનજી મર્ઝબાનજી. બાર વર્ષની ઉંમરના થયા ત્યાં સુધીમાં પિતા પાસેથી ધાર્મિક વિધિઓ ઉપરાંત ગુજરાતી અને ફારસી શીખ્યા. પછી એક પંડિત પાસેથી સંસ્કૃત શીખ્યા અને એક મૌલવી પાસેથી ફારસીનો અભ્યાસ વધુ પાકો કર્યો. ભરૂચના એક વૈદ પાસેથી વૈદક શીખ્યા. પણ પછી બાપ કહે કે હવે બહુ ભણ્યા બેટા, કામે લાગી જાઓ. પણ બેટાને તો હજી વધુ ભણવું હતું અને એય પાછું મુંબઈ જઈને. પણ બાપ માન્યા નહીં. એટલે ૧૭૯૯માં પોતાની બધી ચોપડીઓ પોટલામાં બાંધી કોઈને કહ્યા વગર ફરદુનજી ઘરમાંથી ભાગી ગયા. રાત પડી એટલે એક ગામમાં રોકાયા. કકડીને ભૂખ લાગેલી, પણ કોઈ પાસે હાથ લાંબો કેમ કરાય? ગામને ચોરે બેસીને મોટે-મોટેથી સંસ્કૃત શ્લોકો લલકારવા લાગ્યા. ગામના લોકોને નવાઈ પણ લાગી અને ખુશ પણ થયા. ખાવાનું આપ્યું, રાતવાસાની સગવડ કરી આપી. પણ ફરદુનજી ભાગી ગયા એ પછી તેમના બાપે તેમને શોધવા માણસો મોકલ્યા હતા. બીજે દિવસે તેમને હાથે પકડાઈ ગયા અને પાછા સુરત ભેગા થયા.
પણ મુંબઈ જવાની તક અણધારી રીતે ૧૮૦૫માં મળી ગઈ. પિતા મર્ઝબાનજીના મુંબઈવાસી ખાસ મિત્ર દસ્તુર મુલ્લાફિરોઝના ઘરે લગ્નપ્રસંગ હતો. એમાં પોતે ન જતાં બાપે દીકરાને મોકલ્યો. બસ, એ પછી ફરદુનજીએ ફરી ક્યારેય સુરતમાં પગ ન મૂક્યો. મુલ્લાફિરોઝ પાસેથી અરબી-ફારસી શીખ્યા, તેમના અંગત ‘પુસ્તકખાના’ (લાઇબ્રેરી)નું ધ્યાન રાખ્યું. પછી પોતાના પગ પર ઊભા રહેવાના ઇરાદાથી અલાયદો બુક બાઇન્ડિંગનો ધંધો શરૂ કર્યો. પણ એ વખતે આખા મુંબઈમાં છાપખાનાં હતાં આંગળીને વેઢે ગણાય એટલાં. એમાં કેટલાં પુસ્તકો છપાય? પહેલા છ મહિનાની કુલ આવક રૂપિયો દોઢ!
બુક બાઇન્ડર તરીકે બૉમ્બે કુરિયર પ્રેસ અને બીજાં છાપખાનાંમાં આવરો-જાવરો તો હતો જ. બહેરામજી છાપગરે બનાવેલાં ગુજરાતી બીબાં પણ કદાચ ફરદુનજીએ જોયાં હોય. વિચાર આવ્યો કે કેવળ ગુજરાતી છાપકામ કરવા માટે એક છાપખાનું શરૂ કેમ ન કરવું? લાગવગ લગાડીને એક લાકડાનો દાબ-પ્રેસ મેળવ્યો. જેમ-તેમ કરી છાપવા માટેનો બીજો સરંજામ પણ ઊભો કર્યો, પણ ગુજરાતી બીબાં ક્યાંથી મેળવવાં? ફરદુનજી વિશે લખનારામાંથી ઘણાખરાએ લખ્યું છે કે મિત્ર બહેરામજીની મદદથી તેમણે બીબાં બનાવ્યાં. ઘણી વાર એવું બનતું હોય છે કે દીવા જેવી દેખીતી વાત પણ નજર બહાર જાય. બહેરામજીનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે. જ્યારે ફરદુનજી સુરતથી મુંબઈ આવ્યા ૧૮૦૫માં. એટલે એ બન્ને મિત્રો કઈ રીતે હોઈ શકે અને બહેરામજી ફરદુનજીને મદદ કઈ રીતે કરી શકે? હકીકતમાં ફરદુનજીએ એકલા હાથે ગુજરાતી બીબાંનો એક આખો સેટ તીખા લોઢા પર કોતર્યો. પછી પોતે જ તાંબાની તકતીઓ ઠોકી અને એને સીસામાં ઓતી ટાઇપ પાડ્યા. પોતે બનાવેલા ટાઇપને ઘસી-ઘસીને સાફ કરવા માટે ઘરનાં બૈરાંઓને પણ બેસાડી દીધાં. અને ૧૮૧૨માં પોતાનું છાપખાનું શરૂ કર્યું, મુંબઈના કોટ વિસ્તારમાં જૂની માર્કેટની સામેના એક નાના મકાનમાં. અને ફરદુનજીની નમ્રતા – અથવા પારસીઓ કહે એમ નમનતાઈ – તો જુઓ! કેવળ જાતમહેનતથી જે છાપખાનું ઊભું કર્યું એને ન પોતાનું નામ આપ્યું ન પોતાના કોઈ કુટુંબીનું. પ્રેસની બહાર નામનું પાટિયું જ લગાડ્યું નહીં! લોકો એને ‘ગુજરાતી છાપોખાનો’ તરીકે ઓળખે. ૧૮૧૪માં પહેલવહેલું પંચાંગ છાપ્યું. એ જમાનામાં ઘણી મોંઘી ગણાય એવી બે રૂપિયાની કિંમતે પણ નકલો ચપોચપ વેચાઈ ગઈ. ૧૮૧૫ના વર્ષમાં બે પુસ્તક છાપ્યાં: ઑક્ટોબરમાં ‘ફલાદીશ’ નામનું જ્યોતિષનું પુસ્તક અને ડિસેમ્બરમાં ‘દબેસ્તાન.’ ગુજરાતી ભાષામાં એક ગુજરાતીએ પોતાના છાપખાનામાં છાપેલાં આ પહેલાં પુસ્તકો. પછી તો ગાડી સડસડાટ ચાલવા લાગી. પોતાનાં ‘બનાવેલાં’ વીસેક પુસ્તકો છાપ્યાં. એમાંનું એક એ ‘પંચોપાખીઆંન’ નામે કરેલો સંસ્કૃત પંચતંત્રનો અનુવાદ. ૧૮૨૪માં પ્રગટ થયેલું આ પુસ્તક એ સંસ્કૃતમાંથી અર્વાચીન ગુજરાતીમાં થયેલ અનુવાદનું પહેલું પુસ્તક. તો બીજાઓનાં ‘બનાવેલાં’ ૨૨ જેટલાં પુસ્તકો ફરદુનજીએ છાપ્યાં. પુસ્તકના લેખક, સંપાદક, અનુવાદક, બધા માટે ફરદુનજી ‘બનાવનાર’ શબ્દ વાપરતા. એમાંનાં કેટલાંક પુસ્તકોની તો બે-ત્રણ આવૃત્તિ પણ થયેલી! જરૂર પડી એમ પ્રેસ મોટું કરતા ગયા. દસ વર્ષ જાહોજલાલીનાં વીત્યાં. ગાડી-ઘોડા, વાડી-બંગલા, નોકરચાકર. અંગ્રેજ અમલદારો, ‘દેશી’ વેપારીઓ, મુંબઈના અગ્રણીઓ વગેરે સાથે ઊઠતાબેસતા થયા. ‘ફરદુનજીશેઠ’ તરીકે ઓળખાવા લાગ્યા.
પણ ચડતી પછી પડતી. પારસી કૅલેન્ડરની કાળગણના વિશે વિવાદ થયો એમાં ઝંપલાવ્યું. વાત વણસી. બે પક્ષના માણસો વચ્ચે મારામારી પણ થવા લાગી. વિરોધીઓએ ચાલાકીપૂર્વક એક મિલકતના કિસ્સામાં ફરદુનજીને સપડાવ્યા. સાથોસાથ ‘ફરદુનજી ભાંગ્યા’ એવી અફવા ફેલાવી. દેવું ચૂકવવા વાડી-વજીફા વેચ્યા, છાપખાનું વેચ્યું. છતાં બે લાખ રૂપિયાનું દેવું બાકી રહ્યું. એ વખતે દેવાદાર માટેના બ્રિટિશ હકૂમતમાંના કાયદા ભારે કડક હતા. એટલે મુંબઈ છોડી પહેલાં વસઈ ગયા અને ૧૮૩૨ના ઑક્ટોબરની ૧૧મી તારીખે ત્યાંથી દમણ જઈ વસ્યા, કારણ કે દમણમાં પોર્ટુગીઝ શાસન હતું તેથી અંગ્રેજ સરકારના કાયદા ત્યાં લાગુ ન પડતા. ૧૮૪૭ના માર્ચ મહિનાની ૨૩મી તારીખે ફરદુનજી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા.
ફરદુનજી એટલે અર્વાચીન ગુજરાતી ભાષાના પહેલા લેખક, સંપાદક, અનુવાદક, ખબરપત્રી, તંત્રી, મુદ્રક, પ્રકાશક, પુસ્તક વિક્રેતા. એક નહીં, અનેક જ્યોતિને ધારણ કરનાર જ્યોતિર્ધર. અને તેમનો એક જ્યોતિમાંથી ૧૮૬૭ સુધીમાં તો બીજાં ૫૧ છાપખાનાંની મશાલ મુંબઈમાં પ્રગટી. અને એ ૫૧ છાપખાનાંમાંથી ૩૧ છાપખાનાં ગુજરાતી છાપકામ કરતાં હતાં.
આ જ ફરદુનજીએ વખત જતાં બીજી એક વણખેડી દિશામાં પહેલ કરી, પણ એની વાત હવે પછી.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2020 06:28 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK