Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વૉટ્સઍપનું વળગણ ઓછું કરવુ હોય તો યોગની પ્રત્યાહાર થિયરી અપનાવી લો

વૉટ્સઍપનું વળગણ ઓછું કરવુ હોય તો યોગની પ્રત્યાહાર થિયરી અપનાવી લો

02 January, 2020 03:48 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

વૉટ્સઍપનું વળગણ ઓછું કરવુ હોય તો યોગની પ્રત્યાહાર થિયરી અપનાવી લો

પ્રત્યાહાર યોગ

પ્રત્યાહાર યોગ


આંખ. આખો દિવસ એણે જોયા જ કરવું છે, એના મતલબનું હોય કે ન હોય. ચકળવકળ થઈને આંખો કેટલીય દિશામાં ભટકે છે, ક્યારેક કોઈનાં કપડાં તો ક્યારેક કોઈનું રૂપ, ક્યારેક કોઈની સંપત્તિ જોઈને એ મનને બિનજરૂરી ઇન્ફર્મેશન પાસ ઑન કર્યા કરે. એવું જ આપણા નાકનું. અનાયાસ કોઈ સરસ સુગંધ આવે અને મન, આંખો એ દિશામાં વળે તો ક્યારેક કોઈક દુર્ગંધ મનનું વાતાવરણ પણ બગાડે. એ જ રીત છે આપણા કાનની, સ્પર્શની અને સ્વાદેન્દ્રિયની. કૉમન સેન્સ હોય એ દરેકને એક જ વાક્યમાં સમજાઈ જાય કે આ આપણી પાંચેય ઇન્દ્રિયો જ છે જે બહારના વિશ્વ સાથે આપણો પરિચય કરાવે છે. આપણી અંદર જે પણ વિશ્વ સર્જાય છે આપણું સુખ-દુઃખ, ઈર્ષ્યા એ બધું જ મન અને ઇન્દ્રિયોની મિલીભગતનું પરિણામ છે. બન્ને એકબીજાના માધ્યમે આપણને પજવતાં રહે છે. હવે જો આ બન્નેની મિલીભગત તોડીએ, ડિવાઇડ ઍન્ડ રૂલ કરીએ તો આ બધી જ જફામાંથી છુટકારો મળવાનો શરૂ થાય કે ન થાય? મન અને ઇન્દ્રિયો વચ્ચેની ડિવાઇડ ઍન્ડ રૂલ પૉલિસી એટલે પ્રત્યાહાર. યોગિક ભાષામાં અને આધ્યાત્મિક દૃષ્ટિએ આ ખૂબ ગહન વિષય છે અને ચિત્તને ધ્યાન-ધારણા અને સમાધિ અવસ્થામાં સ્થિર કરવાની પગદંડી માનવામાં આવે છે. યોગીઓ યોગનાં આઠ અંગમાંથી પાંચમું અંગ ગણાતા પ્રત્યાહારને બહિરંગ (યમ, નિયમ, આસન, પ્રાણાયામ) અને અંતરંગ (ધારણા, ધ્યાન, સમાધિ) યોગ વચ્ચેનો બ્રિજ ગણે છે. પરમહંસ યોગાનંદ નામના યોગીએ ટેલિફોનની જેમ મેસેન્જરનું કામ કરતી ઇન્દ્રિયોનું કનેક્શન કાપી દેવાને પ્રત્યાહાર કહ્યું છે. અંદર ગોતા લગા પ્યારે એ પ્રત્યાહારનો ધ્યેય છે. પણ આવું થાય કેવી રીતે? આજે એ દિશામાં થોડીક ચર્ચા કરીએ.

ક્લાસિકલ દૃષ્ટિએ શું છે?



મનને વિચલિત કરે એવી એક પણ ઇન્ફર્મેશન ઇન્દ્રિયો દ્વારા ન મળે એવું કરવું એટલે પ્રત્યાહાર. જેમ કાચબો પોતાનાં તમામ અંગોને કોચલામાં છુપાવી દે એમ પ્રત્યાહારમાં પણ તમામ ઇન્દ્રિયોને અંદરની તરફ લઈ જવાની હોય છે.


વિદ્યાવિહારની કે. જે. સોમૈયા કૉલેજમાં વર્ષોથી યોગ વિભાગ સાથે સંકળાયેલા યોગશિક્ષક ડૉ. દીપક બગડિયા આ સંદર્ભમાં કહે છે, ‘પ્રત્યાહાર શબ્દની સંધિ છૂટી કરો એટલે એનો અર્થ સરળતાથી સમજાય. પ્રતિ+આહાર એટલે કે ઇન્દ્રિયોના આહારની વિપરીત દિશામાં એને મૂકવી એટલે પ્રત્યાહાર. આંખોનો આહાર એટલે દૃશ્ય, જોવું. જોવાથી એને પાછી વાળવી એટલે પ્રત્યાહાર. મહર્ષિ પંતજલિ યોગસૂત્રમાં સૂત્ર આપે છે, ‘સ્વ વિષયાસંપ્રયોગે ચિત્તસ્વરૂપાનુકાર ઇવેન્દ્રિયાણાં પ્રત્યાહાર’ જેમાં તેઓ કહે છે કે મોટે ભાગે મન બહારના વિષયોમાં જ રચ્યુંપચ્યું રહે છે. જોકે ધ્યાનમાં સ્થિર થવા માટે ઇન્દ્રિયોને બહારથી વાળીને અંદરની એકાદ વસ્તુ પર સ્થિર કરવી એ પ્રત્યાહારની ક્રિયા છે. મનને અંતર્મુખી કરવાની યાત્રાનું પહેલું ડગલું એટલે પ્રત્યાહાર. પ્રત્યાહારમાં ઇન્દ્રિયોનું આંતરગમન થવાને કારણે બહારની દુનિયામાંથી મન હટે છે અને અંદરની દિશામાં એનું ગમન થાય છે.’

આજના સમયમાં?


પ્રત્યાહારને ભલે ફિલોસૉફિકલ લેવાતું હોય, પણ એનો આજના સમયમાં પ્રૅક્ટિકલ દુનિયામાં ઘણો ઉપયોગ છે એમ જણાવીને એક્ઝામ ઍન્ગ્ઝાયટી પર યોગની અસર વિષય સાથે ડૉક્ટરેટ કરનારા ડૉ. ગૌરવ પંત કહે છે, ‘અત્યારે આપણી આસપાસ ભયંકર કોલાહલ છે. સતત બહારની તરફ જ ધ્યાન આપતા રહેવાને કારણે આપણી બેચેની વધી છે એ સમયે થોડાક સમય માટે પણ જો પ્રત્યાહારના પ્રયત્નો થાય તો ઘણાંખરાં દુઃખ આપમેળે ઓછાં થઈ જાય. અત્યારના સમયમાં પ્રત્યાહાર આપણને સ્થિરતા આપશે, જેની સર્વાધિક જરૂર છે. ઇન્દ્રિયોને રોકવી ખૂબ જરૂરી છે. મન્કી માઇન્ડને હૅન્ડલ કરવા માટે પ્રત્યાહાર પ્રૅક્ટિકલ રસ્તો છે. સાદી ભાષામાં પ્રત્યાહાર એટલે તમારામાં સંતોષનો ગુણ ડેવલપ કરે છે. મેન્ટલ સ્ટેબિલિટી વધારે છે.’

કરવાનું શું?

પ્રત્યાહાર વિશે વાત કરવી સરળ છે, પણ એને પ્રૅક્ટિસમાં ઉતારવાની કોઈ મેથડ છે? યસ છે. યોગમાં ખૂબ જ પૉપ્યુલર થયેલી યોગનિદ્રાની ક્રિયા એ પ્રત્યાહારની પ્રૅક્ટિસ છે. આંખો બંધ હોય, ચિત્ત શાંત હોય અને ધીમે-ધીમે તમારા મનને, તમારા ધ્યાનને અંદરની તરફ લઈ જવાની પ્રોસેસ, તમારા શરીરના એક-એક અંગ પર ધ્યાનને સ્થિર કરવાની ક્રિયા પ્રત્યાહાર છે. જે સમયે તમામ સેન્સિસ જાણે નિષ્ક્રિય થઈ હોય એવી લાગણી થાય. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે તમારી આંખ ખુલ્લી હોય છતાં તમારી સામેથી કોઈ પસાર થઈ ગયું હોય પણ તમે જોયું ન હોય. આ પણ મન અને ઇન્દ્રિયો વચ્ચેનું તૂટેલું કનેક્શન છે. એક પ્રકારનું પ્રત્યાહાર. તમે તમારી જાત સાથે એન્જૉય કરવા માંડો, બહારની માહિતીની તમને કોઈ જરૂરિયાત ન રહે એ સ્ટેજ લાવવા માટે જાગૃતિપૂર્વક ઇન્દ્રિયો દ્વારા મળતી ઇન્ફર્મેશનને નજરઅંદાજ કરવા માંડો, એ તરફ કોઈ ફોકસ ન રાખો. આવું જ્યારે થાય ત્યારે સરળતાથી તમારી પર્સનાલિટીમાં પણ એક બદલાવ આવેલો દેખાવા માંડશે. એક-એક ઇન્દ્રિયથી આવી જાગૃતિની પ્રૅક્ટિસ શરૂ કરી શકાય છે. કોઈપણ એક ઇન્દ્રિયને શિથિલ કરી નાખો, થોડીક ક્ષણો માટે, થોડીક મિનિટો માટે અને તેનું સંપૂર્ણ ધ્યાન આંતરવિશ્વ પર કેન્દ્રિત કરો એ પ્રત્યાહાર છે. આંખો બંધ કરીને તમામ પૂજા અને પ્રાર્થના કરવાની કોશિશ કરો. આનું લાંબા ગાળાનું પરિણામ એ આવશે કે બહાર ચાલતાં તોફાનોની પછી તમને કોઈ અસર નહીં થાય. તમને વારંવાર સોશ્યલ મીડિયા પર શું ચાલે છે એ જાણવાની ચટપટી નહીં શકે. તમારો સેલ્ફ કન્ટ્રોલ જબરો થઈ ગયો હશે. યાદ રહે, ઇન્દ્રિયોની સતત બહાર રહેવાની દોટ ચિંતા, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, અસુરક્ષિતતા જેવા ભાવ લાવે; પણ જો એ અંદરની તરફ વળેલી હોય તો કોઈ ચર્ચા જ ન થાય. કોઈ તમારી નિંદા કરી રહ્યું છે, પણ જો તમે એ સાંભળો જ નહીં તો તમને કંઈ ફરક પડે? પ્રત્યાહાર માટે પ્રાણાયામનો અભ્યાસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

થોડાક સમય માટે પણ જો પ્રત્યાહારના પ્રયત્નો થાય તો ઘણાંખરાં દુઃખ આપમેળે ઓછાં થઈ જાય. અત્યારના સમયમાં પ્રત્યાહાર આપણને સ્થિરતા આપશે, જેની સર્વાધિક જરૂર છે. ઇન્દ્રિયોને રોકવી ખૂબ જરૂરી છે. મન્કી માઇન્ડને હૅન્ડલ કરવા માટે પ્રત્યાહાર પ્રૅક્ટિકલ રસ્તો છે

- ડૉ. ગૌરવ પંત

પ્રત્યાહાર શબ્દની સંધિ છૂટી કરો એટલે એનો અર્થ સરળતાથી સમજાય. પ્રતિ+આહાર એટલે કે ઇન્દ્રિયોનો જે આહાર છે એનાથી વિપરીત અવસ્થામાં એને મૂકવી એટલે પ્રત્યાહાર

- ડૉ. દીપક બગડિયા

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2020 03:48 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK