મને બધું જ આવડે છે

Published: 30th September, 2020 11:50 IST | Sejal Ponda | Mumbai

માત્ર જ્ઞાન મેળવીને માણસ જ્ઞાની નથી બની જતો, જ્ઞાન વહેંચીને અને બીજા પાસેથી જ્ઞાન ગ્રહણ કરીને માણસ જ્ઞાની બને છે. જ્યાં સુધી આપણી હયાતી છે ત્યાં સુધી નવું-નવું શીખવાની ધગશ જીવતી રહેવી જોઈએ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

માત્ર જ્ઞાન મેળવીને માણસ જ્ઞાની નથી બની જતો, જ્ઞાન વહેંચીને અને બીજા પાસેથી જ્ઞાન ગ્રહણ કરીને માણસ જ્ઞાની બને છે. જ્યાં સુધી આપણી હયાતી છે ત્યાં સુધી નવું-નવું શીખવાની ધગશ જીવતી રહેવી જોઈએ. જ્યારે માણસની અંદર કુતૂહલ સમાપ્ત થઈ જાય છે ત્યારે માણસની કુશળતા ઓગળવા લાગે છે.

જીવનમાં કોઈ સંપૂર્ણ નથી હોતું. દરેક વ્યક્તિમાં કંઈને કંઈ ખામી હોય છે અને દરેક વ્યક્તિની અમુક મર્યાદા પણ હોય છે. બધાને બધું જ આવડે એ શક્ય પણ નથી. જે નથી આવડતું એ શીખી શકાય, પણ આપણને કંઈ નથી આવડતું એ માટે આપણી જાગૃતતા કેટલી?
મને બધું આવડે છે આ વાક્યમાં ક્યાંક અહમ ડોકાય છે. મને બધું જ આવડે છે એવું વિચારનાર વ્યક્તિ એવા ભ્રમમાં રાચતી હોય છે કે આખી દુનિયાનું જ્ઞાન તેણે ગ્રહણ કરી લીધું છે. ‘મને બધું જ આવડે છે’ વિચારની આ અવસ્થા આમ ઘણી ભયાનક કહેવાય. ભયાનક એટલા માટે કે આવું વિચારનાર વ્યક્તિ પોતાનો જ ગ્રોથ અટકાવતી હોય છે. નવું શીખવા માટે તેની કોઈ લાલસા નથી દેખાતી અને કોઈનું સારું કામ વખાણવા એમાંથી શીખવામાં પણ આવી વ્યક્તિને કોઈ દરકાર રહેતી નથી.
મને બધું આવડે છે આ અવસ્થા માણસને સંકુચિત બનાવી દે છે. જીવનમાં શીખવા માટે અફાટ શક્યતાઓ અને કારણો છે. નવું જોવા, નવું શીખવા, એમાંથી આનંદ મેળવવા માટે માણસે પોતાની જાતને ખાલી કરવી પડે. સાવ બ્લૅન્ક થઈ જવું પડે. કશું નથી આવડતું એ અવસ્થા પર પહોંચવું પડે. આવડતની સાથે ઘણી વાર અહમ દેખા દેતો હોય ત્યારે બધું જ આવડે છે એ વિચાર માણસને જકડી લે છે.
ઘણી વાર માણસને પોતાની જાત જ નડી જતી હોય છે. આઇ ઍમ ધ ગ્રેટ જેવા ઍટિટ્યુડ સાથે જીવતા લોકો બીજા માણસોને પોતાનાથી ઊતરતાં ગણે છે. તેમને એવી રીતે જ ટ્રીટ કરે છે જાણે એ માણસમાં આવડત જ નથી. વાસ્તવમાં પોતાને વધારે પડતા ગ્રેટ સમજનારા માણસો કરતાં પોતાની આવડતનું પ્રદર્શન ન કરનારા માણસો વધું કુશળ અને સક્ષમ હોય છે.
માત્ર જ્ઞાન મેળવીને માણસ જ્ઞાની નથી બની જતો, જ્ઞાન વહેંચીને અને બીજા પાસેથી જ્ઞાન ગ્રહણ કરીને માણસ જ્ઞાની બને છે. જ્યાં સુધી આપણી હયાતી છે ત્યાં સુધી નવું-નવું શીખવાની ધગશ જીવતી રહેવી જોઈએ. જ્યારે માણસની અંદર કુતૂહલ સમાપ્ત થઈ જાય છે ત્યારે માણસની કુશળતા ઓગળવા લાગે છે.
બાળક હંમેશાં કુતૂહલ સાથે જીવતું હોય છે. નવી કોઈ વસ્તુ જુએ કે ઘૂંટણિયા જઈને પણ એને પકડવા જાય, એની સાથે રમવા લાગે. જ્યાં કુતૂહલ છે ત્યાં સફળ થવાની શક્યતાઓ છે. જ્યાં કુતૂહલ છે ત્યાં નવું શીખવાની, સ્વીકારવાની શક્યતાઓ છે. જ્યાં કુતૂહલ છે ત્યાં સંગઠિત થઈને કામ કરવાની શક્યતાઓ છે.
માણસે કશું જ નથી આવડતું એ અવસ્થા પર જઈ નવું શીખવાની આગને પ્રજ્વલિત રાખવી જોઈએ. ટીમમાં સાથે કામ કરતા હોઈએ ત્યારે જો કોઈ ટીમ મેમ્બર તેના ક્રીએટિવ વિચારોને બધા સમક્ષ રજૂ કરે જે તમારા વિચારો કરતાં વધુ સારા અને લૉજિકલ હોય તો એ સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. એ સમયે એવું ન વિચારાય કે પેલાને મારા કરતાં વધુ કેમ આવડે છે? જેવો આ વિચાર આવ્યો કે માણસ બીજાના વિચારોને ફગાવી દેવા માટે ખોટા લૉજિક્સ આપતો થઈ જાય છે. એ વ્યક્તિને પાડવા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. બીજાના સારા કામને ઍપ્રીશિયેટ કરતાં પણ માણસને આવડવું જોઈએ. એમ કરવાથી એક તો આપણા કરતાં સારું કામ કરતા લોકો પાસેથી શીખવા મળે, નવું જાણવા મળે જેને કારણે આપણા જ્ઞાનમાં વધારો થાય.
આઇ ઍમ સમથિંગ વિચારધારા સાથે જીવનારા લોકો પોતાને મળેલી સત્તાનો ગેરઉપયોગ કરે છે. પોતાનો જ કક્કો સાચો એવું સાબિત કરવા મચી પડે છે. પોતાની અંદર નવું ભરવા માટે માણસે ખાલી થઈ જવું પડે. માણસને કોરી પાટી જેવા બનતાં આવડવું જોઈએ. જે માણસ પોતાના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ પાસેથી કંઈ ને કંઈ શીખવા ચાહે છે તેના માટે અપાર શક્યતાઓ રાહ જોતી હોય છે.
કૂંડામાં છોડ વાવીએ પછી એમાં ફૂલ આવે એ માટે કૂંડાની માટીને ઉપર-નીચે કરવી પડે. એમાં ખાતર નાખવું પડે. તો જ સુંદર ફૂલ ખીલે છે. માત્ર છોડ રોપી દેવાથી ફૂલ નથી ઊગી જતું. એને ખાતરની જરૂર પડે જ છે. એવું જ આપણા જીવનનું છે. માણસે વધુ સક્ષમ બનવા માટે બીજાના વિચારોનું ખાતર પોતાની અંદર છાંટવું પડે છે. બીજાની આવડતનો સ્વીકાર માણસને ઉદાસીન નહીં પણ ઉદાર બનાવે છે.
નાનામાં નાના બાળકથી લઈ મોટામાં મોટા વડીલ પાસેથી કંઈને કંઈ શીખવા જેવું હોય જ છે, પણ જો માણસ એમ વિચારે કે બાળક પાસે શું શીખવાનું હોય તોફાન ને મસ્તી? તો એ માણસ અહમના ઓટલે બેઠેલો કહેવાય. બાળક એવું શીખવી જાય કે જ્યાં આપણી બુદ્ધિ પણ કામ ન લાગે. એ જ રીતે વડીલોના અનુભવ એવું શીખવી જાય કે આપણને બધું આવડે છે એવો ભ્રમ તૂટી જાય.
સમજવાની, શીખવાની અને સ્વીકારવાની કોઈ ઉંમર નથી હોતી. સાસુ વહુ પાસે વધુ સારી રેસિપી શીખી શકે છે. બૉસ તેના એમ્પ્લૉઈ પાસેથી વધુ સારી વ્યૂહરચના શીખી શકે છે. આવડતથી મળેલી પોઝિશન વખતે એવું ન વિચારાય કે મને બધું આવડે છે. દરેક સિક્કાની બે બાજુ હોય એમ દરેક વિચારની પણ બે બાજુ હોય. બીજાના વિચાર, તેની ક્રીએટિવિટી આપણા કરતાં વધુ સારી હોય તો એને ઍપ્રીશિયેટ કરી, સ્વીકારી એમાંથી શીખીને આગળ વધવાનું હોય.
સાવ ખાલીખમ થવાની પણ એક મજા હોય છે. એનો એક અલગ જ આનંદ છે. માણસ જ્યારે ખાલીખમ થઈ જાય છે ત્યારે નવું સ્વીકારવા, શીખવા કાબેલ બને છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK