૧૦ X ૧૦ = ૧૦૦

Published: 26th December, 2018 18:12 IST | Sejal Ponda

જેમની ભાવના તેમના દ્વારા આપણને નુકસાન ન પહોંચે એવી હોય ત્યાં જ પરવા, કાળજી અને ભરોસો ખીલતાં હોય છે. એવી જ રીતે જો કોઈ વ્યક્તિ આપણા પર સંપૂર્ણ ભરોસો કરતી હોય તો એ આપણી જવાબદારી બને છે કે તેમનો ભરોસો અકબંધ રહે. એકબીજાને નુકસાન પહોંચાડ્યા વગર સાચવી લેવા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વિશ્વાસ, નિષ્ઠા, ભરોસો, શ્રદ્ધા, વફાદારી આ શબ્દો રોજની જિંદગીમાં જીવાય છે, ઝિલાય છે અને તૂટતા પણ દેખાય છે.

એક વ્યક્તિ બીજી વ્યક્તિનો ભરોસો જીતી લે પછી તે કેટલો કાયમ રાખી શકે છે એના કોઈ નિયમ નથી હોતા. ભરોસો તૂટી પણ શકે છે. કોઈ જાણી જોઈને તોડે તો કોઈએ સંજોગોને આધીન થઈને એ તોડવો પડે છે.

કોઈ વ્યક્તિ પર તમે સંપૂર્ણ ભરોસો ત્યારે મૂકી શકો જ્યારે તમને સંપૂર્ણ ખાતરી થઈ જાય કે આ વ્યક્તિ ગમે એ સંજોગોમાં ભરોસો તૂટવા નહીં દે. આવી ખાતરી આપણે બધા પર્સનલ કે પ્રોફેશનલ લાઇફમાં કરતા હોઈએ છીએ, પણ જિંદગી જેનું નામ... એવી ખરાબ પરિસ્થિતિ એ આપણી સામે લાવીને ઊભી કરી દે કે જે વ્યક્તિ પર આપણે ભરોસો મૂક્યો હોય એ ડામાડોળ થવા લાગે, કદાચ તૂટી પણ જાય.

જે વ્યક્તિ પર તમે સંપૂર્ણ ભરોસો કરો છો તેની સાથેના ભૂતકાળના વ્યવહાર ચેક કરો. શું તે વ્યક્તિએ ગમે એવી ખરાબ પરિસ્થિતિમાં તમને સાચવ્યા છે? તમારી શ્રદ્ધાને અકબંધ રાખી છે? તમને ઠાલાં વચનો આપ્યા વગર પણ તમને ખરોચ નથી આવવા દીધી? જવાબ હા હોય તો તે વ્યક્તિ પર આખી જિંદગી ભરોસો કરી શકાય છે. ભલેને આખી દુનિયા એક તરફ થઈ જાય, પણ તે વ્યક્તિ તમારી સાથે કંઈ ખોટું થવા જ નહીં દે એ શ્રદ્ધા તમારો સંબંધ વધુ મજબૂત બનાવી શકે છે.

આપણે દરેકને સંજોગોને આધીન થવું પડે છે. એમાંથી માર્ગ કાઢવો પડે છે. ઘણી વાર એવું બને કે જેના પર ખૂબ ભરોસો હોય તે વ્યક્તિ એવી સ્થિતિમાં સપડાઈ ગઈ હોય કે તમારો તેના પરનો ભરોસો તૂટી જશે એ વિચારથી એ ડરથી તે તમારો સામનો ન કરી શકતી હોય. બની શકે કે તે સાવ ચૂપ બની જાય અને તેના આવા વર્તનથી તમારો વિશ્વાસ ડગમગવા લાગે ત્યારે તમારી જાતને પૂછજો કે આ વ્યક્તિ પર વિશ્વાસ અકબંધ રાખવા જેવો છે કે પછી તોડી નાખવા જેવો છે.

જેના પર ભરોસો મૂક્યો છે તે વ્યક્તિને પરિસ્થિતિ સંભાળવા માટે સમય આપવો પડે છે. એકદમથી લાકડી ફેરવીને સંજોગો સચવાઈ જાય એવું રિયલ લાઇફમાં નથી બનતું. ઘડિયાળના કાંટા એની ગતિ પ્રમાણે જ ચાલવાના છે. આપણી ધીરજ, આપણી સમજદારી અને તે વ્યક્તિ પરના સંપૂર્ણ વિશ્વાસથી ઘણું ધું સચવાઈ જાય છે.

જ્યાં ખુલાસા આપવાની જરૂર નથી પડતી એ સંબંધ સૌથી શ્રેષ્ઠ હોય છે, પણ બે વ્યક્તિ વચ્ચે પારદર્શકતા હોવી ખૂબ જરૂરી છે. જે કંઈ સંજોગો સામે આવીને ઊભા રહે એની ચર્ચા થવી જોઈએ. સંજોગો સંબંધોમાં વિશ્વાસ પેદા કરે છે અને સંજોગોથી જ સંબંધોમાં વિશ્વાસની બાદબાકી થાય છે.

વ્યક્તિદીઠ ભરોસો કેળવવાની ભાવના ભિન્ન-ભિન્ન હોય. અમુક વ્યક્તિઓ સંપૂર્ણ ભરોસો જીત્યા પછી એને બેફામ તોડી નાખે છે. માત્ર સ્વાર્થને ખાતર તેમણે ભરોસો જીત્યો હોય છે. જેવો સ્વાર્થ પૂરો થાય કે તેમનાં વ્યવહાર, વર્તન અને ઍક્શન બદલાઈ જાય છે. તેમના દ્વારા આપણને નુકસાન થતું હોય તો એની તેઓ જરાય પરવા કરતા નથી. જ્યાં પરવા કરવાની ખતમ થઈ જાય છે ત્યાં ચેતી જવું સારું.

જેમની ભાવના તેમના દ્વારા આપણને નુકસાન ન પહોંચે એવી હોય ત્યાં જ પરવા, કાળજી અને ભરોસો ખીલતાં હોય છે. એવી જ રીતે જો કોઈ વ્યક્તિ આપણા પર સંપૂર્ણ ભરોસો કરતી હોય તો એ આપણી જવાબદારી બને છે કે તેનો ભરોસો અકબંધ રહે. એકબીજાને નુકસાન પહોંચાડ્યા વગર સાચવી લેવાની ભાવના એટલે ભરોસો. કટોકટીમાં એકબીજા પર આરોપ મૂક્યા વગર એમાંથી માર્ગ કાઢી લેવાની સમજદારી એટલે ભરોસો.

કાગળ પર લખાયેલું હોય એ નિભાવવા તો મને-કમને બધા કટિબદ્ધ હોય છે, પણ સંજોગો એવી આંટીઘૂંટી પેદા કરી દે છે કે જે કંઈ નથી લખાયું એ નિભાવવા કટિબદ્ધ થવું પડે છે. જોકે જ્યાં સંપૂર્ણ ભરોસો મુકાયો ત્યાં પણ ચેતતા તો રહેવું જ. થોડોક સમય અકળામણ અને સ્ટ્રેસને બાજુ પર મૂકીને ધીરજપૂવર્કં તે વ્યક્તિના આગળના પગલાને ઑબ્ઝર્વ કરવું. તે વ્યક્તિ તેનો નિર્ણય આપણી સામે મૂકે ત્યાં સુધીની ધીરજ રાખવી. આપણે સામેવાળી વ્યક્તિ નિર્ણય લે એ પહેલાં જ અકળાઈ જઈએ છીએ અને ધારી લઈએ છીએ કે હવે આપણો ભરોસો કાયમ નહીં રહે.

જ્યાં સો ટકા ભરોસો છે ત્યાં તે વ્યક્તિને સંજોગો સંભાળવા માટે સ્પેસ આપવી જોઈએ અને જ્યાં ખાતરી થઈ જાય કે વ્યક્તિએ ભરોસો તોડીને આપણું નુકસાન કરી નાખ્યું છે ત્યાંથી અળગા થઈ જવામાં સમજદારી છે

ભરોસો, વિશ્વાસ આ શબ્દ માત્ર ડિક્શનરીમાં વાંચીને ભૂલી જવા જેવા નથી. શબ્દ સંબંધોમાં ભળે, સચવાય, જીવાય, પરખાય ત્યારે સંબંધોની ગરિમા ખીલી ઊઠે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK