પુખ્ત બનતી જાય છે આંખો

Published: May 24, 2020, 23:57 IST | Hiten Anandpara | Mumbai

અર્ઝ કિયા હૈ : વિશ્વના અનેક દેશોની સરખામણીએ આપણે ત્યાં સ્થિતિ નિયંત્રણમાં છે. સરકારે પણ ધીરે-ધીરે હવાઈ ઉડાન અને ટ્રેનવ્યવહાર ચાલુ કરવાનું પ્લાનિંગ આરંભી દીધું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉન સંકેલવાનો સમય નજીક આવી રહ્યો છે. કેટલાંયે શહેરોમાં બજારો ધીરે-ધીરે ઊઘડી રહી છે. આખા વિશ્વમાં જ્યાં એક લાખની વસ્તીએ કોરોના-મૃત્યુનો સરાસરી આંકડો ૬૨ જેટલો છે ત્યારે ભારતમાં માત્ર ૭.૨ની આસપાસ છે. દરદીઓ સાજા થવાનો રેશિયો પણ ૩૫ ટકાની ઉપર ગયો છે. અર્થાત્ વિશ્વના અનેક દેશોની સરખામણીએ આપણે ત્યાં સ્થિતિ નિયંત્રણમાં છે. સરકારે પણ ધીરે-ધીરે હવાઈ ઉડાન અને ટ્રેનવ્યવહાર ચાલુ કરવાનું પ્લાનિંગ આરંભી દીધું છે. છેલ્લે મૂળ વાત એ કે હવે સરકારની સાથે લોકોની ધીરજ પણ ખૂટી ગઈ છે. સુરેન ઠાકર મેહુલ કહે છે...
શ્વાસ ઠર્યો ત્યાં ટગડાળે ને
ઇચ્છાઓને કૂંપળ ફૂટી
આમ જુઓ તો શ્વાસ નિરંતર
આમ જુઓ તો ધીરજ ખૂટી
મહામારી તો મરણ ઉપરાંત મરણતોલ પુરવાર થયેલી બેરોજગારીનું બોનસ લઈને આવી. જગતના કોઈ દેશ પાસે સચોટ ઉપાય કે યોજના નથી. ગણતરીના દેશોને સાર્સ કે ઇબોલાનો અનુભવ છે. એમને નુકસાન તો થયું જ છે, પણ આઘાતને ઝીલવા તેઓ માનસિક રીતે તૈયાર હતા. મોટા ભાગના દેશો માટે કોરોનાનો અનુભવ એટલી હદે ઘાતક પુરવાર થયો કે યાચક બનવાની સ્થિતિ આવી ગઈ. બે મહિના પછી હવે કળ વળવા આવી છે. મરીઝ કહે છે એ વાત સમજવા પણ સ્વદેશી કંપનીની બે કપ ચા પીવી પડે...
તારો સમય કે નામ છે જેનું ફક્ત સમય
એને જો હું વિતાવું તો જીવન બની જશે
આંખો મીંચીને ચાલીશું અંધકારમાં મરીઝ
શંકા વધી જશે તો સમર્થન બની જશે
શંકા અને સાવધાનીમાં ફરક છે. શંકામાં નકારાત્મકતા વર્તાય છે, જ્યારે સાવધાનીમાં રક્ષણાત્મક અભિગમ. આ અભિગમ હવે રૂટીન એજન્ડામાં આમેજ કરવો પડશે. સાવચેતી હવે શ્વાસમાં વણી લેવાનો મહાવરો કરવો પડશે. આળસ આત્મઘાતી પુરવાર થઈ શકે છે. અફસોસને આલિંગન આપવા કરતાં સાવચેતીને સલામ ભરવી સારી. રાકેશ ઠક્કર ચેતવે છે...
ના ચાલશે કંઈ બળ તમારું, હર જગા ના હર ઘડી
છેલ્લે બચાવી જાય એ છે કળ, લખીને રાખજો
સરકી જશે ગફલત થશે તો, સાવધાની રાખજો
ક્યારેય નહીં આવે પરત એ પળ, લખીને રાખજો
કોરોનાએ ૨૦ વર્ષનો અભ્યાસક્રમ બે મહિનામાં શીખવાડી દીધો. શાસકોએ અને તબીબોએ ગાઈબજાવીને સમજાવવું ન પડે એટલું તો આપણે સમજી જ ગયા છીએ. હવે તો તાજું જન્મેલું બાળક પણ નર્સને પૂછી શકે કે હાથ સૅનિટાઇઝ કર્યા કે નહીં. જૈમિન ઠક્કર પથિક કહે છે એટલી સાન તો આપણે કમાઈ લીધી છે...
હવે તો ધીરે-ધીરે પુખ્ત બનતી જાય છે આંખો
અનુભવથી ભરેલી એટલે દેખાય છે આંખો
હવે બસ વાદ ને વિવાદમાં પડવું નથી મારે
કશું કહે એ ઇશારામાં, ને સમજી જાય છે આંખો
હવે કામકાજ શરૂ થશે ત્યારે આંખોએ સતર્ક રહેવાનું છે. અંતર જાળવવાની અને અંતર માપવાની તરકીબો આત્મસાત્ કરી લેવાની છે. જે થોડોઘણો અનુભવ અંકે કર્યો છે એને કામે લગાડવાનો છે. પાનના ગલ્લે થતી મહેફિલોમાં એ ધ્યાન રાખવું પડશે કે ચૂનો જીવતર પર ન લાગી જાય. જાહેર વાહનમાં બેસતી વખતે એ બધી માર્ગદર્શિકાઓ પાળવાની જહેમત ઉઠાવવી પડશે, જેને આપણે હંમેશાં ધુત્કારી છે. સંધ્યા ભટ્ટ કહે છે એનું મહત્ત્વ તો ખરેખર હવે સમજાશે...
શબ્દ પેલે પારને તું જોઈ લે
ને પરમના સારને તું જોઈ લે
પર્ણ, ડાળી, ફૂલ, ફળ આકાર છે
વૃક્ષના આધારને તું જોઈ લે
પ્રકૃતિ સાથે પંગો લેવો અઘરો છે. એ મૂંગે મોઢે સહન તો કરી લેશે, પણ છેવટે મૂંગે મોઢે આપણે સહન કરવું પડે એવા સંજોગો નિર્માણ કરશે. આપણી જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન લાવવાની પળને હવે વેઇટિંગ-રૂમમાં ઝાઝો વખતે બેસાડી શકાશે નહીં. એને કૅબિનમાં બોલાવી વાત જાણવી-સમજવી પડશે અને મોટી કંપનીના સીઈઓની જેમ નિર્ણયો લેવા પડશે. આખરે આપણા શરીરની યંત્રણા મહાકાય કંપનીઓની યંત્રણા કરતાં પણ વધારે જટિલ છે. રાહુલ ગાંધીનાં સૂચનો સમજાય કે ન સમજાય પણ આપણું શરીર શું કહેવા માગે છે એ તો સમજવું જ પડશે. ગુલામ અબ્બાસ નાશાદની વાત અનુભવજન્ય સાદમાંથી જન્મી છે...
કટોકટની કસોટીમાં ખુમારીથી જીવ્યો નાશાદ
એ રાખી સાવધાની કોઈનું અહેસાન ના આવે
અહેસાન તો ઘણા લોકોના ખાતે ચડી ગયું છે. રોજ ખાઈને રોજ કમાતા લોકોએ હિજરત અને હાયકારો બન્ને તરફથી માર ખાધો. વતન પાછા પહોંચીને પછી પણ હવે શું કરવાનું એ સવાલ ફૂંફાડા મારતો ઊભો રહેવાનો. દીવાલ તોડી પાડવી સહેલી છે, પણ પાછી ચણવી હોય તો સમય લાગે. મહેશ મકવાણા કહે છે એ ચડતીપડતીની ચાલ ચાલુ જ રહેવાની...
હવે શું થશે? એ જ ડરમાં પૂરી થઈ
બધી જિંદગી બસ ફિકરમાં પૂરી થઈ
પહોંચી શકાયું નહીં ટોચ પર
મનોકામના ચડ-ઊતરમાં પૂરી થઈ
લૉકડાઉન પછી જિંદગીનું નવું પ્રકરણ પ્રકાશિત થવા જઈ રહ્યું છે. કામધંધે જવાનો પ્રારંભ થશે ત્યારે પહેલા દિવસે પ્રવાસી લોકલ ટ્રેનને એક મેહબૂબની આંખે જોશે. વધારે પડતા કામના બોજથી કંટાળી જતો નોકરિયાત હવે કામ ટકી રહે એવી પ્રાર્થના કરશે. ગતિ અને સ્થિરતાનું મહત્ત્વ સમજાયા બાદ ફરી એક વાર ગતિ તરફ ગતિ કરવાનું ચક્ર શરૂ થશે. હેમંત ગોહિલ મર્મરના શેર સાથે મહેફિલને વિરામ આપીએ...
વાયરાને ક્યાંક બેડી હોય છે
ક્યાંક પથ્થર હોય છે કરતા ગતિ
વેળ થઈ પ્હો ફાટવાની એમ છતાં
વારતા મારી – તમારી ક્યાં પતી!

ક્યા બાત હૈ

ચપટી બની શકે તો બસ વહાલ વાવવું છે
અંતર નજીક અંતર આ ખાસ લાવવું છે

થડ, ડાળ, પાન, એ તો પાતે જ ફૂટવાનાં
પૂરા કરી પ્રયત્નો બસ બીજ વાવવું છે

ઘોડી ન લાકડીમાં, આધાર પણ કશો ના
ટેકો દઈ ખભાનો, કરનો - ચલાવવું છે

સમજણ જરીક સાચી એમાંય ઊતરે તો
જેકંઈ ભર્યું મગજમાં ખાલી કરાવવું છે

છે ના અશક્ય તેમ જ સહેલુંય પણ નથી એ
મનને અથાક યત્ને કાબૂમાં લાવવું છે

ઉપદેશ, સૂચના કે ના કંઈ સલાહ દેવી
માણસ છું એ જ સૌના મનમાં ઠસાવવું છે

મનમેળ થાય એવા સઘળા કરી પ્રયત્નો
ભેદોનું ભૂત કાયમ માટે ભગાવવું છે- ડૉ. નટુભાઈ પંડ્યા

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK