નાટકમાં ડબલ રોલ અને જીવનનો પહેલો ડબલ રોલ

Published: Mar 17, 2020, 16:45 IST | Sanjay Goradia | Mumbai

ચહેરા-મહોરાં નાટકમાં દીપક ઘીવાલા ડબલ રોલ કરતા હતા. એક દીપકભાઈ સ્ટેજ પર હોય એવા સમયે જ બીજા દીપક ઘીવાલા આવે એ જોઈને હું આભો બની ગયો હતો. આ ટેક્નિક સમજતાં મને એક વર્ષ લાગ્યું હતું

તારક મહેતા
તારક મહેતા

શેક્સપિયરની ત્રણ વાર્તા અને એનાં પાત્રો પરથી બનેલી વાર્તા પરથી મરાઠીમાં નાટક બન્યું અને એ પછી ગિરેશ દેસાઈએ એ જ નાટક ગુજરાતીમાં ‘ગગનભેદી’ના નામે બનાવ્યું. ‘ગગનભેદી’ સુપરફ્લૉપ થયું, પણ આ પ્રકારનાં નાટકો કરવાની હિંમત હોવી જોઈએ. ૮૦ના દસકામાં સાચા અર્થમાં છપ્પનની છાતીવાળા નિર્માતા-દિગ્દર્શક ગુજરાતી રંગભૂમિ પાસે હતા. છપ્પનની છાતીવાળાની વાત થતી હોય ત્યારે મહેન્દ્ર જોષીને સૌથી પહેલાં યાદ કરવા જોઈએ. મહેન્દ્રએ ‘ખેલૈયા’ કર્યું. સતીશ આલેકરનું ‘મહાનિર્વાણ’ નાટક પણ યાદ આવે છે. જોષીએ આ નાટક ગુજરાતીમાં ‘તાથૈયા’ નામે કર્યું, જેમાં દેવેન ભોજાણીનો ખૂબ જ સરસ રોલ હતો. ‘તાથૈયા’માં આમિર ખાન બૅકસ્ટેજ કરતો હતો. ‘તાથૈયા’ પછી ‘પશિયો રંગારો’ નામનું નાટક પણ કર્યું, જેમાં આમિર ખાનનો નાનકડો રોલ હતો.

‘તાથૈયા’માં આમિર ખાન પણ હતો એટલે એ નાટક જોવા મન્સૂર ખાન આવ્યો અને ત્યાં તેણે દેવેનનું કામ જોયું. મન્સૂર ખાનનું નાટક જોવા આવવાનું એક બીજું કારણ એ પણ હતું કે આમિર ખાનની સગી બહેન નિખતનાં લગ્ન મહેન્દ્ર જોષી સાથે થયાં હતાં. નાટકમાં તેણે દેવેનનું કામ જોયું. સાથે કામ કરતા હોવાથી દેવેન અને આમિર બન્ને ફ્રેન્ડ્સ તો હતા જ પણ મન્સૂરે દેવેનમાં રહેલો વર્સેટાઇલ ઍક્ટર જોયો અને તેણે પોતાની બીજી ફિલ્મ ‘જો જીતા વો હી સિકંદર’માં દેવેનને આમિરના એક ફ્રેન્ડનો રોલ આપ્યો અને આમ દેવેન બૉલીવુડમાં એન્ટર થયો. આ થઈ સાઇડ વાત, હવે ફરી આવી જઈએ ગુજરાતી રંગભૂમિની વાત પર. રંગભૂમિ પર આઇએનટીનાં નાટકો સતત ચાલુ જ હતાં. આઇએનટીએ નાટક ‘હૈરત’ કર્યું તો અરવિંદ ઠક્કરના દિગ્દર્શનમાં ‘ચહેરા-મહોરાં’ નાટક પણ થયું. ‘ચહેરા-મહોરાં’ નાટકનો ખાસ ઉલ્લેખ ખાસ એટલા માટે કરવો પડે છે કે એ નાટકમાં દીપક ઘીવાલા ડબલ રોલમાં હતા અને પહેલી વાર એક સ્ટેજ પર બે દીપક ઘીવાલા દેખાતા હતા. એક દીપક ઘીવાલા સૂતો હોય અને કબાટમાંથી બીજો દીપક ઘીવાલા બહાર આવે એવો જાદુ સ્ટેજ પર મેં પહેલી વાર જોયો હતો. હું દંગ જ રહી ગયો હતો.

સીન એવો હતો કે દીપક ઘીવાલા પર એક માણસ હુમલો કરે છે અને એ ઘવાઈને પલંગની પાછળ પડી જાય છે, પલંગ પાછળ પડેલા દીપક ઘીવાલાના પગ બહાર દેખાય છે અને એ પછી બીજો દીપક ઘીવાલા કબાટમાંથી બહાર આવે છે. ખૂબ જ સિફતથી પલંગ પાછળ પડેલા દીપકભાઈના પગ અંદર જતા રહે છે અને એની જગ્યાએ ડુપ્લિકેટના પગ બહાર આવી જાય. બહાર નીકળી ગયેલા દીપક ઘીવાલા બીજી જગ્યાએથી ફરી સ્ટેજ પર એન્ટ્રી કરતા હતા. આ વાતને સમજતાં મને એક વર્ષ લાગ્યું હતું, પણ હું આજે પણ કબૂલીશ કે એ ટ્રિક જોઈને હું આભો જ બની ગયો હતો.

મેં તમને કહ્યું હતું એમ, મારું છેલ્લું નાટક ‘આભાસ’ ફ્લૉપ થયા પછી નાટકનિર્માણ ખાતેની મારી દુકાન લગભગ બંધ થઈ ગઈ હતી. મારી પાસે મારા પોતાના પૈસા તો હતા નહીં કે હું નાટકમાં રોકી શકું અને મારા પહેલા ફાઇનૅન્સર એવા ડૉક્ટરસાહેબ પાસે હું ફરી પાછો જઈ શકું એમ હતો નહીં. ‘આભાસ’માં તેમણે મોટી નુકસાની સહન કરી હતી. હવે કોઈ ફાઇનૅન્સર આવે તો અને તો જ મારું કામ આગળ ચાલે એવો ઘાટ હતો. આ ગાળા દરમ્યાન મેં નક્કી કર્યું કે થિયેટરમાં સતત કામ કરતા રહેવું અને એ કામ દ્વારા થિયેટર સાથે જોડાયેલા રહેવું. આ ગાળામાં સિદ્ધાર્થ રાંદેરિયા એક નાટક કરતા હતા, ‘આંખ મીંચીને બોલો જયહિન્દ.’ આ નાટકમાં મને એક મદ્રાસીની ભૂમિકા મળી.

‘આંખ મીંચીને બોલો જયહિન્દ’ નાટક ઓરિજિનલી તારક મહેતાએ આઇએનટી માટે લખ્યું હતું, એનું નામ હતું ‘લીલાલહેર.’ ‘લીલાલહેર’માં બહુ મોટી કાસ્ટ હતી, પણ મને આજે પણ બે ઍક્ટર યાદ છે. નાટકમાં ડી. એસ. મહેતા બહુ મહત્ત્વના રોલમાં હતા તો સરિતા જોષી લીલાનો લીડ રોલ કરતાં હતાં. ‘લીલાલહેર’ના દિગ્દર્શક ચંદ્રકાન્ત ઠક્કર. સિદ્ધાર્થે નક્કી કર્યું કે ‘લીલાલહેર’ને ઘણાં વર્ષો થઈ ગયાં છે, પ્રેક્ષકો હવે એ ભૂલી ગયા હશે. સબ્જેક્ટ સારો છે તો આપણે એને રિવાઇવ કરવું જોઈએ.

નાટકમાં એક હોટેલ બતાવવામાં આવી છે. નાટકની એક ટેક્નિકની વાત કહું તમને. હોટેલનો જે સેટ દેખાડવામાં આવ્યો હતો એમાં હોટેલની એક રૂમમાં બટન દબાવો એટલે બાજુના રૂમનો પલંગ આ રૂમમાં અને આ રૂમનો પલંગ બાજુના રૂમમાં જતો રહે એવું બનતું હતું. ‘લીલાલહેર’ના રિવાઇવ એવા ‘આંખ મીંચીને બોલો જયહિન્દ’માં પણ બહુ મોટી ટીમ હતી અને દિગ્દર્શક સિદ્ધાર્થ રાંદેરિયાનો ડબલ રોલ હતો. આ જ નાટક મેં પણ રિવાઇવ કર્યું, જેનું ટાઇટલ હતું ‘પરણેલા છો તો હિંમત રાખો’. આ નાટક અત્યારે યુટ્યુબ પર પણ છે, તમે જોજો, મજા આવશે.

ત્રણેત્રણ વખત આ નાટકનાં વખાણ થયાં છે. ‘આંખ મીંચીને બોલો જયહિન્દ’ને પણ લોકોએ ખૂબ વખાણ્યું હતું. એ વખતે હું એ નાટકમાં માત્ર મદ્રાસીનો રોલ કરતો હતો અને કહ્યું એમ, સિદ્ધાર્થ ડબલ રોલ કરતો હતો, પણ જ્યારે મેં એ નાટક રિવાઇવ કર્યું ત્યારે એમાં ડબલ રોલવાળું કૅરૅક્ટર હું કરતો હતો. ‘આંખ મીંચીને બોલો જયહિન્દ’ની જ વાત કહું તો સિદ્ધાર્થ રાંદેરિયા ઉપરાંત રસિક દવે એક રોલ કરતો હતો તો અમર દેસાઈ સરદારજીના કૅરૅક્ટરમાં હતો. લીલાનો રોલ મેઘના રૉય કરતાં હતાં જ્યારે શચિ જોશી, કલ્યાણી ત્રિવેદી અને વિદ્યુલતા ભટ્ટ પણ એક રોલમાં હતાં તો ડી. એસ. મહેતાવાળા રોલમાં જતીન કાણકિયા પણ હતો. અમૃત પટેલ પણ એક રોલ કરતા તો પ્રવીણ નાયક અને હર્ષદ ગાંધી પણ કરતા હતા. ‘આંખ મીંચીને બોલો જયહિન્દ’માં પહેલી વાર સિદ્ધાર્થ રાંદેરિયા અને રસિક દવે નિર્માતા તરીકે જે. અબ્બાસ સાથે જોડાયા હતા.

ફૂડ ટિપ્સ

અમદાવાદના અમારા બધા શો પતાવીને અમે લોકો આવ્યા સુરતમાં. સુરતના બારડોલી પાસે એક ગામ છે, નામ એનું વ્યારા. આ વ્યારામાં અમારા નાટક ‘બૈરાંઓનો બાહુબલી’નો શો હતો. અમે અમારા સુરતના ઑર્ગેનાઇઝર વસીમ જરીવાલાની ગાડીમાં સુરતથી રવાના થયા અને નક્કી કર્યું કે આપણે સુરતથી પલસાણાવાળા રસ્તે જવું જેથી સિટીનો ટ્રાફિક નડે નહીં. સુરતથી બારડોલી તરફ આવવા માટે આ જે પલસાણાવાળો રોડ છે એના પર ઉનપાટિયા નામનું એક ગામ આવે છે. આ ઉનપાટિયામાં પ્લૅટિનમ પ્લાઝા નામનું બિલ્ડિંગ છે. આ પ્લૅટિનમ પ્લાઝા બહુ જાણીતું છે. ટ્વેલ્થ પછીની જે બધી એન્ટ્રન્સ એક્ઝામ હોય છે એ બધી આ પ્લૅટિનમ પ્લાઝામાં જ લેવાય છે. આ પ્લૅટિનમ પ્લાઝા બિલ્ડિંગ નીચે એક હાઇવે હોટેલ જેવી હોટેલ છે, નામ એનું કાઠિયાવાડી ટી ઍન્ડ નાસ્તા સેન્ટર.

વસીમ જરીવાલાએ  કે હું તમને દુનિયાની અદ્ભુત ચા પીવડાવું. અમે તો રોકાયા ચા પીવા પણ સાહેબ, ગરમાગરમ પાપડી-ગાંઠિયાની જે સોડમ આવતી હતી, ન પૂછો વાત. જઠરાગ્નિ પ્રજ્વળી ઊઠે એવી સોડમ. ચાની સાથે અમે પાપડી‍-ગાંઠિયાનો પણ ઑર્ડર આપી દીધો. શું ગાંઠિયા, કરકરા અને એમ છતાં એકદમ નરમ. મોઢામાં મૂકો કે તરત જ ઓગળી જાય. ચાની પણ શું વાત કહું તમને. અદ્ભુત ચા. તમને કાઠિયાવાડ યાદ આવી જ જાય.

મિત્રો, ફાફડા અને પાપડી-ગાંઠિયા આમ તો સૌરાષ્ટ્રની આઇટમ, પણ હવે એ આખા ગુજરાતમાં મળે છે અને ગુજરાતમાં મળતા આ મોટા ભાગના ગાંઠિયા હવે મશીનમાં જ બને છે. તમને આ મશીન ઑનલાઇન પણ મળી જશે. ૧૪-૧૫ હજારનું આ મશીન છે. આ મશીન ઘરના વપરાશમાં ન ચાલે, પણ મોટા પ્રમાણમાં જેણે ગાંઠિયા બનાવવાના હોય તેમને માટે ઉપયોગી છે. કાઠિયાવાડી ટી ઍન્ડ નાસ્તા સેન્ટરમાં પણ પાપડી મશીનમાં બનતી હતી, પણ એની જે સાચી કરામત હતી એ એના લોટ અને લોટમાં નાખેલા મસાલાની હતી. ગરમાગરમ પાપડી, કઢી, ચટણી અને સાથે ગરમાગરમ કાઠિયાવાડી ચા.

જો ક્યારેય બારડોલી કે વ્યારા તરફ જવાનું બને તો અચૂક એક વખત કાઠિયાવાડીમાં જજો, તમને કાઠિયાવાડનો સ્વાદ દક્ષિણ ગુજરાતમાં મળી જશે એની ગૅરન્ટી મારી.

kathiyawadi

સિમ્પલી સુપર્બઃ પલસાણા હાઇવે પર આવેલા કાઠિયાવાડી ટી ઍન્ડ નાસ્તા સેન્ટરની ચા અને પાપડી-ગાંઠિયાની વાત કરવા માટે શબ્દો ખૂટી પડે, જાતે જ જઈને અનુભવ લઈ લેજો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK