સારા સંગીતની તલબે ગઝલને સફળતાના શિખર પર બેસાડી દીધી

Published: 7th October, 2020 15:04 IST | Pankaj Udhas | Mumbai

સારા શબ્દો, સારી ગાયકી કે સારું સંગીત બનતું ’૮૦ના દસકામાં ખૂબ ઓછું થયું, જેને લીધે સુરીલા સંગીતમાં ઓટ આવી અને એ જ તબક્કામાં ગઝલે ભારતીય સંગીતમાં મોટા પાયે એન્ટ્રી કરી

લોકોમાં સારાં ગીતોની એક તરસ હતી, કહો કે પ્યાસ હતી અને એ પ્યાસ ગઝલના સ્વરૂપમાં પૂરી પડી અને સારું સંગીત, સારા શબ્દો, સારી ગાયકી ગઝલોએ પૂરી કરી.
લોકોમાં સારાં ગીતોની એક તરસ હતી, કહો કે પ્યાસ હતી અને એ પ્યાસ ગઝલના સ્વરૂપમાં પૂરી પડી અને સારું સંગીત, સારા શબ્દો, સારી ગાયકી ગઝલોએ પૂરી કરી.

આપણે વાત કરતા હતા ‘ખઝાના’ની અને એ વાતમાં આપણી વાત ચાલતી હતી ’૮૦ના દસકામાં ચાલતાં બે મ્યુઝિક લેબલની. મને હજી પણ યાદ છે કે એ સમયે એચએમવીનું નામ ખાસ્સું મોટું હતું. આજે ‘એચએમવી’નું નામ ‘સારેગામા’ થઈ ગયું છે. એ પછીના ક્રમે જે કંપની આવતી હતી એનું નામ હતું ‘મ્યુઝિક ઇન્ડિયા.’ મેં તમને મ્યુઝિક ઇન્ડિયાની હિસ્ટરી પણ કહેવાની શરૂઆત કરી હતી, છતાં એ વાતને જરા રિવાઇન્ડ થઈને જોઈ લઈએ. આ મ્યુઝિક ઇન્ડિયા શશી પટેલ અને રમેશ પટેલ નામના ભાઈઓએ શરૂ કરી હતી. ‘ફિલ્મ સેન્ટર’ નામે તેમનું ફિલ્મ પ્રોસેસિંગ યુનિટ હતું, પણ પોતાના આ પ્રોસેસિંગના કામમાંથી ડાયવર્સિફાય થવાના હેતુથી શશી પટેલે મ્યુઝિક કંપની કરી, જેનું નામ હતું ‘પોલિડોર’. આ કંપનીમાં શશીભાઈનો સ્ટેક વધ્યો એટલે એ કંપની મ્યુઝિક ઇન્ડિયા બની અને એ પછી તેમણે એ કંપની વેચી નાખતાં કંપનીનું નામ થયું ‘પોલિગ્રામ’. ‘પોલિગ્રામ’ પણ ટેકઓવર થઈ અને એના કંપનીના રાઇટ્સ આવ્યા યુનિવર્સલ મ્યુઝિકના હાથમાં, જે આજે પણ આપણે ત્યાં યુનિવર્સલ ઇન્ડિયાના નામે કામ કરે છે. આ યુનિવર્સલ મૂળ અમેરિકા-ફ્રાન્સનું જૉઇન્ટ વેન્ચર અને અત્યારે એ દુનિયાની ટોચની મ્યુઝિક કંપનીઓ પૈકીની એક.
૧૯૮૦-’૮૧નો એ સમયગાળો અદ્ભુત હતો, પણ એ સમયકાળે ભારતીય ફિલ્મ સંગીતના ત્રણ દસકા એવા જોયા હતા જે મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીનો સુવર્ણકાળ હતો. ૧૯પ૦થી ૧૯૭૦ના આ ત્રણ દસકાનું સંગીત આજે પણ લોકો સાંભળી રહ્યા છે, આજે પણ એ સંગીત શરૂ થાય એટલે લોકોનું ધ્યાન ખેંચાઈ જાય છે અને ગીતના શબ્દો ગણગણવા માંડે છે. કેવાં-કેવાં ગીતો અને એ ગીતોના સર્જન પાછળ કેવાં-કેવાં ધુરંધર નામો. હુસ્નલાલ-ભગતરામ, નૌશાદસાહેબ, જયદેવ, શંકર-જયકિશન, ઓ. પી. નૈયર, અનિલ બિશ્વાસ, મદન મોહન, સલિલ ચૌધરી અને એવાં જ અનેક બીજાં નામો, જેમનું સંગીત તમારા રૂંવાડાં ઊભાં કરી દે, તમારા શરીરમાં ઝણઝણાટી પ્રસરાવી દે. જેવા સંગીતકાર એવા જ ધુરંધર ગાયક અને જેવા ધુરંધર ગાયક એવા જ અવ્વલ દરજ્જાના લખનારાઓ. શું એ કાળ, શું એ સમય હતો! આજે પણ મને ઘણી વાર થાય છે કે આ મહાનુભાવોએ જે કામ કર્યું છે એવું કામ તો ક્યારેય થઈ નથી શકવાનું. તમને પણ આ નામ જોઈને એવું લાગી શકે છે. શાહિર લુધિયાનવી, મજરૂહ સુલતાનપુરી, શકીલ બદાયુની, હસરત જયપુરી જેવા મશહૂર લખનારા અને તેમને સાથ મળ્યો અદ્ભુત સંગીતકાર અને ગાયકોનો. આ ત્રણનો સમન્વય એટલે આપણી ફિલ્મોનાં અદ્ભુત ગીતો.
ભારતીય સંગીતજગતનો આપણે ઇતિહાસ જોઈએ તો સૌપ્રથમ તો આપણને યાદ આવે આપણું બહુ મોટું હેરિટેજ કે પછી કહો, આપણને ઈશ્વર પાસેથી મળેલી એક સર્વોત્તમ ભેટ જેવું આપણું શાસ્ત્રીય સંગીત. આ શાસ્ત્રીય સંગીતનો ઇતિહાસ બહુ જૂનો છે, સદીઓથી એનું અસ્તિત્વ છે અને એ પછી પણ એની ગરિમા આજે પણ એવી જ અકબંધ છે. આ શાસ્ત્રીય સંગીતનું ફલક પણ ખૂબ વિશાળ, કહો કે આપણી સંસ્કૃતિનો એક મોટો ખજાનો. શાસ્ત્રીય સંગીત સિવાયની જો વાત કરીએ તો મારે કહેવું છે આપણું લોકસંગીત. આપણું ફોક મ્યુઝિક પણ ખૂબ જ પાવરફુલ છે. પંજાબ, રાજસ્થાન, આપણું ગુજરાત અને એ સિવાયનાં રાજ્યોનું પણ પોતાનું ફોક સંગીત છે અને દરેક લોકસંગીતમાં ત્યાંની ધરતીની, માટીની ખુશ્બૂ છે. ગુજરાતી લોકસંગીતમાં એવી તાકાત કહેવાય છે કે એ હારી ચૂકેલા માણસના શરીરમાં પણ જોમ ભરી દે છે. પગમાં થનગનાટ લાવી દે અને લડવા માટે ઝનૂન ભરી દે. પંજાબી લોકસંગીતની પણ વાત સાવ નોખી છે, તો રાજસ્થાની લોકસંગીત પણ અવ્વલ દરજ્જાનું છે. આંખોમાં આંસુ લાવી દે એવી લોકવાર્તાઓ પણ આ લોકસંગીતમાં વણાયેલી હોય છે અને આપણો ઇતિહાસ પણ આ લોકસંગીતમાંથી બહાર આવતો હોય છે. લોકસંગીત સાંભળનારો બહુ મોટો વર્ગ છે અને એના ચાહકો પણ લાખો-કરોડો છે. આપણે ત્યાં લોકસંગીતના કાર્યક્રમો હવે ઓછા થયા છે, પણ એ જ્યારે પણ થાય ત્યારે ઑડિટોરિયમ આખું ભરાઈ જાય.
શાસ્ત્રીય અને લોકસંગીત પછી જો કોઈ સંગીત આપણે ત્યાં સંભળાતું હોય, માસ એટલે કે મોટા પાયે સંભળાતું હોય તો એ ફિલ્મી સંગીત છે. ફિલ્મી સંગીત સાંભળનારો વર્ગ આજે પણ બહુ મોટી સંખ્યામાં છે. પહેલાંના સમયમાં તો ફિલ્મી સંગીત સાંભળવાનાં માધ્યમો પણ મર્યાદિત હતાં. માત્ર એક જ માધ્યમ હતું રેડિયો. રેડિયો પણ શરૂઆતમાં તો બહુ ઓછાં ઘરોમાં જોવા મળતો. આજની જનરેશનને તો યાદ પણ નહીં હોય અને એની અગાઉની જનરેશનને પણ કદાચ યાદ નહીં હોય, પણ તમે દાદા કે નાનાને પૂછશો તો તમને ખબર પડશે કે એક સમય હતો જ્યારે રેડિયો માટે ગવર્નમેન્ટનું લાઇસન્સ લેવું પડતું. લાઇસન્સ મળે એ જ રેડિયો ખરીદી શકે. પહેલાં રેડિયો નહીં ખરીદવાનો, પહેલાં લાઇસન્સ લેવાનું અને લાઇસન્સ દુકાનદારને દેખાડવાનું, એ દેખાડો પછી જ તમને રેડિયો ખરીદવા મળે. લાઇસન્સમાં રેડિયો, એના સ્પેસિફિકેશન લખાય અને રેડિયો વેચો ત્યારે તમારે એ લાઇસન્સ પણ રેડિયો ખરીદનારને આપી દેવાનું. આજે જે રીતે કાર કે પછી ટૂ-વ્હીલરમાં જે નિયમ છે એવો જ નિયમ હતો એ સમયે રેડિયોમાં. રાષ્ટ્રીય સુરક્ષાના હેતુથી આવો નિયમ બનાવવામાં આવ્યો હતો.
રેડિયો એકમાત્ર માધ્યમ હતું જેમાં સંગીત સાંભળી શકાતું. ખાસ તો ફિલ્મ-સંગીત. ફિલ્મ-સંગીતના અલગ-અલગ કાર્યક્રમો પણ રેડિયોમાં આવતા. મેં પણ મારા નાનપણમાં રેડિયો પર પુષ્કળ મ્યુઝિક સાંભળ્યું છે. રેડિયો પછી ગ્રામોફોન આવ્યાં. ગ્રામોફોન પહેલાં પણ હતાં પણ એ પૉપ્યુલર પછી થયાં અને ગ્રામોફોન પર ગીતો સાંભળવાનો શોખ વધ્યો એટલે રેકૉર્ડનો પણ જમાનો આવ્યો. ફિલ્મ-મ્યુઝિક સિવાય બીજું કોઈ મ્યુઝિક હતું નહીં અને એ દરમ્યાન ’૮૦નો દસકો આવ્યો. ૩૦ વર્ષ સુધી સતત ફિલ્મ-સંગીત સાંભળ્યા પછી અચાનક લોકોની સામે ગઝલનાં આલબમ આવવાનું શરૂ થયું એટલે લોકોને થયું કે લાવ જરા જોઈએ કે આ છે શું?
એ પહેલાં ગઝલો સંભળાતી, ગઝલોની મહેફિલ થતી, પણ એ લાઇવ પ્રોગ્રામ હતા. રેડિયો પર મોટા ભાગે ફિલ્મ-સંગીત રહેતું એટલે ગઝલને સ્થાન ઓછું મળતું, જેને લીધે ગઝલ હતી ખરી, પણ એનો વ્યાપ સીમિત હતો. ’૮૦ના દસકામાં ગઝલનાં આલબમ આવ્યાં એટલે ગઝલો ઘર-ઘર સુધી પહોંચી. આગળ વધતાં પહેલાં મારે ગઝલ વિશે એ પણ કહેવું છે કે ગઝલની સૌથી મોટી ખૂબી એ છે કે એમાં શાયરી, કવિતાનો હિસ્સો બહુ મોટો. સાહિત્યનો ફાળો ખાસ્સો મોટો, જેમાં આપણું શાસ્ત્રીય સંગીત ભળે એટલે મનને, દિલને ચેન મળે અને શાંતિ મળે. ગઝલની રેકૉર્ડ આવતી લૉન્ગપ્લે અને શૉર્ટપ્લે. કૅસેટ શરૂ થઈ અને એ પછી કૅસેટ અને સીડી એમ બન્ને મીડિયમ પર ગઝલો સાંભળવા મળવા માંડી, જેને લીધે લોકોને એક રિફ્રેશિંગ ચેન્જ મળવાનું શરૂ થયું. ગઝલ પણ સંગીતનો એક પ્રકાર જ, પણ એ પ્રકારને પૉપ્યુલર કરવાનું કામ ’૮૦ના દસકાએ કર્યું. એ વખતે લક્ષમીકાંત-પ્યારેલાલનાં ગીતો ખૂબ જ સુંદર અને તેમનું સંગીત ખૂબ પ્રખ્યાત. કલ્યાણજી-આણંદજીનું નામ પણ એટલું જ માનભેર લેવાય, પણ એ સિવાય થોડું સંગીતનું સ્તર નીચું આવ્યું હતું. મદન મોહનના સમયમાં જેવાં સુરીલાં ગીતો બનતાં એવાં ગીતોની સરખામણી ’૮૦ના દસકામાં સુરીલાં ગીતો ઓછાં બનતાં, જેને કારણે બન્યું એવું હતું કે આપણે સારા શબ્દો, સારી ગાયકી કે પછી સારું સંગીત સાંભળી નહોતા શકતા. લોકોમાં સારાં ગીતોની એક તરસ હતી, કહો કે પ્યાસ હતી અને એ પ્યાસ ગઝલના સ્વરૂપમાં પૂરી પડી અને સારું સંગીત, સારા શબ્દો, સારી ગાયકી ગઝલોએ પૂરી કરી. જેને લીધે બન્યું એવું કે ગઝલને ૬થી ૧૨ મહિનામાં માઉથ-ટુ-માઉથ એવી પબ્લિસિટી મળી કે લોકો ગઝલનાં આલબમ ખરીદતા થયા, લોકો ગઝલો સાંભળતા થયા અને ક્ષમતા હોય એ લોકો ગઝલના કાર્યક્રમમાં જતા થયા. દોઢ-બે વર્ષમાં તો ગઝલ પ્રસિદ્ધિની સીડી પર ઉપર ને ઉપર ચડવા લાગી અને એક તબક્કો એવો આવી ગયો કે ગઝલ સફળતાના શિખર પર એકદમ ટોચ પર પહોંચી ગઈ. આ શિખર પર પહેલાં ફિલ્મ-સંગીત હતું, પણ ૧૯૮૪-’૮પનું વર્ષ આવે ત્યાં સુધીમાં તો ગઝલોએ એ ઊંચાઈ પણ પામી લીધી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK