Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ધી ઍન્ડ્રૉમેડા સ્ટ્રેઇન પરગ્રહથી આવેલો કોરોના

ધી ઍન્ડ્રૉમેડા સ્ટ્રેઇન પરગ્રહથી આવેલો કોરોના

02 May, 2020 04:06 PM IST | Mumbai Desk
Raj Goswami

ધી ઍન્ડ્રૉમેડા સ્ટ્રેઇન પરગ્રહથી આવેલો કોરોના

ધી ઍન્ડ્રૉમેડા સ્ટ્રેઇન

ધી ઍન્ડ્રૉમેડા સ્ટ્રેઇન


માઇકલ ક્રાઇટનના ફળદ્રુપ ભેજાની પેદાશ ધી ઍન્ડ્રૉમેડા સ્ટ્રેઇન અનપેક્ષિત સવાલ ઊભો કરી રહી છે : નાસા અને યુરોપિયન સ્પેસ-એજન્સી ૨૦૩૦ સુધીમાં મંગળ ગ્રહ પરથી ત્યાંનાં સૅમ્પલને પૃથ્વી પર લાવવાની યોજના પર કામ કરી રહી છે એ હિતાવહ છે? પૃથ્વીના વાતાવરણમાં આવા પરદેશી પદાર્થ લાવ્યા પછી એને સલામત રીતે રાખી શકાશે?

ઍન્ડ્રૉમેડા એટલે આપણી સૂર્યમાળાની પાડોશમાં આવેલું નક્ષત્ર. બીજી સદીમાં ગ્રીકો-રોમન ખગોળશાસ્ત્રી પોલોમીએ ૪૮ નક્ષત્રો શોધ્યાં હતાં એમાંથી એકનું નામ ઍન્ડ્રૉમેડા રાખ્યું હતું. આ નામ ગ્રીક પુરાણકથાઓમાં ઇથિયોપિયાના રાજા સેફુસ અને રાણી કેસિયોપિયાની દીકરી ઍન્ડ્રૉમેડા પરથી રાખવામાં આવ્યું છે. સ્ટ્રેઇન એટલે વંશ અથવા જાતિ. સાદી ભાષામાં એને ઍન્ડ્રૉમેડા વાઇરસ કહેવાય.
અમેરિકાના સુપરહિટ લેખક (‘જુરાસિક પાર્ક’વાળા) માઇકલ ક્રાઇટને ૧૯૬૯માં ‘ધી ઍન્ડ્રૉમેડા સ્ટ્રેઇન’ નામથી નવલકથા લખી હતી. ૧૯૭૧માં વેસ્ટ સાઇડ સ્ટોરી અને ધી સાઉન્ડ ઑફ મ્યુઝિક ફિલ્મોના સર્જક અને નિર્માતા-નિર્દેશક રૉબર્ટ વાઇઝે એ જ નામથી સાયન્સ ઍક્શન થ્રિલર ફિલ્મ બનાવી હતી. ૩૦ વર્ષ પછી ૨૦૦૩માં ઇન્ફેક્શિયસ ડિસીઝ સોસાયટી ઑફ અમેરિકાએ એના એક પ્રકાશનમાં લખ્યું હતું, ‘ધી ઍન્ડ્રૉમેડા સ્ટ્રેઇન અત્યંત મહત્ત્વની, વૈજ્ઞાનિક રીતે સચોટ ફિલ્મ છે. આ ફિલ્મ ઘાતક તત્ત્વના ઉદ્‍ભવ, એની અસર અને એની સફાઈને સચોટ રીતે રજૂ કરે છે. એ એવું પણ બતાવે છે કે શા માટે અમુક માણસો એનાથી સુરક્ષિત (ઇમ્યુન) હોય છે.’
‘ધી ઍન્ડ્રૉમેડા સ્ટ્રેઇન’ ક્લાસિક ફિલ્મ છે. એ માનવજાતિની શારીરિક મર્યાદાઓની પરીક્ષા લે છે. એ સરકાર અને વૈજ્ઞાનિકોની ક્ષમતાને ચૅલેન્જ કરે છે. એ ટેક્નૉલૉજિકલ ક્રાન્તિ એનાં મીઠાં ફળની સાથે કેવાં કડવાં ફળ લાવે છ એની સાબિતી આપે છે. આજે કોરોના વાઇરસ સામે દુનિયા લડી રહી છે ત્યારે આ ફિલ્મમાં અજાણ્યા વાઇરસનો સામનો કેવી રીતે કરવો એને માટે અમુક બોધપાઠ હતા.
ફિલ્મ ફ્લૅશબૅકમાં શરૂ થાય છે. પરગ્રહોના સૂક્ષ્મ જીવો એકઠા કરવા ગયેલો અમેરિકન સરકારનો સ્કૂપ નામનો એક સૅટેલાઇટ ન્યુ મેક્સિકોના એક નાનકડા નગર પેઇડમોન્ટમાં તૂટી પડે છે. થોડા જ સમયમાં નગરના લગભગ તમામ લોકો મરી જાય છે. સૅટેલાઇટને હેમખેમ કબજે કરવા માટે સરકારી વૈજ્ઞાનિકોની એક ટીમ
સુરક્ષા-કવચ પહેરીને પેઇડમોન્ટમાં ઊતરે છે. તેમને ખબર પડે છે કે નગરના એક ડૉક્ટરે કુતૂહલવશ સૅટેલાઇટને ઉઘાડ-બંધ કર્યો હતો અને એમાં તેના શરીરનું તમામ લોહી પાઉડરમાં તબ્દીલ થઈ ગયું હતું. પછી ખબર પડે છે કે નગરના તમામ લોકોનાં લોહી પાઉડર બની ગયાં હતાં. બે નગરજનો પાગલ થઈ ગયા હતા અને તેમણે આત્મહત્યા કરી લીધી હતી.
ટીમને નગરમાંથી બે જ લોકો જીવતા મળે છે; સતત રડ્યા કરતું ૬ મહિનાનું એક બાળક અને ૬૯ વર્ષનો એક દારૂડિયો. બન્નેને સૅટેલાઇટના કાટમાળ સાથે નેવાડાના ભૂગર્ભમાં પાંચ માળ નીચે આવેલી ‘વાઇલ્ડ ફાયર’ નામની પ્રયોગશાળામાં લઈ જવાય છે, જ્યાં પરગ્રહી સૂક્ષ્મ જીવો પર કામ ચાલી રહ્યું છે. આ પ્રયોગશાળા સલામતીની એક વ્યવસ્થા છે. રોગાણુ જો ભૂગર્ભમાંથી
ઉપર બહારની દુનિયામાં છટકી જાય તો
ન્યુક્લિયર વિસ્ફોટથી આખી પ્રયોગશાળા ભસ્મીભૂત થઈ જશે, જેથી એના અસ્તિત્વનો કોઈ પુરાવો ન રહે. એમાં ખાલી પાંચ મિનિટનો એવો ગાળો એવો મળે છે, જેમાં ન્યુક્લિયર પ્રક્રિયાને રોકી શકાય એમ છે.
વાઇરસને નિષ્ક્રિય કરવાની ચાવી પેલા બાળક અને દારૂડિયામાં છે. તેમનામાં એવું તે શું છે કે તેઓ બે જ જણ વાઇરસના પ્રકોપમાંથી બચી ગયા? વૈજ્ઞાનિકો આ ‘ચાવી’ શોધવા મથે છે ત્યારે તેમને એવી પણ ખબર પડે છે કે આ વાઇરસ અકસ્માતે સૅટેલાઇટની ગાડીમાં ચડી જઈને પૃથ્વી પર નથી આવ્યો. અમેરિકન સૈન્યએ જ બાયોલૉજિકલ વેપન વિકસાવવાના ભાગરૂપે એની ‘આયાત’ કરી હતી.
વૈજ્ઞાનિકો શક્તિશાળી કૅમેરા નીચે સૅટેલાઇટનું પરીક્ષણ કરે છે અને તેમને લીલા રંગનો ધબકતો જીવ જોવા મળે છે, જેને ‘ઍન્ડ્રૉમેડા’ નામ આપવામાં આવે છે. એનામાં મનુષ્ય કે જાનવરોને તાબડતોબ મારી નાખવાની શક્તિ છે અને એ અત્યંત ચેપી છે. મેડિકલ-ટીમ એ વાઇરસ કેવી રીતે કામ કરે છે અને વિકસે છે એનો અભ્યાસ કરે છે અને એ પણ સમજવાની કોશિશ કરે છે કે બે મનુષ્યજીવ કેવી રીતે બચી ગયા?
ડૉક્ટરોને ખબર પડે છે કે દારૂડિયાએ તેના લોહીમાં ઍસિડ પેદા કર્યો હતો એટલે વાઇરસનું ઝેર કામ ન કરી શક્યું અને બાળકે સતત
રડી-રડીને તેના લોહીને ક્ષારયુક્ત બનાવી દીધું હતું એટલે અસર ન થઈ શકી. એમાંથી એવું તારણ નીકળે છે કે ઍન્ડ્રૉમેડા લોહીની મર્યાદિત રેન્જની અંદર જ પ્રભાવી બને છે.
ટીમ હજી આ નવી શોધ કરે છે ત્યાં જ એ બિનઘાતક સ્વરૂપમાં તબ્દીલ થાય છે અને સિન્થેટિક રબર અને પ્લાસ્ટિકને ઓગળી નાખે છે. એ પછી ઍન્ડ્રૉમેડા એના બાયોલૉજિકલ ડબ્બામાંથી છટકીને લૅબોરેટરી-રૂમમાં ફેલાય છે અને લૅબોરેટરીનાં જેટલાં સીલ છે એ ઍન્ડ્રૉમેડાના પ્રભાવમાં ક્ષીણ થવા માંડે છે અને એ સાથે જ ન્યુક્લિયર વિસ્ફોટની પ્રોસેસ ચાલુ થઈ જાય છે.
દરમ્યાન વૈજ્ઞાનિકોની ટીમને અચાનક ભાન થાય છે કે આ રોગાણુ ન્યુક્લિયર વિસ્ફોટની ઊર્જામાં તો ઓર ખીલશે અને એની આખી જમાત પેદા થઈ જશે, જે પૃથ્વી પરનું સમગ્ર જીવન ખતમ કરી નાખશે. હવે ચૅલેન્જ એ છે કે ન્યુક્લિયર વિસ્ફોટની પ્રક્રિયાને પાંચ મિનિટની અંદર રોકી દેવામાં આવે. એ તડાકા-ભડાકા વચ્ચે ટીમનો સર્જ્યન ડૉ. માર્ક હાલ (જેમ્સ ઑલ્સન) બેહોશ થઈ જાય છે અને આંખ ખોલે છે ત્યારે તે હૉસ્પિટલના બેડ પર હોય છે. તેની ટીમના સભ્યો તેને જણાવે છે કે પૅસિફિક સમુદ્ર પર વાદળોમાંથી કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે જે ઍન્ડ્રૉમેડાને બાહ્ય વાતાવરણમાંથી દરિયાના ક્ષારયુક્ત પાણીમાં ખેંચી જઈને નિષ્ક્રિય કરી દેશે.
ફિલ્મના અંતમાં એક ભવિષ્યવાણી છે જે આપણા અસલી જીવન માટે કામની છે. ‘વાઇલ્ડ ફાયર’ પ્રયોગશાળાનો ટીમ-લીડર ડૉ. જેરેમી સ્ટોર (આર્થર હિલ) અમેરિકન સેનેટ કમિટી સમક્ષ જુબાની આપતાં કહે છે કે આ વખતે તો તેઓ જીવાણુને ખતમ કરવામાં સફળ રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં કદાચ એવું ન પણ થાય. છેલ્લા દૃશ્યમાં ઍન્ડ્રૉમેડા સમુદ્રજળમાં ઓગળીને ‘૬૦૧’ની સંખ્યા બનાવેછે - વાઇલ્ડ ફાયર કમ્પ્યુટરનો સંકેત છે કે સમુદ્રમાંથી એની અંદર એટલી ઝડપથી ઇન્ફર્મેશન આવી રહી છે કે એ એનું વિશ્લેષણ કરવા સક્ષમ નથી એટલે એની સ્ક્રીન પર સંખ્યા આવે છે ‘૬૦૧’.
કોરોના વાઇરસની મહામારીથી તોબા પોકારી ગયેલી દુનિયા સામે માઇકલ ક્રાઇટનના ફળદ્રુપ ભેજાની પેદાશ ‘ધી ઍન્ડ્રૉમેડા સ્ટ્રેઇન’ એક અનપેક્ષિત સવાલ ઊભો કરી રહી છે કે ‘નાસા અને યુરોપિયન સ્પેસ-એજન્સી ૨૦૩૦ સુધીમાં મંગળ ગ્રહ પરથી ત્યાંનાં સૅમ્પલને પૃથ્વી પર લાવવાની યોજના પર કામ કરી રહી છે એ હિતાવહ છે? પૃથ્વીના વાતાવરણમાં આવા પરદેશી પદાર્થો લાવ્યા પછી એને સલામત રીતે રાખી શકાશે? કોરોના વાઇરસને કાબૂમાં રાખી નહીં શકવાની આપણી નિષ્ફળતાએ આ સવાલોને જન્મ આપ્યો છે.
માર્સ સૅમ્પલ રિટર્ન નામનું મિશન મંગળની ધૂળ અને પથ્થરોને પૃથ્વી પર લાવવાનું છે. અત્યાર સુધીનાં મિશનમાં નિયમ છે કે મંગળ પરથી કોઈ ચીજ પૃથ્વી પર આવવી ન જોઈએ. નાસા એ નિયમમાં છૂટછાટ લેવાનું છે. નાસાના ભૂતપૂર્વ પ્લૅનેટરી પ્રોટેક્શન ઑફિસર કાસી કોન્લીએ કહ્યું હતું કે ‘પૃથ્વી પરના જીવશાસ્ત્રને તો આપણે પૂરું જાણતા નથી અને મંગળ પરની તો કશી ગતાગમ પણ નથી એટલે એવું ન કહેવાય કે મંગળનો સામાન બિનજોખમી હશે.’
કોરોના વાઇરસની અત્યારની મહામારી એ વાતને સમર્થન આપે છે કે આપણે વાઇરસની દુનિયા વિશે કેટલું ઓછું જાણીએ છીએ.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2020 04:06 PM IST | Mumbai Desk | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK