રણમાં ખીલ્યું ગુલાબ જેસલમેર માટે નખશીખ લાગુ પડે

Published: Dec 29, 2019, 15:46 IST | Darshini Vashi | Mumbai

રણ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર એવા રાજસ્થાનનું આ સ્થળ એટલે દુનિયાનો નવમો મોટો રણપ્રદેશ, સોનેરી અને ભવ્ય મહેલો, હવેલીઓ અને રંગીન બજારો. તમને કહી દઈએ વિશ્વની શ્રેષ્ઠ જોવાલાયક જગ્યાઓની ફોર્બ્સે જાહેર કરેલી યાદીમાં જેસલમેર ત્રીજા નંબર પર આવ્યું છે

સિટી વ્યુ ફ્રોમ ફોર્ટ : જેસલમેરના ફોર્ટમાંથી આખા નગરનો કંઈક આવો વ્યુ જોવા મળે છે.
સિટી વ્યુ ફ્રોમ ફોર્ટ : જેસલમેરના ફોર્ટમાંથી આખા નગરનો કંઈક આવો વ્યુ જોવા મળે છે.

રંગીન અને વૈવિધ્યભર સ્થળ એટલે રાજસ્થાનમાં આવેલું જેસલમેર. રાજસ્થાનના પશ્ચિમ છેડે તેમ જ ભારત અને પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલું જેસલમેર શું કામ સ્પેશ્યલ છે એના પર આજે વાતો કરીએ.

જેસલમેરમાં ટૂરિસ્ટ ખાસ બે વસ્તુ જોવા આવે છે - એક છે જેસલમેર ફોર્ટ એટલે કે ગોલ્ડન ફોર્ટ અને બીજું છે રણ. ગોલ્ડન ફોર્ટ જેસલમેરને વિશેષ દરજ્જો આપે છે. આ મહેલને ૧૨મી સદીમાં રાજા રાવલ જેસલે બંધાવ્યો હતો. આ એ જ રાજા છે જેમના નામ પરથી આ શહેરનું નામ જેસલમેર પડ્યું હતું. આમ તો આ કિલ્લો ૧૨મી સદીમાં બન્યો હતો પરંતુ જેમ-જેમ સમય આગળ વધતો ગયો અને રાજાઓ બદલાતા ગયા તેમ-તેમ આ કિલ્લામાં અનેક ફેરફાર પણ થતા ગયા હતા અને તેની ભવ્યતા વધતી ગઈ હતી. ટેકરી પર બાંધવામાં આવેલા કિલ્લાની અંદર અડધું જેસલમેર વસેલું છે એમ કહીએ તો પણ ચાલે. આ કિલ્લો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ સ્થાન ધરાવે છે. એવું કહેવાય છે કે આ કિલ્લાનું બાંધકામ પીળા પથ્થર અને માટીથી કરવામાં આવ્યું હતું જેને લીધે જ્યારે સૂર્યનાં કિરણો આ કિલ્લા પર પડે તો એવું લાગે જાણે આ કિલ્લો સોનામાંથી જ બન્યો હોય. એટલું જ નહીં ઘણી વખત તો સૂર્યનાં કિરણોને લીધે કિલ્લાનો રંગ અને રેતીનો રંગ એકસરખો લાગતો હોય છે જેને લીધે દૂરથી જોનારને અહીં કોઈ કિલ્લો છે જ નહીં એવો ભાસ થાય છે. કિલ્લાનો રંગ જ નહીં પરંતુ તેની દરેક બાબત અન્ય કરતાં ઘણી અલગ છે, દિલચશ્પ છે. કિલ્લાનું પ્રવેશદ્વાર ૬૦ ફુટ ઊંચે છે. કિલ્લાના અંદરની ખૂબસૂરતીની વાત કરીએ તો તેની વાસ્તુકલા અને શિલ્પકલામાં ઇસ્લામિક અને રાજપૂત શૈલી જોવા મળે છે. કિલ્લાની અંદર અનેક ઇમારતો, હવેલીઓ, મંદિરો, કૂવા, સ્થાપત્યો, દુકાનો, હોટેલો આવેલાં છે. ટૂંકમાં કહીએ તો આખું નગર વસેલું છે. કિલ્લાની અંદર આવેલું મહારાવલ પૅલેસ સૌથી મુખ્ય આકર્ષણ છે, જે તેના સંગેમરમરના સિંહાસનને લીધે જાણીતું છે. આવો જ એક બીજો પૅલેસ છે જવાહર પૅલેસ. આ સુંદર પૅલેસનો ઉપયોગ અગાઉ શાહી નિવાસ તરીકે કરવામાં આવતો હતો. આ કિલ્લાને જોવાનો સમય સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો છે.

jaisalmer

જેસલમેર ફોર્ટ : જેસલમેર ફોર્ટ એ જેસલમેરનું ઘરેણું છે. ખૂબ જ વિશાળ અને ભવ્ય એવો આ ફોર્ટ દૂરથી સોનાના મહેલ જેવો દેખાય છે એટલે તેને સુવર્ણ મહેલ પણ કહેવામાં આવે છે.

હવેલી જ હવેલી

જેસલમેરમાં જ્યાં નજર કરશો ત્યાં કશેને કશે કોઈને કોઈ હવેલી દેખાઈ જશે. આ હવેલીઓના નગરમાં સૌથી પહેલું નામ ‘પટવા કી હવેલી’નું આવે છે. પટવા કી હવેલી એ પાંચ ઘરો છે જેને પાંચ જૈન ભાઈઓએ ૧૯મી સદીમાં બંધાવી હતી. ૨૦૦ વર્ષ જૂના આ બાંધકામને જોવાની મજા પડશે. આવી જ બીજી એક હવેલી છે ‘સલીમસિંહ કી હવેલી’. જેની ખાસિયત છે તેની છત-એટલે કે છાપરું. જેમાં મોર શૅપની કામગીરી કરવામાં આવેલી છે. તેની સુંદર બાલ્કની દરેકનું ધ્યાન આકર્ષિત કરે એવી છે. સલીમસિંહ હવેલીને જહાજ મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે આ હવેલીનો સામેનો ભાગ કોઈ જહાજ જેવો છે. આ હેવલીને બાંધવા માટે સિમેન્ટ કે ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, માત્ર પથ્થરોથી જ આ હવેલી બાંધવામાં આવેલી છે. આજે પણ આ હવેલીની અંદર ઘણા લોકો રહે છે. આવી જ બીજી એક હવેલી છે જેનું નામ છે નાથમલજી હવેલી, જે એક સમયના જેસલમેરના દીવાનસાહેબ માટે બનાવવામાં આવેલી હતી. હવેલીનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. કહેવાય છે કે આ હવેલીને બે ભાઈઓએ અલગ અલગ બાજુએથી બનાવવાની શરૂઆત કરેલી હતી જેને લીધે આ હવેલી છે તો સુંદર, પરંતુ તેનો શૅપ એકસમાન નથી. આ હવેલી ૧૮મી સદીની છે, જેનો એક હિસ્સો આજે પણ રહેવા માટે ઉપયોગમાં લેવાય છે.  આ હવેલીની દીવાલ પર સુંદર ભીંતચિત્રો થ્રી-ડી શૅપમાં બનાવવામાં આવેલાં છે. ફોર્ટ નજીક સર્વોત્તમ વિલાસ મહેલ આવેલો છે. આ મહેલની ખાસિયત એ છે કે અહીં આવેલા મહેલો એકબીજાની સાથે પરસ્પર જોડાયેલા છે. આ મહેલોનું નિર્માણ ૧૬થી ૧૯મી સદી દરમ્યાન કરવામાં આવ્યું હતું. બ્લૂ કલરની ટાઇલ્સની સાથે કરવામાં આવેલું કાચ કામ આ મહેલને વધુ સુંદરતા બક્ષે છે. જો તમને હવેલીનો ખરો આનંદ લેવો હોય તો તેમાં રોકાજો. કેમ કે અહીં ઘણી હવેલીઓને શાનદાર હોટેલમાં ફેરવી દેવામાં આવી છે પરંતુ અંદરનું ઇન્ટિરિયર તે સમયનું જ રાખવામાં આવેલું છે. ઘણી ફિલ્મોમાં આપણે આવી હવેલી જોઈ ચૂક્યા છીએ. તો ઘણી હોટેલો હવેલી સ્ટાઇલમાં બનાવવામાં આવેલી છે, એટલે જો હવે અહીં આવવાનું થાય તો હવેલીમાં સ્ટે કરવાનું ભૂલતા નહીં.

jaisalmer-03

લેધર બૅગ : અહીં ઊંટના ચામડામાંથી બનતી વસ્તુઓ ઘણી વેચાય છે અને લોકપ્રિય પણ છે. ઊંટના ચામડામાંથી બનતાં પટ્ટા, પર્સ અને ચંપલ અહીં બહુ વેચાય છે.

રંગબેરંગી બજાર

જેમ જેસલમેર કિલ્લો અને રણ જોયા વિના પાછા આવવું અધૂરું ગણાય છે તેમ અહીંથી શૉપિંગ કર્યા વિના પાછા જવું કંઈક ખૂટતું હોય એવું લાગે છે. આમ તો અહીં રાજસ્થાનની તમામ પ્રખ્યાત વસ્તુ મળી રહે છે પરંતુ અહીં સૌથી વધુ પ્રખ્યાત વસ્તુ કોઈ મળતી હોય તો તે છે ઊંટના ચામડામાંથી બનાવેલી વસ્તુઓ. વિદેશીઓને ઊંટના ચામડામાંથી બનાવેલી વસ્તુઓ બહુ પ્રિય હોય છે. આ સિવાય લાકડાંની નકશીકામ કરેલી વસ્તુ, મિરર વર્ક કરેલી સુશોભનની વસ્તુ, ચાંદીના સુંદર ઘરેણાં વગેરે અહીં સરસ મળી રહે છે. સદર બજાર, સોનરોન કા બાસ, માનક ચોક, ગાંધી દર્શન જેવી બજારો અહીંની પ્રખ્યાત છે. જેટલી બજાર રંગીન છે એટલું જ અહીંનું ભોજન. દાલ બાટી ઑલ ટાઈમ ફેવરિટ ફૂડ છે અહીંનું. આ સિવાય પંચધારી લાડુ, ઘોટુઆ, કઢી-પકોડાનું સ્થાન આવે છે. હનુમાન ચોક પાસે બેસ્ટ ખાવાનું મળે છે, પરંતુ જો ડેઝર્ટ ટ્રાય કરવી હોય તો અમર સાગર પોલ પાસે જતા રહેવું.

jaisalmer-04

ચંદ્રપ્રભુ જૈન મંદિર : જેસલમેરના કિલ્લાની અંદર અને કિલ્લાની બહાર અનેક જૈન મંદિરો આવેલાં છે જે વિશાળ તો છે જ સાથે ખૂબ જ સુંદર કલાકારી અને નકશીકામથી સજ્જ પણ છે.

ધ ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ

ડેઝર્ટ ફેસ્ટિવલ જેસલમેરનું બીજા ક્રમાંકનું સૌથી મોટું આકર્ષણ છે. જે શહેરથી ૪૨ કિલોમીટરના અંતરે આવેલા સેમ રેત ટિમ્બા ખાતે દર ફ્રેબ્રુઆરીમાં થાય છે. જેની અંદર વિભિન્ન સાંસ્કૃતિક કાર્યક્રમ, ઊંટ રેસ, પાઘડી બાંધવાની સ્પર્ધા, મૂછ સ્પર્ધા વિગેરે સ્પર્ધા આયોજાય છે. આ કાર્યક્રમ ત્રણ દિવસનો હોય છે જેમાં વિદેશીઓ મોટા પ્રમાણમાં આવે છે. જેને ધ્યાનમાં રાખીને હવે અહીં અત્યાધુનિક સુવિધા પણ ઑફર કરવામાં આવે છે. ૧૯૮૦ની સાલમાં સ્થપાયેલ ડેઝર્ટ નૅશનલ પાર્ક એ થાર રણપ્રદેશના કેટલાક હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાર્ક ૩૧૬૧ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે. આ પાર્કમાં ચીલ, ગીધ, બાજ ઉપરાંત રણ પ્રદેશમાં જોવા મળતાં તમામ પક્ષી અને જીવો જોવા મળે છે. આ પાર્ક લુપ્ત થઈ રહેલી પક્ષીની એક જાતિ ‘ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ’નું નિવાસસ્થાન છે, જે રાજસ્થાનનું રાજ્ય પક્ષી પણ છે. આ પાર્કમાં કરોડો વર્ષ જૂના કાષ્ટાવશેષો પણ મળી આવ્યા છે. આ પાર્કની અંદર કેટલીક ઝીલ પણ આવેલી છે. નવેમ્બરથી જાન્યુઆરી દરમ્યાન આ પાર્કમાં આવવાની મજા આવે છે. જો તમને તહેવાર દરમ્યાન આવવાનું ન થાય તો પણ વાંધો નથી, કેમ કે તે સિવાય પણ અહીં ઊંટ પર બેસીને રણ જોવાની મજા જીવનનું એક યાદગાર સંભારણું બની રહેશે. અહીં કેમલ ટુર પૅકેજ પણ ઑફર કરવામાં આવે છે જેમાં ઊંટ પર બેસીને સૂર્યાસ્ત જોવા લઈ જવાશે, ત્યારબાદ ફાયર કૂક્ડ ડિનર અને સાંસ્કૃતિક કાર્યકમ બતાવીને પાછા હોટેલમાં લઈ જવાશે, તો અમુક ટુરમાં રેગિસ્તાનમાં નાઈટ આઉટ કરવાની સગવડ પણ કરી આપવામાં આવે છે. જેસલમેરના લોકો કેવું જીવન જીવે છે તે જોવું હોય તો ડેઝર્ટ કલ્ચર સેન્ટર અૅન્ડ મ્યુઝિયમની મુલાકાત લેવી જે અહીંથી નજીકમાં જ છે. જેમાં પરંપરાગત ટેકસ્ટાઇલથી માંડીને સંગીતનાં સાધનો, વાસણો, જૂના સિક્કા વગેરે પ્રદર્શિનીમાં મૂકવામાં આવેલાં છે. અહીં કઠપૂતળીના શોનું પણ આયોજન કરવામાં આવે છે જે જોવાનું ગમશે. 

જૈન મંદિરો

શાંતિનાથ મંદિરનું નામ દેશના પ્રમુખ જૈન મંદિરમાં આવે છે. આ મંદિર જેસલમેર કિલ્લાની અંદર સ્થિત છે. જે જૈન તીર્થંકર શાંતિનાથને સમર્પિત છે. જેની અંદર તેમની સુંદર મૂર્તિ મૂકવામાં આવેલી છે. આ મંદિર તેની સુંદર સ્થાપત્ય કલાને લીધે ફેમસ છે. મૂળ સાગરના કિનારે ઋષભદેવ મંદિર આવેલું છે. ઋષભદેવ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે. આ મંદિર તેમને સમર્પિત કરવામાં આવેલું છે. આ મંદિરની સ્થાપત્ય શૈલી રાજસ્થાની છે. મંદિરનું નિર્માણ ૧૬મી સદીમાં કરવામાં આવ્યું હતું.  જેસલમેર ફોર્ટની અંદર સાત મહેલ છે જે સાતેય એકબીજાની સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.

અહીં પણ જવા જેવું છે

મહારાજ ગઢશિએ ૧૪મી સદીમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ગઢશિશિર લૅકનું નિર્માણ કર્યું હતું. જ્યાંથી આખા જેસલમેરને પાણી મળતું હતું. આ લૅક આજે ટૂરિસ્ટો માટે ઓપન કરવામાં આવ્યું છે, જેમાં ફરવા માટે પેન્ડલવાળી બોટ પણ શરૂ કરવામાં આવી છે. આ તળાવથી જેસલમેર ફોર્ટની જબ્બર ભવ્યતા જોવા મળે છે. જેસલમેર કિલ્લાની નીચેના ભાગમાં ગોપા ચોક આવેલું છે, જે એક બજાર પણ છે. સૂર્યાસ્તના સમયે અહીંથી જોવા મળતા નજારાને જોવા લોકોની ભીડ જામે છે. જેસલમેરની બહાર બડા બાગ આવેલું છે. જ્યાં રાજપૂત રજવાડાઓની કબર બનાવવામાં આવેલી છે. આ કબરોનો આકાર પિરામિડ અને ડૉમના જેવો છે. જેની સિલિંગ પર અદભુત નકશીકામ કરાયેલું છે. એક છત્રીમાં મહારાવલ રજવાડા વિશે લખાણ પણ લખેલું છે. ગાર્ડનની નજીક પવનચક્કી પણ બનાવવામાં આવેલી છે, જેથી અહીંની સુંદરતા અનેકગણી વધી ગઈ છે. સાત ગામની નજીક સફેદ રેતીના સુંદર ઢુવા આવેલા છે, જ્યાંથી જેસલમેરના રણની અસલ ખૂબસૂરતી નજરે પડશે. લાસ્ટ બટ નો ધ લિસ્ટ કુલધારા. જેસલમેરથી ૨૦થી ૨૫ કિલોમીટર દૂર કુલધારા ગામ આવેલું છે. આમ તો એ અત્યારે ગામ ન કહેવાય, માત્ર ખંડેર અને અવાવરું જગ્યા છે, એક સમયે અહીં ખૂબ સુંદર ગામ હતું, પરંતુ આજની તારીખમાં દિવસના સમયે જો કોઈ એકલદોકલ આવે તો દસ ડગલાં ચાલી ન શકે એવો અહીંનો માહોલ છે. અહીં સુધી કુલધારા માટે એવું પણ કહેવાય છે કે આજની તારીખમાં પણ અહીં ભૂતપ્રેતનો વાસ છે અને ઘણા લોકોને તેની અનુભૂતિ પણ થઈ ચૂકી છે. ભુતકાળમાં જેસલમેરના સૂબાના ત્રાસ અને હેવાનગીરીનો ભોગ આ ગામના લોકો બનતા હતા. એક દિવસ આ સૂબાએ તે ગામની એક દીકરી તરફ નજર બગાડી અને તેને મહેલમાં લઈ આવવા તેના સિપાહીને જણાવ્યું. આ વાત ગામમાં ખબર પડતાંની સાથે ગામના લોકોએ રાતોરાત ગામ ગાયબ કરી નાખ્યું હતું. ગામના આ લોકોની ભાળ આજ સુધી મળી નથી. હાલમાં આ સ્થળ પુરાતત્વ ખાતાં પાસે છે અને અહીં માત્ર દિવસ દરમ્યાન જ જવાની પરવાનગી છે. ખેર, પરંતુ અહીં આવવું પણ એક રોમાંચથી કમ નથી. જો રહસ્યમય સ્થળો વિશે જાણવા માગતા હો તો અહીં ચોક્કસ આવવું. આ સ્થળનું નામ દેશના મોસ્ટ હન્ટેડ પ્લેસમાં આવે છે.

કેવી રીતે જવાય?

દેશનાં મુખ્ય શહેરોમાંથી ઘણી ડોમેસ્ટિક ફ્લાઈટ જોધપુર સુધી જાય છે. જ્યાંથી પાંચથી છ કલાકના અંતરે જેસલમેર પહોંચી શકાશે. અહીં સુધી આવવા માટે ટ્રેન-સેવા પણ ઘણી ઉપલબ્ધ છે. રોડ માર્ગ થોડો લાંબો પડી શકે છે, પરંતુ લોન્ગ ડ્રાઇવના શોખીનોને રોમાંચ પૂરો પાડશે.  

ઉપનામ : ગોલ્ડન સિટી ઑફ ઇન્ડિયા

કયારે શોધાયું : ૧૧૫૬ની સાલમાં

મુખ્ય શહેરોથી અંતર : જયપુરથી ૫૭૫ કિલોમીટર અને જોધપુરથી ૨૮૫ કિલોમીટર.

નજીકનું એરપોર્ટ : જોધપુર

બેસ્ટ સમયગાળો : નવેમ્બરથી માર્ચ

મુખ્ય ભાષા : મારવાડી, રાજસ્થાની, હિન્દી 

વસ્તી : ૬૫,૦૦૦ની આસપાસ

મુખ્ય આકર્ષણો : થાર રણ, જેસલમેર ફોર્ટ, ફોસીલ પાર્ક, હવેલીઓ, જૈન મંદિરો, 

ફરવા માટે સમય : ત્રણથી ચાર દિવસ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK