Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરકાર સામે સૌથી મોટો પડકાર:કોરોના સામે લડવું કે આર્થિક મહામંદી સામે?

સરકાર સામે સૌથી મોટો પડકાર:કોરોના સામે લડવું કે આર્થિક મહામંદી સામે?

10 May, 2020 09:30 PM IST | Mumbai Desk
Jayesh Chitalia

સરકાર સામે સૌથી મોટો પડકાર:કોરોના સામે લડવું કે આર્થિક મહામંદી સામે?

ભારતીય અર્થવ્યવસ્થા

ભારતીય અર્થવ્યવસ્થા


આપણા દેશમાં કોરોના કરતાં અનેકગણાં વધુ મોત અન્ય બીમારી યા અકસ્માતથી થાય છે અને લૉકડાઉન ચાલુ રહેશે તો કોરોનાને બદલે આર્થિક મંદીથી લોકો મરી જશે એવી દલીલોના પ્રવાહ અને પ્રમાણ વધવા લાગ્યાં છે. આ દલીલોને આધારે લૉકડાઉન પૂર્ણપણે ખોલી નાખવાની જોરદાર માગણી પણ થઈ રહી છે. વાત તો વિચારવા જેવી છે, પરંતુ લૉકડાઉન ખોલી દઈને ફરી મુક્ત માહોલ બનાવી દેવાથી શું થઈ શકે એ મુદ્દાને પણ એટલી જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આ ખેલ ખતરનાક સાબિત થઈ શકે છે

આપણા દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા અન્ય દેશોની તુલનાએ ઘણી ઓછી છે, આપણા દેશમાં કોરોના કરતાં વધુ મોત તો રોડ-અકસ્માત, રેલવે-અકસ્માત, કૅન્સર કે ટીબી, હાર્ટ અટૅક વગેરે જેવા રોગથી થાય છે. એથી કોરોનાના નામે હવે લૉકડાઉન ચાલુ રાખવાનું અને વેપાર-ધંધા સહિતની આર્થિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ચાલુ રાખવાનું વાજબી નથી, એવી દલીલો સતત વધી રહી છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો લૉકડાઉન વધારવાનું વિચારી વેપાર-ધંધા હજી પણ બંધ રાખવાનો યા આંશિકપણે જ ખોલવાનો આગ્રહ કરે છે, જેને કારણે આર્થિક મંદીની ભીંસ અને લોકોની બેકારી વધી રહી છે, જ્યારે બીજી બાજુ આર્થિક નિષ્ણાતો-અર્થશાસ્ત્રીઓનો એક વર્ગ સરકારને સતત લૉકડાઉન ખોલી નાખવાનો અનુરોધ તેમ જ સૂચનો કરી રહ્યાં છે. આમ નહીં કરાય તો લોકો કોરોનાને બદલે ભૂખમરાથી મરવા લાગશે એવો ભય પણ વ્યક્ત કરાય છે, જ્યારે સરકાર તરફથી એવા નિર્દેશ મળે છે કે જો લૉકડાઉન ખોલી નખાશે અને લોકોની હેરફેર મુક્ત કરી દેવાશે તો કોરોના પર અત્યાર સુધી રહેલો અંકુશ તૂટી જશે અને સંભવતઃ એકસાથે લાખો લોકો એનો ભોગ બની શકે, જેના દાખલા સ્વરૂપે વેસ્ટર્ન કન્ટ્રીઝના કિસ્સા આપણી નજર સામે છે. સરકાર કહે છે, ‘જાન હૈ તો જહાન હૈ’. આમ આ મુદ્દો હાલ સક્રિય અને ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે. આપણે આની બન્ને બાજુને સમજવાનો પ્રયાસ કરીએ.
મૃત્યુના આ આંકડાઓની તુલના કરાય નહીં
તાજેતરમાં દેશના ટોચના અંગ્રેજી અખબારે આ વિષયમાં તંત્રીલેખ લખીને સરકારનું ખાસ ધ્યાન ખેંચવાનો પ્રયાસ પણ કર્યો છે, જેમાં એણે આવી જ કંઈક દલીલો કરી છે કે રોડ પર અકસ્માત થાય એટલે આપણે કાર ચલાવવાનું બંધ કરી દેતા નથી. કોરોના કરતાં વધુ મોત અન્ય રોગો કે બીમારીને કારણે થાય છે, પરંતુ શું આવી તુલના વાજબી ગણાય? અન્ય બીમારી ચોક્કસ કારણોને લીધે આવતી હોય છે અને એ બધી બીમારીઓ આજની નથી, એનાં કારણો પણ વિભિન્ન હોય છે, જ્યારે કોરોના એ વાઇરસ છે, એમાં ચેપની ભારે ગંભીર શક્યતા છે. આજે એને કારણે જ સોશ્યલ ડિસ્ટન્સિંગનું મહત્ત્વ વધી રહ્યું છે. કોરોનાના આ ગંભીર સમયમાં બેદરકાર રહી બહાર નીકળવામાં સામે ચાલીને મરણને યા ગંભીર આફતને નોતરવા જેવું બની શકે છે. એક વ્યક્તિનો ચેપ બીજી અનેક વ્યક્તિને લાગી શકે છે, એથી જ તો એવી વ્યક્તિને અલગ રાખવામાં - આઇસોલેટ કે ક્વૉરન્ટીન કરવામાં આવે છે. આવું ટીબી કે કૅન્સરમાં કરાતું હોતું નથી. રોડ પરના અકસ્માતનાં કારણ પણ અનેક હોય છે. આપણા રોડની સ્થિતી, ચલાવનારની બેદરકારી વગેરે. ઇન શૉર્ટ, કોરોના અને અન્ય બીમારી-રોગના કારણે થતાં મૃત્યુના આંકડાઓની સરખામણી વાજબી નથી. રોડ-અકસ્માત અચાનક બને છે, જ્યારે કોરોના તો તમે જાણે બહાર જઈને સામેથી લેવા જાવ છો એવો ઘાટ છે. આ બીમારીને અથવા એના મરણને તમે સામે ચાલી આવકારવા જતા હો એવી વાત બની શકે છે. ઇન શૉર્ટ, મૃત્યુના આંકડાઓને આધારે કરાતી દલીલમાં ખાસ દમ ગણાય નહી. આવું જોખમ જે–જે દેશોએ લીધું છે અને પોતાની આર્થિક પ્રવૃત્તિઓને ચાલવા દીધી છે એમના અંજામ આપણી સામે છે.
લૉકડાઉન બાદનો સમય પણ કપરો જ
આપણા જેવા વસ્તીથી અને ગીચતાથી ફાટફાટ થતા દેશમાં કોરોના અને લૉકડાઉન પ્રત્યેની બેદરકારી લાખો લોકોની બીમારીની યા મરણપથારીમાં પરિવર્તિત થઈ શકે છે. આપણી પાસે એને પહોંચી વળવાની ક્ષમતા પણ નથી. વિચારો તો ખરા, તબીબી નિષ્ણાતો લૉકડાઉન ઊઠી ગયા બાદ પણ મહિનાઓ સુધી કાળજી રાખવાની, માસ્ક પહેરવાની, બહાર નહીં ખાવાની વગેરે જેવી અનેકવિધ સલાહ આપે છે, એનું શું કારણ હશે? કોરોના એ જ્યાં સુધી એની નક્કર દવા અને વૅકિસન શોધાતાં નથી ત્યાં સુધી આપણા સૌના જીવન પર મૃત્યુની લટકતી તલવાર સમાન ગણાય. આ રમત બહુ જ મોંઘી પડી શકે છે. જરા વિચાર તો કરો, જો આપણે ત્યાં હજી માત્ર ૧૦-૨૦ ટકા લોકો બહાર નીકળે છે એમાં કોરોનાનો વ્યાપ આટલો વધતો જાય છે તો ટ્રેન, મૉલ, રિક્ષા સહિત બધા વેપાર–ધંધા માટે હેરફેર ચાલુ કરી દેવામાં આવે તો શું થાય? એક હકીકત સૌએ સ્પષ્ટ સમજવી જોઈએ કે કોરોનાથી બચવાનો કોઈ ઉપાય હાલમાં છે જ નહીં, જે ઉપાય છે એ માત્ર એનાથી દૂર રહેવાનો જ છે.
આર્થિક મહામંદીની ઉપેક્ષા નથી, પરંતુ...
આનો અર્થ એ નથી કે સરકારે આર્થિક મહામંદીની સદંતર ઉપેક્ષા જ કરવી જોઈએ. સરકારે આ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહેલી આર્થિક બીમારીને પણ કોરોના જેટલી જ ગંભીરતાથી લેવી જોઈશે. ક્યાંક તો સરકારે માર્ગ કાઢવો જ પડશે, કારણ કે કોરોના હવે લગભગ આપણા જીવનની આસપાસ રહ્યા જ કરશે. આનો સામનો દરેકે પોતાની રીતે કરવાનો રહેશે. આ માટે દરેકે એક તબક્કે નિર્ણય લેવો પડશે. સરકાર હાલમાં ગરીબ-જરૂરતમંદ લોકોને સહાય કરવાનો મહત્તમ પ્રયાસ કરી રહી છે, પરંતુ ક્યાં સુધી? સામાજિક સંસ્થાઓ પણ આગળ આવીને આ વર્ગને સહાય કરી રહી છે, એ પણ ક્યાં સુધી થશે? વેપાર-ઉદ્યોગ બંધ રહ્યા કરશે અથવા નહીંવત્ કે આંશિક જ ચાલશે તો દેશનું તેમ જ સામાન્ય માનવીનું અર્થતંત્ર ક્યાં સુધી ચાલી શકશે? એ પણ મસમોટો સવાલ છે. મૃત્યુ કરતાં પણ બદ્તર કહી શકાય એવી બેકારીનો આંકડો પણ સતત વધી ગયો છે અને હજી વધવાની પૂરેપૂરી શક્યતા છે. નવી ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી મેળવનાર વર્ગ માટે જૉબ મેળવવાનું કઠિન બન્યું છે. જેમને અપોઇન્ટમેન્ટ લેટર મળી ગયા હતા, તેમને હવે કંપનીઓ તરફથી થોભી જવાનું કહેવાઈ રહ્યું છે. દર વરસે ઉચ્ચ શિક્ષણ લઈ બહાર આવતા લાખો યુવાનો નોકરી વિના શું કરશે? આવા અનેક સંવેદનશીલ સવાલો બહાર આવી રહ્યા છે. લાખો ફેરિયાઓ, સ્વરોજગાર ધરાવનાર વર્ગ શું કરશે? ક્યાં સુધી ટકી શકશે? નાના-મધ્યમ એકમો ક્યાં સુધી બંધ રહીને અથવા મંદીમાં વેચાણ નહીં થવાને કારણે કઈ રીતે ટકી શકશે? ક્યાં સુધી કર્મચારી-કામદારોને પગાર કે વેતન આપી શકશે? નાનાની વાત તો બાજુએ રહી, મોટી કંપનીઓ પણ ચિંતામાં મુકાઈ ગઈ છે. સરકાર નવાં રાહત-પૅકેજ લાવવાની છેલ્લા કેટલાક દિવસોથી માત્ર આશા આપી રહી છે. આમાં વેપાર-ઉદ્યોગ કયા આધારે ટકી શકશે? બૅન્કો ક્યાં સુધી લોન લંબાવી શકશે, હજી ત્રણ મહિના માટે રાહતની માગણી અત્યારથી થવા લાગી છે. સરકારે ટૅક્સ-જીએસટીમાં પણ ત્રણ મહિના માટે (માફી નહીં) પેમેન્ટમાં રાહત આપવાની કરેલી વાતનું પાલન થઈ રહ્યું છે, પરંતુ સરકાર પોતે આ આવકની અછતમાં કરશે શું?
ધીમે-ધીમે આગળ વધવામાં સાર
આ બધી આર્થિક તકલીફોનો ઉપાય કરવો જરૂરી છે, પરંતુ એ માટે આ તબક્કે લૉકડાઉન ખોલી નાખી ધંધા-પાણી કરવા દેવાની છૂટ આપી દેવાનું પગલું વિનાશક સાબિત થઈ શકે છે, એવો મત યુનિટ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને આર્થિક નિષ્ણાત ડૉ. એસ. એ. દવેએ વ્યક્ત કર્યો છે. તેમના મતે આપણે પરદેશોમાં લૉકડાઉન વિના જે થયું છે એના પરથી શીખ મેળવવી જોઈએ, જ્યાં લૉકડાઉનના પાલન વિના લાખો મરણ થયાં છે. કહેવાય છે કે કોરોનાનું પીક લેવલ તો હજી જૂન કે જુલાઈમાં આવવાની શક્યતા છે ત્યારે હાલમાં લૉકડાઉન ખોલી દઈને આ જોખમને વહેલું નોતરવા અથવા એની આક્રમકતા વધુ કાતિલ બનાવવી સલાહભર્યું નથી. જો આમ થશે તો એ સમયે આ જ પ્રજા બૂમાબૂમ કરશે કે સરકારે આ કદમ ખોટું ભર્યું. ડૉ. દવેના કહેવાનુસાર સરકાર ઑરેન્જ ઝોન અને ગ્રીન ઝોન માર્ગે હાલમાં ધીમે-ધીમે આર્થિક પ્રવૃત્તિ ખોલી રહી છે, આ ક્રાઇસિસની વિશાળતા જોતાં સમય લાંબો લાગવાનો એ નક્કી છે. આ વિષયમાં આપણી પ્રજાએ ઓવરક્રિટિકલ બનવું જોઈએ નહીં. આપણે ત્યાં લોકોની માનસિકતા એવી છે કે કંઈક બને કે વસ્તુસ્થિતિ સમજ્યા વિના તરત જજમેન્ટ અથવા રિઍક્શન આપવા માંડે છે. આ વિષયમાં ધીમે-ધીમે આગળ વધવામાં જ સાર છે.
સરકારી તંત્રની નિષ્ફળતા મોંઘી પડી
જોકે આ જ વિષયમાં દેશની નંબર વન રેટિંગ એજન્સી ક્રિસિલના ભૂતપૂર્વ સ્થાપક ચૅરમૅન અને હાલમાં ઇન્ડએશિયા ઍડ્વાઇઝર્સના ચૅરમૅન પ્રદીપ શાહનું કહેવું છે કે સરકાર ચોક્કસ પગલાં સમયસર લેવામાં નિષ્ફળ રહી છે, જેને કારણે પણ સમસ્યા વધી છે. સરકારે જ્યારે લૉકડાઉન જાહેર કર્યું એ પહેલાં જ ચોક્કસ આયોજન માઇગ્રન્ટ વર્કર્સ માટે કરવાની જરૂર હતી જે હવે આટલા સમય બાદ રહી-રહીને થઈ રહ્યું છે. હવે આ માઇગ્રન્ટ વર્કર્સ પોતાના ગામ જઈ ત્યાં કોરાના ફેલાવે એવો ભય ઊભો રહેશે. સરકારી અધિકારીઓ વચ્ચે પણ કેટલીયે બાબતોમાં સ્પષ્ટતાનો અને કો-ઑર્ડિનેશનો અભાવ રહ્યો છે. પ્રદીપ શાહના મત મુજબ નાના એકમોને હજી સુધી સરકારે કોઈ નક્કર રાહત આપી નથી, રોજેરોજ કામ કરી આવક રળતા વર્ગને હજી રઝળતો જ રખાયો છે. આ બધી બાબતોનું આયોજન કરવામાં સરકારી તંત્ર ઘણે અંશે નિષ્ફળ ગયું કહી શકાય. ક્યાંક એવું લાગે છે કે સરકારી તંત્ર કોરોના કન્ટ્રોલ અને ઇકૉનૉમી રિવાઇવલ બન્ને મોરચે હજી પણ મૂંઝવણમાં જ રહ્યું છે જેમાં આ બન્ને મોરચે હાલત કથળી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2020 09:30 PM IST | Mumbai Desk | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK