Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વિજય કાપડિયાને ભૂલી ગયા હશે પણ તેમનો ‘ચિત્કાર’ હજી હૃદયમાં ધબકે છે

વિજય કાપડિયાને ભૂલી ગયા હશે પણ તેમનો ‘ચિત્કાર’ હજી હૃદયમાં ધબકે છે

09 April, 2020 06:14 PM IST | Mumbai
Latesh Shah

વિજય કાપડિયાને ભૂલી ગયા હશે પણ તેમનો ‘ચિત્કાર’ હજી હૃદયમાં ધબકે છે

વિજય કપાડિયા

વિજય કપાડિયા


ચિત્કાર સફળ થવાનો શ્રેય ફક્ત લેખક-દિગ્દર્શક તરીકે મારો જ નથી. દેવાધિદેવ રંગભૂમિના દેવ નટરાજથી માંડીને હરેક નટનો છે. એ પછી ઑન સ્ટેજ હોય કે ઑફ સ્ટેજ હોય. તે કલાકાર હોય કે કસબી હોય. મહેનત બધાની હોય છે. જોકે એ વાત અલગ છે કે મુખ્ય ઍક્ટર બધાની ક્રેડિટ પચાવી જાય છે. નાટક સાથે લોકો હીરો-હિરોઇનને જ ઓળખે. બાકીના બધા સમયનાં વહેણમાં વહી જાય છે. મને કબૂલ કરવા દો કે ચિત્કારમાં બધાની મહેનત રંગ લાવી. કોઈની ઓછી કે કોઈની વધુ મહેનત, પણ મહેનત તો ખરી જ બધાની. નાટક એટલે ટીમવર્ક. એટલે અત્યારે કોરોના સમયે રોજના વેતન પર પોતાનું ઘર ચલાવતા કસબીઓ માટે બધા આગળ આવ્યા છે અને ફંડ ભેગું કરી રહ્યા છે. એમાં કલાકારો સાથે ખરા પ્રેક્ષકો પણ ફાળો નોંધાવી કસબીઓને મદદ કરી રહ્યા છે. થૅન્ક્સ દિલદાર પ્રેક્ષકો. આપનો ખૂબ-ખૂબ આભાર. 

ચિત્કારમાં કલાકારો તો પાત્ર અનુરૂપ સરસ મળ્યા જ હતા, પણ કસબીઓ પણ એટલા જ ઉત્તમ મળ્યા હતા. એક બાજુ અજિત મર્ચન્ટ અને બીજી બાજુ વિજય કાપડિયા. ત્રીજી બાજુ  બચુ સંપટ. ત્રણ ભાટિયા. એ જમાનામાં ભાટિયાઓ થિયેટરમાં બહુ ઍક્ટિવ હતા. પ્રવીણ જોષીના ફેવરિટ મ્યુઝિક ડિરેક્ટર અને સ્માર્ટલી નિર્માતા બની ગયેલા કિરણ સંપટ, આઇએનટીને ઉપર લઈ જવામાં અને નીચે પાડવામાં તેમનો એટલે કે ભાટિયાઓનો સરસ સાથ-સહકાર-સહયોગ રહ્યો. મારી સાથે બે સર્જનકારો જોડાયા હતા. બન્નેને ક્રીએશનમાં જ રસ. અજિતભાઈ અને વિજયભાઈને ન પબ્લિસિટી‍માં રસ હતો કે ન પૈસામાં, પણ જો તેમના ક્રીએશનની કોઈએ, કોઈ પણ રીતે આંગળી કરી, તો માર્યા ઠાર. ગયે કામ સે. એમાં વિજયભાઈ તો અટેન્શન માસ્ટર. જો તેમણે કહ્યું એ પ્રમાણે સેટ ન બન્યો તો રડારોડ કરી મૂકે. મને યાદ છે કે એ ભાંગવાડી થિયેટરમાંથી બની ગયેલા શૉપિંગ સેન્ટર, જ્યાં અમે રિહર્સલ કરતાં હતાં, ત્યાં દાદરા ચડતા હોય અને મને ખબર પડે તો હું છુપાઈ જાઉં. જો તેમના સેટમાં જરા પણ કૉમ્પ્રોમાઇઝ કર્યું તો તે ભાંગવાડી ગજાવી નાખે. કદાચ મારા કરતાં વધારે વખત સ્ક્રિપ્ટ તેમણે વાચી હતી. એ સ્ક્રિપ્ટ પ્રમાણે સેટ બનાવે, એ પ્રમાણે જ ફર્નિચર  બનાવડાવે, એના રંગ નક્કી કરે અને આર્ટિસ્ટ્સના કૉસ્ચ્યુમ્સના કલરમાં પણ તેમનો ચંચૂપાત હોય જ. તે હંમેશાં માનતા કે સેટ એ લેખક-દિગ્દર્શકને, તેમની સર્જનાત્મક શક્તિને સપોર્ટ કરે એવો હોવો  જોઈએ. મને લાગે છે કે સૌથી વધારે, બીજા બધા કરતાં વિજય કાપડિયા, ચિત્કાર અને મારાં બીજાં નાટકોમાં, મારી સાથે એની રચનાત્મકતા વિશે ડિસ્કસ કરવા બેઠા હશે. વિજયભાઈ દરેક નાટકના દરેક શોમાં આવે જ. જો સેટ બરાબર ન લાગ્યો હોય તો સેટવાળાની ધૂળ કાઢી નાખે.  ગજબનો ધૂની માણસ હતો. રંગભૂમિનો ઓલિયો હતો. સહન ન થઈ શકે એવો કસબી હતો અને એટલો જ મૃદુ અને ક્રીએટિવ કલાકાર હતો. સેટ સાથે પ્રકાશ આયોજનમાં પણ માથું મારે. તે હંમેશાં કહેતા, મારા નાટકમાં બધું બરાબર મૅચ થવું જોઈએ. ગુજરાતી નાટકો બીજી ભાષાનાં નાટકોથી અલગ પડવાનું મુખ્ય કારણ એનો સ્ટેજ પરનો દબદબો હતો. ઝાકઝમાળ, ભવ્ય સેટ  રચના. એમાં વિજય કાપડિયાનો સિંહફાળો હતો. વિજયભાઈએ મારા એક નાટક ‘ભાગીદાર’નો સેટ બનાવેલો જે જોવા મરાઠી, હિન્દી, ગુજરાતી સ્ટેજના ખેરખાઓ જોવા આવતા. લોનાવલાનો એક બંગલો બતાવ્યો હતો. પડદો ઊઘડે અને તમને લાગે કે તમે લોનાવલામાં છો અને અલૌકિક, અદ્ભુત તેમનો સન્નીવેશ જોઈને પ્રેક્ષકો શોના અંતે, સ્ટેજ પર દોડી આવતા. મેં માર્ક કર્યું હતું કે તેમને રૉયલ્ટીની પડી જ નહોતી, પણ દરેક નાટકમાં બે-ત્રણ હજાર પુસ્તકો ખરીદવામાં વાપરી જ નાખે. ચિત્કારમાં સાદો સેટ હતો, પણ ભવ્ય લાગે. તેમણે નવું-નવું કરવાની મજા આવે. તેણે મને ક્યારેય નથી કહ્યું કે સેટ આમ બનાવવો શક્ય નથી. ઑલવેઝ કહેશે, પોસિબલ છે. પ્રવીણ જોષી જેવા ધુરંધર દિગ્દર્શક સાથે તેમણે નાટ્યસ્પર્ધાથી શરૂઆત કરી હતી. ૧૯૬૩માં રાજ્ય નાટ્યસ્પર્ધામાં જયહિન્દ કૉલેજ તરફથી પ્રવીણ જોષી દિગ્દર્શિત ‘શ્યામ ગુલાલ’ને ૬ પારિતોષિક મળ્યાં એમાં શ્રેષ્ઠ સન્નીવેશનું પારિતોષિક શ્રી વિજય કાપડિયાને મળ્યો હતો. માથાફરેલ કાળા માથાનો માનવી વિજય કાપડિયા ઑફ સ્ટેજનો હીરો હતો. આજે ભુલાઈ ગયેલી આ મહાન હસ્તીનો ગુજરાતી રંગભૂમિ પર સિંહફાળો છે. પ્રવીણ જોષીનાં લગભગ બધાં નાટકોમાં એ જ હોય.  શૈલેષ દવેનાં નાટકોમાં તેમના વગર ન જ ચાલે. શફી ઇનામદાર, સુરેશ રાજડા, પરેશ રાવલ, આતિષ  કાપડિયા, વિપુલ શાહ, ઉમેશ શુક્લા બધાને વિજય કાપડિયા જ નાટકોના સેટ બનાવી આપતા અને બધા સાથે ઝઘડે અને સેટ પણ બનાવી આપે. રંગભૂમિના લોકોને તો સેટ જોઈને ખબર પડી જાય કે સેટ વિજયભાઈનો છે કે નહીં. આંતરરાષ્ટ્રીય સ્તરે બધાં જ નાટકો અને તેમના સેટ્સ સાથે તો જાણે તેમને ઘરોબો હતો. તેમના સેટ્સના ઉપર લગાડેલું કપડું કે દરવાજા-બારીના કર્ટન પણ વિજયભાઈની સર્જનશીલતાની ચાડી ખાતા હોય. ‘ચિત્કાર’ના પડદા અને ટેપેસ્ટ્રી લેવા તે સુજાતાને સાથે લઈ જતા. 



વિજયભાઈની ડિઝાઇન સમયથી ૨૦ વર્ષ આગળ હતી. મારાં દરેક નાટક દરમ્યાન તેમની  પુષ્કળ ઝઘડા અને બોલાચાલી થતાં. એ બધો ડ્રામા અને હંગામો થાય નાટકની ભલાઈ માટે જ. એના શ્વાસ-ઉચ્છવાસમાં રંગભૂમિ જ ભરેલી હતી. ચિત્કાર કલાકાર કરતાં તે રિહર્સલમાં વધુ બેસતા. તેમના તરફથી ઘણાં સજેશન આવતાં અને ભૂલથી તમે ન સાંભળો એટલે તેમના બૂમબરાડા શરૂ થઈ જાય અને પછી ગુસ્સામાં રિહર્સલ  છોડીને  જતા રહે. શૈલેષ દવે અને વિજયભાઈ તો સેટ અને સબ્જેક્ટની ચર્ચા કરતા, હાથાપાઇ પર આવી ગયા હતા. શ્રી પ્રવીણ જોષીના ‘માણસ નામે કારાગાર’ નાટકમાં સેટની ડિઝાઇનનાં પેપર ફાડીને નીકળી ગયા હતા. છેવટે ગૌતમ જોષીએ (હજી ૯૩ વર્ષની ઉંમરે, તંદુરસ્તીથી જીવે છે, આઇએનટીનું રહ્યુંસહ્યું કામ સંભાળે છે. તેમના વિશે આગળ વાત કરશું.) એનો સેટ બનાવવો પડ્યો હતો. વિજયભાઈ જેવો કસબી, કલાકાર બીજો પેદા થવો મુશ્કેલ છે. ચિત્કારના ૧૦૦, ૨૦૦, ૩૦૦ શો સુધી તેઓ રેગ્યુલર હતા. તેમની આંખમાં એ થિયેટર આંજીને આવતા. તેમની આંખમાં એક કર્મનિષ્ઠ ક્સબીની ચમક હતી. ગૌતમ જોષી સાથે તેમણે ઘણી ઇવેન્ટ્સ કરી, પણ તેમનું મન તો થિયેટરમાં જ હતું. છેલ્લાં ચાર વર્ષ તેમની સહાયક તરીકે ટ્વીશા પાલ હતી. આજે બહુ સફળ આર્ટ ડિરેક્ટર છે, એનું કહેવું છે કે એના જેવો ક્રીએટિવ કસબી, જે પોતાના કામમાં જ ઓતપ્રોત રહે, મેં હજી સુધી જોયો નથી. તેમની ભત્રીજી ઉષ્માનું કહેવું છે કે હું તો તેમના હાથમાં જ ઉછરી છું. મેં તેમને ક્યારેય ઘરમાં ઊંચા અવાજે બોલતા સાંભળ્યા નથી. હંમેશાં નાનાથી મોટાઓને તમે કહીને જ બોલાવે. સુજાતાના કહેવા પ્રમાણે કલાકારો સાથે પણ મૃદુ  હતા. દિગ્દર્શકો માટે કાળઝાળ હતા. નો કૉમ્પ્રોમાઇઝ છતાં કોઈ દિગ્દર્શક તેમણે છોડી નહોતા શકતા. વિજય કાપડિયા એટલે પૅશનેટ, ઉત્તેજના અને ઉત્સાહ થઈ ભરપૂર વ્યક્તિત્વ. તમે હંમેશાં અમારા અસ્તિત્વમાં જીવશો. તેમનું નિધન ઑક્ટોબર ૨૦૦૪માં કૅન્સરને લીધે થયું, પરંતુ કલારસિકોમાં હજી જીવંત છે.


માણો  ને મોજ કરો
જાણો અને જલસા કરો
સમય તમે વાપરો છો કે સમય તમને વાપરે છે. સમય તમે પસાર કરો છો કે તમને સમય પસાર કરે છે. સમયને તમે કામે લગાડો છો કે સમય તમને કામે લગાડે છે. અજબગજબની રમત છે. રાજા-રજવાડાં, સામ્રાજ્યો, ધનકુબેરો, લીડરો, નેતાઓ, શેઠિયાઓ, શ્રીમંતો, ગરીબો આવ્યા અને ગયા. સમયની અલગ-અલગ વ્યાખ્યા, બુદ્ધિશાળીઓ અને મુરખાઓએ કરી, એય જતા રહ્યા. યુગોના યુગો જતા રહ્યા. સમય હજી એમનો એમ જ છે એટલે સમય પસાર થતો જ નથી. 
આપણે સમય પરથી પસાર થઈ જઈએ છીએ. સમય જેવું કંઈ છે ખરુ? મુંઝાવ નહીં, સમયમાં મય થાઓ. સમય પસાર થવાની ખબર ન પડે તો સ્વર્ગ છે. સમય પસાર થવાની ખબર પડે તો નર્ક છે. જવા દો સમયને સમજવાની મગજમારી. 
મરણને માણો મોજ કરો
જીવનને જાણો ને જલસા કરો.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2020 06:14 PM IST | Mumbai | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK