Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જૈનોના પ્રાચીન તીર્થોમાં ખંભાતનો મહિમા અપ્રતિમ ગવાયો છે

જૈનોના પ્રાચીન તીર્થોમાં ખંભાતનો મહિમા અપ્રતિમ ગવાયો છે

12 January, 2020 05:34 PM IST | Mumbai Desk
chimanlal kaladhar

જૈનોના પ્રાચીન તીર્થોમાં ખંભાતનો મહિમા અપ્રતિમ ગવાયો છે

જૈનોના પ્રાચીન તીર્થોમાં ખંભાતનો મહિમા અપ્રતિમ ગવાયો છે


પ્રાચીન સમયથી ‘ત્રંબાવટી’ નગરીના નામે પ્રસિદ્ધિ પામેલા તીર્થ ખંભાત શહેરનો ઇતિહાસ અનેક રોમહર્ષક ઘટનાઓથી ભરપૂર છે. એક કાળે ખંભાતની બંદર તરીકેની નામના જગવિખ્યાત હતી. ધીખતા વેપારી બંદર તરીકે ખંભાતના ચારે દિશામાં ડંકા વાગતા હતા. 

આ પ્રાચીન નગરીમાં સ્થંભન પાર્શ્વનાથ પ્રભુનો આજે પણ એટલો જ મહિમા પ્રર્વતે છે. આ મહિમાશીલ જિનમંદિરથી આ તીર્થ ‘સ્થંભનતીર્થ’ તરીકે ઓળખાયું છે. ખારવાડા વિસ્તારમાં આવેલ શ્રી સ્થંભન પાર્શ્વનાથનું ત્રણ શિખરોવાળું ભવ્ય ગગનચૂંબી જિનાલય જોતા જ આનંદવિભોર બની જવાય છે. શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની ૨૩ સે‌ન્ટિમીટરની નિલમની પદ્માસનસ્થ પ્રતિમા જોતા જ તેની પાસેથી ખસવાનું મન થતું નથી. આ પ્રતિમા ઘણો સમય સુધી અદૃશ્ય રહ્યા બાદ વિ.સં. ૧૧૧૧માં નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ મહારાજે શેઢી નદીના કિનારે ભક્તિભાવપૂર્વક ‘જયતિહુઅણ’ સ્તોત્રની રચના કરતા અધિસ્ઠાયક દેવ પ્રસન્ન થયા હતા અને અલૌકિક પ્રતિમા તે સમયે અનેક ભક્તગણો સમક્ષ પ્રગટ થઈ હતી. હાલના મંદિરના એક શિલાલેખ પરથી જણાય છે કે મોઢવંશીય બેલાશ્રેષ્ઠીની ધર્મપત્ની બાઈ બીદડાએ સ્થંભન પાર્શ્વનાથનું આ જિનાલય બંધાવ્યું છે. એ પછી કાળાન્તરે આ જિનાલયના અનેક જિર્ણોદ્ધાર થયા છે. છેલ્લો જિર્ણોદ્ધાર વિ. સં. ૧૯૮૪માં થયો હતો. જેની પ્રતિષ્ઠા શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિ મહારાજના વરદ્હસ્તે થઈ હતી. શ્રી કુશલલાભ કૃત થંભણા પાર્શ્વનાથ બૃહત્ સ્તવનમાં એથી જ કહેવાયું છે કે -
કેતલે વરિસે દેસ ગુજ્જર,
સયલ મલેચ્છામણ થયઉ,
ભલઉ ઠામ જાણી બિંબ આણી,
નયર ખંભાઇત રચ્ય ઉ.
જૈન ઇતિહાસના પાને નોંધાયું છે કે સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાના નહવણ જળથી નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજનો દેહ નિરોગી થયો હતો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે અહીં ખંભાતમાં ‘સગાળવસહીકા’માં વિ. સં. ૧૧૫૦માં દીક્ષા અંગીકાર કરી હતી. તેમણે પોતાની જ્ઞાન-વિદ્યાની સાધના આ નગરથી જ આરંભી હતી. એમના સમયે અહીં ૧૦૦થી અધિક કોટયાધીશો વસતા હતા. એ સમયના ગુજરાતના મહામંત્રી ઉદયન મહેતા પણ ખંભાતમાં વસતા હતા. જેમણે અહીં ‘ઉદયવસહી’ નામના એક ભવ્ય ચૈત્યનું નિર્માણ કરાવ્યું હતું. વિ. સં. ૧૨૭૭માં આ નગરના દંડનાયક વસ્તુપાળે તાડપત્ર પર અનેકાનેક ગ્રંથો લખાવ્યા હતા. જગદ્ગુરુ હીરવિજયસૂરિ, સેનસૂરિ, સોમસુંદરસૂરિ જેવા પ્રભાવક જૈનાચાર્યોએ અહીંયા અનેક જિનમંદિરોની પ્રતિષ્ઠા કરાવી હતી. આવા સમર્થ, પ્રભાવક જૈનાચાર્યો દ્વારા ખંભાતમાં અનેક ગ્રંથોની રચના થઈ હતી. સોની તેજપાલ, સંઘવી ઉદયકરણ, શેઠ રાજીયા-વાજીયા, શ્રીરામ, શ્રી પર્વત, શ્રેષ્ઠિ રામજી, શ્રીધર શ્રેષ્ઠિ, મલ્લ-સોમજી શાહ, લાડુઆ ગાંધી, વાઘજી શાહ, ખીમો વ્યાવહારી જેવા અનેક શ્રાવક શ્રેષ્ઠીઓએ આ નગરની શોભા અને જાહોજલાલી વધારી હતી, અનેક જિનમંદિરો બંધાવ્યાં હતાં.
પ્રાચીનકાળમાં ખંભાત બંદર તેના બહોળા વ્યાપારને કારણે ‘દુનિયાનું વસ્ત્ર’ કહેવાતું. હિન્દનો સમ્રાટ અકબર ખંભાતના રાજા તરીકે ઓળખાતો. અહીં હીરવિજયસૂરિજીએ આ પાવન ધરા પર સાત સાત ચાતુર્માસ કર્યા હતા અને ૨૫થી અધિક જિનમંદિરોની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમના શિષ્ય સેનસૂરિએ પણ આ નગરમાં ૨૨ દેવાલયો નિર્માણ કરાવ્યાં હતાં. મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ ખંભાતમાં સ્થિરતા કરીને અહીં ‘શ્રી જંબુસ્વામી રાસ’ની રચના કરી હતી. સમયસુંદર મહારાજે પણ ખંભાતમાં રહીને ‘શબ્દાર્થ વૃત્તિ’ નામના ગ્રંથની રચના કરી હતી. શ્રી આત્મારામજી મહારાજે આ જ નગરીમાં ચાતુર્માસ કર્યું હતું અને એ ચાતુર્માસમાં જ તેમણે અહીં ‘અજ્ઞાન તિમિર ભાસ્કર’ ગ્રંથની રચના કરી હતી. સમર્થ જૈનાચાર્ય શ્રી વિજયસેનસૂરીજીનો સ્વર્ગવાસ પણ આ પાવનભૂમિ પર થયો હતો. જૈનાચાર્ય શ્રી વિજ્ઞાનસૂરિમહારાજ અને જૈનાચાર્ય શ્રી પ્રેમસૂરિમહારાજનો કાળધર્મ પણ આ ધન્ય ધરા પર થયો હતો.
પૂર્વે આ નગરી જળમાર્ગે દેશ-વિદેશ સાથે વ્યાપાર સંબંધો ધરાવતી હતી. એ કાળ ખંભાત બંદરનો વ્યાપાર મોટા પાયે ધમધમતો હતો. વેપાર સાથે વણિકોનો સંબંધ કાળ જૂનો છે. આ નગરના વિકાસમાં અને જાહોજલાલીમાં અહીંના કુશળ નગરશ્રેષ્ઠીઓનો સિંહફાળો હતો. એ સમયે મહારાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપા‍ળ મહારાજાની આ નગર પર સતત અમીદૃષ્ટિ રહી હતી. સં. ૧૨૭૭માં મહામાત્ય વસ્તુપાળ આ નગરનો દંડનાયક નિમાયો હતો. આ નગરને સમૃદ્ધ કરવામાં તેમણે અથાક પ્રયત્નો કર્યા હતા. અહીંના મુસ્લિમ અધિકારી સૈયદ જેવા ક્રૂર કાંટાઓને પોતાની કુનેહથી દૂર કરીને તેમણે અહીંની પ્રજાને નિર્ભય બનાવી હતી. શ્રી શત્રુંજય ઉદ્ધારક શેઠ સમરસિંહના ભરાવેલ જિનબિંબો અને ષટ્ટો અહીનાં મંદિરમાં આજે પણ હયાત છે. સમરસિંહના પુત્ર સાજણસિંહ એ પછી ખંભાતના નિવાસી બન્યા હતા. રાજદરબારમાં એમને ‘ઓસવાલ ભૂપાલ’નું માનવંતુ સ્થાન અપાયું હતું.
સોળમાં શતકમાં ખંભાતમાં થયેલ શ્રેષ્ઠીવર્યશ્રી ઋષભદાસ બારવ્રત ધારી શ્રાવકની સાથે એક ઉત્તમ કવિ પણ હતા. તેમણે રચેલા અનેક રાસોમાં ખંભાતનું એ સમયનું વર્ણન જોવા મળે છે. એ સમયનું ખંભાતનું નગરજીવન, લોકોની રહેણીકરણી, સેવાકાર્યો, જૈનાચાર્યોનું પ્રદાન વગેરેનો વિશદ્ ઇતિહાસ તેમની અનેક પદ્યકૃતિઓમાં જોવા મળે છે. કવિ ઋષભદાસે લખેલ ‘હીરવિજયસૂરિ રાસ’માં ખંભાતનું નીચે પ્રમાણે વર્ણન જોવા મળે છે -
સકલ નગરમાં જોઈ, ત્રંબાવટી તે અધિકી હોઈ,
સકલ દેશ તણો શણગાર, ગુજ્જરદેશ નર પંડિતસાર,
પંચાસી જિન પ્રાસાદ, ધ્વજ તોરણ તિહાં ઘંટનાદ,
પીસ્તાલીશ તિહાં પૌષધશાળ,
કરે વખાણ મુનિવાચાળ.
જગદગુરુ શ્રી હીરવિજયસૂરિના જમાનામાં અહીં ખંભાતમાં અનેક ઉદારચરિત શ્રેષ્ઠીઓએ વિશાળ અને શિલ્પ સમૃદ્ધિથી યુક્ત એવા અનેક અદ્ભુત જિનમંદિરો નિર્માણ કરાવી પોતાની અવિડહ ધર્મભાવના અને કલાભક્તિનો પરિચય આપ્યો હતો. સં. ૧૬૩૮માં સંઘવી ઉદયકરણે શ્રી ચંદ્રપ્રભસ્વામી જિનમંદિરની પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિના કરકમલ દ્વારા કરાવી હતી. ધનાઢય શ્રેષ્ઠી સોની તેજપાલે સં. ૧૬૪૬માં આજ સૂરિવર્ય પાસે શ્રી અનંતનાથ પ્રભુના દેવાલયની પ્રતિષ્ઠા કરાવી હતી. માણેકચોકમાં શ્રી વિજય ચિંતામણી પાર્શ્વનાથ જિનમંદિર તેમણે જ બંધાવ્યું હતું. તેમનો પરિચય આપતા કવિ ઋષભદાસ લખે છે કે -
ઇન્દ્ર ભુવન જિસ્યું દેહરું કરાવ્યું, ચિત્ત લલિત અભિરામ,
ત્રેવીસમો તીર્થંકર સ્થાપ્યો, વિજય ચિંતામણી નામ હો,
ઋષભ તણી તે મુરતિ ભરાવી, અત્યંત મોટી સોચ,
ભૂંઇરામાં જઈને જૂહારો, સમકિત નિરમલ હો,
અનેક બિંબ જેણે જિનના ભરાવ્યા,
રૂપક-કનક-મણિ કેરા,
ઓશવંશ જેણે ઉજ્જવલ કરીએ,
કરણી તાસ ભમારો હો.
પ્રાચીન અને ઐતિહાસિક તીર્થ ખંભાતના વર્ણન માટે હજારો પૃષ્ઠો લખાઈ શકે. સ્થળ મર્યાદાના કારણે આવતા અંકમાં આ તીર્થની વધુ માહિતી સાથે આ લેખ પૂર્ણ કરવા અમે કૃતનિશ્ચયી છીએ.


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2020 05:34 PM IST | Mumbai Desk | chimanlal kaladhar

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK