બસ એ જ મારું છે

Published: Jan 12, 2020, 17:45 IST | hiten anandpara | Mumbai Desk

અર્ઝ કિયા હૈ : જેની મસમોટી ફૅક્ટરી હોય અને હજારો માણસો કામ કરતા હોય એવો કોઈ અબજોપતિ ઉદ્યોગપતિ પોતાના ધર્મગુરુ કે ભૂતપૂર્વ શિક્ષકને વંદન કરે એ ક્ષણે એનું માલિકપણું અહોભાવમાં રૂપાંતર થઈ જાય. દિનેશ દેસાઈ વિચારવંદના કરે છે...

મારું શર્ટ હોય કે મારું સ્વમાન, બન્ને મારા માટે અગત્યના હોય. એકમાં દેખાવ સંકળાયો છે અને એકમાં દર્પણ. દર્પણમાં તિરાડ કોઈને ન ગમે. ખલીલ ધનતેજવીના ખુમારીભર્યા શેર સાથે મહેફિલનો આગાઝ કરીએ... 

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર
પરંતુ હાથ જોડીને તને મળવા નહીં આવું
તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે
નદીની જેમ દોડીને તને મળવા નહીં આવું
નમન-નમનમાં ફેર હોય. એમાં નમ્રતા પણ હોઈ શકે કે લાચારી પણ હોઈ શકે. એમાં વંદનનો ભાવ પણ હોઈ શકે કે ક્રંદનનો ઉચાટ પણ હોઈ શકે. પરાજિત રાજા વિજેતા રાજાને પગે પડે ત્યારે એના રાજ્ય-રિયાસત સાથે સ્વમાન પણ સમર્પિત કરી દેવું પડે. મંદિરની બહાર શેઠને પગે પડી જતા ભિખારી પાસે ભૂખનો કોઈ જવાબ નથી હોતો. જેની મસમોટી ફૅક્ટરી હોય અને હજારો માણસો કામ કરતા હોય એવો કોઈ અબજોપતિ ઉદ્યોગપતિ પોતાના ધર્મગુરુ કે ભૂતપૂર્વ શિક્ષકને વંદન કરે એ ક્ષણે એનું માલિકપણું અહોભાવમાં રૂપાંતર થઈ જાય. દિનેશ દેસાઈ વિચારવંદના કરે છે...
મનના સૌ વિચારો તારામાં રહે
મન મારું પછી ક્યાં મારામાં રહે?
અપ-ડાઉન કરે છે શમણાં પણ સતત
કલ્પન ને હકીકત વારામાં રહે.
કોઈકના વિચારોમાં ખોવાઈ જઈએ ત્યારે આપણું મન વશમાં નથી રહેતું. ખરેખર તો કોઈ વિષયમાં ઊંડા ઊતરીએ પછી જ એની બારીકી સમજાય. કેટલીક વાર એવું પણ થાય કે મહિનાઓ સુધી જે સમસ્યા પર ચિંતન કર્યું હોય અને એનો કોઈ ઉકેલ મળતો ન હોય ત્યારે નાસીપાસ થવાની ક્ષણે એકઝાટકે ઉકેલ મળી જાય. અંતિમ ઉકેલ પણ ચળાઈ-ગળાઈને આવતો હોય છે. એના માટે ભીતર સાથે વાત કરતાં શીખવું પડે. નિનાદ અધ્યારુનો શેર આ અવસ્થાની અહેમિયત બયાં કરે છે...
સાવ સહજ બસ ધ્યાન થયું છે
મારું હોવું મ્યાન થયું છે
લીધું નહીં ને લહાણી આવી
દીધું નહીં ને દાન થયું છે
કોલાહલ ને ઘોંઘાટના વાતાવરણમાં ધ્યાનની ક્ષણ સરકી જતાં વાર નથી લાગતી. ટ્રાફિકમાં અટવાઈને સ્ટેશન પર માંડ-માંડ પહોંચ્યા હોઈએ અને આપણી નજર સામે ગુજરાત મેલ ઉપડી જાય ત્યારે હાથમાં રહી ગયેલી કન્ફર્મ ટિકિટ જોઈને નિસાસો નાખવો પડે. આપણી ભીતરના વિશ્વમાં પ્રવેશી, કશેક જવાની તક ઘણી વાર આ રીતે આપણા હાથમાંથી નીકળી જતી હોય છે. ઉર્વીશ વસાવડાની વાત અનુભવના નિચોડ સમી છે...
રાઈ મુઠ્ઠી ન એક આપી શકે
વેદના એ જ તો છે ઘરઘરની
દ્વાર મારું મને મળ્યું આખર
ઠોકરો ખાઈ લાખ દરદરની
જાતને સમજવા માટે જગતને સમજવું પડે અને જગતને સમજવા માટે જાતને જાણવી પડે. પાણીમાં જીવતી માછલીએ પાણીની ભાષા શીખ્યા વગર છૂટકો નથી. રઝળપાટ અને રખડપટ્ટી આ બન્નેમાં ફેર છે. એ સમજાય તો ઘણા તાત્વિક વિચારોને આત્મસાત કરવા સહેલા પડે. રઝળપાટમાં ક્યાં જવું છે એની ગતાગમ ઓછી હોય છે અને રખડપટ્ટીમાં ક્યાંય જવું નથી, બસ માણવું છે એની સમજણ કામ આવે છે. નિત્ય પ્રવાસી પણ કદાચ કબૂલ કરશે કે દુનિયામાં ચોરતરફ ઘૂમી વળીએ પછી જ ઘરનું મહત્ત્વ વિશેષ સમજાતું હોય છે. ગુલામ અબ્બાસ નાશાદ સંતુલન સાધે છે...
ઉપચાર શક્ય છે છતાં એ થઈ શક્યો નહીં
ચમક્યું છે મારું ભાગ્ય દરદ લાજવાબ લઈ
‘નાશાદ’ હું મથું છું કે સરભર હો પુણ્ય-પાપ
જાવું નથી જગતથી અધૂરો હિસાબ લઈ
પુણ્યના ગુણાંક વધારે હોય અને પાપના ગુણાંક નહિવત હોય એવી સ્થિતિ આવકાર્ય છે. જે દિવસે આપણે અરીસાને જવાબ આપતા શીખી જઈશું એ દિવસથી પાપ-પુણ્યની વ્યાખ્યા વધારે સ્પષ્ટ બનશે. પૈસા મેળવવા લોકો પાપને ગળે વળગાડતા અચકાતા નથી. વર્ષો સુધી ઝૂંટવીને, ઉસેટીને, ઘાલમેલથી મેળવેલા ધન-સાધન પછી ભીતરનો માંહ્યલો ક્યારેક તો જાગૃત થતો જ હોય છે. આ જાગૃતિ જેટલી વહેલી આવે એટલું સારું. મહેશ મકવાણાની પંક્તિ શાશ્વત સવાલ છેડે છે...
જે તને હું નથી કહી શકતો
એ બધી વાત થાય છે અંદર
કોણ મારું ને હું ય કોનો છું
એ સતત વાદ થાય છે અંદર
આપણે કોણ છીએ એનો ઉત્તર મેળવવો એ જન્મોથી પાર જતી પ્રક્રિયા છે. આયુષ્યનો દરેક દાયકો પોતાનો વિશેષ નિષ્કર્ષ લઈને આવતો હોય છે. આપણે એવા શિખર પર ચડતા શીખવાનું છે જેમાં ટોચ પર પહોંચવાની સ્પર્ધા કરતાં વધારે મહત્ત્વ ટોચ પર પહોંચવાની પ્રક્રિયાનું હોય. કૃષ્ણને આપણે ગમે એટલા સ્મરીએ, પૂજીએ અને ન્યોચ્છાવર થઈએ પણ એમનો એક ઉપદેશ આપણે વાસ્તવિકતામાં કદી અપનાવી નથી શકતા - કર્મ કરવું, ફળની આશા રાખવી નહીં. ઈશ્વર સાથે પણ આપણું સગવડિયું અનુસંધાન હોય છે. આપણને ફાવે તેટલું જ સ્વીકારવાનું. નીરવ વ્યાસ કહે છે એવો ઉપચાર આવશ્યક છે...
આમ એને અડ્યો નથી, કિન્તુ
થઈ ગઈ છેડછાડ; ભીતરથી
ચિત્ત-ભ્રામક બધાં ત્યજી ઔષધ
દર્દ મારું મટાડ, ભીતરથી
ક્યા બાત હૈ
હિસાબે નીકળે બસ એ જ મારું છે
ખરેટાણે મળે, બસ એ જ મારું છે
ભલેને હોય મબલખ અન્ય પાસે, પણ
બધાને સાંકળે બસ એ જ મારું છે
પ્રકારો ભિન્ન છે તપવા ને બળવાનાં
ન બાળે કે બળે, બસ એ જ મારું છે
જુદારો આજ નહીં તો કાલ, કઠવાનો
બધા સાથે ભળે બસ એ જ મારું છે
કરે છે બદદુઆ જે, એમને કહેજો
દુઆ થઈને ફળે બસ એ જ મારું છે
મુકદ્દર સાથ આપે કે ન આપે પણ
મહેનતથી મળે બસ એ જ મારું છે
સમય સાથે સમન્વય સાધવા ખાતર
પળેપળને કળે, બસ એ જ મારું છે
ડૉ. મહેશ રાવલ

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK