એ પણ એક દિવાળી હતી અને આ પણ એક દિવાળી હશે

Published: 19th October, 2020 22:56 IST | Falguni Jadia Bhatt | Mumbai

આ વરસે કોરોનાએ આપણા જીવનના પ્રત્યેક તહેવાર પર અસર કરી છે અને હવે તો દિવાળી પણ એનાથી બાકાત રહેવાની નથી. પરિણામે આ વર્ષની દિવાળી દિવાળી લાગશે કે કેમ એ પણ એક સવાલ છે. તેમ છતાં જો કંઈક નવું અને નોખું વિચારીશું તો દિવાળી પણ નવી બની શકશે...

 આ વર્ષની દિવાળી દિવાળી લાગશે કે કેમ એ પણ એક સવાલ છે
આ વર્ષની દિવાળી દિવાળી લાગશે કે કેમ એ પણ એક સવાલ છે

દિવાળીને હવે બસ મહિનાનો જ સમય બાકી છે. મોટા ભાગનાં ગુજરાતી ઘરોમાં હાલ દિવાળીની સાફસફાઈ શરૂ થઈ ગઈ હશે અથવા થવાની તૈયારીમાં હશે. આવામાં ચાલો જરા એક નજર પોતાના બાળપણમાં પર કરીએ અને દિવાળીને લગતી આપણી સૌથી પહેલવહેલી યાદોને વાગોળી જોઈએ... દિવાળીના દિવસોમાં ઘરમાં બનતી મીઠાઈઓની મીઠી સોડમ, ઘરના દરવાજા પર લટકતાં આસોપાલવનાં તોરણ, રસ્તા પર ફૂટતા તનકતારા, ચકરી અને ફુવારાઓનો ઝગમગાટ, આંગણે પુરાયેલી રંગોળીની વચ્ચે ગોઠવાયેલા માટીના કોડિયાના પ્રકાશમાં ઝગમગી ઊઠતા પરિવારજનોના ચહેરા તથા બનારસી સાડી અને સેલા પહેરેલી માતાઓની આંગળી પકડી દેવદર્શને જતું આપણું બાળપણ! બરાબરને?
એ દિવસોની મજા જ કંઈ બીજી હતી નહીં? દિવાળી પહેલાં ઘરના મોભી જેવા કાકા બજારમાંથી કાપડનો એક મોટો ટાંકો લઈ આવતા, જેમાંથી ઘરના દરેક છોકરાના શર્ટ અને દરેક છોકરીઓના ફ્રૉક બનતાં અને છતાં નવા વર્ષના દિવસે બધા એ પહેરી એકસાથે એક લાઇનમાં ઊભા રહી હોંશે-હોંશે ફોટા પડાવતા! નવા વર્ષના દિવસે લોકો લાગતા વળગતા સૌકોઈના ઘરે સાલમુબારક કરવા જતા અને બધાના જ ઘરે એકસરખા બનેલાં ચકરી, ચેવડો, ચોળાફળી અને મઠિયાના મીઠા-નમકીન ચટકારાને મનભરી માણતા! આખા વર્ષમાં માતાપિતા પોતાનાં સંતાનોને ફક્ત દિવાળી પહેલાં જ બે જોડી નવાં કપડાં અને એક જોડી નવાં બૂટ-ચંપલ અપાવતા અને આખું વર્ષ ચલાવવાના હોવાથી ઓવર સાઇઝ્ડ લેવાયેલાં એ કપડાંને બાળકો દિવાળીના દિવસે અતિ ઉત્સાહથી પહેરી ફટાકડા ફોડવા જતાં!
ત્યારે લોકોની આવક બહુ નાની હતી અને સગવડો બહુ ઓછી છતાં સુખ બહુ મોટાં હતાં. આજે આવક ઘણી મોટી થઈ ગઈ છે અને સગવડો ખૂબ વધી ગઈ છે, છતાં સુખનો ઇન્ડેક્સ કાયમ મંદીમાં જ રહે છે. તેમ છતાં આજે પણ મોટા ભાગના ગુજરાતી પરિવારો અઢળક પરિવર્તન સાથે પણ આપણી આ ઉપરોક્ત પરંપરાને પોતપોતાની રીતે વળગી રહેવાનો પ્રયત્ન તો કરે જ છે. આજે પણ દિવાળી પહેલાં આખા ઘરની સફાઈ થાય છે, જૂનાં કપડાં કાઢી નવાંની ખરીદી થાય છે, બધાને ત્યાં એ જ ચકરી, ચેવડો, ચોળાફળી અને મઠિયાનો નાસ્તો બને છે, રંગોળી પુરાય છે, દીવા થાય છે, તોરણ લટકાવાય છે અને પરિવારજનો સાથે મળી દેવદર્શને જાય છે.
પણ આ વર્ષે કદાચ આપણે આમાંનું કશું જ નહીં કરી શકીએ. બારણે તોરણ તો બંધાશે, પરંતુ આંગણે બેસી રંગોળી પૂરવા માટે મહિલાઓએ ચાર વાર વિચાર કરવો પડશે, ઑનલાઇન શૉપિંગ તો થશે, પરંતુ એ પહેરી જવું ક્યાં એની મૂંઝવણ થશે. બધાને ત્યાં નાસ્તા તો બનશે, પરંતુ ઘરે કોઈ મહેમાન નહીં આવે, બાળકો કદાચ ફટાકડા તો ફોડશે, પરંતુ એ મિત્રોની સાથે નહીં હોય. તેમણે એકલાઅટુલા જ ફટાકડા ફોડી મન મનાવી લેવું પડશે. ટૂંકમાં ઘણુંબધું થશે અને થવા છતાં થયા વગર જ અધૂરું રહી જશે. આ વર્ષની દિવાળી આ આખા વર્ષની જેમ જ અત્યંત અજીબ રહેશે. આપણે આપણા આખા જીવનમાં ક્યારેય જોઈ કે વિચારી નહીં હોય એવી.
તેથી હવે આપણી સામે પ્રશ્ન એ છે કે નકારાત્મક સંદર્ભમાં અનોખી બનીને આવેલી આ દિવાળીને આપણે હકારાત્મક સંદર્ભમાં અનોખી કેવી રીતે બનાવીએ? કારણ કે જે ઉત્સવ આપણે હંમેશાંથી લોકોની સાથે રહી ઊજવતા આવ્યા છીએ એ જ ઉત્સવ આ વર્ષે આપણે સોશ્યલ ડિસ્ટન્સિંગના પ્રત્યેક નિયમોનું પાલન કરતાં માણવાનો છે. તો પછી એવું તે શું કરી શકાય જેમાં ઉત્સવનો મહિમા પણ સચવાય જાય, તેનો ઉત્સાહ પણ જળવાઈ રહે અને છતાં સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રહે?
તો ચાલો સૌથી પહેલાં તો આપણે આપણા મનમાંથી દિવાળીને લગતી બધી દોડાભાગી કાઢી નાખીએ, કારણ કે આ દિવાળી આપણે ખરા અર્થમાં રિલૅક્સ થઈને મનાવવાની છે. નથી લાગતા-વળગતા સૌકોઈના ઘરે જવાનું કે નથી કંઈ બહુ લોકોને ઘરે બોલાવવાના. તેથી આ વખતે તો આવો જરા શાંતિથી બેસીને એવા લોકોની યાદી બનાવીએ, જે સાચા અર્થમાં આપણા દિલની નજીક છે, જેમને મળવા આપણું મન છેલ્લા કેટલાય મહિનાઓથી બેચેન છે, જે આપણાં સગાં-સંબંધી ન હોવા છતાં આપણા સ્નેહી અને સ્વજન છે. અને પછી એ બધામાંથી કોને ઘરે બોલાવવા સેફ છે એનો પૂરતો વિચાર કરી તેમને ઘરે બોલાવીએ અને જો એ શક્ય ન હોય તો ઍટ લીસ્ટ ઝૂમ પર મીટિંગ કરી તેમની સાથે પેટ ભરીને વાતો તો કરી જ લઈએ.
એક બીજો ઑપ્શન છે, એવા લોકો સાથે દિવાળી સેલિબ્રેટ કરવાનો જેમનું આ દુનિયામાં કોઈ જ નથી. જેઓ આપણી જેમ વખાના માર્યા નહીં, પરંતુ કોઈ પોતાનું ન હોવાથી સોશ્યલ ડિસ્ટન્સિંગ અનુભવી રહ્યા છે. તેથી આ વખતે કોઈ એકાદ ઘરડાઘર કે અનાથાશ્રમની મુલાકાત પણ લઈ શકાય અને એ કરવું મુશ્કેલ લાગતું હોય તો ઍટ લીસ્ટ તેમના માટે તો કંઈ કરી જ શકાય.
મોટા ભાગે દિવાળી જેવા વર્ષના સૌથી મોટા તહેવારના દિવસોમાં આપણું ટુ ડૂ લિસ્ટ જ એટલું લાંબું હોય કે દિવાળી આવતાં પહેલાં જ આપણી શારીરિક શક્તિઓનું દેવાળું નીકળી ગયું હોય. આપણને ગમતું, આપણને મજા આવે એવું, આપણને રિલૅક્સ કરે એવું કશું કરવાનો આપણી પાસે સમય જ બાકી ન રહે. એમ સમજો કે આ વર્ષે કોરોનાના બહાને આપણી પાસે એ તક આવી છે, જ્યારે આપણે હંમેશાંથી મનાવતા આવ્યા છીએ એવી રીતે નહીં, પણ આપણને હંમેશાંથી મનાવવી હતી એવી રીતે દિવાળી મનાવી શકીએ છીએ. તેથી ચાલો આ વર્ષે તો જવાબદારીઓ અને ફરજોના બોજ તળે દબાઈ ગયેલી આપણી સર્જનાત્મકતાને બહાર કાઢીએ અને એવું કંઈક ક્રીએટિવ કરીએ જે હંમેશાંથી આપણને દિવાળીમાં કરવું હતું, પછી એ ઘરની દીવાલ માટે કોઈ અલાયદું વૉલ આર્ટ બનાવવાની વાત હોય કે પછી માટીના કૂંડાને રંગવાની વાત, આપણને ગમતું પુસ્તક ફરી પાછું વાંચવાની વાત હોય કે પછી આપણને ગમતી ફિલ્મો ફરી પાછી જોવાની વાત. ટૂંકમાં એ બધું જ કરી લઈએ જે દિવાળીની દોડાભાગીમાં હંમેશાં જ કરવાનું રહી જતું હતું.
આ વર્ષે કોરોનાને પગલે આપણે બધાએ ઘણીબધી પીડા અને સમસ્યાઓનો સામનો કર્યો છે અને અનેક મૃત્યુ જોયાં પણ છે. હાલ જ્યારે ફક્ત બે વ્યક્તિ પણ એકબીજાને મળવામાં અંતર પાળતી હોય ત્યારે ત્યાં સામૂહિક તહેવારોની તો કલ્પના જ શક્ય નથી. તેમ છતાં અંદરખાને આપણને બધાને વિશ્વાસ છે કે વહેલું મોડું માનવજાતિ આ મહામારી પર જીત મેળવી જ લેશે. ત્યાં સુધી આપણે પોતે જ આપણી અંદરના સ્વીકારભાવ અને સકારાત્મક્તાને જાળવી રાખવા પડશે. તો આવો ઉજાસના આ પર્વ દરમિયાન આપણા અંતરમાં અંધકાર ફેલાવવા દઈએ નહીં અને કંઈક એવું કરીએ કે આપણી સાથે અન્યોની દિવાળી પણ ઉજ્જવળ બને.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK