આભાર કોરોના : તે અમને જીવનનો નવો પાઠ અને નવો માર્ગ બતાવ્યો

Published: Mar 26, 2020, 18:41 IST | Jayesh Chitalia | Mumbai

કોરોનાનો આભાર માનો જેણે માનવજગતને જીવનની નવી દિશા આપી.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

કોરોનાનો આભાર માનો જેણે માનવજગતને જીવનની નવી દિશા આપી. અત્યારના આ ભયભીત અને નાજુક સમયમાં કોરોનાના ડરથી માનવ સમાજ એકસાથે અચંબા, આંચકા અને આઘાતમાં મુકાઈ ગયો છે ત્યારે નવા જમાના માટે એક આખું શાસ્ત્ર રચાઈ શકે એટલા સંદેશ કોરોનાની અસરને કારણે બહાર આવી રહ્યા છે. આની ઝલક જોવા માટે ઊંડા ઊતરીએ અને નવી દૃષ્ટિ કેળવીએ. સત્ય સમજાય તો સરળ છે, જેને સમજવું નથી તેના માટે અઘરું છે.

 નવા જમાનાનું એક નવું શાસ્ત્ર રચાઈ શકે એટલું બધું અને એટલું ઊંડું જ્ઞાન આ દિવસોમાં એક  ન દેખાતા વાઇરસે આપ્યું હોવાનું ફીલ લગભગ બધાને થતું હશે. અલબત્ત, કોણ કઈ રીતે વિચારે છે, કેવી વિચારધારા ધરાવે છે, કેવી દૃષ્ટિ રાખે છે, જીવન પ્રત્યે કેવો અભિગમ ધરાવે છે અને જાતમાં કેટલા ઊંડા ઊતરી શકે છે એના પર મોટો આધાર છે. કોરોના વાઇરસ અનેકના જીવ લઈ રહ્યો છે, સમગ્ર વિશ્વને ડરાવી રહ્યો છે, અનેક દેશોની મુસીબત-પીડા વધારી રહ્યો છે એ બધી  વાત સાચી તેમ છતાં એકસાથે કોરોનાએ અનેક મેસેજ-બોધપાઠ માનવજગતને આપ્યા છે. આમાં સૌથી મોટી ભેટ આપણને જાત સાથે શાંતિથી બેસવાનો અવસર આપ્યો છે. આ સાથે જીવનની મહત્વની બાબતોને ઊંડા ઉતરીને સમજવાની તક આપી છે. આપણે કોરોના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી અનેક બોધમાંથી જાતને મળવાની અને ઊંડા ઊતરવાની વાતને સમજીએ.

ઉપરછલ્લા જીવનમાંથી  જાગવાનો સમય

મોટા ભાગે આપણે જાણતાં કે અજાણતાં આપણું જીવન ઉપરછલ્લું જીવતા હોઈએ છીએ. કેટલીય બાબત આપણી એટલી રૂટીન અને મેકૅનિકલ થઈ ગઈ હોય છે કે આપણે લાઇફની દરેક પ્રવૃત્તિને ટેકન ફૉર ગ્રાન્ટેડ કરી નાખીએ છીએ. આ વસ્તુસ્થિતિને સમજવા માટે ઊંડા ઊતરવું જરૂરી બને છે. આમ પણ જીવનમાં ઉપરછલ્લું કામ કરવાથી કે ઉપરછલ્લું જીવવાથી કંઈ પામી શકાતું નથી. સાગરમાં  ઊંડા ઊતરનારને જ મોતી મળી શકે છે. બાકી માત્ર છબછબિયાં થયા કરે છે, જેમાં કેવળ કાંકરા અને રેતી મળશે. સાગરને પામવો હશે તો પણ ઊંડા ઊતરવું પડે છે. કોઈ માનવીને પામવું હશે તો પણ  ઊંડા ઊતરવું પડશે, અન્યથા માત્ર માનવીઓના ચહેરા જોવા મળશે. મુલાકાત પણ કેવળ ચહેરાઓથી થશે, જે સતત સમય-સંજોગ પ્રમાણે બદલાતા હોય છે. આપણું જીવન એટલે શું? ક્યારેય ઊંડાણથી વિચાર્યું છે ખરું? બસ, નોકરી કે ધંધો કરતા રહો, એક દિવસ નિવૃત્ત થઈ જાઓ, વૃદ્ધ થઈ જાઓ એટલે નિષ્ક્રિય બની જાઓ. અનેક જીવની જેમ જીવ્યા કરો અને એક દિવસ મરણને શરણ થઈ જાઓ. ઊંડા ઊતરવાથી જ ખબર પડી શકે કે આ જીવન એ જીવન નથી, માત્ર જીવનની વ્યવસ્થા છે. જીવનની સાચી દિશા મળી જશે. 

ખરેખર તો જીવન સરળ છે, પણ ગહન છે. તેથી જ એ સરળને પામવું જ કઠિન છે. કઠિન એ માટે બને છે કે આપણે ભીતર ઊંડા ઊતરતા નથી અને વાસ્તવમાં ભીતર ઊતરવું અઘરું છે. આપણને કોઈ અઘરાં કામ કરવાં નથી, એ સરળ બની શકે છે તેમ છતાં આપણે જીવનનું ઘડતર એ રીતે કરતા રહીએ છીએ કે જીવન સરળતાને બદલે ગૂંચવણોથી ભરાતું જાય છે.

જે કરવું હતું એનો સમય આપ્યો

આમ થાય છે ત્યારે આપણે વિના કારણે સ્ટ્રેસ નામના રોગનો શિકાર બનતા જઈએ છીએ જે ખરેખર તો કોરોનાથી પણ વધુ ગંભીર અને પીડાદાયક છે. કોરોના તો અમુક સમય બાદ વિદાય લઈ લેશે; પરંતુ ઉપરછલ્લું જીવન જીવીને, કૃત્રિમ જીવન જીવીને રેસની જેમ જીવન જીવીને આપણે એને વધુ તનાવયુકત બનાવતા ગયા છીએ અને બનાવતા રહીશું. કોરોનાએ આ સમયમાં આપણને ઊંડા ઊતરીને આપણા જીવન વિશે વિચારવાનો મોકો આપ્યો છે. જે અગાઉ  રોજબરોજની જિંદગીમાં આપણે સમયના અભાવે કરી શકતા નહોતા અને મને આમ કે તેમ મારું મનગમતું કરવા મળતું નથી એવી ફરિયાદ કરતા રહેતા હતા; જે આજે સામે ચાલીને આપણા માટે ભરપૂર સમય લઈને આવ્યું છે અને એ માત્ર આપણી સાથે જ નહીં, જગત આખા સાથે કર્યું છે, જેથી આપણે રહી ગયા ને જગત આપણાથી આગળ નીકળી ગયું એવો રંજ પણ આપણને ન રહે એવો માહોલ બનાવી આપ્યો છે.

ઉપાય ઊંડા જવાની કળામાં

આ બધાનો ઉપાય એ જ છે કે આપણે આપણી વિચારધારાને ઊંડે લઈ જવી પડશે. કેટલું ઊંડું એ કોઈને પૂછી શકાશે નહીં, એ ખુદને પણ નહીં પૂછી શકાય. કારણ કે એની કોઈ લાનદોરી નથી. એ ચોક્કસ ઊંડાણ આવશે એટલે સ્વંયભૂ ખબર પડી જશે. એ પછી આપોઆપ જવાબ પણ મળી જશે. આ  જવાબ મળશે એ જ  ઊંડા ઊતર્યાની ખાતરી હશે. જીવન છે ત્યાં સુધી ઊંડા ઊતરવાની તક છે, બાકી મરણ બાદ તો આપણે ખુદ અને બીજું બધું પણ ડૂબી જશે. ઊંડા ઊતરવાનો એક માર્ગ  આપણને પરમ શક્તિ તરફ લઈ જાય છે. પરમને ભેટવું હોય તો ઊંડા ઊતરવું જરૂરી છે. જોકે તેમાં શરત એ છે કે ઊંડા ઊતરવાની ઇચ્છા વિના ઊંડા ઊતરવું પડે. આ વાત  સમજવા માટે પણ ઊંડા ઊતરવું પડે અને સમજાઈ જાય તો-તો ઊંડા ઊતરવાનું આકાશમાં ઊડવા જેવું સુંદર લાગશે. 

જયાં સુધી આપણે માત્ર શબ્દોના આધારે જ જીવીએ છીએ ત્યાં સુધી અજ્ઞાન છે, અજ્ઞાન દૂર થશે કે શબ્દો ચાલ્યા જશે. એટલે જ જ્ઞાનીઓ જીવનમાં ચોક્કસ સમયે સાધનામાં, મૌનમાં અને તપસ્યામાં ઊતરી જાય છે.

માનવજગતની લાચારીનો પર્દાફાશ

કોરોનાએ આપણને ઊંડા ‍ઊતરવાની તક આપી છે. આ એક સમસ્યા હોવા છતાં એણે માનવજગતના હિતમાં એક બહુ મોટું કાર્ય કર્યું છે એમ કહી શકાય. સૌથી મોટી વાત એણે માણસોને નવેસરથી અને સાવ જુદું વિચારતા કરી દીધા છે. માણસની ટેક્નૉલૉજીથી માંડી વિજ્ઞાન અને વિકાસના બધા જ દાવા એક ન દેખાતા વાઇરસ સામે પોકળ થઈ ગયા છે. મહાસત્તાઓ પણ વામણી થઈ ગઈ છે. મજબૂર, લાચાર બની ગઈ છે. આપણી જીવનની એકધારી સાચી-ખોટી કે આંધળી દોડને જબરદસ્ત બ્રેક મારી દીધી ને પૂછ્યું છે, ક્યાં જવું છે માણસ તને? પામવું શું છે માણસ તને? કોના ભોગે પામવું છે? શું પરમાત્માએ માણસ, તને આ જીવન માટે બનાવ્યો હતો? જરા ખુદની ભીતર ઊંડો ઊતરી વિચાર તો કર, આ લે ઊંડા ઊતરવાનો સમય પણ આપ્યો તને!

આ ઊંડા ઊતરવાની બાબત પર વિચાર કરતાં સૂઝેલી કેટલીક પંક્તિ સાથે વાત પૂરી કરીએ.

બહુ ઊંડા ઊતરો તો અર્થ મળે

બાકી કેવળ અક્ષરો મળે, શબ્દો મળે

કોણ સાંભળે છે અહીં કોની વાત

દરેકને કહેવા માટે ક્યાંથી માણસ મળે?

સંબંધના અને પ્રેમના અર્થ પણ બદલાઈ ગયા

બહુ-બહુ તો સુંદર-સુંદર ભ્રમ મળે

રંજ તો એ વાતનો પણ ખરો

કે માણસ પોતાને પણ ભૂલી જવા લાગ્યો

અરીસા સામે પણ તેને પારકો જણ મળે

એ હવે જીવન જીવી રહ્યાના ભ્રમમાં છે

કાશ તેને સમજણ સાથે ખરું જાગરણ મળે

- જ. ચિ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK