દાદનો આભાર,કિન્તુ 1 શિકાયત છે મને,મારા દિલની વાતને તમે શાયરી સમજી લીધી

Published: Aug 02, 2020, 23:09 IST | Rajani Mehta | Mumbai Desk

જન્મ થયો હોય તેનું મૃત્યુ નક્કી હોય એની સૌને ખબર છે, પરંતુ જ્યારે એ આવે છે ત્યારે સ્વજનો માટે જીરવવું આસાન નથી હોતું.

પ્રાણી પ્રેમી કવિ પ્રદીપજીના પલંગ પર બિલાડી આમ બિન્ધાસ્ત બેસી શકતી.
પ્રાણી પ્રેમી કવિ પ્રદીપજીના પલંગ પર બિલાડી આમ બિન્ધાસ્ત બેસી શકતી.

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી ને જગ્યા પુરાઈ ગઈ
- ઓજસ પાલનપુરી
હિમાળો ગાળવા હિમાલયમાં આવેલા ધર્મરાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ દુનિયામાં એવી કઈ એક વસ્તુ છે જે નિશ્ચિત છે? જો આનો સાચો જવાબ આપો તો પાંડવોને આ સજામાંથી મુક્તિ મળે. યુધિષ્ઠિરનો જવાબ હતો; મૃત્યુ... અને પાંડવોને સજામાંથી મુક્તિ મળી ગઈ હતી. જન્મ થયો હોય તેનું મૃત્યુ નક્કી હોય એની સૌને ખબર છે, પરંતુ જ્યારે એ આવે છે ત્યારે સ્વજનો માટે જીરવવું આસાન નથી હોતું. સહજ મૃત્યુ એ દરેકની નિયતિ નથી હોતી. ઘણી વાર મૃત્યુ કરતાં જે રીતે મૃત્યુ થાય એ ઘટના અત્યંત પીડાદાયક હોય છે. અચાનક એક જીવતીજાગતી વ્યક્તિ ફોટોફ્રેમ બનીને દીવાલ પર લટકી જાય એ હકીકતનો સ્વીકાર કરતાં સ્વજનોનું આખું આયુષ્ય વીતી જાય છે. કોઈ પણ સંતાન માટે માતાપિતાનું એકસાથે વિદાય થવું એ સમાચાર હચમચાવી દેવા માટે પૂરતા હોય છે. પ્રદીપજીના જીવનમાં આવું જ કંઈક બન્યું હતું. આ દુખદ ઘટના વિશે વાત કરતાં મિતુલબહેન કહે છે...
‘એક દિવસ બડનગરથી ફોન આવ્યો કે તમારાં માતાપિતાનું સર્પદંશને કારણે અવસાન થયું છે. અમારા માટે આ વજ્રાઘાત હતો. બાપુ ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે દાદા-દાદીની કોઈકે હત્યા કરી છે. બાપુ માટે આ અસહ્ય હતું. આ બનાવની બાપુ પર એટલી ઊંડી અસર થઈ કે લાંબા સમય સુધી તેઓ બેચેન રહ્યા. આ અરસામાં જ તેઓ ફિલ્મ ‘સંબધ’ માટે ગીત લખી રહ્યા હતા. ફિલ્મના એક-એક ગીતમાં જે વેદના અને વ્યથા છે, ફિલોસૉફી છે એની પાછળ આ ઘટના છે. સંગીતકાર ઓ. પી. નય્યર અને બાપુ પહેલી વાર આ ફિલ્મ માટે સાથે કામ કરી રહ્યા હતા. લોકોને શંકા હતી કે આ જોડી સફળ થશે કે નહીં? પરંતુ ફિલ્મનાં ગીતો દર્શકોને ખૂબ જ ગમ્યાં. એ અલગ વાત છે કે મોટા ભાગના સંગીતપ્રેમીઓને એની પાછળની વેદનાનું સાચું કારણ ખબર નથી.’
આ સાંભળતાં મને ગુજરાતના ગાલિબ મરીઝનો આ શેર યાદ આવે છે જે સચોટ રીતે કવિની મનોદશાને વ્યક્ત કરતાં કહે છે...
દાદનો આભાર, કિન્તુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તમે શાયરી સમજી લીધી
સ્વજનને વિદાય આપતી વખતે આપણા હાથમાં કોમળ ફૂલોનો હાર હોય છે. અંતિમ ક્ષણે આ હાર ચડાવતાં પહેલાં હૃદય પર ભારે પથ્થરનો બોજ મૂકવો પડે છે. ભલભલામાં એ બોજ જીરવવાની શક્તિ નથી હોતી. એ બોજ ચોધાર આંસુઓ વડે હળવો કરવાનો મિથ્યા પ્રયત્ન કરવો પડે છે. મને લાગે છે કે આ કશમકશને વ્યક્ત કરવા સાહિર લુધિયાન્વીની આ પંક્તિઓ જ પર્યાપ્ત છે...
અશ્કોં મેં જો પાયા હૈ વો ગીતોં મે દિયા હૈ
ઇસ પર ભી સૂના હૈ કિ ઝમાને કો ગિલા હૈ
જો તાર સે નિકલી હૈ વો ધૂન સબને સુની હૈ
જો સાઝ પે ગુઝરી હૈ વો કિસ દિલ કો પતા હૈ
(1964 – ચાંદી કી દીવાર — એન. દત્તા - તલત મેહમૂદ)
આટલાં વર્ષો પછી આ વાત કરતાં મિતુલબહેનના સ્વરમાં ઘૂંટાયેલી વેદના મારા સુધી પહોંચતી હતી. જે રીતે આ બન્યું એની પ્રદીપજી જેવા સંવેદનશીલ વ્યક્તિ પર શી અસર થઈ હશે એ ‘સંબંધ’નાં ગીતોમાં છલકાતી વેદના અને સંવેદના પરથી અનુભવાય છે. મૃત્યુ સંબંધનો અંત લાવી શકે, સ્મરણોનો નહીં. કારણ કે મરણ પછી રહી જાય છે કેવળ સ્મરણ. હવે સમજાય છે કે ‘ચલ અકેલા, અકેલા, તેરા મેલા પીછે છૂટા રાહી ચલ અકેલા’ની એક-એક પંક્તિનો સાચો અર્થ અને અણસાર કયો છે. ફિલ્મના દરેક ગીતમાં જિંદગીના અને મૃત્યુના નવા આયામોની અનુભૂતિ થાય છે (આ મારા સ્વાનુભવની વાત છે). જીવનના ગૂઢ રહસ્યનું તારણ કદાચ સ્વજનની અકળ વિદાય પછી જ મળતું હશે.
શોહરત અને દૌલતની બુલંદીઓ પર પહોંચ્યા પછી એક દોર એવો પણ આવે છે જ્યાં દુનિયા તમારી સિદ્ધિઓને ભૂલીને તમારો અનાદર કરે. સમય અને સંજોગ બદલાય ત્યારે ભલભલા પોતાના અસ્તિત્વને ટકાવવા, લાઇમલાઇટમાં રહેવા માટે ગમે તેવાં સમાધાન કરે છે. કવિ પ્રદીપજી જુદી માટીના હતા. કોઈકે પૂછ્યું કે આજકાલ તમારાં ગીતો ફિલ્મોમાં આવતાં નથી. શું થયું? કોઈ પ્રોડ્યુસર ઘરે આવતા નથી?’ કવિએ કહ્યું, ‘બહુત પ્રોડ્યુસર આતે હૈં. કહતે હૈં, ખટિયા પે ગાના લીખો, ચોલી પે ગાના લીખો. મૈંને ઉનકો બોલ દિયા, ‘ક્યા યુવાન લડકે-લડકિયોં કી પ્રેમ પર મોનોપૉલી હૈ? મૈં પ્રેમગીત લીખતા હૂં; જિસ મેં માં-બાપ, ભાઈબહન, પતિ-પત્ની ઔર પરિવાર કે લોગોં કે બીચ જો પ્યાર કા રિશ્તા હૈ; ઉનકી ભાવનાઓં કી બાત આતી હૈ. મૈં ભૂખા નહીં મર રહા. મુઝસે યે નહીં હોગા.’ પ્રોડ્યુસર કહેતો, ‘પ્રદીપજી, આજકલ યહી ચલતા હૈ,’ પ્રદીપજી બોલ્યા, ‘મુઝે બસ ઇતના પતા હૈ કી લોગ પૈસે કે લિયે અપની આત્મા, અપની પહચાન બેચ સકતે હૈં તો બેચને દો. મૈં ઉન લોગોં જૈસા નહીં હૂં.’
જેમ વૃક્ષને ફૂલ ખીલે છે એમ કવિને શબ્દો ખીલતા હોય છે. આ ઘટના પછી પ્રદીપજીની કલમને આ શબ્દો ખીલ્યા હશે...
કભી કભી ખુદસે બાત કરો
કભી કભી ખુદસે બોલો
અપની નઝર મેં તુમ ક્યા હો
યે મન કે તરાજુ મેં તોલો
હરદમ તુમ બૈઠે ના રહો
શોહરત કી ઇમારત મેં
કભી કભી ખુદ કો પેશ કરો
આત્મા કી અદાલત મેં
વીર જવાનો માટે જ્યારે ‘અય મેરે વતન કે લોગોં...’ લખાયું ત્યારે પ્રદીપજીની ઇચ્છા હતી કે આ ગીતની રૉયલ્ટી શહીદ જવાનોના પરિવારને મળે. આ ગીત એટલું લોકપ્રિય થયું કે એચએમવીને એની રૉયલ્ટીના લાખો રૂપિયા મળ્યા (આજે પણ મળે છે), પરંતુ રૉયલ્ટીના પૈસા આપવા માટે કંપની ગલ્લાંતલ્લાં કરતી રહી. પ્રદીપજી આ વાતથી દુખી હતા. તેમણે સંસદસભ્ય શ્રીકાંત વાયકરને વાત કરી અને તેમણે લોકસભામાં આ પ્રશ્ન ઉઠાવ્યો છતાં વાત આગળ વધી નહીં. પિતાની ઇચ્છા પૂરી કરવા મિતુલબહેને આ વાત ઉપાડી લીધી. એ માટે તેમણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી લૉના વિષયમાં પોસ્ટ ગ્રૅજ્યુએશન કર્યું. ૨૦૦૪માં બૉમ્બે હાઈ કોર્ટમાં પીઆઇએલ (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) દાખલ કરી અને એ કેસ પોતે જ લડ્યાં. દોઢ વર્ષે તેમની મહેનત રંગ લાવી. હાઈ કોર્ટનો ફેંસલો આવ્યો કે એચએમવીએ તાત્કાલિક ૧૦ લાખ રૂપિયા વેલ્ફેર ફન્ડમાં ભરવા. એ ઉપરાંત દર વર્ષે સ્ટેટમેન્ટ ઑફ અકાઉન્ટ આપીને કાયદેસર જે રૉયલ્ટી હોય એ આપવી.
એવી જ રીતે ‘જય સંતોષી માં’નાં ગીતોની રૉયલ્ટી માટે તેઓ હાઈ કોર્ટમાં કેસ લડ્યાં આજે દર વર્ષે રૉયલ્ટીના પૈસા ‘ફિલ્મ રાઇટર્સ અસોસિએશન’ના ફન્ડમાં જમા થાય છે અને જરૂરિયાતમંદોને સહાય મળે છે. અભિનેતા ધીરજકુમારે ટેલિ-સિરિયલ ‘જય સંતોષી માં’ બનાવી. તેમના પર કેસ કર્યો જે માટે તેમણે આઉટ ઑફ કોર્ટ સેટલમેન્ટ કર્યું.
સિસ્ટમ સામે લડવું એ સહેલું કામ નથી. સમય અને પૈસા બન્ને હોય છતાં લાંબા સમય સુધી ધીરજ રાખીને ઝઝૂમવું પડતું હોય છે. અનેક અવરોધોને પાર કરીને બાપુની ઇચ્છાને સાકાર કરવા જે અભિયાન મિતુલબહેને ચલાવ્યું એ ખરેખર અભિનંદનને પાત્ર છે. આની નોંધ ન લેવાઈ હોય એ અલગ વાત છે. મિતુલબહેન એક પ્રોફેશનલ પેઇન્ટર છે. પિતાના સાહિત્યના વારસાને જીવંત રાખવા દેશનાં અલગ-અલગ શહેરોમાં વર્ષમાં બે કાર્યક્ર્મનું આયોજન કરે છે.
૧૯૯૭માં પ્રદીપજીને દાદા સાહેબ ફાળકે અવૉર્ડ મળ્યો. જીવનની સમી સાંજે કવિ વૃદ્ધ નહોતા થયા, વૃદ્ધિ પામ્યા હતા. પોતાની અલગારી જીવનશૈલીથી, મનમરજીથી પિંજરમાં કેદ થયેલા એક પંખીની જેમ દુનિયાના બદલતા રંગ જોતા રહ્યા અને ખામોશીથી પોતાનું દર્દ કાગળમાં ઉતારતા રહ્યા. ૧૯૯૮ની ૧૧ ડિસેમ્બરે તેમણે અનંતની યાત્રા તરફ પ્રયાણ કર્યું. તેમની સ્મૃતિમાં ભારત સરકારે ૨૦૧૧માં પોસ્ટલ સ્ટૅમ્પ બહાર પાડી. તેમની કવિતામાં કદાચ કોઈને અચ્છાઈ ન લાગી હોય, પરંતુ એમાં સચ્ચાઈ જરૂર હતી. જે કવિ પોતાની કવિતામાં નિખાલસ થઈને, નીડરતાથી સમાજનું પ્રતિબિંબ પાડતો હોય તેને કાળ અવગણી શકે; ભૂંસી ન શકે. પ્રદીપજીની આ સ્મૃતિસભાનું સમાપન તેમની આવી જ એક કવિતાથી કરીએ જે આજની પરિસ્થિતિમાં આપણે માટે એક શીખ છે અને એ જ તેમને માટે સાચી શબ્દાંજલિ છે...
સુખ દુઃખ દોનોં રહતે જિસમેં,
જીવન હૈ વો ગાંવ કભી ધૂપ કભી છાંવ,
ઉપરવાલા પાસા ફેંકે,
નીચે ચલતે દાંવ કભી ધૂપ કભી છાંવ,
ભલે ભી દિન આતે જગત મેં,
બુરે ભી દિન આતે
કડવે મીઠે ફલ કરમ કે યહાં સભી પાતે
કભી સીધે કભી ઉલ્ટે પડતે અજબ સમય કે પાંવ
કભી ધૂપ કભી છાંવ,
(ફિલ્મ : ‘ધૂપછાંવ’, સંગીત : ચિત્રગુપ્ત, કવિ અને ગાયક – કવિ પ્રદીપજી)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK