તો મહેન્દ્ર કપૂરની કારકિર્દી શરૂ થતાં પહેલાં જ પૂરી થઈ જાત

Published: Mar 22, 2020, 19:27 IST | Rajani Mehta | Mumbai Desk

મોટે ભાગે રાત્રે શૂટિંગ પતી જાય એટલે શાંતિના વાતાવરણમાં કામ થતું. એ સમયે હજી રેકૉર્ડિંગ સ્ટુડિયોનો જમાનો નહોતો આવ્યો.

સી. રામચંદ્ર, વાય. બી. ચવાણ, જયરાજ, ડેવિડ, તલત મહેમૂદ, મહેન્દ્ર કપૂર 
સી. રામચંદ્ર, વાય. બી. ચવાણ, જયરાજ, ડેવિડ, તલત મહેમૂદ, મહેન્દ્ર કપૂર 

મહેન્દ્ર કપૂર પોતાની સંગીત-સફરની યાદોને તાજી કરતાં કહે છે...
ખય્યામસા’બને હું મોટા ભાઈ માનું છું. સ્કૂલના દિવસોથી તેમની સાથે મારો પ્રેમનો સંબંધ છે. ફિલ્મ ‘બીવી’ (૧૯૫૦) માટે રફીસા’બનું ગીત ‘અકેલે મેં વો ઘબરાતે તો હોંગે’ જ્યારે રેકૉર્ડ થવાનું હતું ત્યારે તેમણે મને કહ્યું હતું કે તું રેકૉર્ડિંગમાં આવજે. રણજિત સ્ટુડિયોમાં આ ગીત રેકૉર્ડ થયું હતું. એ દિવસોમાં ગીતો સ્ટુડિયોના સેટ પર જ રેકૉર્ડ થતાં. મોટે ભાગે રાત્રે શૂટિંગ પતી જાય એટલે શાંતિના વાતાવરણમાં કામ થતું. એ સમયે હજી રેકૉર્ડિંગ સ્ટુડિયોનો જમાનો નહોતો આવ્યો. ગીત રેકૉર્ડ થયા બાદ થોડા દિવસ પછી મને કહે, ‘રફીસા’બનું જે ગીત રેકૉર્ડ કર્યું એ તને યાદ છે?’ મેં હા પાડી. તો કહે, ‘ચલ, ગાઈને સંભળાવ.’
ગીત સાંભળીને કહે, ‘તું સરસ ગાય છે. તારે ક્લાસિક્લ શીખવું જોઈએ. તો જ તું તારી એક અલગ ઓળખ બનાવી શકીશ.’ આમ તેમના કહેવાથી નિયાઝ અહમદ ખાંસા’બ પાસે મેં તાલીમ શરૂ કરી. આ ઉપરાંત પંડિત હુસ્નલાલ અને તુલસીદાસ શર્મા પાસેથી માર્ગદર્શન લીધું.
એક દિવસ હું અને મોટા ભાઈ ઘરે હતા. અમારો પૂરો પરિવાર અમ્રિતસર ગયો હતો. બન્ને ભાઈઓને તાવ આવતો હતો એટલામાં ખય્યામસા’બ ઘેર આવ્યા અને કહે, ‘કયા હાલ હૈ ભાઈ? સબ ઠીક તો હૈ ના?’ અને અમે કંઈ કહીએ એ પહેલાં કહે, ‘ચલો મેરે સાથ ફિલ્મીસ્તાન સ્ટુડિયો મેં. અનિલદાને (સંગીતકાર અનિલ બિસ્વાસ) બુલાયા હૈ. ઉનકી પિકચર બન રહી હૈ ‘હીર’. ઉનકો કોઈ પંજાબી સિંગર ચાહીએ જો હીર ગા શકે. મહિન્દર, તેરે લિએં યે અચ્છા ચાન્સ હૈ.’ મેં મોટા ભાઈ સામે જોયું. મને તાવ હતો, પરંતુ જવાની ખૂબ ઇચ્છા હતી. મનમાં હતું કે ના પાડશે. તેઓ બોલ્યા, ‘મૈં નહીં આતા, તુમ ચલે જાવ.’
સાંજનો સમય હતો. લોકલ ટ્રેનમાં બેસી અમે ગોરેગામ ફિલ્મીસ્તાન સ્ટુડિયો પહોંચ્યા. અનિલદા બૅકગ્રાઉન્ડ સ્કોર કરતા હતા. ખય્યામસા’બે તેમના કાનમાં વાત નાખી કે વો લડકા આ ગયા હૈ. અમે ત્યાં બેઠા હતા. અનિલદા ક્યારે મને બોલાવે એની હું રાહ જોતો હતો. તમે માનશો, રાતના ત્રણ વાગ્યા હશે. તાવમાં હું તવાની જેમ તપતો હતો. સાથે શરીરમાં ઠંડી ચડવાથી ધ્રૂજતો હતો. ખય્યામસા’બે અનિલદાને યાદ દેવડાવ્યું, ‘વો લડકા બૈઠા હુઆ હૈ, ક્યા કરના હૈ?’
અનિલદાએ કહ્યું, ‘ખય્યામ, તુમ હી હાર્મોનિયમ લેકર હીર રેકૉર્ડ કર લો. ચાર હી તો લાઇન હૈ.’ અને આમ મારી ચાર લાઇન રેકૉર્ડ થઈ. વહેલી સવારે હું ઘેર પહોંચ્યો. બીજે દિવસે ખબર પડી કે મને સ્મૉલ પૉક્સ થયા છે. આ ચેપી રોગ છે એટલે મારા ભાઈને પણ થયા. એક મહિના સુધી અમે બન્ને ઘરમાં રહ્યા. મહિના પછી કૉલેજ ગયો ત્યાં રસ્તામાં ખય્યામસા’બ મળ્યા. કહે, ‘કાકા, તુ અપને પૈસે લેને ગયા થા કી નહીં? યાદ હૈ ના વો હીર ગાઈ થી?’
મેં ના પાડી. તો કહે, ‘કમાલ હૈ, પૂરી રાત બૈઠે. તુઝે તો બુખાર ભી થા. જાના ચાહીએ થા.’ તેમને મારી બીમારીની ખબર નહોતી. હું ચૂપચાપ સાંભળતો હતો. તો કહે, ‘જા, પૈસે લે કર આ.’ એટલે એક દિવસ બપોરે હું ફિલ્મીસ્તાન સ્ટુડિયો પહોંચ્યો. વૉચમૅન પૂછે, ‘ક્યાં જવું છે?’ મેં કહ્યું, ‘કૅશિયર પાસે’ તો જવાબ મળ્યો ‘કૅશિયર નથી, શું કામ છે કૅશિયરનું?’ મેં જવાબ આપ્યો કે ‘એક હીર ગાઈ છે એના પૈસા લેવા આવ્યો છું. આખી રાત તાવમાં બેઠો હતો.’ આ સાંભળી તેણે મને અંદર જવા દીધો.
એક પારસીબાવા કૅશિયર હતા. ‘આવ બાવા, સું છે?’ મને પ્રશ્ન કર્યો. મેં કહ્યું, (ફિલ્મ) હીરમાં એક ગીત ગાયું છે એેના પૈસા લેવા આવ્યો છું. તો બાવાજી બોલ્યા, ‘અચ્છા, પર ડીકરા, પિકચર તો ફ્લૉપ હો ગઈ. હવે શું લેવા આયો છે. ચલ ચલ, ઘેર જા.’ અમારા ઘરના સંસ્કાર એવા હતા કે વડીલ માણસ સાથે ઝઘડો ન કરવો. હું પાછો ફરતો હતો ત્યાં અનિલદા મળ્યા. ‘અરે મહિન્દર, તું ઇધર?’ શરમના માર્યા મેં સાચી વાત કરી. તે બોલ્યા, ‘હાં હાં, તુને હીર ગાઈ થી.’ આટલું કહેતાં પોતાના અસિસ્ટન્ટ શંકરદાસને બૂમ પાડી, ‘અરે, મહિન્દર કા નામ લીખા થા કી નહીં.’ પેલો કહે, ‘નહીં, મૈં ભૂલ ગયા થા.’
અનિલદા બોલ્યા, ‘ચલો, કોઈ બાત નહીં, નેક્સ્ટ ટાઇમ યાદ રખુંગા.’ આટલું સાંભળીને મારી આંખમાં પાણી આવી ગયાં. એ સમયે મનમાં એક નિશ્ચય કર્યો કે આ લાઇનમાં કદી નહીં આવું, પરંતુ ત્યારે ક્યાં ખબર હતી કે ભગવાનની મરજી એ જ હતી કે મારે અહીંયા જ આવવાનું છે.
‘બીજે મહિને મર્ફી-મેટ્રો કૉમ્પિટિશન હતી. એમાં એક નિયમ એવો હતો કે કેવળ નૉન-પ્રોફેશનલ (બિનધંધાદારી) સિંગર જ ભાગ લઈ શકે. જો મેં હીર ગાવાના પૈસા લીધા હોત તો હું પ્રોફેશનલ સિંગર બની ગયો હોત અને આ નામ અને દામથી કદાચ વંચિત રહી ગયો હોત.’
અહીં એક વાતનો ખુલાસો કરવો જરૂરી છે કે આ પહેલાં જે બે ગીત મહેન્દ્ર કપૂરે ગાયાં હતાં એમના માટે તેમને પૈસા નહોતા મળ્યા. એ દિવસોમાં તે સ્કૂલમાં હતા અને કેવળ શોખથી તેમણે આ ગીત ગાયાં હશે એમ કહી શકાય. આવું હશે તો જ મહેન્દ્ર કપૂર આમ બોલ્યા હશે. આ બાબત મારી તેમની સાથે કોઈ વાતચીત થઈ નથી.
જીવનમાં આવા બનાવો બને ત્યારે આપણે તાત્કાલિક હતાશ થઈ જઈએ, પરંતુ નિયતિની નિયત પર શંકા કરવાનું કોઈ કારણ ન હોઈ શકે. એ છતાં સતત આપણે એ ભૂલ કરતા હોઈએ છીએ, જ્યારે કશુંક ન ગમતું બને છે એ સમયે આપણે નિરાશ થઈએ છીએ, પરંતુ ભાગ્યરેખામાં ઈશ્વરે સફળતાની એક એવી કેડીનું નિર્માણ કર્યું હોય છે જે ભવિષ્યમાં સફળતાનો ઘોરી માર્ગ બનવાનો હોય છે.
આનાથી વિપરીત એક કિસ્સો એવો બન્યો ત્યારે મહેન્દ્ર કપૂરને એમ લાગ્યું કે મારી કારકિર્દી શરૂ થતાં પહેલાં જ પૂરી થઈ જશે.
પ્રોફેશનલ સિંગર તરીકે મહેન્દ્ર કપૂરનું હિન્દી ફિલ્મ માટે રેકૉર્ડ થયેલું પહેલું ગીત હતું ‘નવરંગ’નું ‘આધા હૈ ચંદ્રમા રાત આધી, રહે ન જાયે તેરી મેરી બાત આધી, મુલાકાત આધી’. ભરત વ્યાસ લિખિત અને સી. રામચંદ્રની ધૂન પર આશા ભોસલે સાથેનું આ ડ્યુએટ આજે પણ એટલું જ લોકપ્રિય છે. ફિલ્મ ‘સોહની મહિવાલ’ પહેલાં રિલીઝ થઈ એટલે ટેક્નિકલી ‘ચાંદ છુપા ઔર તારે ડૂબે’ મહેન્દ્ર કપૂરનું પહેલું ગીત કહી શકાય. ‘નવરંગ’ના ગીતની વાત કરતાં મહેન્દ્ર કપૂર કહે છે,
‘આ ગીત મારું પહેલું ગીત હતું અને આશાજી (ભોસલે) સાથે ગાવાનું હતું એટલે સ્વાભાવિક છે હું થોડો નર્વસ હતો. રાજકમલ સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ હતું. રિહર્સલ શરૂ થયું અને મેં ગાવાનું શરૂ કર્યું. થોડી વાર થઈ એટલે રેકૉર્ડિસ્ટ મંગેશ આવ્યા, માઇક સામે ઉપર-નીચે જોયું અને પાછા કૅબિનમાં ગયા. મેં ફરીથી ગાવાનું શરૂ કર્યું. થોડી વારમાં બીજો કોઈ ટેક્નિકલ માણસ આવ્યો; માઇક ચેક કર્યું અને જતો રહ્યો. મને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે.’
આશાજી આ જોઈને મંગેશને કહે, ‘મંગેશ, તુ કાય બગતોસ?’ મંગેશ કહે, ‘કાઇ નાય, કાઇ નાય.’ એટલી વારમાં અન્નાસા’બ (સી. રામચંદ્ર) આવ્યા અને કહે, ‘આશા, આજ યે ગાના રેકૉર્ડ નહીં કરતે, કલ કરેંગે.’
એટલે આશાજીએ પૂછ્યું, ‘ક્યૂ?’ તો અન્નાસા’બ બોલ્યા, ‘લગતા હૈ આજ મહિન્દર થોડા નર્વસ લગતા હૈ.’ હું ચુપચાપ આ વાર્તાલાપ સાંભળતો હતો. મનમાં હતું કે આજે રેકૉર્ડિંગ નહીં થાય તો કાલે થશે કે નહીં? લાગે છે તે મારા અવાજથી સંતુષ્ટ નહોતા.
આ સાંભળી આશાજી બોલ્યા, ‘મહિન્દર નર્વસ લગતા હૈ? યે તો બહુત અચ્છા ગા રહા હૈ. આપકો ક્યું ઐસા લગતા હૈ?’ અન્નાસા’બ બોલ્યા, ‘ઉસકી આવાઝ અંદર સુનાઈ હી નહીં દેતી.’ આશાજી તરત બોલ્યા, ‘કુછ ગરબડ હોગી. આપકી રેકૉર્ડિંગ સિસ્ટમ ચેક કરો. એક કામ કરો. આપ ઇધર હી ખડે રહો. આપકો પતા ચલેગા.’
અન્નાસા’બ ત્યાં જ ઊભા રહ્યા અને મેં ગાવાનું શરૂ કર્યું. મને સાંભળીને તે બોલ્યા, ‘અરે, યે તો ફર્સ્ટ ક્લાસ ગા રહે હૈં. એ મંગેશ, તુમ પહેલે વાયરિંગ ચેક કરો.’ મંગેશ બહાર આવ્યા અને ફરી એક વાર ધ્યાનથી દરેક ચીજ ચેક કરી તો ખબર પડી કે માઇક્રોફોનનું પ્લગ જ ભરાવ્યું નહોતું.
‘મેં મનોમન ભગવાનનો પાડ માન્યો કે તે મારી લાજ રાખી. મારી કરીઅર બચી ગઈ. જો એ દિવસે રેકૉર્ડિંગ કૅન્સલ થયું હોત તો આખી ઇન્ડસ્ટ્રીમાં વાત ફેલાઈ જાત કે આ નવો સિંગર ગાઈ નથી શકતો. ત્યાર બાદ મને ચાન્સ મળત કે નહીં એની કોને ખબર હતી?’
તો આ હતી મહેન્દ્ર કપૂરના પહેલા રેકૉર્ડિંગની ઓછી જાણીતી વાત. સી. રામચંદ્ર એક મહાન સંગીતકાર હતા. તમને નવાઈ લાગશે કે સંગીતકાર ઓ. પી. નય્યરને જ્યારે મેં પૂછ્યું કે તમારા માનીતા સંગીતકાર કોણ? એના જવાબમાં તેમણે સી. રામચંદ્રનું નામ આપતાં કહ્યું કે સચિનદા અને શંકર જયકિશનના માનીતા સંગીતકાર પણ સી. રામચંદ્ર હતા. અન્નાસા’બ સાથેનાં બીજાં સંસ્મરણો યાદ કરતાં મહેન્દ્ર કપૂર કહે છે, ‘ક્લાસિકલ મ્યુઝિકની સાથે લાઇટ મ્યુઝિકની પણ તેમને સારી જાણકારી હતી. મને શીખડાવતી વખતે ગુસ્સો પણ કરતા. (એક આડ વાત, તેમના આ ગુસ્સાનો પરચો રફીસા’બ સહિત ભલભલા સિંગર્સને થયો છે. એ કિસ્સાઓ ફરી કોઈ વાર શૅર કરીશું.) ફિલ્મ ‘નવરંગ’ના ગીત ‘યે માટી સભી કી કહાની કહેંગી’નું રેકૉર્ડિંગ ચાલતું હતું. ભૂલ તો દરેકની થાય. મારી ભૂલ થાય એટલે કૅબિનમાંથી અકળાઈને બોલે, ‘ધત્ત તેરી કી, યે કયા કર રહે હો?’ એટલે તરત હું કહું, ‘સૉરી અન્ના.’
આ સાંભળી મોઢું બગાડતાં કહે, ‘કયા સૉરી સૉરી. હમેશાં તુમ ઐસા હી કરતે હો. પહેલે ગલતી કરના ઔર ફિર બાદ મેં સૉરી બોલના. ચલો, ઠીક સે ગાઉં.’ હું જવાબ આપું, ‘હા અન્ના, ઠીક સે ગાઉંગા.’ રેકૉર્ડિંગ પતી જાય એટલે ખુશ થઈ જાય. શાંતારામજીને કહે, ‘ઇસ લડકે કી આજ તક મુઝે સમજ નહીં આઈ. અચ્છા અન્નાજી, અચ્છા અન્નાજી કહેતા રહેતા હૈ. મૈં રેકૉર્ડિંગ મેં કુછ ભી કહ દેતા હૂં પર વો નર્વસ નહીં હોતા. બાર બાર સૉરી બોલતા હૈ પર બાદ મેં ઠીક ગાતા હૈ. અભી તક મુઝ કો યે સમજ નહીં આયા હૈં.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK