Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઠાકરે સરકારે ઊડવા માગતા રાજ્યપાલની પાંખ કાપી

ઠાકરે સરકારે ઊડવા માગતા રાજ્યપાલની પાંખ કાપી

12 February, 2021 11:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઠાકરે સરકારે ઊડવા માગતા રાજ્યપાલની પાંખ કાપી

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી


રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને રાજ્ય સરકાર વચ્ચે અવારનવાર તણખા ઝરતા રહે છે એમાં ગઈ કાલે બળતામાં ઘી હોમાયું હતું. રાજ્યપાલના હવાઈ-પ્રવાસ માટે સરકારી વિમાનની ફાળવણી અટકાવાતાં ફરી એક વાર તેમના સંબંધોમાં ખટાશ વ્યાપી ગઈ હતી.

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ગઈ કાલે મસુરી એક કાર્યક્રમમાં હાજરી આપવા જવાના હતા. ગઈ કાલે સવારે તેઓ ઍરપોર્ટ પહોંચીને વિમાનમાં બેઠા ત્યાર બાદ તેમને કહેવામાં આવ્યું કે ચીફ મિનિસ્ટર ઑફિસ (સીએમઓ) દ્વારા એમના એ હવાઈ-પ્રવાસ માટે વિમાનની મંજૂરી અપાઈ નથી. એથી તેમણે નીચે ઊતરી જવું પડ્યું હતું. ત્યાર બાદ તરત જ રાજ્યપાલના કહેવાથી પ્રાઇવેટ પ્લેનમાં બપોરે ૧૨.૧૫ વાગ્યે તેઓ દહેરાદૂન જવા નીકળી ગયા હતા.



આ મુદ્દા પર રાજ્યપાલની ઑફિસ દ્વારા એક નિવેદન બહાર પાડીને જાણ કરાઈ હતી કે મહારાષ્ટ્ર અને ગોવાના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ૧૨ ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના મસુરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નૅશનલ ઍકૅડેમી ઑફ ઍડ્મિનિસ્ટ્રેશનમાં આઇએએસ અધિકારીઓના ૧૨૨મા ઇન્ડક્શનના પ્રોગ્રામમાં હાજર રહેવાના હતા. એથી ૧૧ ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ જવા સરકારી વિમાન ફાળવવા બીજી ફેબ્રુઆરીએ જ રાજ્યપાલના સચિવાલયે રાજ્ય સરકાર પાસે એ બદલ માગણી કરી હતી.


રાજ્યપાલને જો કોઈ પ્રવાસ માટે વિમાન જોઈતું હોય તો એ માટે મહારાષ્ટ્ર વિમાન પ્રાધિકરણને એ માટે અરજી કરાતી હોય છે. પ્રાધિકરણ એ પ્રવાસ અને વિમાન માટેની અરજીની માહિતી સીએમઓને મોકલાવે છે. સીએમઓ એને માન્ય રાખે છે અને ત્યાર બાદ વિમાનપ્રવાસને મંજૂરી મળે છે. રાજ્યપાલ દ્વારા ઉત્તરાખંડના એ પ્રવાસ માટે વિમાન ફાળવવાની અરજી કરાઈ હતી અને એ વિશે સીએમઓને પણ જાણ કરાઈ હતી, પણ સીએમઓ તરફથી એ પ્રવાસ માટે મંજૂરી અપાઈ નહોતી. સીએમઓ ઑફિસનું કહેવું છે કે આ સંદર્ભે અમે રાજ્યપાલની ઑફિસને વિમાન ઉપલબ્ધ ન હોવા બદલ એક દિવસ પહેલાં જ જાણ કરી હતી. તેમણે એ બાબતની ખાતરી કરી લેવી જોઈતી હતી.

આવો અહમ્ ધરાવતી સરકાર મેં જોઈ નથી: દેવેન્દ્ર ફડણવીસ


રાજ્યના વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના બદલ તેમની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘રાજ્યપાલને વિમાન મંજૂર ન કરવું એ કમનસીબી છે. એ કોઈની પ્રાઇવેટ પ્રૉપર્ટી નથી. મારી જાણ પ્રમાણે એ માટે સરકારના જનરલ ઍડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટને પત્ર અપાયો હતો. એ પત્ર સીએમઓને પણ મળી ગયો હતો. એમ છતાં એ માટે મંજૂરી ન અપાઈ. મહારાષ્ટ્રના અત્યાર સુધીના ઇતિહાસમાં આવો અહમ્ ધરાવતી સરકાર મેં ક્યારેય જોઈ નથી. આપણે કોનું અપમાન કરી રહ્યા છીએ એની ખબર પડવી જોઈએ. રાજ્યપાલ એ સંવિધાનિક પદ છે.’

નિયમોનું પાલન કરવું એ શું અહંકાર છે? : સંજય રાઉત

દેવેન્દ્ર ફડણવીસના હુમલાનો વળતો જવાબ આપતાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે આ બનાવ વિશે કહ્યું હતું કે ‘ભગતસિંહ કોશ્યારીને ભાજપે ખાનગી વિમાન આપવું જોઈતું હતું. રાજ્યપાલનું અપમાન થાય એવું કોઈ પણ કામ મુખ્ય પ્રધાન કે રાજ્ય સરકારે કર્યું નથી. ખાનગી કામ માટે સરકારી વિમાન વાપરવા બદલ કેટલાક નિયમો છે. ઉદ્ધવ ઠાકરેને બદલે કોઈ પણ મુખ્ય પ્રધાન હોત તો તેણે એ જ કર્યું હોત. અહંકાર શબ્દ કોણ કોને ઉદ્દેશીને બોલ્યું? નિયમોનું પાલન કરવું એ શું અહંકાર છે?’

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2021 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK