Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તેરા ઇમોશનલ અત્યાચાર એ તો ઓમ દરબદરના સૉન્ગ પરથી પ્રેરિત

તેરા ઇમોશનલ અત્યાચાર એ તો ઓમ દરબદરના સૉન્ગ પરથી પ્રેરિત

10 December, 2019 12:02 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

તેરા ઇમોશનલ અત્યાચાર એ તો ઓમ દરબદરના સૉન્ગ પરથી પ્રેરિત

અદ્ભુત કમ્પોઝરઃ રજત ધોળકિયાએ ફિલ્મોમાં મ્યુઝિક આપવું જોઈએ એવું હું દૃઢપણે માનું છું. તેણે કરેલાં એક્સપરિમેન્ટ્સ દસકાઓ પછી અન્ય લોકોએ વાપર્યાં છે અને જાહેરમાં આ વાત સ્વીકારી પણ છે.

અદ્ભુત કમ્પોઝરઃ રજત ધોળકિયાએ ફિલ્મોમાં મ્યુઝિક આપવું જોઈએ એવું હું દૃઢપણે માનું છું. તેણે કરેલાં એક્સપરિમેન્ટ્સ દસકાઓ પછી અન્ય લોકોએ વાપર્યાં છે અને જાહેરમાં આ વાત સ્વીકારી પણ છે.


આ વખતે વાત કરવાની છે ‘ઓમ દરબદર’ની, પણ એ પહેલાં આપણે થોડી વાત કરી લઈએ ‘ટકો મૂંડો ટાઉં ટાઉં’ની. અમારા આ નાટકમાં એક બાળકલાકાર જગેશ મુકાતી પણ હતો. જગેશ આજે બહુ મોટું નામ થઈ ગયું છે. મારા ડિરેક્શન અને પ્રોડક્શનમાં તેણે અનેક નાટકો કર્યાં છે અને આજે એ મારો ખૂબ સારો મિત્ર પણ છે, પરંતુ એ વખતે તે બાળકલાકાર તરીકે મારા નાટકમાં આવ્યો હતો. આ ઉપરાંત બીજી એક વાત કરવાની સેટ-ડિઝાઇનર પ્રદીપ પાલેકરની. આપણે બે વીક પહેલાં લખ્યું કે ‘ટકો મૂંડો ટાઉં ટાઉં’નું સેટ-ડિઝાઇનિંગ પ્રદીપે કર્યું હતું અને ઘણા લાંબા સમયથી એનો કોઈ કૉન્ટૅક્ટ નથી. આ વાંચીને મારા મિત્ર અને જાણીતા ફિલ્મ રાઇટર-ડિરેક્ટર સંજય છેલનો મેસેજ આવ્યો કે થોડાં વર્ષો પહેલાં જ પ્રદીપ પાલેકરનું અવસાન થઈ ગયું.

‘ટકો મૂંડો ટાઉં ટાઉં’ની સક્સેસથી ખુશ થઈને ડૉક્ટર સી. કે. શાહ અને હિનાબહેન શાહે મને બીજું એક મોટું નાટક બનાવવાનું કહ્યું, ‘અમે એમાં ઇન્વેસ્ટ કરીશું’ અને મેં એ દિશામાં આગળ વધવાનું નક્કી પણ કર્યું, પરંતુ એ પહેલાં હવે વાત કરીએ કમલ સ્વરૂપની ફિલ્મ ‘ઓમ દરબદર’ની. ‘ઓમ દરબદર’નું ફાઇનૅન્સ કરવા નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એનએફડીસી) તૈયાર હતી. એ એક ઑફબીટ આર્ટફિલ્મ હતી, જેમાં મને એક રોલ ઑફર કરવામાં આવ્યો. અમારા નાટકમાં દિન્યાર કૉન્ટ્રૅક્ટર ન હોય ત્યારે હું એ રિહર્સલ્સ કરતો. મારાં એ રિહર્સલ્સ જોઈને કમલે મને ફિલ્મ ઑફર કરી હતી.



આ ફિલ્મનું શૂટિંગ અજમેરથી આગળ પુષ્કર છે ત્યાં હતું. અગાઉ મેં ક્યારેય ફિલ્મોમાં કામ કર્યું નહોતું એટલે જ્યારે ફિલ્મની ઑફર મળી ત્યારે નૅચરલી હું ખૂબ એક્સાઇટ થઈ ગયો હતો. ફિલ્મ એકદમ લૉ બજેટની હતી એટલે ઍક્ટિંગનું કોઈ પેમેન્ટ મળવાનું નહોતું, માત્ર કામ કરવાનું હતું અને સારું કામ કરીને નામ કમાવાનું હતું.


ફિલ્મની ઑફર રજત ધોળકિયાએ મને આપી હતી. કમલે તેને કહ્યું હતું કે દિન્યારની જે પ્રૉક્સી (એટલે કે તેના વતી ઊભા રહીને તેની બધી ઍક્ટિંગ કરવાની) કરે છે તેનું કામ ખૂબ સરસ છે, મારે તેને કાસ્ટ કરવો છે. રજત એમાં મ્યુઝિક આપવાનો હતો. રજત પણ સંકળાયેલો હતો એટલે મેં તો તરત હા પાડી દીધી. મિત્રો, રજતે આ ફિલ્મના મ્યુઝિકમાં ઘણાંબધાં એક્સપરિમેન્ટ કર્યાં હતાં. અમારા નાટક માટે પણ રજતે ઘણાંબધાં એક્સપરિમેન્ટ સૂચવ્યાં હતાં, પણ મેં દરેક વખતે એ રિજેક્ટ કર્યાં હતાં. મને એક શ્યૉરશૉટ હિટ નાટક બનાવવું હતું એટલે એક્સપરિમેન્ટ કરીને કોઈ જાતનું રિસ્ક લેવા હું તૈયાર નહોતો, પણ અગાઉ કહ્યું એમ, રજત કઈંક નવું કરવા માટે એ સમયથી જ તૈયાર હતો. ‘ઓમ દરબદર’નાં જે ગીતો તેણે બનાવ્યાં હતાં એ બધાં ગીતો અદ્ભુત છે. એ તમને ઑનલાઇન સાંભળવા મળશે. એક વખત સાંભળશો તો તમને પણ સમજાશે કે ૮૦ના દસકામાં રજતે કેવા-કેવા અખતરા કર્યા હતા. તમને ‘બૉમ્બે’ ફિલ્મ યાદ હશે, એમાં એ. આર. રહેમાને બાળકો પાસે ગીત ગવડાવ્યું હતું, ‘કુચી કુચી રકમા...’ અગાઉ બાળકોના અવાજમાં આવતાં ગીતોમાં પણ મોટા કલાકારો પાસે જ ગવડાવવામાં આવતું, જે ઍક્ચ્યુઅલ બહુ ફેક લાગતું. રજત પહેલો મ્યુઝિક-ડિરેક્ટર હતો જેણે ‘ઓમ દરબદર’માં બાળકો પાસે ‘ગડરિયા ગડરિયા...’ નામનું ગીત ગવડાવ્યું હતું. રહેમાન કરતાં પહેલાં તેણે આ અખતરો ‘ઓમ દરબદર’માં કરી લીધો હતો.

બીજું એક ગીત હતું જેમાં લગ્નની જાન ચાલી રહી છે અને બૅન્ડવાળા ગીત વગાડે. લાઇવ ગીત હોય એ પ્રકારે એનું રેકૉર્ડિંગ થયું હતું. ડિરેક્ટર અનુરાગ કશ્યપે જાહેરમાં કબૂલ્યું છે કે ‘દેવ ડી’નું મોસ્ટ પૉપ્યુલર ઇમોશનલ અત્યાચાર ગીતની પ્રેરણા તેને ‘ઓમ દરબદર’ના આ ગીત પરથી મળી હતી. જુઓ તમે રજત કેવડો મોટો ટ્રેન્ડ-સેટર છે.


મને ફિલ્મની ઑફર આવી. મેં હા પાડી અને હું શૂટિંગ માટે અજમેર ગયો, પણ મિત્રો ફિલ્મનું પ્રોડક્શન તદ્દન વેરવિખેર હતું. મોબાઇલ એ જમાનામાં હતા નહીં, બધું કૅર/ઑફ નંબર પર ચાલ્યા કરે. મેં જે નંબર આપ્યો હતો એના પર મેસેજ આવ્યો કે મારે ફલાણા-ફલાણા દિવસે ચોક્કસ જગ્યાએ અજમેર પહોંચી જવાનું છે. ખિસ્સામાં થોડાઘણા પૈસા લઈને હું તો નીકળી પડ્યો. ફિલ્મમાં કામ કરવાનો કીડો એટલો મોટો કે હું તો કોઈ પણ જાતના રિઝર્વેશન વિના ટ્રેનમાં ધક્કા ખાતો-ખાતો અજમેર પહોંચી ગયો. હવે તો અજમેરની ડાયરેક્ટ ટ્રેન છે, પણ એ સમયે એવું હતું નહીં. તમે મુંબઈથી રવાના થાઓ એટલે તમારે અમદાવાદથી અજમેર માટે ટ્રેન બદલવી પડતી.

ચોવીસ કલાકે હું પહોંચ્યો. ફિલ્મનું શૂટિંગ ચાલુ થઈ ગયું હતું. અતિશય સાદી કહેવાય એવી હોટેલમાં ફિલ્મનો ઉતારો હતો. ફિલ્મના બીજા કલાકારોમાં લલિત તિવારી, ગોપી દેસાઈ હતાં, રમેશ સિપ્પીની ‘બુનિયાદ’ સિરિયલમાં જે લાજોજી હતી એ અનીતા કંવર હતાં. ‘લગાન’માં કચરાનો રોલ કરનારો આદિત્ય લાખિયા પણ હતો. અજમેરમાં એક દિવસનું શૂટિંગ કરીને અમે પુષ્કર ગયા. પુષ્કરમાં એક બહુ મોટો કુંડ છે. એવું કહેવાય છે કે વર્ષના પાંચ દિવસ એવા છે જેમાં તમે આ કુંડમાં સ્નાન કરો તો સ્વર્ગ મળે. આવી લોકવાયકા છે, સાચું-ખોટું રામ જાણે. આખી ફિલ્મ આ લોકવાયકા પર આધારિત હતી. ફિલ્મમાં મારું કૅરૅક્ટર પંડાનું એટલે કે પૂજારીનું. શાસ્ત્રોમાં કહેલા પેલા પાંચ દિવસ દરમ્યાન જે પૂજાવિધિ કરાવવા આવે તેને આ પંડો પૂજા કરાવે. પૂજા પછી એ કુંડમાં સ્નાન કરે અને પછી જે દક્ષિણા મળે એ પંડાની આવક. આમ પૂજારીને વર્ષમાં માત્ર પાંચ જ દિવસ કમાવા મળે. પંડાને વિચાર આવ્યો કે આપણે ભગવાનને રિક્વેસ્ટ કરીએ કે તમે પાંચ દિવસ નહીં, પણ ત્રણસો ને પાંસઠ દિવસ લોકો કુંડમાં સ્નાન કરે અને એ સ્વર્ગમાં જાય એવી વ્યવસ્થા કરોને, જેથી અમારી પૂજારીઓની દુકાન ચાલતી રહે. છેને ઇન્ટરેસ્ટિંગ વાર્તા.

‘ઓમ દરબદર’ની આવી જ બીજી ઇન્ટરેસ્ટિંગ વાતો કરીશું આવતા મંગળવારે...

જોકસમ્રાટ

પત્ની :  સાંભળો છો, તમે સફેદ પૅન્ટ પર પીળું શર્ટ નહીં પહેરતા?

પતિ : કેમ?

પત્ની : પરમ દિવસે તમે પહેર્યું હતું તો મારી બહેનપણી કહેતી હતી કે જો તારાં ‘દાળભાત’ આવે છે.

sanjay-poha

ભલ્લાલ ભેળઃ સાધના ભેળ સેન્ટરની ભેળ ખાધા પછી તમને બીજા કોઈની ભેળ ન ભાવે એની ગૅરન્ટી સાધનાવાળા આપે કે ન આપે, હું તો આપું જ છું.

ફૂડ ટિપ્સ

મિત્રો, છેલ્લા એક મહિનાથી અમારા શો ગુજરાતમાં ચાલે છે. ગુજરાતના શોમાં અમદાવાદ અમારું સેન્ટર રહે અને પછી આજુબાજુમાં પણ શો ચાલતા રહે. અમદાવાદથી હમણાં અમારે ‘બૈરાંઓના બાહુબલી’ના શો માટે જવાનું થયું રાજકોટ. આ અગાઉ આપણે રાજકોટની સ્ટ્રીટ-ફૂડના અનેક રસાસ્વાદ કર્યા જ છે, પણ એટલામાં કાંઈ રાજકોટની વાત અને રાજકોટનો સ્વાદ થોડો પૂરો થાય. રાજકોટ રંગીલું શહેર છે. રાજકોટ પાસે પોતાની ખૂબબધી વાનગીઓ છે.

રાજકોટમાં અમે જે હોટેલમાં ઊતરીએ છીએ એ સૂર્યકાંત હોટેલના માલિકનો દીકરો અભિષેક તલાટિયા મને મળ્યો. મને કહે કે આ વખતે આપણે ‘સાધના ભેળ સેન્ટર’ જઈશું, બહુ પ્રખ્યાત છે. આ સાધના ભેળ સેન્ટર રાજકોટમાં લગભગ પચાસેક વર્ષથી છે. બપોરથી ચાલુ થઈ જાય અને છેક મોડી રાત સુધી ચાલે. હું તો અભિષેકના ઍક્ટિવા પર જવા માટે નીકળ્યો. મનમાં એમ કે મુંબઈ જેવી જ ભેળ હશે, પણ ના, આ જુદા જ પ્રકારની ભેળ હતી. ભેળની વાત પર આવતાં પહેલાં તમને એક આડવાત કહું. રાજકોટમાં ગોરધનની ચટણી ખૂબ ખવાય, જેને કોઠાની ચટણી પણ કહે છે. રાજકોટ જ નહીં, આજુબાજુના પંથકમાં પણ ખૂબ જ ખવાય છે. કોઠાની ચટણીમાં સહેજ ખટાશ હોય. રાજકોટમાં તમે કોઈ પણ વાનગી ખાવા જાઓ; હૉટડૉગ, વેજ પીત્ઝા કે ભેળથી માંડીને કોઈ પણ આઇટમ, એમાં બે આઇટમ હોય જ હોય. એક તો આ કોઠાની ચટણી અને બીજી હોય ઘરે બનાવેલી ગળચટ્ટી મસાલા સિંગ. રાજકોટના રસ્તા પરનું જમણ આ બે આઇટમ વિના પૂરું થાય જ નહીં અને એવું નથી કે એ ન ભાવે, આ બન્ને આઇટમની પણ એક મજા છે. કોઠાની ચટણીનો સ્વાદ લાજવાબ અને સાથે પેલી ગળચટ્ટી મસાલા સિંગ. કરકરી એવી આ સિંગ મોઢામાં આવે એટલે દાંતને તો દિવાળી જેવું લાગે.

સાધનાની ભેળમાં સેવ-મમરા, કાંદા અને બટેટા ખરા, પણ સાથોસાથ એમાં દાડમ પણ હોય અને લીલી દ્રાક્ષના ટુકડા પણ હોય. આ ઉપરાંત મેં કહી એ ઘરે બનાવેલી ગળચટ્ટી મસાલા સિંગ અને પેલી ફેમસ કોઠાની ચટણી. જામો પડી ગયો. અહીં ભેળ અને બીજી બધી વરાઇટી ખાવા માટે બહુ લોકો આવતા હશે એનો પુરાવો આપું તમને. તમારે અંદર જઈને પહેલા કાઉન્ટર પરથી ભેળ લેવાની. એ પછી આગળ વધી જાઓ એટલે એક સ્ટીલના સ્ટૅન્ડ પર ત્રણ તપેલાં લટકાવ્યાં હોય. એમાંથી એકમાં કાંદા-બટેટા હોય, બીજામાં મીઠી ચટણી અને ત્રીજામાં પેલી કોઠાની ચટણી હોય. ઓછીવત્તી લાગે તો જાતે જ નાખી લેવાની. જો આટલા લોકો પોતાના સ્વાદ મૂજબ ચટણી નખાવવા મેઇન કાઉન્ટર પર જાય તો નવા ઑર્ડર જ ન બને એટલે આ સરળતા ઊભી કરી હશે એવું મારું માનવું છે.

રાજકોટ જવાનું બને તો ભૂલ્યા વિના, સાધનાની ભેળ અને ત્યાં મળતી બીજી વરાઇટીનો સ્વાદ નહીં માણશો તો તમને મારા સમ.

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2019 12:02 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK