ટેન્શન વધતું જતું હતું કે નાટક થિયેટરમાં રજૂ થશે કે રસ્તા પર?

Published: Feb 06, 2020, 14:37 IST | Latesh Shah | Mumbai Desk

આપણું તો ભઇ એવું : ટેન્શન અમારો પીછો નહોતું છોડતું. નાટક રિલીઝ થશે કે નહીં કે બધી મહેનત પાણીમાં જશે?

અરે છ મહિના લખવામાં ગયા, ત્રણ મહિના રિહર્સલને થઈ ગયાં હતાં. સેટિંગ સર્વિસવાળા સમસુદ્દીનભાઈનું  ‘ચિત્કાર’નો સેટ બનાવવાનું કૉસ્ટ ક્વોટેશન આવી ગયું હતું. સેટ-ડિઝાઇનર વિજય કાપડિયાએ ત્રાગાં શરૂ કરી દીધાં કે લતેશ તું ત્રીજો અંક નહીં દેખાડે તો હું સેટ કેવી રીતે બનાવું? બારી-દરવાજાનાં કપડાં કેવી રીતે પસંદ કરું? એ તો રિહર્સલ ચાલતાં હોય ત્યાં હંગામો કરે. બધાને કહેતા ફરે, લતેશ મને ત્રીજો અંક નથી સંભળાવતો. મારી હાલત ધોબીના કૂતરા જેવી થઈ ગઈ હતી. ન ઘરનો ન ઘાટનો. એક બાજુ થિયેટરમાં રવિવારે રિલીઝ કરવાની ડેટ મળે નહીં બીજી બાજુ વિજયભાઈનું ટેન્શન. વિજયભાઈ પાછા રડતા અવાજમાં બોલે, બધાની સામે બોલે એટલે કલાકારોની પ્રશ્નાર્થ ચિહ્નવાળી આંખો મને ટગર-ટગર જુએ. મારી હાલત તો સૂડી વચ્ચે સોપારી જેવી હતી. વિજય કાપડિયા, બહુ જ ક્રીએટિવ અને ક્રેઝી. પ્રવીણ જોષીના ફેવરિટ એટલે પૂછવાનું જ ન હોય. જ્યાં સુધી ત્રીજો અંક લખ્યો નહીં ત્યાં સુધી મારું માથું ખાઈ ગયા. લતેશ મને પૂરું નાટક નહીં સંભળાવે તો હું સેટ કેવી રીતે બનાવું? તમે યંગ લોકો એક નંબરના આળસુ છો. વિજયભાઈ સિનિયર ડિઝાઇનર,   એટલે નાછૂટકે મારે તેમને ડિનર પર લઈને જવા પડ્યા. ડિનર લેતાં ત્રીજો અંક સમજાવ્યો. મેં લખ્યો નહોતો. મનમાં જે રીતે વિચાર્યું હતું એ રીતે સમજાવ્યો. એમાં તેમણે પચાસ સવાલ કર્યા, જેના જવાબ મારે ત્યારે ને ત્યારે ઘડીને તેમને આપવા પડ્યા ત્યારે તેમણે પીછો છોડ્યો. સાથે-સાથે બે સરસ સજેશન આપ્યાં. બીજા દિવસે જ સેટની ડિઝાઇન લઈને તે હાજર થયા.

બીજા વડીલ હતા અજિત મર્ચન્ટ, બૅકગ્રાઉન્ડ  મ્યુઝિક આપે. તેમણે બે અંકનું મ્યુઝિક તૈયાર કરી રાખ્યું હતું. તે પણ ત્રીજો અંક જોવા માગતા હતા‍ એટલે તે પણ અચાનક રિહર્સલ પર આવી જતા. તેમનો ડર પણ લાગતો હતો, કારણ કે તેમનો ગુસ્સો પરશુરામ જેવો અને જુસ્સો ફારુખ એન્જિનિયર જેવો. પર્ફેક્ટ ઇંગ્લિશ સ્વભાવ, શિસ્તબદ્ધ ભાટિયા જેન્ટલમૅન. સ્ટ્રેટ ફૉર્વર્ડ. તડનું તડ અને ફડનું ફડ. કોઈની સાડાબારી રાખે નહીં. આજસુધી થિયેટરમાં જો કોઈનાથી પણ મને ડર લાગતો તો એ અજિત મર્ચન્ટથી. તેમને રિહર્સલમાં જોઈને મને તાવ આવી જતો. તેને જવાબ શું આપવો? એ તો રિહર્સલમાં આવે એટલે તરત જ કહે, ત્રણે અંક દેખાડો એટલે  બૅકગ્રાઉન્ડ મ્યુઝિક રેકૉર્ડ કરીએ. તેમણે તો શશાંક લાલચંદ (તાડદેવ)નો સ્ટુડિયો બુક કરી રાખ્યો‍ હતો.  અજિતભાઈની જીદ હતી કે નાટકના ત્રણે અંક બતાવો પછી જ મ્યુઝિક રેકૉર્ડ થશે. ત્રીજો અંક કાઢવો ક્યાંથી?  ત્રીજો અંક મનમાં જ હતો. એણે પેપર પર જન્મ લીધો નહોતો. અજિત મર્ચન્ટ એટલે સરળ માણસ. સંગીતના માયલી સૂઝ ધરાવતો મહારથી. વિનયી અને રુદ્ર, વિરોધાભાસી, મીઠો અને એટલો જ તીખો મ્યુઝિકલ માણસ.  ‘તારી આંખનો અફીણી’ જેવું અમર ગીત જેમણે આપ્યું એ સંગીત દિગ્દર્શક અજિત મર્ચન્ટ અને ગાયક દિલીપ ધોળકિયાની જોડીની જમાવટનો જામો ગુજરાતી પ્રજાને વરસોથી જલસો કરાવતો રહ્યો છે. આજે પણ એ ગીત વાગતાં જ સિસોટીઓ વાગે જ. હાથપગ થરકવા લાગે. મન નાચવા લાગે, દિલ ધડકવા લાગે. આત્મા અલગારી થઈ ભટકવા લાગે. દરેક લગ્નની સંગીત સંધ્યા આ ગીત વગર અધૂરી  લાગે. આ સંગીત દિગ્દર્શક  અજિત મર્ચન્ટનો સ્વભાવ સારો ત્યારે સારો અને ખારો ત્યારે ખારો એ નાટકના પંડિતો પાસે સાંભળીને તેમના સ્વભાવની વાતથી ધ્રુજારી છૂટતી. તેમને પણ મેં ત્રીજા અંકની વાર્તા સંભળાવી, પણ અજિત મર્ચન્ટ જેનું નામ એણે ચોખ્ખી ઘસીને ના પાડી દીધી કે ત્રીજો અંક જોયા વગર હું મ્યુઝિક તૈયાર નહીં કરું. આમ કહીને અજિત મર્ચન્ટે એક્ઝિટ કરી. હું તેમની પાછળ ગયો સમજાવવા, પણ સાંભળે એ બીજા.

સાંજે સંજય વીલા ચહેરે બધા થિયેટરના મૅનેજરોને મળીને આવ્યો, અપેક્ષિત જવાબ સાથે કે લતેશભાઈ, હજી રવિવારની ડેટ મળી નથી. હું ટેન્શનમાં હતો, પણ સંજયના હાવભાવ જોઈને હસી પડ્યો. સંજયને લાગ્યું હશે કે હું રડવાની વાત કરી રહ્યો છું અને લતેશભાઈ કેમ હસી રહ્યા છે? ક્યાંક ગાંડા તો નથી થઈ ગયાને? ચિત્કાર નાટકની અસર તો નથી થઈને તેમના પર? ચિત્કાર નાટકનું બૅકગ્રાઉન્ડ મેન્ટલ હૉસ્પિટલનું હતું. મને હસવું આવ્યું સંજયની બોલવાની ઢબથી. મેં સંજયને જણાવ્યું કે કાલથી ત્રીજા અંકનાં રિહર્સલ શરૂ કરવાં પડશે. સંજયને થયું કે ત્રીજા અંકનો હજી પહેલો અક્ષર લખાયો નથી ને આવતી કાલ થી રિહર્સલ કેવી રીતે થશે? તે મારી સામે બોલ્યો નહીં, પણ મનમાં બોલતો હોય એવા તેના હાવભાવ જોઈને મને મનમાં થયું, મહારાજ તરીકે તો સંજયને જ લઈશ. બહારથી હું તેની સાથે ઘણી વાર ગુસ્સે થતો, પણ અંદરથી તેને ખૂબ પ્રેમ કરતો હતો. એટલે અમે પંદર વર્ષ સાથે રહ્યા. પણ એક સમય આવ્યો, નજર લાગી, ગેરસમજણ ઊભી થઈ, અમે છૂટા પડ્યા. એ વાત સમય આવ્યે થશે જ. ચિત્કાર નાટકમાં તેનો ફાળો ઘણો હતો. ચિત્કાર આલા પણ સંજય ગેલા.

એ આખી રાત બેસીને ત્રીજો અંક લખ્યો. દસ પાનાં લખી નાખ્યાં. સવારના ચાર વાગ્યા. ક્યારે સૂઈ ગયો ખબર ન પડી. ત્યારે ખબર જ નહીં કે કેવો લખાયો છે? બીજા દિવસે રિહર્સલમાં મૂવમેન્ટ બેસાડવાનું શરૂ કર્યું.  બધાં પાત્રો મળી ગયાં હતાં. એક મહારાજનું પાત્ર ખૂટતું હતું. ત્રીજો અંક પહેલા-બીજા અંક કરતાં સાવ જુદો જ લાગે. બે અંક હૉસ્પિટલમાં અને ત્રીજો અંક ઘરમાં હતો. સુજાતા બે અંકમાં મેન્ટલી ચૅલેન્જ્ડ દરદી હતી અને ત્રીજા અંકમાં ઘરમાં લગન કરીને આવે છે. ઘરના મહારાજ એટલે રસોયા માટે ઍક્ટર નહોતો મળતો.

બીજે દિવસે જ્યારે પાટકર હૉલ પર હું અને સંજય, પાટકરના મૅનેજર શામ કેરાવાળાને મળવા ગયા ત્યારે તેમણે રવિવાર ખાલી નથી એમ કહ્યું. અમે બન્ને નિરાશ, હતાશ, ઉદાસ થઈને શામ કેરાવાળાની ઑફિસમાંથી બહાર નીકળ્યા અને બિરલા સભાગૃહ જવા પગ ઉપાડ્યા. ત્યાં જ પાછળથી અવાજ આવ્યો, ‘એ જેહાદી, થિયેટરની ડેટ જોઈએ છે?’ ભારેખમ અવાજ હતો, પણ મને રણમાં વીરડી જેવો લાગ્યો. જાણે ટીવી-સિરિયલમાં હોય એમ મેં સ્લો મોશનમાં પાછળ વળી એ સુપરહીરોને જોયા. એ હતા રાજેન્દ્ર બુટાલા. તેમની પાસે ૧૬ જાન્યુઆરી, ૧૯૮૩ની ડેટ વધારાની હતી. પાટકર,  બપોરે સાડાત્રણ વાગ્યે. અમે તરત હા પાડી દીધી. તરત તેમની સાથે જઈને મૅનૅજર શામને મળ્યા. તેમણે કૅન્સલેશનનો લેટર આપ્યો અને અમે ડેટ લેવા માટેની અરજી આપી. ફાઇનલી અમને ડેટ મળી. રવિવારે, બપોરે પાટકર આમ તો નબળી ડેટ ગણાય, પણ નાટક ઓપન તો થિયેટરમાં થશે! હાશ! !
રાજેન્દ્રભાઈ મળ્યા નવમી તારીખે. ડેટ મળી સાત દિવસ પછીની. અમે રાજેન્દ્રભાઈને થૅન્ક્સ કહીને હું અને સંજય ભાંગવાડી  રિહર્સલ માટે ભાગ્યા.

ત્રીજો અંક બેસાડવાનો હતો અને સાત જ દિવસ હતા. સેટ, લાઇટ, મ્યુઝિક અને ત્રીજા અંકનું રિહર્સલ પ્લસ કલાકારોનાં કપડાં, સ્ટેજ પ્રૉપર્ટી લેવાનાં બાકી હતાં. ઉપરથી નાટકમાં મહારાજ ફાઇનલ નહોતો થયો. ૧૬મી તારીખ તો મળી પણ અઠવાડિયામાં પહોંચી વાળવું મુશ્કેલ હતું. બધાને લાગ્યું કે ૧૬ તારીખ છોડવી પડશે.  મારી લગની જ એવી હતી, શ્રદ્ધા હતી કે મારું નાટક સુપરહિટ છે. અંતરમાં અદમ્ય વિશ્વાસ હતો કે રવિવારની ડેટ મળશે જ. નાટક ઓપન થશે જ. ડેટ મળી, પણ નાટક રજૂ કરવું અઘરું હતું. આગળની વાત આવતા ગુરુવારે. વાંચીને ફીડબૅક જરૂર મોકલજો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK