કહો જોઈએ, તમારું આયુષ્ય કેટલું?

Published: Dec 29, 2019, 14:54 IST | Bhavya Gandhi | Mumbai

આનો જવાબ કોઈ પાસે નથી અને એ પછી પણ બધા એવું માનીને જીવે છે કે તેમની પાસે અનલિમિટેડ લાઇફ છે. જો સાચું સમજી લેશો, વાસ્તવિકતા સ્વીકારી લેશો તો ક્યારેય કોઈની સામે મોઢું ચડાવીને ફરવાનું મન નહીં થાય

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

જીવનમાં ખુશ રહેવા માટે આપણે શું-શું કરીએ? જે કરીએ છીએ એ હકીકતમાં ખુશી મેળવવા માટે કરીએ છીએ કે પછી માત્ર એનાથી મન ખુશ થાય છે અને આપણે એમ માની લઈએ છીએ કે આપણે ખુશી મેળવી લીધી?

આ વિચારો હમણાં મારા મનમાં સતત ફર્યા કરે છે, કારણ કે આપણે બધા જે રીતે ભાગીએ છીએ એ જોતાં એવું લાગે જાણે સંસારઆખાનો ભાર આપણા પર છે અને આપણા જેવી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ જગતમાં બીજી કોઈ નથી અને જે રીતે આપણે ખુશ હોવાનો દેખાવ કરીએ છીએ એ જોતાં એવું લાગે કે દુનિયામાં આપણા જેવી મજા કોઈને નહીં હોય; પણ સાચું સ્વરૂપ, સાચી વાત જુદી જ છે. જગ્ગી વાસુદેવને મેં હમણાં સાંભળ્યા ત્યારથી મારા મનમાં ચક્રવાત શરૂ થયો છે. વાત તેમની બિલકુલ સાચી હતી કે તમે જે ખુશી સમજીને કરો છો એ હકીકતમાં તમને ખુશ કરે છે કે નહીં અને જો નહીં તો ખરેખર ખુશ થવા, આનંદિત થવા શું કરવું જોઈએ એના વિશે વિચારો. જગ્ગીજીએ જ આ માટેના પાંચ રસ્તા કહ્યા છે એ જાણવા જેવા છે.

સૌથી પહેલાં તો આપણે ડાયરી લખીએ એ રીતે આપણા જીવન માટે એક ડાયરી લખો. કામની ડાયરીમાં જરૂરી કામોનું લિસ્ટ હોય એમ આ ડાયરીમાં રોજ કેટલા અને કેટલી વાર ખુશ થયા એ લખો. દિવસ દરમ્યાન કોઈને ખુશ કર્યા કે નહીં એ પણ એમાં નોંધો અને ગઈ કાલ કરતાં આજનો દિવસ ખુશીની બાબતમાં કેવો રહ્યો એ પણ લખો. વાત બહુ સરસ છે. તમને શું કરવાથી ખુશી મળે અને એ કેટલો સમય સાથે રહે એની તમને જ સૌથી વધારે ખબર પડવાની છે અને જો એ સાચા અર્થમાં ખબર પડી જાય તો એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે? જગ્ગીજીએ બહુ સરસ કહ્યું છે કે જાતને મૂલવવાનું કામ દુનિયાની દૃષ્ટિએ કરતા હો તો ક્યારેક પોતાની દૃષ્ટિએ પણ જાતને મૂલવવી જોઈએ. તમને શું ખુશ કરી શકે અને તમને કઈ વાત દુઃખ આપે એની નોંધ જો તમારી પાસે જ ન હોય તો કેમ ચાલી શકે. તમારી ખુશી તમે ટપકાવો, લખો તમારી ખુશી. એનાં કારણો પણ શોધો અને એ બધાં કારણો ડાયરીમાં લખો. પૈસાને કારણે, દોસ્તોને કારણે, ગમતી વ્યક્તિના ફોનને કારણે કે પછી પેરન્ટ્સ સાથે સમય પસાર કરીને? કઈ રીતે ખુશી મળે છે તમને. વાત તો એક જ છે કે જાતને ખુશ કરવાની, અને તમારી પાસે એના રસ્તા હોવા જોઈએ. સાવ સાચું કહ્યું છે જગ્ગીજીએ કે અડધાથી પણ વધારે લોકો એવા છે કે તેમને પોતાની ખુશીની ખબર પણ નથી હોતી. શું કરશે તો તેને આનંદ મળશે, તે ખુશ થશે એની તેને પોતાને ખબર નથી હોતી એટલે તે સતત ભટક્યા કરે છે અને આવી ભટકતી અવસ્થા વચ્ચે તે પોતાની ખુશી શોધવાની લાયમાં બીજાને દુખી કરવાની પ્રક્રિયા કર્યા કરે છે. સીધી વાત, સીધો હિસાબ. તમને ખબર હોવી જોઈએ કે તમને આનંદ ક્યાંથી મળશે, તમે ખુશી કેવી રીતે મેળવી શકશો? ખબર પણ હોવી જોઈએ અને એના રસ્તા પણ તમારી પાસે હોવા જોઈએ. જો નહીં હોય તો તમે ખરેખર અથડાયા કરશો, કુટાયા કરશો.

હવે બીજી વાત.

જગ્ગીજીએ જે કહ્યું છે એ સાંભળવામાં બહુ સરળ લાગે, પણ વાસ્તવિક રીતે એને માનવામાં બહુ અઘરું લાગે. તમારી પાસે કેટલું જીવન છે? ખબર છે તમને, તમે કેટલું જીવવાના છો? ખબર છે તમને કે તમારા શ્વાસ ક્યારે રોકાઈ જવાના છે?

બધા એક વહેમમાં જીવે છે કે જીવન અનલિમિટેડ છે. આરામથી ૧૦૦ વર્ષ પસાર કરી નાખીશું આપણે. બાળકોનાં બાળકોનાં બાળકોને આપણે રમાડીશું અને જીવનમાં કોઈ જાતની શારીરિક વ્યાધિ-ઉપાધિ આપણે જોવાની આવવાની નથી. હકીકતમાં સૌ વાકેફ છે પણ એને માનવા, કબૂલ કરવા કોઈ રાજી નથી. હકીકત એ છે કે જીવન સીમિત છે, કોઈ જાણતું નથી કે શ્વાસ ક્યારે રોકાઈ જવાના છે, ક્યારે જીવનને ફુલસ્ટૉપ લાગી જશે. જો આ જ હકીકત હોય તો પછી શું કામ એવા વહેમ સાથે જીવવું કે આપણે અનલિમિટેડ લાઇફ લઈને આવ્યા છીએ. શું કામ આજે જે છે એને કાલની ચિંતામાં હોમી દેવું. આવતી કાલે સુખી થવાની લાયમાં હું આજે દુખી થાઉં એ બરાબર નથી. સૂતા પછી કોને ખબર છે કે કાલે સવારે આંખ ખૂલશે કે નહીં? આવતી કાલની ચિંતાની માત્રા, એની ઘનતા ઓછી કરીને આજની ખુશીને અવગણો નહીં. ધારો કે આજે તમને ખબર પડી જાય કે કાલે સવારે ૧૦.૩૫ વાગ્યે હાર્ટ-અટૅક આવશે અને હૉસ્પિટલ જતાં રસ્તામાં તમે છેલ્લો શ્વાસ લઈ લેશો તો આજે તમારા વર્તનમાં ફરક આવે કે ન આવે? આવે જ આવે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે જે છે એને બેસ્ટ માનીને આજ સાથે રહેવાનું પસંદ કરો અને આવતી કાલનો ભાર આજના આ દિવસ, આ કલાક પર ન મૂકો. કહેવા, સાંભળવા અને સંભળાવવા માટે પુષ્કળ સમય છે, પણ એ પુષ્કળ સમયને બીજા પાછળ વેડફવાને બદલે જાતને ખુશ કરવામાં લગાડી દો.

જગ્ગીજીએ કહેલી હજી પણ એક વાત સમજવા અને જીવનમાં ઉતારવા જેવી છે. સુખી થવા, ખુશ રહેવા માટે એક નિયમ કરી નાખો. રોજ સૂતાં પહેલાં જે તમે નથી એ બધું છોડી દો. બાળકો, તમે છો? ના, નથી. આ ઘર, સંપત્તિ, ગાડી કે બૅન્કમાં જે બૅલૅન્સ પડી છે એ તમે છો? ના, નહીં. વાઇફ, રિલેટિવ્સ કે પછી દોસ્તો તમે છો? ના.

આ જેકંઈ કહ્યું એ બધાના તમારી દુનિયામાં એક સ્પેસિફિક રોલ છે, પણ એ તમે નથી, જે હકીકત છે. તમે તમે જ છો અને આ જ વાસ્તવિકતા છે. જો એવું જ હોય તો જાતને થોડું કૉન્સન્ટ્રેશન આપો, જાતને સાચવી લો. હું ખુશ હોઈશ તો જ મારું કામ, કામ કરવાની જગ્યાના લોકો, મારા પરિવારના લોકો, પાડોશીઓ, સગાંઓ ખુશ રહી શકશે. જો હું ખુશ હોઈશ તો ઘર, ઑફિસ, કાર, પ્રૉપર્ટી આવી શકશે, પણ ધારો કે હું ખુશ નહીં હોઉં તો એવું બની શકે કે જે હોય એ બધું પણ મારી પાસેથી છીનવાઈ જાય અને મારી તકલીફમાં વધારો થાય. જો તકલીફમાં ઉમેરો ન કરવો હોય, જો તકલીફમાં વધારો ન કરવો હોય તો પણ ખુશ રહેવું જરૂરી છે અને ખુશ રહેવા માટે તમારે જાતને ખુશ રાખવાનું શીખવું પડે, શીખવું જોઈએ.

આપણે ખુશ નથી હોતા, ખુશ હોવાનો દેખાડો કરીએ છીએ. આપણને મજા નથી આવતી, આનંદ નથી થતો, પણ સામેવાળાને આનંદમાં રાખવાના ભાગરૂપે આનંદિત હોવાનું દેખાડ્યા કરીએ છીએ. પેલા કૉમેડિયનની જેમ, વિદૂષક, જોકરની જેમ. તેને ખબર જ છે કે તેણે સ્ટેજ પર આવીને બધાને હસાવવાના છે અને એને માટે પોતાની આંખોમાં વેદના કે પીડા દેખાવા નથી દેવાની. તમે જઈને એક વખત આ જોકરની લાઇફ જોવાની કોશિશ કરજો. બૅકસ્ટેજમાં તે એકદમ સિરિયસ અને શાંત થઈને પોતાની જાતને ફોકસ કરશે, પોતાનામાં રહેલી કળાને જગાડવાનું કામ કરશે. મેં ઘણા એવા ઍક્ટરોને જોયા છે કે તેઓ સ્ટેજ પર જતાં પહેલાં એટલું આત્મશાધ કરે કે તમને એવું જ લાગે કે તેણે આપણા બધા સાથે બોલવાનું બંધ કરી દીધું. જાણે કે કજિયો થયો હોય એવી ગંભીરતા સાથે તે રહે અને પછી સ્ટેજ પર આવીને બધાને પેટ પકડીને હસાવી જાય. આ ખુશ રહેવાની અને ખુશ કરવાની પ્રક્રિયા છે. યાદ રાખજો એક વાત કે તમે ખુશ થવા માગતા હો તો કોઈ તમને દુખી ન કરી શકે. જો તમને હેરાન ન થવું હોય તો દુનિયાની કોઈ તાકાત તમને હેરાન ન કરી શકે. મીરાબાઈને દુખી નહોતું થવું, રાણા અને તેની સેનાએ તેને અતિશય હેરાન કર્યાં તો પણ મીરાબાઈને કશી અસર નહોતી થઈ. તેઓ તો પોતાના નિજાનંદમાં જ હતાં. સુખ અને દુઃખ આપણા જ હાથમાં હોય તો શું કામ આપણે એને માટે બીજાના નામનો ઉપયોગ પણ કરવો પડે? તમારું સુખ તમારું છે, તમારું દુખ તમારું છે. એનો કન્ટ્રોલ તમારા હાથમાં છે. જરૂર છે માત્ર એ સમજવાની. સમજી લેશો તો કોઈ દુઃખ નહીં આપી શકે, કોઈ સુખ નહીં આપી શકે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK