નવી મુંબઈના કોવિડ સેન્ટરમાં ટીનેજરનો જીવ ગયો : તપાસનો આદેશ અપાયો

Published: Aug 27, 2020, 10:48 IST | Anurag Kamble | Mumbai

શ્વાસની તકલીફ અને ઑક્સિજનનું સેચ્યુરેશન લેવલ ૬૦ ટકા ધરાવતા છોકરાની ઍન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેને બીજી હૉસ્પિટલમાં જવાનું જણાવાયું હતું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈ મ્યુનિસિલ કૉર્પોરેશન (એનએમએમસી)ના ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (ડીસીએચસી) ખાતે ૧૩ વર્ષના છોકરાના મોતની ઘટનામાં તબીબી બેદરકારીની તપાસ હાથ ધરવામાં આવી છે. શ્વાસની તકલીફ અને ઑક્સિજનનું સેચ્યુરેશન લેવલ ૬૦ ટકા ધરાવતા છોકરાની ઍન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેને ડીસીએચસીથી પરત મોકલી દેવાયો હતો.
મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે આ મામલામાં તબીબી બેદરકારી દાખવવામાં આવી હતી કે કેમ, એની તપાસાર્થે નિષ્ણાતોની પૅનલની રચના કરી છે. છઠ્ઠી ઑગસ્ટની સવારે છોકરાના પિતા તેને ઇન્દિરા નગરના (તુર્ભે) અર્બન હેલ્થ સેન્ટર (યુએચસી) લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેને એનએમએમસીની જનરલ હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી, જેને વાશીમાં ડીસીએચસીમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે.
ડીસીએચસીના ડૉક્ટરોએ શ્વાસ ન લેવાતો હોવાનું અને ઑક્સિજન સેચ્યુરેશન લેવલ ૬૦ ટકા નોંધ્યું હતું.
ઍન્ટિજન ટેસ્ટ સાથે કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં પરિવારને છોકરાને અન્ય હૉસ્પિટલમાં લઈ જવા જણાવાયું હતું, પણ પરિવાર નીચી આવક ધરાવતા વર્ગમાંથી આવતો હોવાથી તે ઘરે જતો રહ્યો હતો, જ્યારે ઇન્દિરા નગર યુએચસીના ડૉક્ટરે અપડેટ મેળવવા છોકરાના પિતાને ફોન કર્યો ત્યારે ડીસીએચસીએ તેમને અન્ય હૉસ્પિટલમાં જવા જણાવ્યું હોવાનું સાંભળીને ડૉક્ટરને આંચકો લાગ્યો હતો. તેમણે છોકરાને તત્કાળ હૉસ્પિટલ લઈ આવવા જણાવ્યું હતું અને ડીસીએચસીના અધિકારીઓ અને ડૉક્ટરોને સવાલો કર્યા હતા. છોકરાને વળી પાછો સાંજે ડીસીએચસીમાં લઈ જવાયો હતો, જ્યાં દાખલ થયાના એક કલાકમાં તેનું મોત નીપજ્યું હતું. વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા થતી રોજિંદી અપડેટ દરમિયાન બાંગરને આ બનાવની જાણ કરવામાં આવી ન હતી.
આ દરમિયાન, ઇન્દિરા નગર યુએચસીના ડૉક્ટરે બાંગરનો સંપર્ક સાધીને તેમને ઘટનાથી વાકેફ કર્યા હતા, જેને પગલે તપાસ આદરવામાં આવી હતી.
બાંગરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ કરુણ, દુર્ભાગ્યપૂર્ણ અને બિનવ્યાવસાયિક કિસ્સો છે. અમે તપાસ હાથ ધરી છે અને નિષ્ણાતોની સમિતિ રચવામાં આવી છે. આવી લાપરવાહી દાખવનાર કોઈને પણ છોડવામાં નહીં આવે. આરટી-પીસીઆર ટેસ્ટ અને ઍન્ટિજન વિશેની સૂચના અત્યંત સ્પષ્ટ છે કે જો ઍન્ટિજન ટેસ્ટ નેગેટિવ હોય અને દરદી લક્ષણો ધરાવતો હોય, તો તેની કોવિડના દરદી તરીકે સારવાર કરવી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK