જો તમારાં બાળકો ફ્રી ફાયર ગેમ રમતાં હોય તો સાવધાન

Published: 22nd February, 2021 12:03 IST | Mehul Jethva | Mumbai

આ વિડિયો-ગેમ રમતી વખતે મિત્રતા થયા પછી સગીર બાળકીને ભગાડીને તેના પર બળાત્કાર કરવા બદલ ટીનેજરની ધરપકડ

જો તમારાં બાળકો પોતાનો કે તમારો મોબાઇલ ફોન લઈને ફ્રી ફાયર ગેમ રમતાં હોય તો સાવચેત થઈ જજો અને નવી મુંબઈમાં બનેલી આ ઘટના પર ખાસ ધ્યાન આપજો. નવી મુંબઈના રબાળે એમઆઇડીસી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની એક ટીનેજર ફ્રી ફાયર ગેમ દ્વારા હરિયાણામાં રહેતા ૧૯ વર્ષના એક યુવકના પરિચયમાં આવી હતી. ગેમ રમતી વખતે કરેલી વાતો દરમિયાન યુવક ટીનેજરને પ્રેમના ખોટા વાયદા કરીને હરિયાણા લઈ ગયો હતો અને ત્યાં તેના પર અનેક વાર બળાત્કાર કર્યો હતો. જોકે આ વાતની ફરિયાદ થયા પછી પોલીસે હરિયાણાના ગુડગાંવમાંથી આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ટીનેજરનાં માતા-પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે પહેલી ફેબ્રુઆરીએ રાતના બે વાગ્યે સ્ટેશનના પરિસરમાંથી તેમની ૧૭ વર્ષની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું.

માતા-પિતાએ પોલીસને જણાવ્યું હતું કે ટીનેજર કોઈને કહ્યા વિના ઘરમાંથી ભાગી ગઈ હતી. અપહરણનો કેસ દાખલ કર્યા બાદ પોલીસે એક ટુકડી બનાવી હતી. પોલીસ-ટીમને માહિતી મળી હતી કે ટીનેજર તે યુવક સાથે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણા ગઈ હતી. માહિતી મળતાં જ ટીમ દિલ્હી રવાના થઈ હતી. સ્ક્વૉડ દિલ્હી પહોંચી ત્યાં સુધીમાં આરોપી ગુડગાંવ ભાગી ગયો હતો. ટીમે હરિયાણા પોલીસની મદદથી ગુડગાંવના સરોલી ગામમાંથી આરોપી તબીજ તુફેલ ખાનની ધરપકડ કરી હતી અને ટીનેજરને મુક્ત કરી હતી.

આરોપી તબીજ ખાનની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે મોબાઇલ પર ફ્રી ફાયર નામની ઑનલાઇન વિડિયો-ગેમ રમતી વખતે તેની તે ટીનેજર સાથે ઓળખાણ થઈ હતી. તેણે તેની સાથે મિત્રતા કર્યા પછી તે ટીનેજર તેના પ્રેમમાં પડી હતી. ટીનેજરને દિલ્હી લઈ ગયા બાદ તેણે તેના પર ચારથી પાંચ વખત બળાત્કાર કર્યો હતો.

રબાળે એમઆઇડીસી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ગીતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી પર બળાત્કાર, અપહરણ અને પોક્સો ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેને કોર્ટમાં હાજર કરતાં ૨૨ ફેબ્રુઆરી સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે. આરોપી ટીનેજર સાથે ૧૨ દિવસ ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને ગુડગાંવમાં ફર્યો હતો. આરોપીને પકડવા માટે ત્રણ ટીમ તૈયાર કરવામાં આવી હતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK