બોરીવલીના ટીનેજરે દોઢ લાખ માટે કર્યું કઝિનનું કિડનૅપિંગ અને મર્ડર

Published: 18th October, 2012 04:49 IST

પિતાના ખાતામાંથી ઉપાડેલા પૈસા જમા કરાવવા મામાના દીકરાનું અપહરણ કર્યું, પછી પકડાઈ જવાના ડરે ખૂન કર્યુંપિતાના ડેબિટ કાર્ડથી ૪૦,૦૦૦ રૂપિયા કઢાવીને ખર્ચી નાખ્યા બાદ પકડાઈ જવાની બીકે ટીવી પર એક ક્રાઇમ સિરિયલ જોઈને મામાના આઠ વર્ષના દીકરાનું અપહરણ કરીને તેમની પાસેથી ખંડણી માગવાનો પ્રયાસ કરનારા ૧૪ વર્ષના એક ટીનેજરે મામાના દીકરાની હત્યા કરી નાખી હતી. આ હિચકારો બનાવ બોરીવલીમાં બન્યો હતો અને પોલીસે ટીનેજરની ધરપકડ કરી છે.

બોરીવલી (વેસ્ટ)માં ગોરાઈ-૧ના ભીમનગરમાં રહેતા ૧૪ વર્ષના અનિકેતે (નામ બદલ્યું છે) પાડોશમાં જ રહેતા ધીરજ પંડિતનું અપહરણ કર્યું હતું અને તેના છુટકારા માટે મામાને નોટબુકના પાના પર ચિઠ્ઠી લાખીને દોઢ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. જોકે પકડાઈ જવાની બીકે તેણે ધીરજનું મર્ડર કરી નાખ્યું હતું. બોરીવલી પોલીસે ચિઠ્ઠીને આધારે એની તપાસ કરી હતી. તેણે ગુનો કબૂલ લેતાં આખરે તાબામાં લેવામાં આવ્યો છે. પોલીસને શંકા છે કે આ ષડ્યંત્રમાં તેના અન્ય સાગરીતો હોવા જોઈએ એટલે તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. ધીરજનો મૃતદેહ હજી સુધી મળ્યો નથી અને એની શોધ ચાલી રહી છે.  

ભીમનગરમાં રહેતો ધીરજ રવિવારથી ગાયબ થઈ ગયો હતો એટલે તેનો પરિવાર તેને શોધી રહ્યો હતો. સોમવારે ધીરજના પરિવારે તેના મિસિંગની ફરિયાદ બોરીવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. મંગળવારે તેમને એક ચિઠ્ઠી મળી હતી જેમાં ખંડણી માગવામાં આવી હતી. આ ચિઠ્ઠી મળતાં ધીરજના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

બોરીવલી પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે ‘ખંડણી માટેની ચિઠ્ઠીની તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે એ કોઈ સ્ટુડન્ટ દ્વારા વપરાતી નોટબુકનું ઉતાવળમાં ખેંચી કાઢવામાં ગમે તમે કપાયેલું પાનું હતું. એથી અમે આજુબાજુમાં પહેલાં તપાસ કરી હતી. ત્યારે અનિકેતના હૅન્ડરાઇટિંગ પરથી એ ચિઠ્ઠી તેણે લખી હોવાની શંકા જાગી હતી એટલે તેની પૂછપરછ કરવામાં આવતાં આખરે તેણે ગુનો કબૂલી લીધો હતો. અનિકેત ખોટા રવાડે ચડી ગયો હતો અને તેણે તેના જ પિતાના ખાતામાંથી તેમની જાણ વગર ૪૦,૦૦૦ રૂપિયા કઢાવી વાપરી કાઢ્યા હતા. જોકે એ રૂપિયા બદલ પિતાને જાણ થશે તો વઢશે એમ ધારીને એ રૂપિયા પાછા જમા કરાવવા ધીરજના કિડનૅપિંગનો પ્લાન બનાવ્યો હતો. તે ધીરજને પોતાના ઘરમાં લઈ ગયો હતો, પણ ખંડણીની રકમ માગવા પહેલાં જ ગભરાઈને ધીરજનું મર્ડર કરી નાખ્યું હતું. ધીરજના મૃતદેહને તેણે એક બૉક્સમાં પૅક કરી દીધો હતો. ત્યાર બાદ ધીરજના ઘરમાં ખંડણી માટેની ચિઠ્ઠી લાગ જોઈને મૂકી દીધી હતી.’

બોરીવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભગવાન ચાટેએ કહ્યું હતું કે ‘આરોપીએ એક ટીવી-સિરિયલ જોઈને કિડનૅપિંગનો પ્લાન બનાવ્યો હતો. અમે તેને ડોંગરીના રિમાન્ડ-હોમમાં મોકલી દેવાના છીએ.’

અનિકેતે પોલીસને કહ્યું હતું કે મેં લાગ મળતાં ધીરજના મૃતદેહને એક ગૂણીમાં ભરીને નજીકની ગોરાઈ ખાડીમાં જતા નાળામાં નાખી દીધો છે. તરત જ આ બાબતે ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ શોધી કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK