Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આંસુ ફૂલનાં (લાઇફ કા ફન્ડા)

આંસુ ફૂલનાં (લાઇફ કા ફન્ડા)

02 March, 2020 05:00 PM IST | Mumbai Desk
Heta Bhushan | feedbackgmd@mid-day.com

આંસુ ફૂલનાં (લાઇફ કા ફન્ડા)

આંસુ ફૂલનાં (લાઇફ કા ફન્ડા)


એક સુંદર સુગંધી ફૂલ છોડ પર ઊગ્યું. અતિસુંદર અને રંગબેરંગી. તેના ઊગવાથી બાગની શોભા વધી અને છોડનું સૌન્દર્ય. ફૂલ છોડ પર ખીલીને આમતેમ ઝૂલ્યા કરતું. પવનની સાથે વાતો કરતું, પતંગિયાં સાથે મસ્તી કરતું, હસતું. એક દિવસ વીત્યો, બીજો દિવસ વીત્યો. ફૂલને કોઈએ છોડ પરથી ચૂંટ્યું નહીં. બધા ફૂલને છોડ પર જોઈ ખુશ થતા, પણ કોઈ તેને તોડતું નહીં.

ત્રીજા દિવસે ફૂલનો આનંદ ઓછો થવા લાગ્યો. તે ઉદાસ હતું. તેને ખબર હતી કે મારું જીવન ત્રણ ચાર દિવસનું જ છે, જો તેમાં કોઈ મને ચૂંટીને ઉપયોગમાં નહીં લે તો તેનું ઊગવું, તેનું ખીલવું, તેની સુગંધ બધું નકામું થઈ જશે. ત્રીજા દિવસે પણ તેને કોઈએ તોડ્યું નહીં. ચોથા દિવસે તો ફૂલની સુંદરતા ઓછી થતી ગઈ. તેની પાંદડીઓ મુરઝાવા લાગી અને ફૂલ રડવા લાગ્યું. કરમાતાં કરમાતાં ફૂલ રડી રહ્યું હતું ત્યારે એક માણસ આવ્યો. તેણે ફૂલને કહ્યું, ‘ફૂલ તું રડે છે શું કામ? નાદાન ફૂલ, શું તને ખબર નથી કે તું ફૂલ છે, તારું જીવન ટૂંકું જ હોય...ખીલીને કરમાઈ જવું જ તારું જીવન છે, તેમાં પછી વિદાય વેળાએ રડવાનું શું?’



ફૂલ રડતાં રડતાં બોલ્યું ‘ભાઈ મારું જીવન નાનકડું છે, મારે ખીલીને કરમાઈ જવાનું જ હોય તે પણ મને ખબર છે, હું કરમાઈ ગયું...મારો અંત સમય આવી ગયો એટલે નથી રડતું, હું રડું છું કારણ કે આ ટૂંકા જીવનમાં હું કોઈને ઉપયોગી ન થઈ શક્યું. કોઈએ મને ચૂંટીને પ્રભુ ચરણોમાં ન મૂક્યું, કોઈએ મને ચૂંટીને માળા ન બનાવી, ન વેણીની શોભા બની શક્યું, ન કોઈ ફૂલદાનીમાં મને સ્થાન મળ્યું, ન કોઈએ મને ચૂંટીને અત્તર બનાવ્યું...કોઈને ઉપયોગી થવાની મને તક ન મળી. હું મારા ટૂંકા જીવનમાં કોઈને ઉપયોગી થયા વિના કરમાઈ રહું છું તેનું મને દુઃખ છે. મારું જીવન નકામું ગયું, બસ આ વિચારથી મારું હૈયું ભરાઈ આવ્યું છે અને આંસુ રોકાતાં જ નથી...’ ફૂલ રડતું રહ્યું.
માણસના મનમાં રડતાં ફૂલની આ વાત સાંભળી વિચાર આવ્યો કે મારું માનવજીવન પણ ક્યારે પૂરું થઈ જાય તેની ખબર નથી. આ માનવજીવન વ્યર્થ વેડફાઈ ન જાય તે માટે જીવનમાં સમાજ ઉપયોગી કાર્ય કરવા અન્યની મદદ કરવી જરૂરી છે. ચાર દિવસની આ જિંદગીમાં અંત સમયે જો રડવું ન હોય તો અન્યને ઉપયોગી થવું જરૂરી છે. અન્યના કામમાં આવવું જીવનનું સૌથી જરૂરી કર્તવ્ય છે. માણસે તે કર્તવ્ય પૂરું કરવાનું નક્કી કર્યું. આપણે પણ સદા અન્યને ઉપયોગી થવા તત્પર રહીએ.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2020 05:00 PM IST | Mumbai Desk | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK