Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આંસુને સમજવા સહેલા નથી

આંસુને સમજવા સહેલા નથી

14 February, 2021 02:41 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

આંસુને સમજવા સહેલા નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુથી માંડીને ૧૪મા વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધીના સૌને આપણે સંસદના પગથિયે પગ મૂકતા જોયા છે. આ સાથે જ સેંકડો સંસદસભ્યોને પણ સંસદ ભવનમાં આવતા-જતા, હરતા-ફરતા અને પરસ્પર લડતા-ઝઘડતા પણ જોયા છે. આ પૈકી વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવાય સંસદ ભવનના આંગણે મસ્તક નમાવીને આંસુ સારતા આપણે કોઈને જોયા નથી. લાગણી જ્યારે અંતરમાં સમાઈ શકતી નથી ત્યારે આંસુરૂપે એ બહાર આવી જાય છે. નરેન્દ્ર મોદીના કિસ્સામાં આવું જ બન્યું. આ સિવાય કોઈના કિસ્સામાં આવું બનતું આપણે જોયું નથી.

ફરી એક વાર શું બન્યું?



હમણાં ફરી એક વાર આવું એક દૃશ્ય આપણે સંસદમાં જોયું અને એ પણ સતત વિરોધ પક્ષે રહીને પરસ્પરને દોષિત ઠરાવ્યા કરતા બે સભ્યો વચ્ચે આ દૃશ્ય દેખાયું. ગુલામ નબી આઝાદ કૉન્ગ્રેસના રાજસભાના સભ્ય અને શ્રી નરેન્દ્ર મોદી વડા પ્રધાન આ બેઉએ સામસામે આંસુ સાર્યાં. ગુલામ નબી આઝાદની સંસદીય કારકિર્દી સમાપ્ત થઈ એટલે તેમને વિદાય આપતાં વડા પ્રધાન મોદીએ તેમના વિશે ખૂબ ભાવવાહી વાતો કરી અને આ ભાવમાં એટલી હદે ઉર્મિલ થઈ ગયા કે ગુલામ નબી આઝાદ વિશે વાત કરતાં તેમની આંખમાંથી આંસુ સરી ગયાં. સંસદમાં આંસુ સારવાં સહેલાં નથી. એ બહુ અઘરું કામ છે. નરેન્દ્ર મોદી આમેય તે બીજું કોઈ ન કરી શકે એવાં અઘરાં કામ કરવાથી ટેવાયેલા છે. પણ આજના કિસ્સામાં તો એવું બન્યું કે ગુલામ નબી આઝાદને સુધ્ધાં આ અઘરા કામનું વળગણ લાગ્યું. નરેન્દ્રભાઈએ ગુલામ નબીને વિદાય આપતાં જે કહ્યું એનાથી ગુલામ નબી પણ ગળગળા થઈ ગયા અને પરસ્પર વિરોધી સંસદસભ્યો પણ આખરે તો માણસ છે એનું ભાવવાહી દૃશ્ય પૂરું પાડ્યું.


જવાહરલાલ અને અટલબિહારી વાજપેયી

સંસદમાં વડા પ્રધાને વિરોધ પક્ષના એક મંત્રીને પીઠ થાબડીને આવકાર્યા હોય એવું બહુ ઓછું બને છે. અટલબિહારી વાજપેયી ૨૫ વર્ષની ઉંમરે જ્યારે પહેલી વાર સંસદમાં ચૂંટાઈ આવ્યા અને પહેલી જ વાર તેમણે જ્યારે સંસદની ચર્ચામાં ભાગ લીધો ત્યારે વડા પ્રધાન જવાહરલાલે તેમને અભિનંદન આપ્યાં હતાં અને પીઠ થાબડીને કહ્યું હતું,


‘બસ,આવું જ વક્તવ્ય આપતા રહેજો. અભ્યાસ કરતા રહેજો. દેશને આવતી કાલે એક નવો વડો પ્રધાન મળશે.’

જવાહરલાલની વાત સાચી પડી. ૨૫ વર્ષના અટલબિહારી વાજપેયી દેશના વડા પ્રધાન બન્યા પણ ખરા.

સરદાર પટેલ અને વિન્સ્ટન ચર્ચિલ

દેશના સ્વતંત્ર સંગ્રામ વખતે બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ કૉન્ગ્રેસના બધા જ નેતાઓના ભારે વિરોધી હતા. આઝાદી પછી વિન્સ્ટન ચર્ચિલે ભારત સરકારની કડવી ટીકા કરતું એક આંતરરાષ્ટ્રીય નિવેદન કર્યું. સરદાર પટેલ ત્યારે નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન હતા. તેમનું સ્વાસ્થ્ય સારું રહેતું નહોતું એટલે થોડા સમય માટે દેહરાદૂન હવાફેર માટે ગયા હતા. ચર્ચિલનું નિવેદન તેમણે વાંચ્યું અને એ જ ઘડીએ પોતાના મંત્રી શંકરને બોલાવીને ચર્ચિલને વળતો જવાબ આપતું એક આકરું નિવેદન કર્યું. આ આકરા નિવેદનના બહુ ઘેરા પ્રત્યાઘાત પડયા અને ચર્ચિલ સુધ્ધાં સરદારના આ નિવેદનથી આશ્ચર્યચકિત થઈ ગયા. ઍન્થની ઇડન ત્યારે ચર્ચિલના જમણા હાથ જેવા હતા અને ઍન્થની ઇડન ત્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા. ચર્ચિલે ઍન્થની ઇડન સાથે સરદારને એક સંદેશો મોકલ્યો - ‘સરદાર, તમારા નિવેદનનો એક-એક શબ્દ મેં ભારે રસપૂર્વક વાંચ્યો છે અને મને લાગે છે કે તમારી આ પ્રતિભાને તમારે હવે રાષ્ટ્રીય સીમાડાની બહાર વૈશ્વિક સ્તરે પાથરવી જોઈએ.’

આંસુ : ક્યાંથી આવ્યાં અને ક્યાંથી જાય?

વિરોધી પક્ષના નેતાઓ પણ આખરે તો માણસ છે. આખી જિંદગી લડ્યા પછી પણ એક માણસ તરીકે તેમની કક્ષા તો રહે જ છે. મોહમ્મદ અલી ઝીણા તેમની પત્ની સાથે રહેતા નહોતા. બન્ને વચ્ચે પરસ્પર હળવા-મળવાનો કે બોલવા-ચાલવાનો વ્યવહાર પણ નહોતો અને આમ છતાં રુટી જ્યારે મૃત્યુ પામી ત્યારે તેની કબર પાસે માથું ટેકવીને હજારો માણસોની હાજરીમાં ઝીણા ધ્રુસકે-ધ્રુસકે રડ્યા હતા.

સામાન્ય રીતે રડવું કે આંસુ સારવાં એ પુરુષ માટે સ્વીકાર્ય મનાતું નથી. રડતા પુરુષને સામાન્ય રીતે સ્ત્રીવૃત્તિનો માનવામાં આવે છે. જોકે એનું પરિણામ એ આવે છે કે પુરુષ પોતાની ઉર્મિ કે લાગણી વ્યક્ત કરી શકતો નથી. આંસુ નહીં સારી શકવાને કારણે પુરુષની વૃત્તિ કઠોર થઈ જાય છે અને વાત-વાતમાં આંસુ સારી લેવાની સ્ત્રીની વૃત્તિ આંસુને ક્યારેક મૂલ્યહીન પણ કરી નાખે છે.

લાગણીઓ અને ઉર્મિ વિશે કાકાસાહેબ કાલેલકરે એક સરસ વાત લખી છે. આઝાદીની લડત વખતે જેલવાસ દરમિયાન કાકાસાહેબ અને તેમના સાથીદારોને અમુક ચોક્કસ સમયે જેલમાં ભોજન અપાતું. આ ભોજન કાકાસાહેબ અને સાથીઓ લીમડાના એક વૃક્ષની નીચે બેસીને ખાતા. બરાબર આ જ સમયે બે-ત્રણ ખિસકોલીઓ ત્યાં આવી પહોંચતી. કાકાસાહેબ અને કેદીઓ પોતાના ખાણામાંથી આ ખિસકોલીઓને થોડુંક ભોજન આપતા. આવું લાંબા સમય સુધી ચાલ્યું. આ પછી કેદીઓનો છુટકારો થયો. કાકાસાહેબ લખે છે કે છુટકારો થયા પછી ભોજન ટાણે અમને રોજ ખિસકોલીઓ યાદ આવતી. તેમને એમ થતું કે અમારી થાળી તો અહીં પીરસાયેલી છે પણ પેલી ખિસકોલીઓનું શું થતું હશે? એ ભોજનની આશાએ સમયસર આવતી હશે ને ભોજન નહીં મળવાથી કેવી હતાશ થતી હશે!

આંસુ : સંસદથી ઉંબરા સુધી

સંસદના ઉંબરે પહેલી જ વાર શ્રી નરેન્દ્ર મોદીએ આંસુ સાર્યાં ત્યારે કન્યાવિદાયનું દૃશ્ય તાજું થઈ જાય એવું હતું. કન્યાવિદાય સામાન્ય રીતે ભલભલાની આંખને ભીની કરે એવું હોય છે. સંસદના વિરોધીઓ પણ ક્યારેક આંસુ સારી લે છે એમ કન્યાવિદાયનું દૃશ્ય પણ ક્યારેક ભલભલાને ભીના કરે છે. ઊર્મિનો અતિરેક એટલે આંસુ પણ આ અતિરેક શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ. ઊર્મિનો ઊભરો એ આંસુ છે પણ ગૅસ પર મૂકેલા દૂધનો ઊભરો એ લાપરવાહી છે. લાપરવાહીનો લાભ લેવા આંસુ સારનારાઓ કંઈ ઓછા નથી.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં) 

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2021 02:41 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK