ક્યાં ખોવાઈ ગયો ક કેળવણીનો ક?

Published: Sep 05, 2020, 20:21 IST | Varsha Chitaliya | Mumbai

આજે ટીચર્સ ડેના ખાસ અવસરે શિક્ષણ જગતમાં આવેલા પરિવર્તન, પડકારો અને અંગત અનુભવો વિશે કેળવણીકારો અને શિક્ષકોના અભિપ્રાયો જાણીએ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ

ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમ:।।

ગુરુને ઈશ્વરની ઉપમા અમસ્તી નથી આપવામાં આવી. જીવનની મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ માતા-પિતા ઉપરાંત શિક્ષક પાસે હોય છે. નાનપણમાં હાથ પકડીને પાટી પર કમળનો ‘ક’ ઘૂંટાવનારા શિક્ષકની આપણા જીવન ઘડતર અને કરીઅર પર અસર હોય છે. તેમણે ચીંધેલા માર્ગ પર ચાલનારા જીવનના સંગ્રામમાં ચોક્કસપણે જીતી જાય છે. ગુરુ-શિષ્યની પરંપરા આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિ છે તો આજની તારીખમાં પણ ટીચિંગનો પ્રોફેશન રિસ્પેક્ટેબલ ગણાય છે. જોકે આપણને જ્ઞાનનો માર્ગ બતાવનારા શિક્ષકો કથળતી શિક્ષણ વ્યવસ્થા, સ્વચ્છંદ વિદ્યાર્થીઓ, મૂલ્યાંકન આધારિત જટીલ શિક્ષણપદ્ધતિ, યોગ્ય આર્થિક વળતર અને ટેક્નૉલૉજી જેવા અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યા છે.

શિક્ષણ શબ્દ એટલો વિશાળ છે કે એના વિશે સર્વસામાન્ય વ્યાખ્યા આપવી અઘરી છે. કેળવણીની પરિભાષા સમયાંતરે બદલાતી રહી છે. પ્રાચીન તત્ત્વચિંતક પ્લેટોથી લઈને આધુનિક શિક્ષણશાસ્ત્રીઓએ મૂલ્ય આધારિત શિક્ષણને પોતાના અનુભવો અને મનોવિજ્ઞાનિક સિદ્ધાંતો પ્રમાણે રજૂ કર્યું છે. ગુરુ-શિષ્ય પરંપરાથી ટીચર્સ-સ્ટુડન્ટ્સ સુધીની જર્નીમાં પાત્રો એ જ છે, પરંતુ એનાં નીતિ-મૂલ્યો બદલાઈ ગયાં છે. આજે ટીચર્સ ડેના ખાસ અવસરે શિક્ષણ જગતમાં આવેલા પરિવર્તન, પડકારો અને અંગત અનુભવો વિશે કેળવણીકારો અને શિક્ષકોના અભિપ્રાયો જાણીએ.

ભારતની શ્રેષ્ઠ ગુરુ-શિષ્ય પરંપરાથી ટીચર-સ્ટુડન્ટ સુધીની સફરમાં પાત્રો એ જ છે, પરંતુ એનાં નીતિ-મૂલ્યો બદલાઈ ગયાં છે. શિક્ષણ જગતમાં વૈવિધ્યપૂર્ણ પરિવર્તનો આવતાં કેળવણીની પરિભાષા બદલાઈ ગઈ છે. આધુનિક જેટ યુગમાં પુસ્તકોનું સ્થાન ઈ-એજ્યુકેશને લઈ લીધું છે અને વિદ્યાર્થી સાથે મિત્રભાવ રાખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આજે ટીચર્સ ડેના શુભ અવસરે મૂલ્ય આધારિત જીવનલક્ષી શિક્ષણ વિશે કેળવણીકારો મંતવ્યો તેમ જ કથળતી શિક્ષણ વ્યવસ્થા, સ્વચ્છંદ વિદ્યાર્થીઓ, મૂલ્યાંકન આધારિત જટિલ શિક્ષણ પદ્ધતિ, યોગ્ય આર્થિક વળતર અને ટેક્નૉલૉજી જેવા અનેક પડકારો સામે ઝઝૂમી રહેલા શિક્ષકોના અભિપ્રાયો જાણીએ.

ગુરુ અને ટીચર વચ્ચે પૅશન અને પ્રોફેશનનો તફાવત છે : દિનકર જોશી, લેખક અને કેળવણીકાર

બ્રિટિશ શાસનકાળથી લઈને આજ પર્યંત શિક્ષણની પ્રણાલિકામાં ઘણાં પરિવર્તન આવ્યાં છે અને શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તેમ છતાં જે શિક્ષણ મેળવવું જોઈએ એ આપણે મેળવી શક્યા નથી એવો મત વ્યક્ત કરતાં જાણીતા લેખક અને કેળવણીકાર દિનકર જોશી કહે છે, ‘પાયાની જરૂરિયાતમાં અંગ્રેજી ભાષા મહત્ત્વની છે એવું અંગ્રેજો આપણા મગજમાં ઠસાવીને ગયા છે અને હજી એ જ પ્રથાને આપણે વળગી રહ્યા છીએ. પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. માતૃભાષામાં અભ્યાસ કરીને ડૉક્ટર કે એન્જિનિયર થયેલા વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં સફળ થયા છે. જોકે માતૃભાષામાં શિક્ષણ આપવા આપણી પાસે પારિભાષિક શબ્દો નથી. નવાં પુસ્તકો તૈયાર કરવા સખત મહેનત કરવી પડશે. ગયા વર્ષે એકથી ચાર ધોરણનાં પાઠ્યપુસ્તકોમાં એટલી બધી ભૂલો હતી કે પત્ર લખ્યા પછી સુધારા થયા હતા. બીજું એ કે આજના શિક્ષકોનું જ્ઞાન પાઠ્યક્રમ પૂરતું સીમિત છે. તેમને દસ નવલકથાનાં નામ પૂછશો તો નહીં આવડે. શિક્ષકોએ પોતાનું જ્ઞાન વધારી નિષ્ઠાપૂર્વક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું એ જ સાચી કેળવણી છે. ગુરુ જ્ઞાન પીરસતા હતા, જ્યારે ટીચર્સ પાઠ્યક્રમ ભણાવે છે. મને કોઈ પૂછે કે જીવન ઘડતરમાં ફાળો આપનારા શિક્ષકનાં નામ કહો તો બતાવી દઉં. યુવાપેઢીને પૂછશો તો નહીં બતાવી શકે, કારણ કે પર્સનલ રૅપો નથી. ગુરુ અને ટીચરમાં પૅશન અને પ્રોફેશનનો તફાવત છે. માસ્તર ઘરે આવીને ભણાવી જતા એ જમાનો નથી રહ્યો. આજની પેઢીની દૃષ્ટિમાં શિક્ષક બનવું એ પ્રોફેશનથી વિશેષ કંઈ નથી. વર્તમાન સમયમાં શિક્ષકો સામે સૌથી મોટો પડકાર છે મલ્ટિપલ વર્ક. સરકારી શિક્ષકોને તો હજીયે પૂરતું મહેનતાણું મળે છે પણ દાડિયા મજૂરની જેમ વિવિધ કામો કરતા ખાનગી શાળાના શિક્ષકોની આર્થિક સ્થિતિ નબળી છે. એમાં સુધારો થવો જોઈએ. સૌથી મહત્ત્વની વાત માતા-પિતાએ સમજવાની છે. તેઓ સંતાનના સૌથી પહેલાં શિક્ષક છે. સારાં રમકડાં, વસ્ત્રો ને મજાની નોટબુક્સ લાવી દેવાથી તમે શિક્ષક તરીકેની ફરજ ચૂકી જાઓ છો. શિક્ષણનો સ્તર ઊંચો લાવવા પેરન્ટ્સે પણ શિક્ષકની ભૂમિકાને પ્રામાણિકતાથી નિભાવવી જોઈએ.’

ગમે તે ભોગે સફળતા એ આજનું વ્યસન છે : ગુણવંત શાહ, લેખક અને કેળવણીકાર

વર્તમાન શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષકો કે વિદ્યાર્થીઓની તુલના ગુરુકુળની ગુરુ-શિષ્ય પરંપરા સાથે કરવી એ એજ્યુકેશન અને મિસએજ્યુકેશન વચ્ચેનો તફાવત છે. જાણીતા લેખક અને કેળવણીકાર ગુણવંત શાહ કહે છે, ‘પહેલાંના સમયમાં વિદ્યાર્થીઓ માતા-પિતાનું ઘર છોડી આશ્રમમાં અભ્યાસ કરવા જતા હતા. ઘરની સમસ્યાઓથી અજાણ જંગલના ઇકો-ફ્રેન્ડ્લી વાતાવરણમાં આશ્રમ જીવન ગાળતી વખતે તેમનો હેતુ માત્ર ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનો રહેતો. આજે આ માહોલ જ અદૃશ્ય થઈ ગયો છે. ગુરુ એટલે પેટ્રોલ જેવી શુદ્ધતા જ્યારે ટીચર એ ડીઝલ (ભેળસેળ) છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં નગરજીવનનો પ્રભાવ જોવા મળે છે. બાંદરામાં રહેતો વિદ્યાર્થી ઘરમાં પેરન્ટ્સનાં ટેન્શનોને મગજમાં લઈને નીકળે છે. બસમાં બેસીને વિલે પાર્લેમાં આવેલી સ્કૂલમાં પહોંચે ત્યાં સુધીમાં રસ્તામાં એકાવન પોસ્ટરો જુએ છે. એમાંથી મોટા ભાગની જાહેરાતોમાં નગ્નતા સિવાય કશું હોતું નથી. આ જ બાબત શિક્ષકોને પણ લાગુ પડે છે. બહારના વાતાવરણની અસર લઈને નિશાળમાં પહોંચતા વિદ્યાર્થીઓમાં વિનય અને શિક્ષકોમાં સંયમનો ગુણ વિકસતો નથી. તેમની વચ્ચે રિસ્પેક્ટેબલ સંબંધોની અપેક્ષા ન રાખી શકાય. મગજમાં કચરો લઈને સ્કૂલમાં આવતા શિક્ષકો વિદ્યાર્થીઓ પર ગુસ્સો ઠાલવે છે એવો મારો સ્વ અનુભવ છે. નાનપણમાં સુરતમાં ઘરની દાઝ લઈને નિશાળમાં આવતા એક શિક્ષક વિદ્યાર્થીઓને સોટીએ મારતા. નિશાળમાં મોડો કેમ આવ્યો? આટલું પૂછતી વખતે તેમના મોઢામાંથી ગાળ સાંભળવી પડતી. મને જેટલા પણ અપશબ્દો આવડે છે એ મારા શિક્ષકની દેન છે. એ જમાનામાં માતા-પિતાને ફરિયાદ કરતા તો તેઓ શિક્ષકની તરફેણમાં કહેતા કે તમતમારે મારજો, કોઈ કસર ન રાખતા. આ બાબત આજે સિનારિયો ચેન્જ થઈ ગયો છે એ સારી વાત છે. જોકે સફળતા પાછળ દોટ મૂકવાનું ઝનૂન ન હોવું જોઈએ. સક્સેસ ઍટ ઍની કૉસ્ટ એ નવી શિક્ષણપદ્ધતિનો મંત્ર છે. ગમે તે ભોગે સફળતા હાંસલ કરવી એ વ્યસન છે અને વ્યસન ક્યારેય કલ્યાણકારી હોતું નથી.’

શિક્ષક-વિદ્યાર્થીના સંબંધો પર પાશ્ચાત્ય સભ્યતાની અસર  : ડૉ. લીલી ભૂષણ, કૉલેજ પ્રિન્સિપાલ

૧૫મે પાનેથી ચાલુ

દેશ અને સમાજને સારો નાગરિક આપવાની જવાબદારી જેમના શિરે હોય તેની સામે પડકારો તો રહેવાના જ છે. સોટી વાગે ચમચમ વિદ્યા આવે છમછમવાળો જમાનો હવે રહ્યો નથી. અત્યારની જનરેશન ટીચર્સથી ડરતી નથી, ઊલટાનું શિક્ષકોએ સાવધાની રાખવી પડે છે. થોડા સમય પહેલાં બનેલી ઘટના વિશે વાત કરતાં કાંદિવલીની કેઈએસ શ્રોફ કૉલેજનાં પ્રિન્સિપાલ ડૉ. લીલી ભૂષણ કહે છે, ‘અમારી કૉલેજના એક શિક્ષકે ક્લાસમાં વિદ્યાર્થીને કહ્યું કે છોટુ ઠીક સે બૈઠ. આટલી અમથી વાતમાં એના પેરન્ટ્સ મોરચો લઈને આવ્યા. તેમની ફરિયાદ હતી કે ટીચરે નામ બગાડ્યું એમાં ક્લાસમેટ્સ અમારા પુત્રને છોટુ કહીને ચીડવે છે. બોલો, શિક્ષક વિદ્યાર્થીને પ્રેમથી બોલાવી ન શકે એ જમાનો છે. મારી પર્સનાલિટી દબંગ શિક્ષક જેવી છે. વગદાર પેરન્ટ્સ હોય કે સામાન્ય, હું કોઈને ગાંઠતી નથી પણ આજની તારીખમાં ૯૨ વર્ષના મારા પિતા જે શિક્ષક રહી ચૂક્યા છે તેમનાથી ડરું છું. આપણાં માતા-પિતા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ સાંભળવા તૈયાર નહોતા જ્યારે આજના પેરન્ટ્સ ઊલટતપાસ કર્યા વગર સંતાનોનો પક્ષ લઈ શિક્ષકો સામે બાંયો ચડાવે છે. ટુ બી ફ્રેન્ડ વિથ યૉર ચાઇલ્ડ, યંગ જનરેશન સાથે ફ્રેન્ડ બનીને રહેવું જોઈએ એવી માન્યતાના કારણે કેળવણીની પરિભાષા બદલાઈ ગઈ છે. શિક્ષક અને વિદ્યાર્થીઓના સંબંધોમાં પાશ્ચાત્ય સભ્યતાની અસર દેખાવા લાગી છે. વર્તમાન સંજોગોમાં ઈ-એજ્યુકેશન ઉપરાંત સ્ટુડન્ટ્સને શિષ્ટાચારના પાઠ શીખવાડવા એ સૌથી મોટો પડકાર છે. શિક્ષણ જગતમાં પરિવર્તન થતાં રહે છે, પરંતુ શિક્ષકની ભૂમિકા ક્યારેય બદલાતી નથી. હા, સમયની સાથે અપગ્રેડ થવું પડે છે. સ્માર્ટ જનરેશન પાસેથી માન-સન્માન મેળવવા માટે શિક્ષકોએ વૅલ્યુ એજ્યુકેશન, નો ડિસ્ક્રિમિનેશન, પ્રૅક્ટિકલ નૉલેજ, કન્ટેન્ટ ડિલિવરી અને ક્રીએટિવ‌િટી પર ફોકસ રાખવું પડે છે. મારું માનવું છે કે હવે સમય પાકી ગયો છે પૅશન ટુ પ્રોફેશન તરફ જવાનો. ટીચિંગના પૅશનથી શિક્ષકોનું ઘર નથી ચાલતું. સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવા તેમ જ આર્થિક કટોકટીને પહોંચી વળવા તેમણે પણ મલ્ટિટાસ્કિંગ સ્ક‌િલ ડેવલપ કરવી જોઈએ.’

વિદ્યાર્થીઓની કૅપેસિટી કૅપ્સુલ જેટલી છે એ સ્વીકારી લીધું : દર્શના ઓઝા, ગુજરાતી અનુસ્નાતક વિભાગનાં અધ્યક્ષ

ઈ-એજ્યુકેશનથી પ્રભાવિત યંગ જનરેશન જ નહીં, દરેક ઉંમરના વિદ્યાર્થીઓને ભણાવવા એ પડકાર છે. ચર્ચગેટમાં આવેલી એસએનડીટી મહિલા વિદ્યાપીઠમાં વીસથી સાઠ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં એમએની ડિગ્રીનો અભ્યાસ કરે છે. કૉલેજના ગુજરાતી અનુસ્નાતક વિભાગનાં અધ્યક્ષ દર્શના ઓઝા કહે છે, ‘સોશ્યલ મીડિયાનો પ્રભાવ વધતાં વિદ્યાર્થીઓમાં ઊંડાણપૂવર્ક અભ્યાસ કરવાની ક્ષમતા ઘટી છે. કોઈ પણ વયના વિદ્યાર્થીઓની ભણવાની કૅપેસિટી કૅપ્સુલ જેટલી જ છે. શિક્ષકો ઓવરડોઝ આપવા જાય તો તેઓ ડિપ્રેસ્ડ થઈ જાય છે. કટ શૉર્ટ કરીને ભણાવવા એ શિક્ષકો સામે પડકાર છે. અર્વાચીન, મધ્યકાલીન યુગ વિશે જાણવાની ઉત્કંઠા આપણા જમાનામાં હતી એવી તેમનામાં નથી દેખાતી. અમારી પાસે ગુજરાતી ભાષા ભણવા આવતા વિદ્યાર્થીઓને ‘સરસ્વતીચંદ્ર’ પુસ્તક વાંચવામાં રસ નથી પડતો. પુસ્તકો વાંચવા માટે એક જગ્યાએ બેસવાની ધીરજ જોઈએ, એ નથી. સેમ‌િનારમાં પણ છેલ્લે સુધી તેમને ખુરશી પર જકડી રાખવા શિક્ષકો અને કેળવણીકારો માટે ચૅલેન્જિંગ છે. કોઠા દોરીને અને પટકથાઓના માધ્યમથી અભ્યાસને રસપ્રદ બનાવવો પડે છે. પ્રૅક્ટિકલ નૉલેજના જમાનામાં ભાષા શુદ્ધિ માટે શિક્ષકો ખાસ્સી મહેનત કરી રહ્યા છે. ગુરુ-શિષ્ય પરંપરા તો નષ્ટ થઈ ગઈ છે. આજે શિક્ષકોએ વિદ્યાર્થીઓને અનુકૂળ થઈને ભણાવવું પડે છે. જોકે મારો અનુભવ કહે છે કે સ્વચ્છંદ અને સ્વતંત્ર મિજાજ ધરાવતી યુવાપેઢીમાં પ્રામાણિકતા અને વિનમ્રતાનો ગુણ વિકસ્યો છે, પરંતુ એને વ્યક્ત કરવાની તેમની રીત જુદી છે. ગુરુથી ટીચર સુધીની સફરમાં વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત બીજાં પણ ઘણાં પરિવર્તન આવ્યાં છે. ઍડ્મિનિસ્ટ્રેટિવ વર્કના કારણે શિક્ષકો પર ભાર વધ્યો છે. ઇલેક્શન ડ્યુટી અને અન્ય સરકારી કામો સોંપવામાં આવતાં જીવન મશીન જેવું થઈ ગયું છે. અંગત અને આર્થિક પ્રશ્નો વિકટ બન્યા છે. પરિણામે ક્રીએટિવ વર્ક માટે સમય રહેતો નથી.’

લક્ષ્મણ રેખા ક્યાં દોરવાની છે એ સમજાવવું અઘરું : રસિક મેર, સ્કૂલ શિક્ષક

ગુરુ, માસ્તર કે ટીચર કોઈ પણ સમયગાળાના શિક્ષકોના હૃદયમાં પોતાના વિદ્યાર્થીઓ માટે લાગણીનો દરિયો ઘૂઘવતો હોય છે. નવી શિક્ષણ પદ્ધતિમાં ટેક્નૉલૉજી પર ભાર મૂકવામાં આવતાં  આ ઇમોશન્સ સ્ટુડન્ટ્સ સુધી પહોંચતાં નથી એવો મત વ્યક્ત કરતાં બોરીવલીસ્થિત શેઠ ગોપાલજી હેમરાજ હાઈ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજમાં અંગ્રેજી અને સોશ્યલ સાયન્સના પ્રાધ્યાપક રસિક મેર કહે છે, ‘સામાજિક જીવન ઘડતરમાં મૂલ્ય આધારિત શિક્ષણ અગત્યનું છે એવી સમજણના કારણે જ હું શિક્ષક બન્યો છું. આજથી એક દાયકા પહેલાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ જ્યારે એમ કહે કે સર તમારા શીખવાડેલી ઍટિકેટ્સ જીવનમાં ખૂબ કામ લાગી છે ત્યારે શિક્ષક જીવન સાર્થક લાગે છે. ક્લાસરૂમમાં પાઠ્યક્રમ ઉપરાંત પ્રૅક્ટિકલ લાઇફમાં કામ લાગે એવી ઘણી ચર્ચા થતી હોય. ઈ-એજ્યુકેશન પદ્ધતિમાં પર્સનલ ટચ દેખાતો નથી. પહેલાં શિક્ષકોનું ફોકસ માત્ર ભણાવવા પર રહેતું. અત્યારે ડેટા ફીડિંગ કરવા, કન્ટેન્ટ તૈયાર કરવું, ટેક્નૉલૉજીથી પોતાની જાતને સતત અપગ્રેડ રાખવી જેવાં કામો વધી ગયાં છે. જોકે એને હું પડકાર નહીં પણ સમયની માગ કહીશ. આપણે જેટ યુગમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. શિક્ષકોએ પણ એ માળખામાં ગોઠવાઈ જવું જોઈએ. આધુનિક શિક્ષણપદ્ધતિમાં શિક્ષકોનો રોલ બદલાયો છે. અત્યારે મોટા ભાગના પેરન્ટ્સ એજ્યુકેટેડ અને કરીઅર ઓરિયેન્ટેડ છે. તેમના માટે વૅલ્યુ એજ્યુકેશન કરતાં માર્ક્સ મહત્ત્વના બની ગયા છે. સંતાનો સાથે ફ્રેન્ડ બનીને રહેતા પેરન્ટ્સ ટીચર્સ પાસેથી પણ એવી અપેક્ષા રાખે છે. આ વાત સાથે હું સંપૂર્ણપણે સહમત નથી. મિત્રની જેમ વિદ્યાર્થીઓને કૉન્ફિડન્સમાં લઈ સમજાવવા જોઈએ, પણ તેમના મિત્ર બનવાની આવશ્યકતા નથી. શિક્ષકના ખભા પર વિદ્યાર્થી હાથ મૂકીને વાત કરે એ યોગ્ય નથી. અરે ક્યા સર આપ ભી ના...આવા શબ્દો બોલતી યુવાપેઢીને લક્ષ્મણરેખા ક્યાં ખેંચવાની છે એ શીખવાડવું પડકાર છે.’

શિક્ષકો સામે માહિતીને જ્ઞાનમાં રૂપાંતરિત કરવાનો પડકાર : સેજલ શાહ, કૉલેજ પ્રોફેસર

પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ટેક્નૉલૉજીથી પ્રભાવિત વિદ્યાર્થીઓ માહિતી માટે શિક્ષકો પર આધારિત નથી. વિલે પાર્લેની મણ‌િબેન નાણાવટી વિમેન્સ કૉલેજના ગુજરાતી સાહિત્યનાં પ્રધ્યાપક સેજલ શાહ કહે છે, ‘ગ્લોબલાઇઝેશનના જમાનામાં શિક્ષણની વ્યાખ્યા બદલાઈ છે. અત્યારનું શિક્ષણ સ્ક‌િલ બેઝ્ડ છે. વિદ્યાર્થીઓને તમે પરીકથા ન સંભળાવી શકો. સ્માર્ટ વર્લ્ડમાં સ્ટુડન્ટ્સને માહિતીપ્રદાન કરે એવા શિક્ષકોની નહીં, માહિતીને જ્ઞાનમાં રૂપાંતરિત કરી શકે એવા શિક્ષકો જોઈએ છે. વિષયને રસપ્રદ બનાવવા શિક્ષકોએ પરંપરાગત અભ્યાસ પ્રણાલિકામાંથી બહાર નીકળી પોતાની જાતને એક્સપ્લોર કરવી પડે છે. પહેલાં જેવું માન-સન્માન મેળવવા શિક્ષકોએ અઢળક સંશોધનો કરી પુરવાર થવું પડે છે. એક કલાકના ક્લાસમાં તેમને જકડી રાખવા સરળ નથી. ગોખણપટ્ટી શબ્દને સમજવાનો દૃષ્ટિકોણ તેમનો જુદો છે. આપણે નાનપણમાં ગણિતના ઘડિયા ગોખતા હતા. આજે પણ ડે ટુ ડે લાઇફમાં ગોખીને યાદ કરેલા ઘડિયા મને કામ આવે છે. નવી પેઢીના વિદ્યાર્થીઓ પાસે ગણતરી કરવા માટેના ડિવાઇસ હોવાથી તેમને આવી ગોખણપટ્ટીમાં રસ નથી પડતો. ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં તેમની રુચિ નથી. આવા તો અનેક પડકારો છે. યંગ જનરેશનને આદેશ આપવા જશો તો ગાંઠશે નહીં અને મિત્ર બનીને રહો તો રિસ્પેક્ટ નથી રહેતો. ઘણા વિદ્યાર્થીઓ તો ઘરમાં મમ્મી સાથે વાત કરતા હોય એવી રીતે અમારી સાથે વાત કરે છે. તું અને તમે વચ્ચેનો તફાવત તેમને સમજાતો નથી. તેઓ બેપરવા અને બેફિકર છે. જોકે હું તેમને દોષ નથી આપતી. સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પડી ભાંગતા તેઓ પોતાનાથી મોટી વયની વ્યક્તિ સાથે વાત કરવાની રીત શીખ્યા નથી. અત્યાધુનિક શિક્ષણપદ્ધતિમાં કેળવણીનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે એ ગંભીર બાબત છે. ભારતની પરંપરાગત શિક્ષણપદ્ધતિમાં નાગરિક તરીકેની નૈતિક જવાબદારી, સામાજિક વ્યક્તિત્વ અને આધ્યાત્મિક જ્ઞાનનો મહિમા હતો જે આપણે ગુમાવી ચૂક્યા છીએ. ઉત્સવો પ્રત્યેનો વિદ્યાર્થીઓનો અભિગમ પણ બદલાયો છે. આઇ ડોન્ટ કૅરવાળો ટોન આવનારા સમયમાં શિક્ષકો માટે જ નહીં, સમસ્ત સમાજ માટે નવા પડકારો લઈને આવશે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK