સો શિક્ષકની ગરજ સારી શકે એવી માતાઓ રહી છે આજે?

Published: 5th September, 2012 05:47 IST

આજકાલનાં બાળકો જૂઠું બોલવામાં અને છટકબારી શોધવામાં પાવરફુલ બની રહ્યાં છે ત્યારે ખાસ ટીચર્સ ડેના દિવસે તમારાં સંતાનોને નિષ્ઠા અને પ્રામાણિકતાના પાઠ કેવી રીતે શીખવવા એનું લેસન આપણે શીખી લઈએ

parvarishબુધવારની બલિહારી - કિરણ કાણકિયા

નાનકડો ધ્રુવ સ્કૂલમાં કોઈને ધક્કો મારે કે પાછળથી ધબ્બો મારે તો તેનો જવાબ રોકડો જ હોય, ‘મેં ધક્કો નથી માર્યો. મેં કંઈ કર્યું નથી.’ આવી જ રીતે સાત વર્ષની રીની રિસેસમાં કોઈનાં રબર-પેન્સિલની અદલાબદલી કરી નાખે કે નાસ્તો ખાઈ જાય તો તરત જ પોતાનો સ્વબચાવ કરતાં કહી દે કે ‘મેં કંઈ કર્યું નથી.’ અને દસ વર્ષનો સૌમ્ય પણ જૂઠું બોલતાં અચકાતો નથી.

આપણે આપણાં બાળકોને હંમેશાં કહેતા હોઈએ છીએ કે સાચું બોલો, આદર્શ નાગરિક બનો, સચ્ચાઈને સાથ આપો. છતાં બાળકો કેટલીયે વાર જૂઠું બોલે છે. પોતાની ભૂલો છુપાવવા મનઘડંત વાર્તા રચી દે છે અને બાળકોની આવી વાતો સાંભળતાં આપણને ખૂબ ગુસ્સો આવે છે અને તેને મારીએ છીએ.

પરંતુ તમે કદી વિચાર્યું છે કે તમે બાળકને કેટલી બધી વાર સમજાવો છો છતાં તે જૂઠું કેમ બોલે છે? ખોટી આદતો તરફ કેમ વળી જાય છે? બેઈમાનીનો આશરો કેમ લે છે?

શા માટે બોલે જૂઠ?

ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટના મત પ્રમાણે છ વર્ષની ઉંમરમાં એક બાળક વાર્તા, જૂઠ અને સત્યમાં ફરક સમજવા લાગે છે. સાત-આઠ વર્ષનું બાળક જૂઠું બોલે કે કંઈક ખોટું કરે તો તેની બેઈમાની માટે તેને જવાબદાર ઠરાવાય છે, પરંતુ એનો અર્થ એ નથી કે આ ઉંમરમાં બાળકમાં પૂરી સમજણ વિકસિત થઈ હોય. તે જાણે છે કે તેણે સાચું બોલવું જોઈએ અને તે એનાં પરિણામોને પણ જાણે છે. જો તેને સાચું બોલવા પર સજા થવાની ખાતરી હશે તો તે સાચું નહીં બોલે, કેમ કે મોટાઓની જેમ બાળક કોઈ મુસીબતમાં પડવા નથી માગતું તેથી તે જૂઠનો સહારો લે છે.

પકડાઈ જવાનો ડર

જ્યારે બાળક પહેલી વાર કોઈ કારણસર જૂઠું બોલે છે તો તેને પકડાઈ જવાનો ડર લાગે છે. પછી તે પકડાઈ ન જાય તો તે વારંવાર જૂઠું બોલવા લાગે છે. જૂઠ પર તેનો વિશ્વાસ વધી જાય છે. આપણે જાણીએ છીએ કે બાળકોની દરેક ટેવ-આદત માટે ઘર અને બહારનો માહોલ જવાબદાર છે. તેને જે દેખાય છે એ શીખે છે. આથી ચોક્કસ એવું કહી શકાય કે ઘરમાં માતા-પિતા દ્વારા જ બાળકોને સાચું શિક્ષણ આપવામાં આવે છે. આ માટે તમારે કોશિશ કરવી પડશે અને માસૂમ બાળકોને ઈમાનદારીના-પ્રામાણિકતાના પાઠ પ્રેમથી શીખવવા પડશે. માતા-પિતાએ શું કરવું જોઈએ ચાલો જાણીએ.

ખોટા કામનો બચાવ ન કરો

સૌપ્રથમ તો તેને પ્રામાણિકતાની વ્યાખ્યા સમજાવો. પ્રામાણિકતા એટલે સચ્ચાઈ, નીતિ, ઈમાનદારી, કોઈને ધોખો ન આપવો અને ભૂલ થાય તો કબૂલ કરવી.

માસૂમ-મીઠડાં નાનાં બાળકો એવાં પ્યારાં હોય છે કે તેની કાલીઘેલી વાતો, બાળસહજ ચેષ્ટા કે નખરાં આપણું મન મોહી લે છે. તે જૂઠું બોલે કે કંઈ ખોટું કરે તો માતા-પિતા તે નાનો છે, નાદાન છે એમ સમજી આંખ આડા કાન કરે છે કે તેનો બચાવ કરે છે. મા-બાપનો આવો અનુચિત વ્યવહાર બાળકની આદત ખરાબ કરે છે અને પછી બાળકોને દોષ દેવામાં આવે છે. બાળક જ્યારે ખોટું કરે ત્યારે તમે તેની ભૂલને અવશ્ય સુધારો.

વ્યવહાર પર નજર રાખો

બાળક તેના દોસ્ત સાથે રમતું હોય કે વાતચીત કરતું હોય ત્યારે તેના વ્યવહાર અને વર્તન પર તમે ચોક્કસ નજર રાખો અને માર્ક કરો કે તે રમતી વખતે અંચઈ કરતો નથી ને કે જૂઠું બોલતો નથી કે બડાશ મારતો નથીને. ઉપરાંત તમે તેના દોસ્તોને બોલાવી રમત રમો. ચીટિંગ ન કરવાની ચેતવણી આપો. તમને ખ્યાલ આવશે કે તમારું બાળક કંઈ ખોટું તો નથી કરતુંને! જો એવું લાગે તો તેને પ્રેમથી સમજાવો અને ફરી આવું કરીશ તો પનિશ કરીશ એવી ધમકી આપો. ક્યારેય તું જૂઠાડો છે, લબાડ છે, બેઈમાન છે એવું કહી એકલા કે મિત્રો વચ્ચે ઉતારી ન પાડો. નહીં તો તે ઝનૂની બની વારંવાર જૂઠું બોલતાં કે બેઈમાની કરતાં અચકાશે નહીં.

સખત સજા ન આપો

બાળક જો ખોટું કરે તો ગુસ્સો આવવો સ્વાભાવિક છે. બાળકને મારપીટ કરવી, ભૂખ્યું રાખવું, બાથરૂમમાં પૂરી રાખવું કે પછી અપશબ્દો બોલી ઉતારી પાડવા જેવી સખત સજા ન કરો. પરંતુ ધ્યાન રાખો કે તમારે જ તમારા બાળકનું વર્તન સુધારવાનું છે. સખત સજા કરવાથી તે ઠોઠડું થઈ જશે. સામે જવાબ આપતું થઈ જશે અને સજાના ડરથી તે ખોટાં કામ છુપાવશે અને આવી નાનપણની આદત દૃઢ થઈ જતાં મોટું થઈને પણ આવાં જ ખોટાં કામ કરશે. તેથી તમારા ગુસ્સા પર કાબૂ રાખો. પરંતુ બાળકનાં ખોટાં કામની સજા પણ એટલી જ જરૂરી છે. તેથી એવું કંઈક તમે કરો કે તેના મન પર નેગેટિવ પ્રભાવ ન પડે, જેમ કે રવિવારે પિકનિક પર જવાનું નક્કી કર્યું હોય કે શનિવારની સાંજે સારી હોટેલમાં ડિનર લેવાનું નક્કી કર્યું હોય તો કૅન્સલ કરી દો અને બાળકને સમજાવો કે તેં ખોટું કર્યું એની આ સજા છે. હવે ફરી વાર ખોટું નહીં કરતો.

કારણ જાણો

બાળકે ખોટું કામ કર્યું હોય તો એની પાછળનું કારણ જાણવાની કોશિશ કરો. જેમ કે તેણે પરીક્ષામાં કૉપી કરી તો તેને ખિજાવાને બદલે પ્રેમથી પૂછો કે તેં કૉપી કેમ કરી? તેં પરીક્ષાની તૈયારી બરાબર નહોતી કરી? તને આવડતું નહોતું? કે તને ભણવામાં પાછળ રહી જવાનો ડર હતો? આ રીતે તેને સમજાવો.

તેને સાચા-ખોટાનો ભેદ સમજાવવો જરૂરી છે. તેને કહો કે તું જૂઠું બોલીશ તો કોઈ તારા પર વિશ્વાસ નહીં કરે અને બધા તને ખરાબ માનશે. જો સાચું બોલીશ તો તારા પર વિશ્વાસ કરશે.

માતા-પિતા રોલમૉડલ

યાદ રાખો કે બાળક તેનાં માતા-પિતા પાસેથી સૌથી વધુ શીખે છે. તેથી તમારા વ્યવહાર પર તેની નજર હોય છે. તેથી જો તમે જ ખોટું બોલતા હો કે ખોટાં કામ કરતા હો તો તે પણ એવું જ કરવા પ્રેરાશે. તમે ઘરમાં હો ને મોબાઇલ પર કહો કે હું ઘરમાં નથી, બહાર છું. દસ મિનિટમાં આવું છું કહીને બે કલાકે આવો તો તમારો આવો વર્તાવ જોઈ તે પણ એવું જ કરશે. પ્રામાણિકતાનો ગુણ બાળકના વર્તનમાં સામેલ કરો. તેની સાથે પ્રેમ, વિશ્વાસ અને ધીરજથી કામ લો. તમે જ તમારા બાળકના રોલમૉડલ છો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK