લડત અને બહાદુરીમાં ફેર છે

Published: 4th December, 2012 07:31 IST

પોતાના કોઈ પગલાથી આવેલા પ્રૉબ્લેમ્સની પીડા પોતાના સ્વજનો પર થોપ્યા વગર પોતે જ હિંમતથી ફેસ કરવી ને એનો ઉકેલ લાવવો એ શું હિંમતભર્યું નથી?
(મંગળવારની મિજલસ - તરુ કજારિયા)

એકાદ મહિના પહેલાં એક બહેનની ઈ-મેઇલ આવી હતી. તેઓ ‘મિડ-ડે’ના મારા લેખો પણ નિયમિત વાંચે છે. થોડા સમય પહેલાં તેમણે મારી એક વાર્તા વાંચી હતી એ વિશેની એ મેઇલ હતી. તેઓ લખતાં હતાં કે તમારા લેખોમાં તમે સ્ત્રીઓને બહાદુર અને સ્ટ્રૉન્ગ બનાવવા માગતાં હો એવી સ્ટાઇલનાં લખાણો હોય છે. એમાંથી અન્યાયની સામે પ્રતિકાર કરવાની પ્રેરણા મળે છે, પરંતુ તમારી વાર્તા વાંચતાં એનાથી ઊંધી જ છાપ પડે છે! તે બહેન જે વાર્તાની વાત કરી રહ્યાં હતાં એ ટૂંકમાં તમને જણાવી દઉં તો તમને આ વાતનો રેફરન્સ સમજાશે. ટૂંકમાં એ સ્ટોરીમાં એવું હતું કે એક યુવતી લવમૅરેજ કરીને પરદેશ જાય છે. ત્યાં તેને ખબર પડે છે કે તેનો પતિ બાય-સેક્સ્યુઅલ (એટલે કે તે પુરુષ અને સ્ત્રી બન્ને સાથે સેક્સ-સંબંધ ધરાવતો) હતો! યુવતી આઘાત પામે છે એ જાણીને તે પતિ સાથે કોઈ સંબંધ રાખતી નથી. પતિ તેને કોઈ જબરદસ્તી કરતો નથી અને તેને પૂરતી સ્પેસ આપે છે. યુવતી અલગ થવાની વિધિ પૂરી થાય ત્યાં સુધી તેના ઘરે જ રહે છે, પણ તે પોતાનાં મા-બાપને કંઈ જ જણાવતી નથી, કેમ કે તેણે લગ્ન તેમની નામરજી છતાં આ પરજ્ઞાતિના અને પરકોમના યુવક સાથે લગ્ન કર્યાં હતાં અને પછી એ ઇશ્યુને તે પોતાની રીતે ટૅકલ કરે છે. તેના ડિવૉર્સ થાય છે અને તે પોતાની કરીઅર-જૉબમાં આગળ વધે છે, સ્વતંત્ર અપાર્ટમેન્ટ લે છે અને સ્વતંત્રતાથી રહે છે. પોતાના અપાર્ટમેન્ટમાં સેટલ થયા પછી પેરન્ટ્સને બધી વાત ઈ-મેઇલ દ્વારા જણાવે છે! તે ઈ-મેઇલમાં પણ તેનો એક્સ પતિ તેની લાઇફમાં બીજી બધી રીતે કેવો હેલ્પફુલ થયો એનો બે-ત્રણ વાર ઉલ્લેખ કરે છે! ઇનશૉર્ટ, તેના પતિએ તેની સાથે છેતરપિંડી કરી હતી અને એ કારણે તે પતિથી જુદી થઈ હતી, છતાં તેમના વચ્ચે કોઈ ઝઘડા-કડવાશ કે વેર-ધિક્કાર નહોતાં ઉદ્ભવ્યાં.

હવે, પેલાં વાચક બહેનનું કહેવું એમ છે કે યુવતીએ શા માટે પોતાની સાથે થયેલા અન્યાય સામે લડત ન આપી? તેણે તેના પતિને સીધોદોર કરી નાખવો જોઈતો હતો એને બદલે યુવતી તેના પતિનાં વખાણ કરે એ કેવું? આવું સ્ત્રીપાત્ર તમે કેવી રીતે સરજી શકો? હવે આપણે જરા વાર વાર્તાને બાજુએ મૂકીને, આ મુદ્દા પર જનરલી વિચાર કરીએ તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં જ્યારે કોઈ પ્રશ્નો ઊભા થાય કે અણધારી આફત આવી ચડે ત્યારે તે વ્યક્તિ તેને કેવી રીતે હૅન્ડલ કરે છે એમાંથી તેના કૅરૅક્ટર વિશે ખ્યાલ આવે છે. કેટલાક લોકો તરત રિઍક્ટ કરે તો કેટલાક મૌન રહીને સ્થિતિને કેવી રીતે રિસ્પૉન્ડ કરવું એ નક્કી કરીને પોતાનું રિઍક્શન આપે. કોઈ લડી-ઝઘડીને, દેકારો અને હલ્લો મચાવીને પોતાને જોઈતો રસ્તો કાઢે છે તો કેટલાક સમજી-વિચારીને દૃઢતાથી પોતાની પસંદની દિશામાં પગલું ભરે.

હવે આપણે ધારીએ કે એક સ્ત્રી ઉપર કહી છે એવી સિચુએશનમાં કે બીજી કોઈ પણ એવી અનપેક્ષિત અને અકલ્પનીય સિચુએશનમાં મુકાય તો તેના માટે એનો શ્રેષ્ઠ ઉકેલ શું? મને લાગે છે કે એમાંથી બહાર નીકળી જવાનો. અને એ કામ જો બને એટલું ઘવાયા વગર, નુકસાન વેઠ્યા વગર અને સ્મૂધલી કરી શકાય તો એ પ્રિફરેબલ ગણાય, જેમ કે એવા પતિ સાથે કોઈ પણ સંબંધ રાખ્યા વિના તેના ઘરમાં પોતાની સ્પેસ ક્રિયેટ કરી અને તેની જરા પણ ઇન્ટરફિયરન્સ વગર પૂરી સ્વતંત્રતાથી અને સલામતીથી જીવવું એ શું પોતાના સ્વમાનની રક્ષા નથી? એ સંજોગોમાં પોતાની કરીઅર અને જૉબ પર ધ્યાન કેન્દ્રિત કરી વિકાસ કરવો એ શું હિંમતભર્યું નથી? પોતાના અપાર્ટમેન્ટમાં મૂવ થવામાં એ પતિનો સાથ-સહકાર મેળવવો એ શું વ્યવહારુપણું નથી? પોતાના કોઈ પગલાથી આવેલા પ્રૉબ્લેમ્સની પીડા પોતાના સ્વજનો પર થોપ્યા વગર પોતે જ હિંમતથી ફેસ કરવી અને એનો ઉકેલ લાવવો એ શું હિંમતભર્યું નથી?

પોતાની સાથે ચીટિંગ થયું એ ખરું, પણ એનો બદલો લેવાની ગણતરી રાખે તો તે પોતે પણ વધુ હેરાન ન થાય? અને બદલો લે તો કેવી રીતે લે? તેની પર કેસ કરીને? વળતરનો દાવો કરીને? હા, એ બધું પણ થઈ શકે, પરંતુ એમાં તે સ્ત્રી પોતેય તો ખેંચાય જ. વકીલો, ર્કોટ અને કેસની તારીખો વગેરેમાં તેને પણ ઘસડાવું પડે જ. વળી એ બધો સમય તેણે પોતે પણ મેન્ટલ ટૉર્ચરમાંથી તો પસાર થવું જ પડેને! જિંદગીની મહત્તા સમજતા અને સમયનું મૂલ્ય સમજતા અનેક લોકોને પોતાની સમસ્યાઓ આવી સૂઝબૂઝથી ઉકેલતા અને આગળ વધતા મેં નજરે જોયા છે. અને પર્સનલી હું માનું છું કે લાઇફ એવાં વેર-ઝેરમાં વેડફવાને બદલે આગળ વધી જવામાં જ મજા છે! જસ્ટ મૂવ-ઑન!

બહાર નીકળવામાં છે મજા

કોઈક વાતને કારણે મનમાં રહી ગયેલી કડવાશને વેર-ઝેરમાં વેડફવાને બદલે મૂવ-ઑન થઈ જનારાની આગળની જિંદગીમાં કડવાશને બદલે હળવાશ પણ સંભવી શકે છે. કડવી પરિસ્થિતિમાંથી શક્ય એટલા જલદી તન-મનથી બહાર નીકળી જવું એનો અર્થ જ જાત પર વધુ અન્યાય ન થવા દેવો. આ રીતે વિચારનારા કદાચ કોઈને વીક લાગે, પણ કોઈકને તે વ્યવહારુ અને વાઇઝ પણ લાગે! તો વાત અલ્ટિમેટલી જુદા-જુદા નજરિયાની છે. જિંદગીના માર્ગે મળેલી આવી મુસીબતોમાંથી બહાર નીકળીને હિંમતથી આગળ વધતી અને પોતાની રીતે જીવતી વ્યક્તિઓ શું ઇન્સ્પાયરિંગ નથી?!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK