ગિફ્ટ એટલે બજારમાંથી ખરીદેલી કે બનાવડાવેલી કોઈ સ્થૂળ વસ્તુ જ?

Published: Dec 30, 2014, 05:27 IST

બધી ગિફ્ટ કંઈ ચીજો ન હોય. કોઈ ગિફ્ટમાં વહાલ આપે, કોઈ  કંપની આપે, કોઈ પોતાની આવડત આપે, નૉલેજ આપે... આ બધું પણ ગિફ્ટ કહેવાય એ વાત આપણને ક્યારે સમજાશે?

સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા


છેલ્લા દસેક દિવસથી અખબારોમાં જાહેરખબરોના ઢગલા થઈ રહ્યા છે. ક્યારેય નહોતી એવી લોભામણી ઑફરો અને યોજનાઓ જોનારને કંઈક ને કંઈક ખરીદવા મજબૂર કરી જ દે છે. એમાંય ક્રિસમસ અને નવા વર્ષ નિમિત્તે અપાતી ભેટો માટે તો ખરીદી કરવી જ પડેને. ટીવી પર એકથી એક ચડિયાતી જાહેરખબરો- હીરા-મોતીની હોય કે કુકર-સ્ટવ જેવાં કિચન અપ્લાયન્સિસની હોય, એક જ વાત સ્થાપવા ઠસાવવા મથતી હોય છે કે તમે અમુક બ્રૅન્ડની ડાયમન્ડ જ્વેલરી ગિફ્ટ આપતા હો કે તમુક બ્રૅન્ડનું કુકર લાવી આપતા હો તો જ તમે પ્રેમાળ અને કૅરિંગ પેરન્ટ્સ, પતિ, પિતા કે પુત્ર હોઈ શકો! ક્યાંક આ વાત કળાત્મક રીતે કહેવાઈ હોય છે તો ક્યાંક છાપરે ચડીને પોકાર કરવામાં આવ્યો હોય. ટૂંકમાં કોઈ તહેવાર હોય કે તમારા સ્વજનનો જન્મદિન કે ઍનિવર્સરી હોય એને કોઈ કીમતી ચીજ કે વસ્તુ કે સેવા કે ભેટ કે ઉપહાર તરીકે આપો તો જ તમે સાચેસાચ તેને પ્રેમ કરતા ગણાઓ! ખેર, એમાં કંઈ નવાઈની વાત નથી. ઉત્પાદકો પોતાની પ્રોડક્ટ વેચવા માટે લાખો-કરોડો રૂપિયાના ખર્ચે જંગી જાહેરખબરો કરે છે એટલે એને શક્ય એટલી આકર્ષક, આક્રમક અને અસરકારક બનાવવા તેઓ બધી અજમાયશો કરે છે. પણ અજાણતાં જ એ જોનારા કુમળાં બાળકોના દિમાગમાં એક માન્યતા દૃઢ કરે છે કે ભેટ એટલે બજારમાંથી ખરીદેલી કે બનાવડાવેલી કોઈ સ્થૂળ વસ્તુ.

ગયા અઠવાડિયે શહેરમાં ઠેકઠેકાણે ક્રિસમસ પાર્ટી ઊજવાઈ હતી. નાનાં બાળકોની નાનીઅમથી નર્સરી સ્કૂલ હોય કે ટીનેજર્સની કૉલેજો, બધાએ પોતપોતાની રીતે ઉજવણી કરી. નાનકડા નીલની કિન્ડરગાર્ટન સ્કૂલમાં પણ પાર્ટી હતી. તે સ્કૂલમાંથી પાછો ફર્યો ત્યારે તેના હાથમાં રંગબેરંગી બલૂન્સ અને એક ગિફ્ટ પણ હતી. નીલ ખુશખુશાલ હતો. હજી તો તેને પપ્પા, કાકા, મમ્મી અને દાદી પાસેથી પણ ગિફ્ટ મળવાની હતી. રાત્રે પપ્પા આવ્યા અને નીલ માટે એક સરસ મજાની ગેમ લઈ આવ્યા. કાકા પણ ફૅક્ટરીથી આવ્યા અને નીલનાં ફેવરિટ બૅટ-બૉલ લઈ આવ્યા. હવે નીલ મમ્મી અને દાદી પાસે ગિફ્ટની ઉઘરાણી કરવા લાગ્યો. તો દાદીએ વહાલથી તેને પોતાના ખોળામાં બેસાડીને તેના કપાળ પર એક મીઠી પપ્પી કરીને કહ્યું કે આ લે, આ છે દાદીની ગિફ્ટ. નીલને દાદી આમ વહાલ કરે એ બહટ્ટ જ ગમતું, પણ આજે દાદીના શબ્દો સાંભળ્યા ત્યારે તે નારાજ થઈ ગયો. તેણે કહ્યું, ના, ના, દાદી. આ તો તમે ચીટિંગ કરો છો. તેની મમ્મી એ સાંભળી દોડી આવી અને નીલને સમજાવવા લાગી કે દાદીને એવું ન કહેવાય. પછી મમ્મીએ નીલને એક સરસ મજાની પેન આપી. નીલે એ લઈ લીધી, પણ પછી તરત ગિફ્ટની ઉઘરાણી કરી. મમ્મીએ કહ્યું કે મેં તને પેન આપી એ મારી તને ગિફ્ટ જ છે. તો નીલે કહ્યું કે જા,જા, એ ક્યાં તું સ્ટોરમાંથી લાવી છે? એ તો તારી પાસે હતી એમાંથી તેં મને આપી છે. નીલ અને તેના જેવાં નાનાં બચ્ચાંના મનમાં ઠસી ગયું છે કે પૈસા ખર્ચીને બહારથી લઈ આવીએ એ જ ગિફ્ટ કહેવાય. શરૂઆતમાં જે વાત કરી એ જાહેરખબરો અને માર્કેટિંગ ગિમિક્સનો પ્રભાવ આમાં જોઈ શકાય છે.

બીજા દિવસે સ્કૂલથી આવીને નીલ પોતાની ગેમ લઈને બેઠો, પણ તે એકલો કોની સાથે રમે? તે રડવા લાગ્યો. દાદીએ કહ્યું કે ચાલ, હટ્ટ રમું છું તારી સાથે. દાદી નીલની સાથે તેની નવી  ગેમ રમતી હતી. નીલ મૂડમાં હતો. ત્યારે દાદીએ ધીમેથી નીલને કહ્યું, ‘બેટા, તને મજા આવે છેને?’

 નીલે કહ્યું, ‘હા દાદી, હટ્ટ ખૂબ એન્જૉય કરું છું.’

એટલે દાદીએ તેને પૂછ્યું કે ‘અત્યારે હટ્ટ ન હોત તો તું એકલો આ ગેમ રમી શકત?’

નીલે કહ્યું, ‘ના જ તો વળી. દાદી, તમને એટલી પણ ખબર નથી કે આ ગેમ એકલા ન રમી શકાય?’

દાદીએ કહ્યું, ‘બેટા, તો હટ્ટ એ જ કહેવા માગું છું. પપ્પાએ ગેમ આપી અને મેં તને કંપની આપી. જેમ પપ્પાની ગેમ ગિફ્ટ છે એમ જ મારી કંપની પણ ગિફ્ટ છે કે નહીં?’

નીલના માથામાં દાદીની વાત કંઈક ઊતરી રહી છે એમ લાગ્યું એટલે દાદીએ આગળ ચલાવ્યું, ‘આમાં મેં તને મારો સમય ગિફ્ટ આપ્યો કહેવાય, બરાબર? જો હટ્ટ તારે માટે આ સમય ન કાઢત તો તું કેવી રીતે રમત?’

નીલ વિચારમાં  પડી ગયો અને બોલ્યો, ‘દાદી, એમ તો તમે આખો દિવસ મારું કેટલુંબધું ધ્યાન રાખો છો! તો એનો અર્થ તો એ થયો કે તમે મને રોજ કેટલીબધી ગિફ્ટ આપો છો!’

 દાદીએ હસીને કહ્યું, ‘બેટા, હટ્ટ તને કાલે એ જ સમજાવવા માગતી હતી કે બધી ગિફ્ટ કંઈ ચીજો ન હોય. કોઈ ગિફ્ટમાં વહાલ આપે, કોઈ કંપની આપે, કોઈ પોતાની આવડત આપે, નૉલેજ આપે...આ બધું પણ ગિફ્ટ કહેવાય.’

નીલ નસીબદાર છે કે તેને એવી સમજદાર દાદી મળી છે. બાકી આજ્ના કેટલાક યંગસ્ટર્સ પોતે જ ગિફ્ટના આ ઓવરડોઝથી એટલા પ્રભાવિત હોય છે કે તેઓ બચ્ચાંઓને પણ એ જ રંગે રંગતાં રહે છે. અલબત્ત, અહીં એક વાત સમજી લેવી જરૂરી છે કે ગિફ્ટ કે ભેટ આપવાનો રિવાજ કે પ્રથા એ ખૂબ જ સરસ જેસ્ચર છે. શૅરિંગ અને કૅરિંગની આદત બાળકના મનમાં કેળવવામાં એનો મહત્વનો હિસ્સો છે, પરંતુ ગિફ્ટ એટલે કલર્ડ રૅપિંગ પેપરમાં લપેટેલી કોઈ આઇટમ એ ખ્યાલ યોગ્ય નથી. એવી જ રીતે કેટલીક મમ્મીઓને આદત હોય છે. તે પોતાના બાળકની બર્થ ડે ઊજવે. પછી ગિફ્ટ ખોલીને બેસે અને કોણે સસ્તી ગિફ્ટ આપી અને કોણે મોંઘી એની કલાકો સુધી ચર્ચા કરે. આ વર્તનની બાળકના મન પર ખરાબ અસર પડે છે. કોઈની ગિફ્ટને એની કિંમત કે પ્રાઇસટૅગથી મૂલવવી યોગ્ય નથી. આ બધી બાબતો પર નાનપણથી ધ્યાન દેવામાં આવે તો બાળકમાં એક પૉઝિટિવ એટિટ્યુડ વિકસાવી શકાય જે આગળ જતાં જિંદગીમાં રાઇટ વૅલ્યુઝની કદર કરતાં શીખવી શકે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK