દયા અને જેઠાલાલના રાસગરબાને લીધે મોરારીબાપુની કથાનો રામજન્મ રોકાયો

Published: 13th October, 2011 20:43 IST

સોમનાથમાં ચાલતી મોરારીબાપુની ૭૦૨મી રામકથાના પાંચમા દિવસે એટલે કે ગઈ કાલે મોરારીબાપુએ કથાના શરૂઆતના તબક્કે જ શ્રોતાગણને કહ્યું હતું કે શક્ય હશે તો આજે આપણે કથાના રામજન્મના પ્રસંગ સુધી પહોંચી જઈશું, પણ પછી કથામાં સામેલ થયેલાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના મોસ્ટ ફેવરિટ કૅરૅક્ટર દયાભાભી અને જેઠાલાલને કારણે કથાનો આ મહત્વનો પ્રસંગ પાછળ ઠેલાયો અને રામજન્મનો પ્રસંગ મોરારીબાપુએ આજ પર મુલતવી રાખ્યો.

 

 

બન્યું એવું હતું કે કથામાં ભાગ લેવા આવેલાં દયા એટલે કે દિશા વાંકાણી અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને મળ્યા પછી બાપુએ કહ્યું હતું કે તમારી સિરિયલ તો હું જોઈ નથી શકતો પણ મેં તમારા બન્નેના ગરબા વિશે બહુ સાંભળ્યું છે. બાપુના આ વિધાન પછી બાપુની આજ્ઞા લઈને દિશા વાંકાણી અને દિલીપ જોશીએ મોરારીબાપુ ફરતે પોતાની આગવી સ્ટાઇલમાં ગરબા રમ્યાં હતાં, જે લગભગ વીસેક મિનિટ ચાલ્યા હતા. કથા-શ્રવણ કરવા આવેલા લોકોથી માંડીને મોરારીબાપુ સુધ્ધાં દયા-જેઠાના ગરબા જોવામાં એવા મશગૂલ થઈ ગયા કે સમય ક્યાં પસાર થઈ ગયો એની તેમને પણ જાણ ન થઈ અને છેવટે કથા પૂરી કરતી વખતે તેમને આનો અંદાજ આવ્યો એટલે સ્ટેજ પરથી જ તેમણે શ્રોતાજનોને કહ્યું હતું કે ‘આજનો રામ-જન્મનો પ્રસંગ આપણે હવે આવતી કાલે કરીશું.

મોરારીબાપુની કથામાં દયા-જેઠા ઉપરાંત સિરિયલમાં પત્રકાર પોપટલાલનું કૅરૅક્ટર કરતા ઍક્ટર શ્યામ પાઠક પણ હાજર રહ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK