પ્રતિભાશાળીમાતા-પિતાના સંતાન હોવું શું અભિશાપ છે?

Published: 30th December, 2011 06:00 IST

ટૅલન્ટેડ પેરન્ટ્સનાં સંતાનો સામે પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે અનેક નવા પ્રશ્નો હોય છે, કેટલાંક સંતાનો પોતાની ક્ષમતાથી ઊંચે પહોંચ્યાં હોય છે છતાં એનો યશ તેમના પ્રતિભાશાળી પેરન્ટ્સને આપવામાં આવે છે(સમાજ-દર્પણ-ફ્રાઇડે-ફલક- રોહિત શાહ)

પ્રતિભાશાળી પેરન્ટ્સના સંતાન હોવું બાહ્ય દૃષ્ટિએ ગૌરવપ્રદ લાગે છે, પરંતુ હકીકતમાં ક્યારેક એ અભિશાપ બની રહે છે. સપોઝ સંતાન પોતાની આવડત અને પોતાના પુરુષાર્થથી આગળ વધે છે અને કશુંક અચીવ કરે છે તો પણ લોકો એમ જ કહેવાના કે તેને તેના પેરન્ટ્સનો વારસો મળ્યો છે, તેને તેના પેરન્ટ્સનું ગાઇડન્સ મળ્યું છે. સપોઝ તે સંતાન સામાન્ય (નૉર્મલ) હશે તો લોકો ટીકા કરશે કે આટલા પ્રતિભાશાળી પેરન્ટ્સનો ટેકો અને હૂંફ હોવા છતાં તે કંઈ ઉકાળી ન શક્યો, સાવ બાઘો છે.

મહેનતનો યશ

પ્રતિભાશાળી પેરન્ટ્સનાં સંતાનોને પોતાની આઇડેન્ટિટી ઊભી કરવામાં ઊલટાની વધારે જહેમત ઉઠાવવી પડે છે એની ભાગ્યે જ કોઈને ખબર પડતી હોય છે. ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી ભારતના વડા પ્રધાન બન્યા એનું એકમાત્ર કારણ એ જ હતું કે તેઓ ઇન્દિરા ગાંધીના પુત્ર હતા, પરંતુ વડા પ્રધાન બન્યા પછી તેમણે જે કંઈ કર્યું એ પોતાની આવડત અને દાનતથી કર્યું. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી આટલા મોટા એમ્પાયરના માલિક બન્યા એનું કારણ એ ખરું કે તેમને ધીરુભાઈ અંબાણીનો વારસો મળ્યો, પરંતુ ત્યાર પછી તેમણે જે કંઈ ડેવલપમેન્ટ કર્યું હોય એનો યશ તેમને મળવો જોઈએ.

ક્ષમતા અને તકો

ઘણા લોકો એવી દલીલ કરે છે કે અમારે એકડે એકથી શરૂ કરવાનું હતું, જ્યારે તે લોકોને એક હજાર એકથી શરૂ કરવાનું હતું. અમારે અનેક સંઘર્ષો વેઠવાના હતા, તેમને પારાવાર સગવડો વચ્ચે આગળ વધવાની તકો હતી. આ વાત સાચી જ છે. શ્રીમંત અને પ્રતિભાશાળી પેરન્ટ્સનાં સંતાનોને વિકાસની ભરપૂર તકો પહેલેથી જ મળી ચૂકી હોય છે એટલે તેમનો પ્રોગ્રેસ ફાસ્ટ થઈ શકે છે, પણ એટલા જ કારણે તે સંતાનોની ક્ષમતાને ઓછી આંકવાની ગુસ્તાખી ન કરવી જોઈએ. ઘણાં ગમાર સંતાનો એવાં પણ હોય છે કે સમૃદ્ધ વારસો મળ્યો હોય તોય એને રફેદફે કરી નાખે છે અને ઉત્તમ સગવડો મળી હોવા છતાં કશીયે પ્રગતિ કરી શકતાં નથી. ક્યારેક તો એવું બને છે કે વધુપડતી સગવડો, અતિશય સલામતી માણસને સાવ બિનજવાબદાર, ઉદ્ધત અને પ્રતિભાહીન બનાવી મૂકે છે. ઘણા શ્રીમંતોનાં પ્રમાદી અને ભોગવિલાસી સંતાનોને જોઈને આપણે કહીએ છીએ કે દીવા પાછળ નકરું અંધારું છે.

બિનજરૂરી તુલના

એક બીજી વાત પણ છે. પ્રતિભાશાળી પેરન્ટ્સનાં સંતાનોની સરખામણી આપણે તરત જ તેમના પેરન્ટ્સ સાથે કરવા માંડીએ છીએ. અભિષેક બચ્ચન ગમે એટલો સારો કલાકાર હશે તો પણ તેની તુલના આપણે તેના પિતા અમિતાભ બચ્ચન સાથે જ કરીશું. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અનેક સ્ટાર્સ હોવા છતાં અને એ બધામાંથી ઘણા કરતાં વધારે સારો કલાકાર હોવા છતાં અભિષેકની તુલના અમિતાભ સાથે કરવાની ગુસ્તાખી આપણે કરતા રહીએ છીએ. અરે ભાઈ, તે અમિતાભ બચ્ચનનો દીકરો છે એ શું તેનો વાંક-ગુનો છે? તેની ખુદની અભિનયક્ષમતા કેવી છે અને કેટલી છે એ જોવાને બદલે તેને તેના પપ્પાની પ્રતિભાની ફૂટપટ્ટી વડે માપવા બેસવામાં જરાય ઔચિત્ય નથી.

જરૂરી નથી

પેરન્ટ્સ પ્રતિભાશાળી હોય એટલે તેમનાં સંતાનો પણ પ્રતિભાશાળી જ હોય એવું માનવાની જરૂર નથી. એ જ રીતે તેમનાં સંતાનો પોતાની ક્ષમતાથી આગળ આવ્યાં હોય ત્યારે પણ તેમને તેમના પેરન્ટ્સનું પ્લૅટફૉર્મ મળ્યું છે એમ કહીને તેમને અન્ડર-એસ્ટિમેટ પણ ન કરી શકાય.

આપણે એ જ વિચારીએ છીએ કે તેમને ઘણી સગવડો શરૂથી જ મળી એટલે તેમનો વિકાસ થયો. આપણે એમ નથી વિચારતા કે આટલી બધી સગવડો અને સાહ્યબી હતી એટલે તેઓ આળસુ-પ્રમાદી પણ બની શક્યાં હોત. છતાં પોતાની દાનતથી, પોતાની ધગશથી તેઓ આગળ વધતાં રહ્યાં છે.

ગેરફાયદા ક્યાં નથી

ઘણી વખત તો એવું બને છે કે પેરન્ટ્સ પ્રતિભાશાળી હોવાને કારણે પોતાની પ્રવૃત્તિમાં એટલા ગળાડૂબ રહે છે કે તેમને પોતાનાં સંતાનોના વિકાસ કે ફ્યુચર માટે કંઈ પણ કરવાની ફુરસદ કે અનુકૂળતા રહેતી જ નથી. એનો મીઠો પ્રભાવ તેમનાં સંતાનોના વ્યક્તિત્વ-ઘડતર પર પડે છે. માતા-પિતા બન્ને ઓવરબિઝી રહેતાં હોવાથી ન તો તે સંતાનોને કશી હૂંફ મળે છે, ન કશું માર્ગદર્શન મળે છે. વળી પોતાના સ્ટેટસને કારણે બહારના સામાન્ય લોકો સાથે તેમનો સંપર્ક ખૂબ જ નહીંવત્ હોય છે. પરિણામે તેમનો સહજ વિકાસ થતો નથી. એક પ્રકારની એકલતા અને ગૂંગળામણમાં તે રિબાતાં રહે છે. આવી પરિસ્થિતિમાં આત્મબળથી અને આત્મસૂઝથી આગળ વધવું વધારે કપરું બની ગયું હોય છે. તે સંતાનો પોતાની મરજી મુજબ જીવી જ નથી શકતાં. પેરન્ટ્સની પ્રતિભાએ કંડારેલી જીવનશૈલી પ્રમાણે તેમણે ઇચ્છા-અનિચ્છાએ જીવવું પડતું હોય છે.

ભીતરનો વિરોધાભાસ

એક સત્ય સમજી લઈએ કે અગાઉથી કોઈ જ ફિક્સ રૂટ ન મળ્યો હોય ત્યારે વ્યક્તિ પોતાની મરજીથી અને જવાબદારીથી આગળ વધી શકે છે. જેને ફિક્સ રૂટ મળ્યો હોય છે તેણે તો એક જ દિશામાં દોડવાની પનિશમેન્ટ ભોગવવી પડે છે. વકીલનો દીકરો વકીલ જ બને અને ડૉક્ટરનો દીકરો ડૉક્ટર જ બને એ માટે જાણ્યે-અજાણ્યા ઘણા પ્રયત્નો થતા હોય છે. સંતાન પાસે ભાગ્યે જ પોતાની ચૉઇસ બચે છે. આ મુદ્દા તેને જ સમજાય છે જે એ બધા અનુભવોમાંથી પસાર થયો હોય છે. બહારથી જોનારાને તેના ભીતરી વિરોધાભાસોનો અણસાર પણ મળી શકતો નથી. સંતાન જો મેધાવી અને પ્રતિભાશાળી હશે તો જ તે કોચલામાંથી કે પાંજરામાંથી બહાર નીકળી શકશે. આવાં સંતાનોની ક્ષમતાને બિરદાવવી જોઈએ.

વ્યક્તિની પોતાની ક્ષમતા

દુનિયામાં એવાં અનેક ઉદાહરણો છે જેમાં પેરન્ટ્સ પ્રતિભાશાળી હોવા છતાં સંતાનો એનો લાભ જરાય ન પામ્યાં હોય. એટલે જ્યારે કોઈ વ્યક્તિ સફળતાના શિખરે પહોંચે ત્યારે એનો યશ તેના પેરન્ટ્સને જ આપવાને બદલે તે સંતાનના સામથ્ર્યને - સાહસને આપવો જોઈએ. કેટલાક પેરન્ટ્સ એવા પણ હોય છે જેઓ પોતે સાવ મામૂલી હોય છતાં પોતાનાં સંતાનોના વિકાસ માટે પારાવાર પુરુષાર્થ કરે છે, સંતાનોને ખૂબ ભણાવે છે, તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે તનતોડ મહેનત કરે છે અને ઉજાગરા પણ વેઠે છે. તેમના સહયોગનું અભિવાદન પણ થવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ સાચી સફળતા ત્યારે જ પામે છે જ્યારે તેની પોતાની કંઈક ક્ષમતા અને એ માટેની તીવ્ર તડપ હોય. ક્ષમતા હશે તો અવરોધોને પણ પાર કરી નાખશે અને ક્ષમતા નહીં હોય તો સગવડોને પણ વેડફી મારશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK