વડીલોની સંભાળ લેવી એ કંઈ બોજ નથી, એ તો તેમની પાસેથી શીખવાની તક છે

Published: Mar 17, 2020, 16:45 IST | Taru Kajaria | Mumbai

વરિષ્ઠ નાગરિકોની શક્તિ ને ક્ષમતાનો ઉપયોગ કરી તેમની વૃદ્ધાવસ્થાને સાર્થક કરવાની યોજના બનાવવી જોઈએ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ગયા વરસે જૂનમાં દેહરાદૂનમાં આવેલી આ.એમ.એસ. યુનિસન યુનિવર્સિટીમાં ‘હેલ્પ એજ ઇન્ડિયા’નો ‘એલ્ડર અબ્યુઝ’ (વડીલોની અવહેલના) વિશે જે અહેવાલ પ્રગટ થયો હતો એમાં જણાવાયું હતું કે દેશમાં લગભગ ૭૦ ટકા જેટલા વરિષ્ઠ નાગરિકો એકલતાનો સામનો કરી રહ્યા છે.

એ અહેવાલમાં ચોંકાવનારી વાત જોવા મળી એ એ હતી કે કુટુંબમાં વડીલોની સંભાળ રાખનારા સાઠ ટકા જેટલા લોકોને તેમની સેવા કરવાનું બોજારૂપ લાગતું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ થાકી જાય છે અને તેમના વડીલોથી તેઓ કંટાળી ગયા હતા. અમુક જણ તો વડીલો પ્રત્યે ધૂંધવાતા હતા. પોતાના વયસ્ક જીવનસાથીની સંભાળ લેનારા પતિ કે પત્ની પણ કંટાળી ગયા હતા અને મનોમન  ઘણા નારાજ પણ હતા. કલ્પના કરો આ સ્થિતિ આપણા દેશમાં છે જ્યાં વડીલોને પૂજ્ય ગણવામાં આવે છે, તેમનો આદર કરવામાં આવે છે!

એ અહેવાલ પ્રગટ થયો એ પ્રસંગે એક કાર્યકર્તાએ જપાનનો ઉલ્લેખ કર્યો હતો. જપાનમાં યુવાનોની સરખામણીએ સિનિયર સિટિઝન્સની વસ્તી વધતી જાય છે. જપાનની વ્યવહારુ સરકારે આ સમસ્યાનો ઉકેલ સિનિયર સિટિઝન્સને કામ આપીને કર્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે  આવનારાં વર્ષોમાં આપણે ત્યાં પણ સિનિયર સિટિઝન્સની વસ્તી વિશે આવી જ સમસ્યા સર્જાશે. તો આપણે વડીલોને વ્યસ્ત રાખે એવી કે તેમને રોજગારી મળે એવી નીતિઓ ઘડવી પડશે. એ સાથે જ વડીલોને પણ સૂચન કરવામાં આવ્યું હતું કે તમે કોઈના પર અવલંબિત પણ ન રહેશો અને વધુપડતા સ્વકેન્દ્રી પણ ન બનતા. એ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રવિકાન્ત શ્રીવાસ્તવે યુવાઓને ટકોર કરી હતી કે વડીલોની સંભાળ લેવી એ કંઈ બોજ નથી, એ તો તેમની પાસેથી શીખવાની તક છે.

હવે એક નજર ૨૦૧૪ના હેલ્પ એજ ઇન્ડિયાના અહેવાલ પર કરીએ. એમાં દેશમાં વડીલો સાથે થતા વ્યવહાર (હકીકતમાં દુર્વ્યવહાર) વિશે અનેક રાજ્યોની પરિસ્થિતિ પર નજર કરવામાં આવી હતી. એમાં જણાવાયું હતું કે ભારતના જેટલા વડીલોનો સર્વે કરવામાં આવ્યો હતો એમાં ૭૩ ટકા વડીલોએ કબૂલ્યું હતું કે સમાજમાં અમારી અવહેલના થાય છે. પચાસ ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પાંચ વરસ પહેલાંનો એ અહેવાલ વાંચતાં જણાય છે કે વડીલોની સ્થિતિમાં ઝાઝો ફરક નથી પડ્યો. આમ બન્ને અહેવાલમાં જણાવાયું તેમ આજે અનેક ઘરોમાં વડીલો ઉપેક્ષિત અને વણજોઈતા હોય એવું મહેસૂસ કરે છે. સામાન્યપણે અખબારોમાં આવા ડિપ્રેસ થઈ જવાય એવા સમાચારોની ભરમાર હોય છે અને એનાથી આપણે પણ ટેવાઈ ગયા છીએ. વાંચીને નિરાંત થાય એવા કે ઉત્સાહ થાય એવા સમાચારો ક્યારેક ખૂણેખાંચરે નાખી દેવાયા હોય છે. થોડા વખત પહેલાં આવા જ એક સમાચાર વાંચવા મળ્યા હતા.

એ અનુસાર સરકાર વડીલોની શક્તિને કામે લગાડવા જઈ રહી છે. આજના જમાનામાં જ્યારે સરેરાશ આયુષ્ય વધ્યાં છે ત્યારે ઘણા એવા વડીલો છે જેઓ તેમની પ્રવૃત્તિમય જિંદગીમાંથી નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ તેઓ હજી પણ કામ કરી શકે એમ છે. અને જેમનું તન-મનનું સ્વાસ્થ્ય પર્ફેક્ટ છે તેમને અર્થપૂર્ણ રીતે પ્રવૃત્ત રાખવાનો આ ઉપક્રમ છે.  

સરકારના અસામાજિક ન્યાય ખાતા દ્વારા વડીલો માટે એક નૅશનલ ઍક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો  છે. એની હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સિનિયર સિટિઝન્સનાં ઍક્શન ગ્રુપ તૈયાર કરવામાં આવશે. આવા દરેક જૂથના સભ્ય સિનિયર સિટિઝન્સ તેમની ક્ષમતા પ્રમાણેની પ્રવૃત્તિ કરશે. જેમ કે ગરીબ બાળકોને ભણાવવાં, પારણાઘર કે ડે કૅર સેન્ટર્સ ચલાવવા, નજીકની હૉસ્પિટલના દરદીઓને મદદરૂપ થવું કે કોઈ પણ જાહેર સ્થાનિક સ્થળનું ધ્યાન રાખવું જેવી અનેક પ્રવૃત્તિઓ આ જૂથના સભ્યો કરી શકશે. આવા દરેક જૂથને વરસે બે વાર અમુક રકમ મળશે. આ ઉપરાંત તેઓ જે સંસ્થામાં સેવા આપે એ પણ તેમને કંઈક મહેનતાણું આપી શકે. આમ જે વડીલો કામ કરવા સશક્ત અને સક્ષમ છે તેમની શક્તિનો સમાજના હિતમાં ઉપયોગ થાય. એટલે સમાજને લાભ થાય. પોતાની પ્રતિભા કે મહેનતથી કોઈ જરૂરિયાતમંદને  મદદરૂપ બનવાથી તેમને પણ સાર્થકતાનો અનુભવ થાય. પરિવારમાં થતી ઉપેક્ષાના સ્થાને પોતાની ઉપયોગિતા છે એ અહેસાસ તેમને જીવવાનો ઉત્સાહ આપે. એનાથી તેમનો આત્મવિશ્વાસ વધે. આમ આ એક વિન-વિન પરિસ્થિતિ સર્જાય. ગરીબી રેખાની નીચે જીવતા એક કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનામાં આવરી લેવાનો સરકારનો ઇરાદો છે. આ વરસના અંત સુધીમાં અઢીસો નવાં ઘરડાં ઘર પણ શરૂ કરવાનો પ્લાન છે. વૃદ્ધો સન્માનપૂર્વ જીવી શકે અને જીવનની સાર્થકતાનો અનુભવ કરે એ દિશામાં સરકારનું આ આયોજન જલદી સાકાર થાય એમ ઇચ્છીએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK