પ્રેમનું પ્રતીક આવું પણ હોઈ શકે

Published: 14th February, 2021 14:57 IST | Shailesh Nayak | Mumbai

દિલ્હીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના લાલારામભાઈ ભોજવિયા પત્નીની અધૂરી ઇચ્છાને પૂરી કરવા છેલ્લાં ૧૩ વર્ષથી દૂધરેજ ગામે ચાર એકરમાં ફેલાયેલું વૃદ્ધાશ્રમ ચલાવે છે

દિલ્હીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના લાલારામભાઈ ભોજવિયા પત્નીની અધૂરી ઇચ્છાને પૂરી કરવા છેલ્લાં ૧૩ વર્ષથી દૂધરેજ ગામે ચાર એકરમાં ફેલાયેલું વૃદ્ધાશ્રમ ચલાવે છે. તેમનાં પત્નીનું અહીં મંદિરની મૂર્તિ જેવું શિલ્પ છે, જ્યાં રોજ સવાર-સાંજ સત્સંગ થાય છે અને અખંડ દીવાની જ્યોત ઝળહળે છે. પત્નીની ઇચ્છા પૂરી કરવા તેમની યાદમાં સેવાની ધૂણી ધખાવીને બેઠેલા લાલારામભાઈ વૃદ્ધાશ્રમમાં નિઃસ્વાર્થ ભાવે બાવીસ વૃદ્ધોની સારસંભાળ લઈ રહ્યા છે.

‘પ્રેમ એટલે કે સાવ ઊંડી આંખોથી થતો મળવાનો વાયદો,
સપનામાં પડાય એવો કાયદો,
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વ્હાણોનો કાફલો...’
મુમતાઝની યાદમાં શાહજહાંએ આખેઆખો તાજમહેલ બંધાવ્યો જે દુનિયાની ૭ અજાયબીઓમાંનું એક સ્મારક બની ગયું. પ્રેમનું પ્ર‍તીક ગણાતો કરોડો રૂપિયાના ખર્ચે બનેલો તાજમહેલ ભલે ભારતનું સૌથી રમણીય પર્યટન સ્થળ હોય, પણ જો પ્રેમના પ્રતીકની જ વાત થતી હોય તો સુરેન્દ્રનગરમાં આવેલો એક વૃદ્ધાશ્રમ તાજમહેલથી જરાય ઊણો ઊતરતો નથી. પત્નીની અદમ્ય ઇચ્છા હતી જે કદાચ જીવતેજીવ પૂરી ન થઈ શકી ત્યારે પતિએ તેની યાદમાં એ કામ પૂરું કરવાનું બીડું ઝડપ્યું. આ એક એવો આશ્રમ છે જ્યાં પત્નીની ઇચ્છા તો પૂરી થઈ જ રહી છે, પરંતુ બીજા પણ કેટલાય વૃદ્ધોને આ કાર્યને કારણે સુંદર, સન્માનનીય જીવન જીવવા મળી રહ્યું છે.
સ્વર્ગવાસી પત્નીની અધૂરી રહી ગયેલી ઇચ્છા પૂરી કરવા માટે સુરેન્દ્રનગર પાસેના ખોડુ ગામના વતની અને દિલ્હીમાં રહેતા ૭૨ વર્ષના લાલારામભાઈ ભોજવિયાએ પોતાના વતન નજીક પત્ની લલિતાબહેનની યાદમાં વૃદ્ધાશ્રમ બનાવીને સમાજમાં એવું સદ્કાર્ય કર્યું છે કે પત્નીનું નામ અમર બની રહ્યું છે. વાત માત્ર સદ્કાર્યની નથી, પ્રેમની પણ છે. લલિતાબહેન હયાત હતાં ત્યારે લાલારામભાઈને વારંવાર કહેતાં કે ભગવાનની દયાથી આપણી પાસે લીલી વાડી છે તો આપણે સમાજ માટે લોકોપયોગી કાર્યો કરીએ, માણસને હૂંફ આપીએ. વધતી-જતી વયને કારણે વડીલોની કાળજી રાખવામાં આવે એ બાબતે તેમનું હૃદય બહુ કૂણી લાગણી ધરાવતું હતું. વ્યવસાયમાં વ્યસ્ત લાલાભાઈને પણ એ કામ કરવું જ હતું, પણ કોઈક કારણસર એ શક્ય બનતું નહોતું. લાલારામભાઈ કહે છે, ‘મારાં પત્નીને બહુ ઇચ્છા હતી કે અનાથ, દીનદુખિયા અને તકલીફમાં હોય એવા માણસોને આપણે કોઈક રીતે હૂંફ આપીએ. દુખીઓના જીવતરમાં આવેલી મુશ્કેલીઓને આપણાથી બનતી રીતે દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો જ જીવન સાર્થક થયેલું ગણાય. પહેલેથી જ તેઓ ધાર્મિક, માયાળુ અને બધાને મદદ કરવાનું વ્યક્તિત્વ ધરાવતાં. જોકે ૨૦૦૪ની સાલમાં મારી પત્નીને હાર્ટ-અટૅક આવ્યો અને અચાનક તેમણે દેહ મૂકી દીધો. તેમના સ્વર્ગવાસ પછી પણ તેમની આ વાતો મનમાં ઘૂમરાતી. તેમની યાદ કાયમ રહે એ માટે તેમની આ અધૂરી ઇચ્છા પૂરી કરવાનું મેં નક્કી કરી લીધું અને એના ફળસ્વરૂપે સુરેન્દ્રનગરથી ૩ કિલોમીટર દૂર દૂધરેજ ગામમાં વૃદ્ધાશ્રમ બનાવ્યો, જેનું પૂજ્ય મોરારિબાપુએ ઉદ્ઘાટન કર્યું હતું. વૃદ્ધાશ્રમ બનાવ્યા બાદ ખરા અર્થમાં પત્નીને અંજલિ આપી એવું લાગે છે.’
લાલારામભાઈએ વૃદ્ધાશ્રમમાં પત્નીની ટેમ્પલ-લુક મૂર્તિ બનાવીને મૂકી છે. જાણે મંદિર જ જોઈ લો. આ મૂર્તિની સામે અખંડ દીવાની જ્યોત ઝળહળતી રહે છે અને એ મૂર્તિની સામે જ રોજ સવાર-સાંજ વૃદ્ધો સત્સંગ અને ભજન-કીર્તન કરે છે. પત્નીની ઇચ્છા પૂરી કરવા તેમની યાદમાં સેવાની ધૂણી ધખાવીને બેઠેલા લાલારામભાઈ વૃદ્ધાશ્રમમાં નિઃસ્વાર્થ ભાવે હાલમાં બાવીસ વૃદ્ધોની સારસંભાળ લઈ રહ્યા છે. જેમનું કોઈ નથી એવા એકલવાયા વૃદ્ધો અહીં રહી શકે છે અને એ માટે તેઓ એક પણ રૂપિયો લેતા નથી. ચાર એકરમાં ફેલાયેલા વિશાળ વૃદ્ધાશ્રમમાં પત્નીને મનગમતાં ફૂલ-છોડનાં વૃક્ષો વાવીને હરિયાળી પણ તેમણે ઊભી કરી છે એની વાત કરતાં લાલારામભાઈ કહે છે, ‘મારી પત્નીને ફૂલ-છોડનો શોખ હતો એટલે વૃદ્ધાશ્રમમાં સરસમજાનો બગીચો બનાવ્યો છે. દિલ્હી, ચેન્નઈ, ગાંધીનગર સહિતનાં સ્થળોએથી ચુનંદા ફૂલના છોડ લાવીને વાવ્યા છે. એ બગીચો સદાબહાર ખીલેલો રહેવો જોઈએ અને એટલે એના માટે અનુભવી માળી પણ રાખવામાં આવ્યો છે. વૃદ્ધાશ્રમમાં ૧૨ લેડીઝ રૂમ અને ૧૨ જેન્ટ્સ રૂમ છે. સત્સંગ ભવન છે જ્યાં મંદિરમાં મારી વાઇફની ટેમ્પલ-લુક મૂર્તિ મૂકી છે અને ત્યાં દરરોજ સવાર-સાંજ એક કલાક સત્સંગ થાય છે.’
જ્ઞાતિભેદ વગર ૬૦ વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિ અહીં રહી શકે છે. અત્યારે આ વૃદ્ધાશ્રમમાં ૧૭ મહિલાઓ અને પાંચ પુરુષો રહે છે. સૌનાં ભોજન, રહેવા-કરવા અને માંદગીના સમયે સારવારનો ખર્ચ પણ આશ્રમ જ ઉપાડે છે. ડૉક્ટરોની ટીમ આશ્રમની નિયમિત મુલાકાત લેવા અહીં આવે છે. આ માત્ર સમાજસેવા માટે ખોલેલો ધર્માદા આશ્રમ જ નથી, એની સાથે લાલારામભાઈની લાગણીઓ પણ સંકળાયેલી છે એટલે તેઓ ખુદ પણ અહીં રહે છે અને જાતે જ આશ્રમના વહીવટમાં દિલ દઈને સંકળાયેલા છે. લાલારામભાઈ કહે છે, ‘હું પોતે દોઢ મહિનો દિલ્હી રહું છું અને દોઢ મહિનો વૃદ્ધાશ્રમમાં રહું છું. આ સમાજસેવાનું કામ છે અને ભગવાનનો સાથ છે તથા સમાજનો સાથ-સહકાર મળી રહ્યો છે. માનવતાલક્ષી કામ કરવાનો સંતોષ તો છે જ, પણ સાથે પત્નીની ઇચ્છા પૂરી થઈ રહી હોવાનો અહેસાસ શાતા અપાવે છે. અહીં લોકો આવે છે અને વૃદ્ધો સાથે સુખ–દુઃખની વાતો કરે છે. અહીં વૃદ્ધોને સહારો આપી રહ્યા છીએ ત્યારે આત્માને શાંતિ મળી રહી છે. દિલમાં સુકૂન થાય છે. સમયના વહેણમાં પત્નીની યાદો વીસરાતી નથી. મારી વાઇફ મારી સાથે જ છે એવો અહેસાસ મને અહીં થાય છે.’
લાલારામભાઈનો એમ્બ્રૉઇડરી પડદા, ટેબલ-ક્લોથ, બેડશીટ અને હોમ ડેકોરેશનનો ધંધો છે જે હાલમાં કોરોનાને કારણે મુશ્કેલીમાં મુકાયો છે. એમ છતાં મજબૂત મનોબળ સાથે વૃદ્ધાશ્રમનો નિર્વાહ કરવામાં તેમણે જરાય પાછીપાની નથી કરી. તેમનું કહેવું છે કે ‘મને ઉપરવાળામાં વિશ્વાસ છે. ભગવાન કોઈક ને કોઈક રીતે મદદ કરે જ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK