દારૂ પીને ફ્લાઇટમાં છાકટા થઈ ગયેલા બે નૉન-રેસિડન્ટ ગુજરાતી યુવાનોની ધરપકડ

Published: 17th November, 2012 06:11 IST

ગુરુવારે સાંજે મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર એક ફ્લાઇટ લૅન્ડ થઈ ત્યારે ઍરપોર્ટ ખાતે રહેલી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ર્ફોસ (સીઆઇએસએફ)ની ટીમે સ્વસ્તિક પાઠક અને અમિત પટેલ નામના બે યુવાનોને પકડીને સહાર પોલીસને હવાલે કરી દીધા હતા.

પોલીસે તેમને ટેબલ-બેઇલ પર છોડી દીધા હતા. સ્વસ્તિક અને અમિતે ૧૪ નવેમ્બરે ન્યુ જર્સીથી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ૧૪૪ પકડી હતી. આ નૉન-સ્ટૉપ ફ્લાઇટ બીજા દિવસે સાંજે મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ થવાની હતી. આ ફ્લાઇટે પોતાની સફર શરૂ કરી એના ગણતરીના કલાકોમાં જ આ બે જણે ડ્રિન્કિંગ શરૂ કરી દીધું હતું. મોડી રાત્રે ફ્લાઇટના બધા પૅસેન્જરો સૂઈ ગયા હતા ત્યારે તેમણે ક્રૂ મેમ્બર્સ સાથે ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. આ સમયે ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલા એક પ્રવાસીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘સ્ટાફ-મેમ્બર્સે આ બન્ને યુવાનોને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે બન્નેએ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો, જેને પગલે પરિસ્થિતિ સાવ વણસી ગઈ હતી. અમિત પોતાના કન્ટ્રોલમાં નહોતો છતાં વધારે ડ્રિન્ક્સની માગણી કરી રહ્યો હતો અને આખરે તે પૅસેન્જર એરિયામાં બેભાન થઈને ઢળી પડ્યો હતો.’

મળતી માહિતી પ્રમાણે આ બન્ને યુવાનોનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયો છે અને તેમનાં માતા-પિતા ગુજરાતના અમદાવાદમાં સ્થાયી થયાં છે. આ બન્ને યુવાનો પરિવારજનોને મળવા મુંબઈ થઈને અમદાવાદ જઈ રહ્યા હતા.

આ ઘટનાને પગલે ફ્લાઇટ કૅપ્ટને યુરોપ પાસે ઇમર્જન્સી લૅન્ડિંગની જાહેરાત પણ કરી હતી. જોકે પછી ક્રૂ-મેમ્બર્સ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને બન્ને યુવાનોને સીટ સાથે બાંધી દેવામાં આવ્યા હતા.  આખરે પ્લેન ગુરુવારે સાંજે પાંચ વાગ્યે મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ થયું હતું. આ સમયે ત્યાં હાજર રહેલી સીઆઇએસએફ અને પોલીસની ટીમે તેમને ઝડપી લીધા હતા અને પછી તપાસ માટે સહાર પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.

સહાર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર જયપ્રકાશ ગિરમે આ બનાવ વિશે કહ્યું હતું કે બન્ને યુવાનો વિરુદ્ધ ગેરવર્તનનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK