Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > SSRનું અપમૃત્યુ, મુંબઈ પોલીસ :આત્મહત્યા, બિહાર પોલીસ : ના, હત્યા

SSRનું અપમૃત્યુ, મુંબઈ પોલીસ :આત્મહત્યા, બિહાર પોલીસ : ના, હત્યા

09 August, 2020 02:06 PM IST | Mumbai Desk
Rashmin Shah | rashmin.shah@mid-day.com

SSRનું અપમૃત્યુ, મુંબઈ પોલીસ :આત્મહત્યા, બિહાર પોલીસ : ના, હત્યા

SSRનું અપમૃત્યુ, મુંબઈ પોલીસ :આત્મહત્યા, બિહાર પોલીસ : ના, હત્યા


કોરોના પછી જો ૨૦૨૦માં સૌથી વધુ વિવાદાસ્પદ કોઈ ઘટના બની હોય તો એ છે સુશાંતસિંહ રાજપૂતનું અપમૃત્યુ. મુંબઈ પોલીસ આ ઘટના પર આત્મહત્યાના કેસ તરીકે કામ કરતી હતી ત્યારે બિહાર પોલીસે આ આખી ઘટનાને હત્યાકેસ તરીકે લઈને તપાસ શરૂ કરી છે અને દેશભરમાં દેકારો મચી ગયો છે. બિહાર પોલીસ સુશાંતના મોત પર બે થિયરી પર કામ કરે છે અને આ બન્ને થિયરી કઈ છે તથા એ થિયરી મુજબ સુશાંતનું મૃત્યુ કેવા સંજોગોમાં થયું છે એ આંટીઘૂંટીઓ થ્રિલર ફિલ્મ કરતાં સહેજ પણ ઓછી ઊતરતી નથી

‘જો તપાસ સાચી રીતે ચાલતી હોત તો અમને કોઈ વાંધો નહોતો. અમે પણ ઇચ્છતા હતા કે તપાસ મુંબઈ પોલીસ કરે, પણ તટસ્થ તપાસ થાય. પરંતુ બધાએ જોયું કે તપાસના નામે કેસ બંધ કરવાનું કામ ચાલતું હતું. અમારા ઑફિસરને પણ જે રીતે ક્વૉરન્ટીન કરવામાં આવ્યા અને ઇન્ક્વાયરી-પેપર્સ માટે પણ જે જવાબ આપવામાં આવ્યા એ બધું હવે દુનિયાની સામે છે. આ આખી પ્રોસેસ પછી હું કહીશ કે સુશાંતસિંહ રાજપૂતના કેસનું સત્ય બહાર આવે એવું મુંબઈ પોલીસ ધચ્છતી જ નહોતી, ઇન્ક્વાયરીના નામે ટાઇમપાસ થતો હતો.’
આવું કહેનાર બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેના અવાજમાં હજી પણ આક્રોશ અકબંધ છે, શ્વાસ ફુલાઈ રહ્યા છે અને મનમાં આવી રહેલા શબ્દો નહીં વાપરવાની માનસિકતા સાથે હળવા શબ્દો શોધવાનો પ્રયાસ પણ તેમની વાતચીતમાં સ્પષ્ટ વર્તાય છે...
 ‘મેં મુંબઈના કમિશનરને ફોન કર્યા. તેમણે એક પણ ફોન રિસીવ ન કર્યો. મેં તેમને ટેક્સ્ટ-મેસેજ કરીને મારી ઇન્ટ્રોડક્શન આપી, ફોન કરવા કહ્યું, પરંતુ એનો પણ જવાબ નહીં. સિનિયૉરિટી-જુનિયૉરિટીનું માન જાળવવા પણ કોઈ રાજી નથી. આવી અનેક ઘટના ઘટી એટલે અમે બિહાર પોલીસને ઇન્ક્વાયરી માટે મુંબઈ મોકલી. આઇ મસ્ટ એપ્રિશિયેટ મીડિયા, જેનો અમને ખૂબ સપોર્ટ મળ્યો. હવે તમે જુઓ, બધું ક્રિસ્ટલ ક્લિયર થશે. સીબીઆઇ અને ઈડીની ઇન્ક્વાયરીમાં બધું બહાર આવશે.’
‘ઔર અગર ઐસા કુછ ના નિકલા તો?’
ગુપ્તેશ્વર પાંડે કહે છે, ‘તો સંદેહ નિકલ જાએગા, મગર વો નિકલના ઝરૂરી હૈ. લોકતંત્ર મેં પુલિસ ઔર રાજકીય નેતા પર સંદેહ આયે વો સબ સે ખરાબ હૈ...’
હા, સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યમાં એ જ થયું છે. મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ અને એને લીધે મુંબઈ પોલીસ શંકાના પરિઘમાં આવી ગઈ છે અને અંતે આખો કેસ સીબીઆઇના હાથમાં આવ્યો છે. સીબીઆઇ હવે સુશાંતસિંહ રાજપૂતના કેસની ઇન્ક્વાયરી પોતાની રીતે કરશે. મુદ્દો એ છે કે એવું તે શું બન્યું કે મુંબઈ પોલીસ સતત એવું કહેતી રહી કે આ આત્મહત્યાનો કેસ છે અને બિહાર પોલીસ સામેની પાટલીએ બેસીને કહેતી રહી કે સુશાંતની હત્યા થઈ છે અને કાં તો તેણે આત્મહત્યા કરવી પડે એવા સંજોગ ઊભા કરવામાં આવ્યા છે. સુશાંતના અપમૃત્યુની શંકા બિહાર પોલીસ અને સુશાંતની ફૅમિલીએ જે દર્શાવી એ બે થિયરી પર આધારિત હતી, જે આગળ જતાં બે વ્યક્તિ પાસે આવીને અટકી જાય છે. આ બન્ને થિયરી સરળ શબ્દોમાં સમજવા જેવી છે. એ થિયરીનો જો વિશ્વાસ કરો તો ચોક્કસપણે કહી શકાય કે સુશાંતસિંહ રાજપૂતનું મૃત્યુ એ આત્મહત્યા નહોતી.
થિયરી પહેલી...
સુશાંતસિંહ રાજપૂતને આર્થિક રીતે ખંખેરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો. સુશાંતના પપ્પા કે. કે. સિંહના કહેવા મુજબ આ કામ રિયા ચક્રવર્તીએ કર્યું. કે. કે. સિંહની કમ્પ્લેઇનના આધારે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ‌રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ ફાઇલ પણ કર્યો. કે. કે. સિંહે તેમની કમ્પ્લેઇનમાં લખાવ્યું છે કે રિયા ચક્રવર્તીનું ધ્યાન માત્ર અને માત્ર સુશાંતના પૈસા પર હતું અને એટલે તેણે સુશાંતને બધી બાજુએથી એકલો પાડવાનું શરૂ કર્યું. સુશાંતનો જૂનો સ્ટાફ પણ બદલી નાખ્યો અને એ દરેકની જગ્યાએ તેણે પોતાની ઓળખાણના માણસો મૂકવાનું શરૂ કરી દીધું. આ જ ફરિયાદમાં કહેવાયું છે કે ઘરમાં કોઈ અગમનિગમની ઘટનાઓ ઘટે છે એવું પણ તેણે સુશાંતના મનમાં ઠસાવવાની કોશિશ કરી હતી અને સુશાંતને સાઇકિયાટ્રિસ્ટની જરૂર છે એવું પણ તેણે મારીમચકોડીને સુશાંતના મનમાં સ્ટોર કરી દીધું અને એને માટે મેડિસિન શરૂ કરી દીધી. સુશાંત સાથે તેણે બે કંપની શરૂ કરી. આ બન્ને કંપનીમાં સુશાંતની ફૅમિલીમાંથી કોઈ જોડાયું નથી, પણ એક કંપનીમાં રિયા અને તેનો ભાઈ શોવિક ચક્રવર્તી ડિરેક્ટર છે, તો એક કંપનીમાં રિયા, શોવિક અને તેના ફાધર ડિરેક્ટર છે, પરંતુ સુશાંતસિંહ રાજપૂતની ફૅમિલીમાંથી કોઈ નથી. સુશાંતની બહેનોથી માંડીને તેની ભાણેજોએ પણ સ્ટેટમેન્ટ આપ્યાં છે કે રિયાએ લિટરલી સુશાંત પર કબજો કરી રાખ્યો હતો. ફૅમિલીના કોઈ સભ્યએ પણ તેને મળવું હોય તો રિયા એવું કરવા નહોતી દેતી.
રિયા ચક્રવર્તીને આ બધું કરવાનું ગાઇડન્સ એક ડિરેક્ટર અને એક પ્રોડ્યુસર પાસેથી મળતાં હતાં એવું પણ રાજપૂત-ફૅમિલીનું કહેવું છે. કે. કે. સિંહે પટના પોલીસને આપેલી કમ્પ્લેઇનમાં પુરાવા આપ્યા છે કે છેલ્લા ૧૪ મહિનામાં સુશાંતના અકાઉન્ટમાંથી ૧૫ કરોડ રૂપિયા વિડ્રૉ થયા છે, જે પૈકીની મોટાભા ગની રકમ રિયા ચક્રવર્તીના કહેવાથી અલગ-અલગ અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ છે. સુશાંતનો પૂરેપૂરો ગેરલાભ લીધા પછી રિયા ચક્રવર્તીએ સુશાંતનો સાથ છોડી દીધો અને ૮ જૂને તે સુશાંતનું ઘર છોડીને પોતાના ઘરે આવી ગઈ, એટલું જ નહીં, તેણે સુશાંતનો મોબાઇલ-નંબર પણ બ્લૉક કરી દીધો. આ એ જ દિવસ હતો જે દિવસે સુશાંતની ફ્રેન્ડ-કમ-એક્સ મૅનેજર દિશા સાલિયનનું અપમૃત્યુ થયું હતું.
મૉડસ ઑપરેન્ડી એ જ હતી, સુસાઇડની, એમ છતાં એ સુસાઇડની આસપાસની અમુક ઘટનાઓ એવી હતી જે સુશાંતના ડેથ સાથે બહાર આવી અને અહીંથી જ સુશાંતની હત્યા થઈ હોવાની વાતની સેકન્ડ થિયરી શરૂ થાય છે.
આ બીજી થિયરી રૂંવાડાં ઊભાં કરી દેનારી છે. આ થિયરીને બહાર લાવવાનું કામ પટનાના એક યંગસ્ટરે કર્યું છે. અફકોર્સ થયું છે જોગાનુજોગ, પણ એમ છતાં એનો જશ આપવાનું કામ થવું જોઈએ અને એ આખી થિયરી સમજ્યા પછી સૌકોઈ સ્વીકારશે.
થિયરી બીજી...
સુશાંતસિંહ રાજપૂત સુસાઇડ કરી શકે એ કોઈ માનવા તૈયાર નહોતું અને મુંબઈ પોલીસ માત્ર ઇન્ક્વાયરી ચલાવી રહી હતી. ૧૪ જૂને સુશાંતના અપમૃત્યુ પછી મુંબઈ પોલીસે એક મહિનામાં પ૬ લોકોની પૂછપરછ કરી, પણ પરિણામ આવતું નહોતું એટલે પટનાના કેટલાક યંગસ્ટર્સે એકત્રિત થઈને સોશ્યલ મીડિયા પર #justiceforssr મૂવમેન્ટ શરૂ કરી અને આ મૂવમેન્ટ દરમ્યાન મૂવમેન્ટના લીડર એવા ૨૧ વર્ષના એક યંગસ્ટરને ફોન આવ્યો, જે ફોને આખા દેશને હચમચાવી દેવાનું કામ કર્યું. તમામ મીડિયા પાસે પોતાની ઓળખ છુપાવી રાખનારા રાહુલે (નામ બદલાવ્યું છે) પોતાની મૂવમેન્ટમાં પોતાનો મોબાઇલ-નંબર પણ વાઇરલ કર્યો હતો. રાહુલે સોશ્યલ મીડિયા પર સૌકોઈને રિક્વેસ્ટ કરી હતી કે સુશાંતભૈયાના કેસમાં જો કોઈ પાસે પુરાવા હોય તો પ્લીઝ આપે, જેથી સુશાંત જેવા સુપરડુપર ટૅલન્ટેડ ઍક્ટરને ન્યાય મળે. રાહુલ કહે છે, ‘નેપોટિઝમથી લઈને બીજી પણ કોઈ બાબતના પુરાવા મેં માગ્યા હતા, પણ મને સાવ જુદી જ વાત મળી.’
મુંબઈથી એક કૉલ રાહુલને ગયો અને રાહુલને એ ફોનમાં જાણકારી આપવામાં આવી કે દિશા સાલિયન અને સુશાંતસિંહ રાજપૂતના સુસાઇડ વચ્ચે મોટું કનેક્શન છે અને આ કનેક્શનમાં બૉલીવુડ તથા મહારાષ્ટ્ર પૉલિટિક્સ સાથે સંકળાયેલાં સિનિયર નામો જોડાયેલાં છે. આ બન્નેએ આત્મહત્યા નથી કરી, પણ તેમનાં મૃત્યુને આત્મહત્યા તરીકે દેખાડવામાં આવ્યાં છે. રાહુલ કહે છે, ‘આ વાતને વાઇરલ કરવા માટે મને કહેવામાં આવ્યું, મેં તેની ઓળખાણ માગી તો મને કહ્યું કે ‘હું દિશાનો ફ્રેન્ડ છું અને દિશાએ જ મને બધી વાત કરી છે.’ મેં કહ્યું કે ‘તો તમે કેમ નથી મૂવમેન્ટ શરૂ કરતા?’ ત્યારે તેણે મને કહ્યું, ‘હમણાં મારા પર નજર છે. સમય જતાં હું પણ એ કરીશ.’ બસ, ત્યાર બાદ ફોન કટ થઈ ગયો અને મેં પણ વધારે વાત પર ધ્યાન આપ્યું નહીં.’
એ પછી ત્રણ દિવસ સુધી દરરોજ પેલી વ્યક્તિના ફોન આવ્યા અને તેણે ટ્રસ્ટ કરવાનું કહ્યું. રાહુલે વધારે ઇન્ક્વાયરી કરી એટલે પેલા અજાણ્યા શખસે પહેલી વાર આ આખી ઘટનામાં જોડાયેલા સૌકોઈનાં નામ રિવિલ કર્યાં. બહુ મોટાં નામ હતાં, પણ ઘટના વધારે ઘાતકી હતી એટલે રાહુલે પોતાના સર્કલમાં રહેલા મીડિયા અને બૉલીવુડના ઓછા જાણીતા બે-ત્રણ લોકો સાથે વાત કરી અને ધ્રુજાવી દે એવી ઘટના પરથી કાટમાળ હટવાનું શરૂ થયું.
શું છે એ તાણાવાણા?
જો વાત સાચી હોય તો દિશા સાલ‌િયન બૉલીવુડના કેટલાક એવા લોકોમાં ફસાઈ હતી જેઓ તેનું જાતીય શોષણ કરતા હતા. શરૂઆતથી જ દિશા એનો વિરોધ કરતી, પણ એ લોકોની જે પહોંચ હતી એ જોતાં દિશાને ખબર હતી કે તે સામે આવીને કશું કરી શકવાની નથી. સુશાંતની આ મૅનેજર સામે સુશાંતને કોઈ ફરિયાદ નહોતી, પણ રિયા ચક્રવર્તી સુશાંતના સરાઉન્ડમાં પોતાની વ્યક્તિઓને ગોઠવવા માગતી હોવાથી તેણે દિશા પાસેથી કામ લઈ લીધું. દિશાએ બેએક વખત સુશાંતનો કૉન્ટૅક્ટ કર્યો અને સુશાંતે પણ તેને એ જ કહ્યું કે અત્યારે આપણે અલગ રહીએ, પણ આપણે કામ તો સાથે જ કરીશું. સુશાંતનો અપ્રોચ જોઈને દિશા અને સુશાંત દોસ્ત તરીકે કન્ટિન્યુ રહ્યાં. કહેવાય છે કે દિશાએ મે મહિનાના અંત ભાગમાં પોતાની સાથે જે પ્રકારનું ખરાબ વર્તન થઈ રહ્યું છે એની બધી વાત સુશાંતને કરી અને સુશાંતે કહેવાતા એ મોટા ચહેરાઓને સામે લાવવાની જવાબદારી પોતાના શિરે લીધી. સુશાંતની ઇચ્છા તો એ જ સમય ઘટસ્ફોટ કરવાની હતી, પણ લૉકડાઉન ચાલુ હોવાથી સુશાંત પાસે શાંત રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો.
આજુબાજુનાં જાળાંઓથી અજાણ એવા સુશાંતે આ જ વાત રિયા ચક્રવર્તીને કહી અને રિયા ચક્રવર્તીએ સુશાંતના સો-કોલ્ડ બેસ્ટ ફ્રેન્ડ એવા પ્રોડ્યુસર સંદીપસિંહને વાત કરી. સંદીપસિંહની ભૂમિકા આ આખી ઘટનામાં સૌથી શંકાસ્પદ રહી છે. દિશાના ફ્રેન્ડના કહેવા મુજબ, સંદીપસિંહ દિશાને હેરાન કરનારા તમામ લોકોની નજીક રહેવાની કોશિશ કરતો હતો એમાં તેને માટે ‘ભાવતું’તું ને વૈદ્યે કીધું’નો ઘાટ ઘડાયો. સુશાંતના મનની વાત સીધી પેલા લોકો પાસે પહોંચી અને સુશાંત એ લોકોના કેન્દ્રમાં આવી ગયો. જો વાત સાચી હોય તો શરૂઆત સમજાવટથી અને પછી પણ સુશાંત માન્યો નહીં એટલે વાત ધમકીઓ સુધી પહોંચી ગઈ. અહીં એક વાતનો તાળો એ મળે છે કે એવું તે શું બન્યું હતું કે સુશાંત સતત મોબાઇલ-નંબર ચેન્જ કરતો હતો. ધારી શકાય કે પેલા લોકોથી થાકી-હારી કે પછી કંટાળીને તે મોબાઇલ-નંબર ચેન્જ કરતો હતો.
દિશાના ફ્રેન્ડ દ્વારા કહેવામાં આવેલી વાત મુજબ, ‘આઠમી જૂને રાતે દિશાએ પેલી સર્કિટની એક પાર્ટીમાં નાછૂટકે જવું પડ્યું. તેની કોઈ ઇચ્છા નહોતી પણ યેનકેન પ્રકારના ડર વચ્ચે તે એ પાર્ટીમાં ગઈ. પાર્ટીમાં જતાં પહેલાં તેણે સુશાંતને કૉન્ટૅક્ટ કર્યો હોય એવી શક્યતા બિહાર પોલીસ જુએ છે. બિહાર પોલીસનું માનવું છે કે સુશાંત અને દિશાની એ વાતચીત પછી જ રિયા અને સુશાંત વચ્ચે દિશાને સપોર્ટ નહીં કરવા બાબત ફાઇટ થઈ હશે અને રિયાએ ઘર છોડ્યું હોય એવી સંભાવના છે.’
એ પાર્ટીમાં દિશા સાથે શારીરિક ગેરવર્તન કરવામાં આવ્યું. દિશા ચૂપચાપ બધું સહન કરીને પાર્ટીમાંથી નીકળી ગઈ અને મલાડના પોતાના ફિયાન્સેના ઘરે પહોંચી. ફિયાન્સેના ઘરે ગયા પછી દિશાએ ત્યાં સુસાઇડ કર્યું. આ સુસાઇડના ખબર સુશાંતને મળ્યા. એ સમયે રિયા ઑલરેડી ઘર છોડીને ચાલી ગઈ હતી. એ રાતે સુશાંતે રિયા સાથે ફોન પર વાત કરી. હવે અહીં એવી ધારણા મૂકવામાં આવે છે કે એ ફોનમાં પણ સુશાંતે દિશાને ન્યાય અપાવવા વિશે વાત કરી હશે, જેની ચર્ચા રિયાએ પોતાના લાગતા-વળગતા ડિરેક્ટર-પ્રોડ્યુસર સાથે કરી અને એ બન્ને પાસેથી તેને સલાહ મળી હશે કે સુશાંત ખોટી જગ્યાએ શિંગડાં ભરાવે છે, બહેતર છે તું તેને બ્લૉક કરીને સંબંધ પૂરા કરી નાખ, નહીં તો તું પણ એમાં અટવાઈ જશે.
રિયાએ જે રીતે સુશાંતનો મોબાઇલ-નંબર બ્લૉક કર્યો એ જોતાં આ વાત અને થિયરી બન્ને પર ભરોસો કરવાનું મન થાય એ સ્વાભાવિક છે.
આઠમીની રાતથી તેર તારીખ સુધી સુશાંતને સમજાવવા-મનાવવામાં આવ્યો હશે, પણ સુશાંતે નક્કી કરી લીધું હતું કે તે જેકોઈ દોષી છે એ લોકોને બહાર લાવશે. આવી ૧૩ જૂનની રાત. એક સમયના સુશાંતના ખાસ દોસ્ત અને પર્સનલ અસિસ્ટન્ટ એવા અંકિત આચાર્યએ બે દિવસ પહેલાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે સુશાંતનું ડેથ ૧૩મીએ રાતે થયું અને તેને તેના જ ડૉગી ફજના બેલ્ટથી ગળાફાંસો આપવામાં આવ્યો. અંકિતનું આ સ્ટેટમેન્ટ પણ સાવ ગપગોળા જેવું નથી. તેણે બિહાર પોલીસની થિયરીમાં તથ્યો ઉમેરીને આ વાત કહી છે.
૧૩મીની રાતે સુશાંતસિંહ રાજપૂતની પાર્ટી હતી, જે મુંબઈ પોલીસ પણ સ્વીકારે છે. બિહાર પોલીસે મૂકી છે એ થિયરી મુજબ પાર્ટીમાં એ જ લોકો હતા જે લોકોને સુશાંત એક્સપોઝ કરવા માગતો હતો. પૉલિટિકલી સાઉન્ડ એવી એ વ્યક્તિઓને સપોર્ટ કરવા માટે પોલીસ પણ રાજી હોય એ સ્વાભાવિક છે અને એટલે જ સુશાંતના ઘરે પાર્ટી હતી એ રાતે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ રેકૉર્ડ નથી થયાં. પોલીસનું કહેવું છે કે એ રાતે સીસીટીવી કૅમેરા બંધ હતા. ઍનીવેઝ, થિયરી પર આવીએ. એ રાતે સુશાંતને સમજાવવાની કોશિશ થઈ, પણ એ કોશિશમાં વાત વધી ગઈ અને પછી ઝપાઝપી દરમ્યાન અપઘટના ઘટી હોઈ શકે છે. આ સંભાવનાને લગતી સેંકડો શંકાઓ પણ રસ્તામાં પથરાયેલી છે; જેમ કે સુશાંતની પીઠ પર શૂઝની છાપ મળી છે. ગળા પર આવેલો ફાંસાનો માર્ક પણ સીધો છે, ગળે ફાંસો ખાધા પછી ફાંસો જે છે એ ઉપરની તરફ ખેંચાતો હોય છે, પણ સુશાંતના ગળા પર રહેલા માર્કમાં એવી કોઈ છાપ છે જ નહીં, એ એક સામાન્ય ગોળાકાર માર્ક છે. આ ઉપરાંત સુશાંત સાથે રહેતા સિર્દ્ધાથ પીઠાણીનું સ્ટેટમેન્ટ પણ શંકાસ્પદ છે તો જે કુકે પહેલાં એવું કહ્યું હતું કે સુશાંત ઑરેન્જ જૂસ લઈને રૂમમાં ગયો હતો એ સ્ટેટમેન્ટ પણ તેણે ફેરવી તોળ્યું છે અને નવો જવાબ એવો લખાવ્યો છે કે ‘હું ગભરાઈ ગયો હોવાથી મારાથી સુશાંતનું રૂટીન બોલી જવાયું છે.’
સુશાંતનું સોશ્યલ મીડિયા હૅન્ડલ કરતો સિર્દ્ધાથ પીઠાણી સુશાંત સાથે એ જ ફ્લૅટમાં રહેતો હતો. સિદ્ધાર્થે સ્ટેટમેન્ટ આપ્યું છે એ મુજબ, ૧૪મીની સવારે સુશાંતે રૂમનો દરવાજો ખોલ્યો નહીં એટલે તે કાર્ટર રોડ જઈને ચાવી બનાવનારને લઈ આવ્યો. ચાવીવાળાએ આવીને કહ્યું કે નવી ચાવી બનતાં કલાક લાગશે. લૉક ખોલી નાખવું હોય તો ૧૦ મિનિટમાં કામ થઈ જશે. સિર્દ્ધાથે લૉક ખોલી નાખવાનું કહ્યું. લૉક ખૂલ્યું એટલે સિદ્ધાર્થ સીધો ચાવીવાળાને લઈને પેન્ટહાઉસમાં નીચે આવ્યો, તેને પૈસા આપ્યા અને પછી એ ફરીથી ઉપર ગયો, જ્યાં તેણે સુશાંતને લટકતો જોયો. તરત જ તેણે સુશાંતની બૉડીને નીચે ઉતાર્યું અને પોલીસ-સ્ટેશને ફોન કર્યો. એક માણસ રૂમ નથી ખોલતો, તમે ગભરાઈને ચાવી બનાવનારને લઈ આવો છો, ચાવી બનતાં વાર લાગશે એવું સાંભળ્યા પછી રૂમનું લૉક ખોલી નાખવા તૈયાર થઈ જાઓ છો અને રૂમ ખૂલે છે ત્યારે તમારી પહેલી ઍક્શન કઈ હોય?
દરવાજાને ધક્કો મારીને અંદર જવાની, પણ સિદ્ધાર્થની ઍક્શન પહેલાં ચાવીવાળાને રવાના કરવાની હતી. આ સિવાયના પણ અનેક એવા પ્રશ્નો છે (જુઓ બૉક્સ) જે મનમાં શંકાનાં વાદળોને ઘટાટોપ બનાવવાનું કામ કરે છે અને ઘટાટોપ બનેલાં એ જ વાદળો કહે છે કે સુશાંતસિંહ રાજપપૂતનું મૃત્યુ મુંબઈ પોલીસ દેખાડે છે એવું સહજ અને સરળ તો નથી જ નથી.



વણઊકલ્યા પ્રશ્નો અને એ પ્રશ્નો સાથે જનમતી શંકાઓ
પ્રશ્નઃ ડેડબૉડીને પોસ્ટમૉર્ટમ માટે ઘરની નજીક આવેલી લીલાવતી હૉસ્પિટલને બદલે કૂપર હૉસ્પિટલ શું કામ લઈ જવાઈ?
શંકા: શું પોસ્ટમૉર્ટમ-રિપોર્ટમાં ઘાલમેલ કરવાનું પ્લાનિંગ હતું?
પ્રશ્નઃ બોરીવલી, દહિસર કે ભાંડુપ જેવા મિડલ ક્લાસ વિસ્તારમાં પણ આજે સીસીટીવી કૅમેરા બંધ હોતા નથી, જ્યારે સુશાંત તો કાર્ટર રોડ પર રહેતો હતો, આ બિલ્ડિંગના સીસીટીવી કૅમેરા કેવી રીતે બંધ હોઈ શકે?
શંકા: ૧૩મીની રાતની પાર્ટીમાં કોણ-કોણ આવ્યું હતું એની એન્ટ્રી દર્શાવવી નહોતી એટલે કૅમેરા બંધ કરવામાં આવ્યા હતા?
પ્રશ્નઃ ધારો કે તમારા બિલ્ડિંગના સીસીટીવી કૅમેરા બંધ હતા, પણ આજુબાજુનાં બિલ્ડિંગના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ કેમ લેવામાં નથી આવ્યાં. યાદ રહે કે આ કાર્ટર રોડ છે. મુંબઈનો સૌથી પૉશ એરિયા પૈકીનો એક, અહીં સીસીટીવી કૅમેરાનો ઢગલો છે?
શંકા: કે પછી એ ફુટેજ લઈ લેવામાં આવ્યાં છે, પણ એને રેકૉર્ડ પર લેવાનું ટાળ્યું છે?
પ્રશ્નઃ મોટા બિલ્ડિંગમાં બહારથી આવનારાઓ પાસે રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવામાં આવે છે, પણ ૧૩મીની રાતના રજિસ્ટરમાં આવી કોઈ એન્ટ્રી થઈ નથી, શું કામ?
શંકા: અગેઇન, એ જ શંકા. પાર્ટીમાં એવી વ્યક્તિઓ હતી, જેમનાં નામ જાહેર ન થવાં જોઈએ.
પ્રશ્નઃ માન્યું, બધું કુદરતી જ હતું તો પણ કેમ પાર્ટીમાં જનારા કોઈ સામેથી જાહેરમાં નથી આવ્યા?
શંકા: હા, આ હકીકત છે. સુશાંત સાથે રાતે પાર્ટી કરનારાઓ કોઈ સામેથી પોલીસ સામે આવ્યા નથી અને પોલીસે પણ તેમને શોધ્યા નથી. કુક અને ‌ફ્લૅટમાં રહેતા સિદ્ધાર્થના જવાબ પણ સાંભળવા જેવા છે. બન્ને કહે છે કે પાર્ટીમાં હતા એ લોકોને અમે ઓળખતા નથી. મતલબ, બધા એક પ્રીપ્લાન્ડ સ્ક્રિપ્ટના ડાયલૉગ્સ બોલી રહ્યા છે?
પ્રશ્નઃ તાળું તોડનારો કેમ નથી મળતો?
શંકાઃ ચાવી બનાવવા માટે પાંચ મિનિટમાં મળી ગયો, પણ હવે તે ગાયબ થઈ ગયો છે. ગાયબ છે કે પછી ગાયબ કરી દેવામાં આવ્યો છે?
પ્રશ્નઃ રાતે ડ્યુટી પર હતો એ સિક્યૉરિટી ગાર્ડ ક્યાં છે?
શંકાઃ એજન્સીનું કહેવું છે કે તેણે નોકરી છોડી દીધી છે અને તે પાછો ગામ ચાલ્યો ગયો છે. કયા ગામ? જવાબ છે, અમારી પાસે તેના વતનનું ઍડ્રેસ નથી.
પ્રશ્નઃ સુશાંતની ડેડબૉડીના ફોટોગ્રાફ્સ લીક કોણે કર્યા?
શંકાઃ મુંબઈ પોલીસે એ ફોટો જાહેર નથી કર્યા અને છતાં એ ફોટો લીક થયા. શું આ માત્ર જ‌િજ્ઞાશાવશ થયેલું કૃત્ય હતું કે ફોટો બહાર મોકલીને કોઈને કામ પૂરું થયાનું ઇન્ડ‌િકેશન આપવામાં આવતું હતું?
પ્રશ્નઃ પંદર મિનિટમાં પ્રોડ્યુસર સંદીપસિંહે ઇન્ટરવ્યુ આપવાનું શરૂ કર્યું કે આ સુસાઇડ છે, નક્કી કોણે કર્યું?
શંકા: ખાસ દોસ્ત હોવાનો દાવો કરનાર મિત્ર એ વાતને સહજ રીતે સ્વીકારી કેવી રીતે શકે, ઊલટું તેણે તો પહેલી શંકા વ્યક્ત કરવાની હોય અને એવું બને એને બદલે તેણે પોતે જ ‘આ સુસાઇડ છે’ની લૉન્ગપ્લે શરૂ કરી દીધી. એટલું જ નહીં, છેલ્લા ૧૦ મહિનામાં સુશાંતને એક પણ વાર રૂબરૂ નહીં મળનાર સંદીપસિંહે સુશાંતના ડેથ પછી માત્ર બે દિવસમાં ૧૨ ઇન્ટરવ્યુ આપીને એવું કહેવાનું શરૂ કર્યું કે ‘અબ સુશાંત કો શાંતિ દો, વો ગયા... અબ ઉસે વહાં ખુશ રહને દો.’
(આવા અનેક પ્રશ્નો છે જે સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુના કેસમાં રહેલી છટકબારીઓને ઉજાગર કરે છે)


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2020 02:06 PM IST | Mumbai Desk | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK