મુંબઈ : સુશાંતનો પરિવાર તેની સોબતથી હતા નાખુશ

Published: Aug 05, 2020, 09:51 IST | Agencies | Mumbai

સ્વર્ગસ્થ અભિનેતા સાથે રહેતા ફ્લૅટમૅટે બનેવી સાથેના મેસેજ જાહેર કર્યા

સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂતની સાથે રહેતા ફ્લૅટમૅટ સિદ્ધાર્થ પિઠાનીએ સ્વર્ગસ્થ અભિનેતાના બનેવી ઓ. પી. સિંહે તેને મોકલેલા ટેક્સ્ટ મેસેજ જાહેર કર્યા હતા.

સુશાંત તેના પરિવારે તેને મોકલેલા મેસેજિસનો જવાબ ન આપી રહ્યો હોવાથી સુશાંતના બનેવીએ સિદ્ધાર્થને આ મેસેજ મોકલ્યા હતા. સિદ્ધાર્થે જાહેર કરેલા મેસેજ પરથી માલૂમ પડે છે કે મૃતક અભિનેતાનો પરિવાર તે જેની સોબતમાં હતો, તેનાથી નાખુશ હતો. એક મેસેજમાં તેના બનેવીએ સુશાંતને તેની બહેનને તેની સમસ્યાઓથી દૂર રાખવાની સલાહ આપી હતી, પણ સાથે-સાથે ખાતરી આપી હતી કે તેઓ હંમેશાં તેની પડખે રહેશે.

આ પૈકીના કેટલાક મેસેજ આ મુજબ છે...

‘ચંડીગઢ પહોંચ્યાં. મુંબઈ આવવાનું ભાવભીનું આમંત્રણ આપવા બદલ થૅન્ક્સ. હું ઘણા જૂના મિત્રોને મળી શક્યો.’
‘પ્લીઝ, મારી પત્નીને તારા પ્રૉબ્લેમ્સથી દૂર રાખ. આ સમસ્યાઓ તેં જે સોબત કરી છે એના કારણે, ખોટી આદતો અને ગેરવ્યવસ્થાપનના કારણે સર્જાઈ છે. મારી પત્ની સારી છે, માત્ર એ કારણસર તે શિક્ષાનો ભોગ ન બને, તેની તકેદારી રાખવા હું મક્કમ છું...’
‘હું એકમાત્ર વ્યક્તિ છું, જે તને મદદ કરી શકું છું, તે જાણીને આનંદ થયો, હું હંમેશાં તારી પડખે છું.’

સુશાંતના સુસાઇડ-કેસની તપાસ સીબીઆઇને સોંપો : નીતીશ કુમારની કેન્દ્ર સરકારને ભલામણ

સુશાંતસિંહની આત્મહત્યાના કેસને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં સુશાંતસિંહ રાજપૂતના પિતા કે. કે. સિંહે મુખ્ય પ્રધાન નીતીશ કુમારને તેમના પુત્ર અને ખ્યાતનામ ઍક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસને લઈને સીબીઆઇ તપાસ કરાવવાની માગણી કરી છે. એ પછી નીતીશ કુમારે ડીજીપી ગુપ્તેશ્વર પાંડેને સીબીઆઇ તપાસ કરાવવા માટે આવશ્યક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

મળતી માહિતી મુજ નીતીશ કુમારે ડીજીપી ગુપ્તેશ્વર પાંડેને આદેશ કર્યો છે કે તે સુશાંતના કેસમાં સીબીઆઇ તપાસને લગતી કાર્યવાહી જલદીથી શરૂ કરે જેથી કેસ સીબીઆઇને સોંપવામાં આવે.

સુશાંતસિંહના પિતા કે. કે. સિંહે નીતીશ કુમાર સાથે આજે વાતચીત કરી છે. કે. કે. સિંહે નીતીશ કુમારને કહ્યું કે સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે.

સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં હવે બિહારના સત્તાપક્ષ અને વિપક્ષ એક મંચ પર આવતા નજરે પડી રહ્યા છે. આ કેસમાં એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને નીતીશ કુમારને પત્ર લખીને સીબીઆઇ તપાસની માગણી કરી છે.

આ બાજુ બીજેપી તરફથી પણ સીબીઆઇ તપાસની માગણી

કરવામાં આવી રહી છે. પાર્ટીના રાજ્યસભા સંસદસભ્ય વિવેક ઠાકરે ટ્વીટ કર્યું છે કે ‘હવે સ્પષ્ટ થઈ

ગયું છે કે મહારાષ્ટ્ર સરકાર કોરોનાની લડાઈ છોડીને હવે માત્ર કામમાં વ્યસ્ત થઈ ગઈ છે અને સુશાંત હત્યાકાંડના પુરાવાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. હવે બહુ થઈ ગયું. હું વિનંતી કરું છું બિહારના પુખ્ય પ્રધાન નીતીશ કુમારજીને કે તેઓ સુશાંતના પિતાની ઇચ્છા છે એ સીબીઆઇ તપાસની ભલામણ કરે.’

સુશાંત સિંહ કેસની તપાસ પોલીસ પાસેથી લઈ સીબીઆઇને સોંપવા પીઆઇએલ

સુશાંત સિંહ કેસની તપાસ મુંબઈ પોલીસ પાસેથી લઈને સીબીઆઇ અથવા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ને સોંપાય એ માટે બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરાઈ છે. એ અરજીની ગઈ કાલે મંગળવારે બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા સામે સુનાવણી થવાની હતી, પણ ભારે વરસાદના કારણે કોર્ટનો ઘણો બધો સ્ટાફ કોર્ટમાં ન પહોંચી શકતાં હવે એની સુનાવણી આજે થાય એવી શક્યતા છે.

નાગપુરના સમિત ઠક્કરે તેના વકીલ રસપાલ રેણુ દ્વારા કરેલી આ પીઆઇએલમાં વિનંતી કરતાં કહ્યું છે કે સુશાંત સિંહ કેસની તપાસ મુંબઈ પોલીસ પાસેથી લઈને સીબીઆઇ અથવા સીટને સોંપવામાં આવે. એમાં એવો આક્ષેપ કરાયો છે કે બાંદરા પોલીસ વગદાર વ્યક્તિના ઇશારે કેસની તપાસમાં જાણી જોઈ મોડું કરી રહી છે અને મહત્ત્વના પુરાવાઓનો નાશ કરી રહી છે. આ કેસમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની કેટલીક જટીલ બાબતો સંકળાયેલી છે. વળી એમાં સંકળાયેલા બૉલીવુડના માંધાતાઓ અન્ડરવર્લ્ડ અને રાજકીય સાઠગાંઠ ધરાવે છે. જેમ-જેમ દિવસો પસાર થતા જાય છે એમ કેસના મહત્ત્વના સાંયોગિક પુરાવા નબળા પડતા જાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK