રિયા ચક્રવર્તીને ઈડીએ પૂછ્યું કે ખારમાં ફ્લૅટ ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા?

Published: Aug 08, 2020, 08:06 IST | Vishal Singh | Mumbai

સુશાંતસિંહ રાજપૂતના બિઝનેસ-મૅનેજરની પણ થઈ પૂછપરછ

ગઈ કાલે ઈડીની ઑફિસમાં રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિક. તસવીર : પ્રદીપ ધિવાર
ગઈ કાલે ઈડીની ઑફિસમાં રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિક. તસવીર : પ્રદીપ ધિવાર

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં બૅન્ક-અકાઉન્ટના ૧૭ કરોડ રૂપિયામાંથી ૧૫ કરોડ રૂપિયાનું શું કર્યું અને ખારમાં ફ્લૅટ ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા એવા પ્રશ્નો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ના અધિકારીઓએ અભિનેત્રી રિયા ચક્રવર્તીને પૂછ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઈડીએ ગઈ કાલે પાંચ કલાક સુધી સુશાંતની બિઝનેસ-મૅનેજર શ્રુતિ મોદીનું બયાન નોંધ્યું હતું.

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં પૂછપરછ માટે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને ગઈ કાલે દક્ષિણ મુંબઈમાં ઈડીના કાર્યાલયમાં બોલાવવામાં આવી હતી. ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યે રિયા તેના ભાઈ શૌવિક સાથે ઈડીના કાર્યાલયમાં પહોંચી હતી. બે કલાક પછી શૌવિક ઘરે પાછો જઈને કેટલાક દસ્તાવેજો લઈ આવ્યો હતો. અધિકારીઓએ રિયા અને શૌવિકને બૅન્ક-અકાઉન્ટ્સ અને એમાંના વ્યવહાર વિશે પૂછપરછ કરી હતી.

ઈડીનાં સૂત્રોએ તપાસમાં મળેલી માહિતી બાબતે જણાવ્યું હતું કે ‘રિયા ચક્રવર્તીની બે પ્રૉપર્ટીમાંથી એક વાયવ્ય મુંબઈના ઉપનગર ખારમાં ૩૬૦ ચોરસ ફુટનો એક બેડરૂમ હૉલ-કિચનનો ફ્લૅટ છે. એ ફ્લૅટની કિંમત ૭૬ લાખ રૂપિયા છે. જીએસટી, સ્ટૅમ્પ-ડ્યુટી અને બીજા ચાર્જિસ મળીને રિયાએ એ ફ્લૅટ ૮૪ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. રિયાએ ૨૦૧૮ના આરંભમાં ખારમાં એ ફ્લૅટ બુક કરાવ્યો હતો. એ વર્ષમાંજ રિયાએ ફ્લૅટનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રિયાએ પહેલું ૧૦ ટકા પેમેન્ટ પોતાના અકાઉન્ટમાંથી કર્યું હતું. ત્યાર પછીની રકમ ચૂકવવા ૫૫થી ૬૦ લાખ રૂપિયાની હોમ-લોન લીધી હતી અને બાકીની રકમ પોતે ચૂકવી હતી. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશનમાં રિયાની મમ્મી સંધ્યા જૉઇન્ટ નૉમિની છે. એ પ્રોજેક્ટ ૨૦૨૨ના ઑગસ્ટ મહિનામાં પૂરો થશે અને રિયાને ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનામાં ફ્લૅટનો કબ્જો મળશે. ફ્લૅટ સંબંધી વિગતો બાબતે રિયા ઉપરાંત બિલ્ડરની પણ પૂછપરછ કરવામાં આવશે.’

સુશાંતની વિદેશી સાઇકોથેરપિસ્ટ વિરુદ્ધ બીજેપી નેતાનો સવાલ

બીજેપીના નેતા આશિષ શેલારે શુક્રવારે સુશાંત સિંહ રાજપૂતના સાઇકોથેરપિસ્ટ સુઝૅન વૉકર મોફટ પર કાયદાનું ઉલ્લંઘન કરીને સ્વર્ગસ્થ અભિનેતાના માનસિક આરોગ્યની વિગતો મીડિયા સમક્ષ જાહેર કરવાનો આરોપ મૂક્યો હતો.

શેલારે એમ પણ પૂછ્યું હતું કે જો મોફટ વિદેશી નાગરિક હોય તો તે ભારતમાં ગેરકાયદે પ્રૅક્ટિસ કરી રહ્યાં છે કે કેમ? સાથે જ શેલારે વિવિધ સંસ્થાઓ દ્વારા મોફટની તપાસ થવી જોઈએ એવી માગણી કરી હતી.

શેલારે ટ્વીટ કર્યું હતું કે‘સુઝૅન વૉકર મોફટ શા માટે સુશાંતના માનસિક સ્વાસ્થ્યની વિગતો માધ્યમોને ગેરકાયદે રીતે જણાવી રહ્યાં છે? પોલીસને ગેરમાર્ગે દોરવા માટે? રહસ્યો છુપાવવા માટે? શું તેમની પ્રૅક્ટિસ ગેરકાયદેસર છે? શું તેઓ કરોડોની કમાણી કરી રહ્યાં છે? તેમણે માનસિક આરોગ્ય અધિનિયમનો ભંગ કર્યો. સુઝૅન વૉકરની પોલીસ-સીબીઆઇ-ઈડી-આઇટી તપાસ કરવી જરૂરી છે. ન્યાય જરૂર મળશે.’

એક વિડિયો મેસેજમાં શેલારે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘મોફટે એક ચૅનલને રાજપૂત વિશેની માહિતી આપી હતી. મેન્ટલ હેલ્થ કૅર ઍક્ટ અનુસાર આ માહિતી આપી શકાય નહીં.’

શેલારે એ પણ જાણવાની માગણી કરી હતી કે રીહૅબિલિટેશન કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ સુઝૅન વૉકરને થેરપિસ્ટ તરીકે પરવાનગી આપી છે કે કેમ અને તેમણે આ માટે બીએમસી કે મુંબઈ પોલીસનું એનઓસી મેળવ્યું છે કે કેમ.

બિહારના આઇપીએસ અધિકારીને ક્વૉરન્ટીનમાંથી મુક્ત કરાયા

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ ગઈ કાલે જણાવ્યું હતું કે અમે શહેરમાં ક્વૉરન્ટીન હેઠળ રાખવામાં આવેલા બિહારના આઇપીએસ અધિકારી વિનય તિવારીને તેમના વતનના રાજ્યમાં પાછા ફરવાની અનુમતિ આપી દીધી છે.

સેન્ટ્રલ પટનાના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ તિવારી સુશાંતસિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા એફઆઇઆરના મામલે તપાસ હાથ ધરવા રવિવારે મુંબઈ આવ્યા હતા. મુંબઈમાં તેમનું આગમન થતાં બીએમસીએ તેમને ૧૫ ઑગસ્ટ સુધી ક્વૉરન્ટીનમાં રહેવાનું જણાવ્યું હતું અને તેમના હાથ પર ક્વૉરન્ટીનનો સ્ટૅમ્પ લગાવવામાં આવ્યો હતો. ક્વૉરન્ટીનની સમયમર્યાદા પૂરી થવાના એક સપ્તાહ અગાઉ તિવારીને છોડવાનું પગલું તેમને છોડવા માટે બિહાર પોલીસ દ્વારા કરવામાં આવેલી વિનંતીને કારણે ભરવામાં આવ્યું છે, તેમ બીએમસીએ જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK