Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સિલ્વર સ્ક્રીનની બ્લૅક સાઇડ

સિલ્વર સ્ક્રીનની બ્લૅક સાઇડ

21 June, 2020 08:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિલ્વર સ્ક્રીનની બ્લૅક સાઇડ

‘રૉ’નું તો પોસ્ટર પણ સુશાંત સિંહ સાથે બની ગયેલું એ પછી તેને પડતો મૂકવામાં આવેલો. જ્યારે ‘રાઇફલમૅન’ તો સાવ અભરાઈ પર ચડાવી દેવાઈ

‘રૉ’નું તો પોસ્ટર પણ સુશાંત સિંહ સાથે બની ગયેલું એ પછી તેને પડતો મૂકવામાં આવેલો. જ્યારે ‘રાઇફલમૅન’ તો સાવ અભરાઈ પર ચડાવી દેવાઈ


ગયા રવિવારે સુશાંત સિંહ રાજપૂતે સુસાઇડ કરીને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની કાળી બાજુ પર હેલોજનનો પ્રકાશ પાથરી દીધો. ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનો વાર્ષિક બિઝનેસ ધરાવતા બૉલીવુડ પર કબજો અકબંધ રાખવા માટે ચોક્કસ જૂથ કેવી રીતે ઍક્ટિવ છે અને કયા પ્રકારનો જૂથવાદ ફેલાવવામાં આવી રહ્યો છે એ જાણવા જેવું છે...

નેપોટિઝમ, સગાવાદ, જૂથવાદ કે બૉલીવુડમાં રહેલા ગ્રુપીઝમ વિશે વાત કરતાં પહેલાં બૉલીવુડ અને એના બિઝનેસને ધ્યાનથી જોઈ લો.



૨૦૧૯ના વર્ષમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ અંદાજે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ બિઝનેસમાં ૧૩,૦૦૦ કરોડ રૂપિયા બૉક્સ-ઑફિસ પરથી એકત્રિત થયા, તો પ૦૦૦ કરોડ રૂપિયા સૅટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ, મર્ચન્ડાઇઝ, વેબ રાઇટ્સ અને પ્રમોશનલ ઍક્ટિવિટીમાંથી ભેગા કરવામાં આવ્યા. એવો અંદાજ મૂકવામાં આવે છે કે ડિજિટલ પ્લૅટફૉર્મનો વ્યાપ વધશે એટલે આવતા સમયમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ થોડો ઘટશે અને ૨૦૨૪ સુધીમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રી વાર્ષિક ૨૬,૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે. ફરી પાછા આવીએ ૨૦૧૯ પર. ૨૦૧૯માં કુલ ૧૨૧ ફિલ્મો રિલીઝ થઈ હતી. વાત છે હિન્દી અને હિન્દી ડબ થયેલી ફિલ્મોની. આ ૧૨૧ ફિલ્મોમાંથી માત્ર ૩૬ ફિલ્મોએ ૮૦ ટકા બિઝનેસ કર્યો છે. આ ૩૧ ફિલ્મમાં ટી-સિરીઝે પ્રોડ્યુસ કરી હોય એવી ૧૩ ફિલ્મો હતી, તો યશરાજ ફિલ્મ્સની બે ફિલ્મો રિલીઝ થઈ હતી અને ધર્મા પ્રોડક્શન્સની પાંચ, સલમાન ખાન પ્રોડક્શન્સની ૩ ફિલ્મો, આમિર ખાન પ્રોડક્શન્સની ૧ ફિલ્મ, રિલાયન્સની ૭ ફિલ્મો હતી. એ ઉપરાંત બાલાજી ટેલિફિલ્મ્સ અને વાયકૉમ18ની ફિલ્મો પણ હતી. અફસોસની વાત એ છે કે આ જે નામ છે એમાંથી કૉર્પોરેટ કંપનીઓ એવી રિલાયન્સ અને વાયકૉમ18ને બાદ કરતાં જેકોઈ પ્રોડક્શન-હાઉસ છે એ પ્રોડક્શન-હાઉસની જૂથબંધીની વાતો સુશાંત સિંહના સુસાઇડ સાથે બહાર આવી ગઈ. જ્યાં આ સ્તરે મબલક પૈસો ઇન્વૉલ્વ છે એ જગ્યાએ જૂથબંધી હોય એ સ્વાભાવિક છે, પણ બૉલીવુડની જૂથબંધીને હંમેશાં કાર્પેટ નીચે દબાવી રાખવામાં આવી છે. બૉલીવુડના આંગળીના ટેરવે ગણી શકાય એવાં પ્રોડક્શન-હાઉસ એવાં છે જે આખી ઇન્ડસ્ટ્રી પર પોતાનો દબદબો અકબંધ રાખવા માગે છે અને એ દબદબાનો જ આ જંગ છે. આ જંગમાં સુશાંત સિંહ રાજપૂત જેવા ટૅલન્ટેડ ઍક્ટર અને અનુભવ કશ્યપ જેવા હોનહાર ડિરેક્ટરની કરીઅર ખતમ થઈ જાય છે. વાત કરીએ સુશાંત સિંહ રાજપૂતની. સુશાંત સિંહ યશરાજ ફિલ્મ્સ સાથે કૉન્ટ્રૅક્ટથી જોડાયેલો હતો. કૉન્ટ્રૅક્ટની વાતોએ સોશ્યલ મીડિયા પર એ સ્તરે આગ લગાડી દીધી છે જેની એક પોસ્ટ જોવા માટે ફૅન્સ ટળવળતા એ જ ફૅન્સ આજે પોતાના આઇડલ એવા ડિરેક્ટર-ઍક્ટરોને અનફૉલો કરવા માંડ્યા છે. બેફામ આક્ષેપબાજીઓ શરૂ થઈ ગઈ છે અને શરૂ થયેલી એ આક્ષેપબાજી વચ્ચે સુશાંત સિંહની કરીઅરનો કેવી રીતે દાટ વાળી દેવામાં આવ્યો એ પણ બહાર આવવા માંડ્યું છે. જોકે એ તમામ ઘટનાક્રમને જોતાં પહેલાં બૉલીવુડના નેપોટિઝમના મૂળ સુધી પહોંચવાની જરૂર છે.


રૂટ નેપોટિઝમનો

સગાવાદ કે પછી જૂથવાદની શરૂઆત શાહરુખ ખાન આવ્યા પછી થઈ છે એવું કહીએ તો ચાલે. આક્ષેપ શાહરુખ પર નથી થઈ રહ્યો, વાત ચાલી રહી છે સમયકાળની. બૉલીવુડની નવી જનરેશન આવવાની શરૂઆત પણ એ જ સમયથી થઈ. તમે જુઓ, શાહરુખ પછી જ યશ જોહરનો દીકરો કરણ જોહર અને યશ ચોપડાનો દીકરો આદિત્ય ચોપડા ઇન્ડસ્ટ્રીમાં દાખલ થયા. આ સેકન્ડ જનરેશને ફિલ્મલાઇનમાં આવીને સગાવાદ, જૂથવાદને પ્રમોટ કરવાનું શરૂ કર્યું. ૫૦ના દાયકા પહેલાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કૉન્ટ્રૅક્ટ સિસ્ટમ હતી, પણ એમાં સૅલેરી-પ્રથા હતી, પણ કપૂર અને જોહરની સેકન્ડ જનરેશને આવીને એ સિસ્ટમને નવી રીતે કૉન્ટ્રૅક્ટમાં ઢાળવાનું શરૂ કર્યું. પહેલાં જ્યારે ફિલ્મ-કંપનીઓ હતી ત્યારે બૉલીવુડ મોટું પણ નહોતું થયું અને એ સમયે લોકોને કામ પણ નહોતું મળતું. નવી જનરેશન સમયે આ બન્ને વાત સાવ બદલાઈ ગઈ હતી અને એનો નવી જનરેશને પૂરતો ગેરલાભ લીધો.


ડિરેક્ટર-પ્રોડ્યુસરોએ ઍક્ટર-ઍક્ટ્રેસ અને ડિરેક્ટર સાથે કૉન્ટ્રૅક્ટ કરવાનું શરૂ કર્યું. આ કૉન્ટ્રૅક્ટની શરૂઆત ૭ વર્ષથી થઈ જે અત્યારે પાંચથી નવ વર્ષ જેવી હોય છે. આ કૉન્ટ્રૅક્ટની શરતો અને એની લખાણપટ્ટી વિશે જાણવા જેવું છે.

જાળ કૉન્ટ્રૅક્ટબાજીની

નવા ઍક્ટર-ઍક્ટ્રેસ કે ડિરેક્ટરને ચાન્સ આપતાં પહેલાં કરવામાં આવતા કૉન્ટ્રૅક્ટની જો ઓરિજિનલ નકલ હાથમાં લેવામાં આવે તો તમને એવું જ લાગે કે આ એક મેમોરેન્ડમ છે. ૪૦૦થી ૫૦૦ પાનાંના કૉન્ટ્રૅક્ટમાં બધેબધું લખાવી લેવામાં આવે છે. ઘરથી માંડીને અન્ડરગાર્મેન્ટ પણ એસ્ટૅબ્લિશ પ્રોડ્યુસર લખાવી લે છે. સામે શરત હોય છે કે નક્કી થયેલાં વર્ષો સુધી તમે માત્ર અને માત્ર અમારી સાથે કામ કરી શકશો. જેને માટે તમને ત્રણ ફિલ્મ આપવામાં આવશે. ત્રણ ફિલ્મમાંથી પહેલી ફિલ્મ માટે (ઉદાહરણ તરીકે) ૨પ લાખ આપવામાં આવશે, બીજી ફિલ્મ માટે તમને ૩૧ લાખ અને ત્રીજી ફિલ્મ માટે તમને ૪૧ લાખ રૂપિયા આપવામાં આવશે. પહેલી ફિલ્મ પછી તમને બીજી ફિલ્મ સીધી સાતમા વર્ષે મળે એવું પણ બની શકે. આ સમય દરમ્યાન તમે તમારી ઇચ્છા મુજબ બહાર કામ કરશો તો તમારે તમારા પર ઇન્વેસ્ટ કરવામાં આવેલું તમામ ફન્ડ પાછું આપવાનું રહેશે. જો તમને બહારથી ઑફર આવે તો તમારે એની જાણ પ્રોડક્શન-હાઉસને કરવાની રહેશે. તમને આવેલી એ ઑફરનું શું કરવું એની ચર્ચા પ્રોડક્શન-હાઉસ સામેની પાર્ટી સાથે કરશે. ધારો કે તમને કામ કરવાની પરમિશન મળશે તો એમાંથી થયેલી ઇન્કમમાંથી અમુક ટકા રકમ પ્રોડક્શન-હાઉસને આપવાની રહેશે.

કહેવાનો મતલબ એટલો કે તમને ફિલ્મમાં સાઇન કરતાં પહેલાં જ અમુક વર્ષ માટે બાંધી દેવામાં આવે છે. બાંધી દેવાનો હેતુ એ કે જો તમે બહુ મોટા સ્ટાર થઈ ગયા અને તમારા વિના બીજા લોકોને નહીં ચાલે તો તમે પ્રોડક્શન-હાઉસના કમાઉ દીકરા બની ગયા અને ધારો કે તમારા વિના ચાલ્યું તો તમે પ્રોડક્શન-હાઉસની પ્રૉપર્ટી બની ગયા. બૉલીવુડના એક બહુ જાણીતા રાઇટર ‘મિડ-ડે’ને કહે છે, ‘આ જે ચાર-છ પ્રોડક્શન-હાઉસ છે એની સીધી નીતિ છે કે અમે બાળકો નહીં કરીએ, તમને દત્તક લઈએ છીએ. તમારે અમને કમાઈને આપવાનું. જો તમે એવું નહીં કરો તો અમે સાપ બનીને તમને ખાઈને અમારું પેટ ભરી લઈશું.’

સુશાંત સિંહ સાથે આવું જ થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

કઠણાઈ સુશાંત સિંહની

ટીવી-ઇન્ડસ્ટ્રીથી શરૂ કરનારા સુશાંત સિંહને યુટીવીએ ‘કાઇપો છે’ ઑફર કરી. ફિલ્મ ૨૦૧૩માં રિલીઝ થઈ, હિટ થઈ, પણ સુશાંતનાં વખાણ તો પહેલેથી જ થવા માંડ્યાં હતાં. ‘કાઇપો છે’ રિલીઝ પછી સુપરહિટ થશે એ વાત ઇન્ડસ્ટ્રીમાં સૌકોઈ છાનાખૂણે કરવા માંડ્યા એટલે યશરાજ ફિલ્મ્સે સુશાંત સિંહ રાજપૂતનો કૉન્ટૅક્ટ કરી તેને ‘શુદ્ધ દેશી રોમૅન્સ’ ઑફર કરી, પણ આ ઑફર સાથે જ યશરાજે સુશાંતને કૉન્ટ્રૅક્ટ પણ હાથમાં પકડાવી દીધો. આ કૉન્ટ્રૅક્ટ મુજબ સુશાંતે આવતાં ૭ વર્ષ સુધી માત્ર અને માત્ર યશરાજની ફિલ્મ્સ જ કરવાની હતી અને એ દરમ્યાન જો બીજી કોઈ ઑફર આવે તો એ ઑફર યશરાજમાં ડાઇવર્ટ કરવાની. એ પ્રોજેક્ટનું શું કરવું એ યશરાજ ફિલ્મ્સ નક્કી કરશે. બૉલીવુડના એક સિનિયર ઍક્ટર કહે છે, ‘જ્યારે કૉન્ટ્રૅક્ટ આપવામાં આવે ત્યારે એવું જ દેખાડવામાં આવે છે કે હવે તું એક બ્રૅન્ડ છે અને એ બ્રૅન્ડ માટે શું સારું અને શું ખરાબ એ નક્કી કરવાનું કામ અમારું. તારે અમારા કહ્યા મુજબ ચાલવાનું. સ્ટારને પણ એવું જ લાગે કે ઇન્ડિયાનું બેસ્ટ પ્રોડક્શન-હાઉસ જવાબદારી લે છે તો નૅચરલી એની કરીઅર માટે સૌથી મોટી વાત છે. તે કૉન્ટ્રૅક્ટ સાઇન કરવા માટે સ્વાભાવિક રીતે તૈયાર થઈ જાય છે.’

વાત અહીં પેલી પંચતંત્રની મગર અને વાંદરાની દોસ્તી જેવી છે. મગરની વાઇફને વાંદરાનું હૃદય ખાવું છે એટલે મગર મીઠડો થઈને વાંદરાને લઈને નદીમાં ઊંડે સુધી જાય છે. આ વાર્તામાં વાંદરો ચાલાક હતો, પણ સ્ટાર્સની ચાલાકી કામ નથી લાગતી અને એ બરાબર અડફેટે ચડી જાય છે.

સુશાંતે કૉન્ટ્રૅક્ટ સાઇન કરી લીધો અને ‘શુદ્ધ દેશી રોમૅન્સ’ પણ હિટ થઈ. આ એ સમયની વાત છે જે સમયે રણવીર સિંહ પણ યશરાજ સાથે જોડાઈ ચૂક્યો હતો અને ત્રણ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૦માં ‘બૅન્ડ બાજા બારાત’ રિલીઝ થઈ હતી અને રણવીર-પરિણીતી ચોપડાની દોસ્તીની વાતો ઇન્ડસ્ટ્રીમાં પથરાઈ ચૂકી હતી અને ૨૦૧૧માં રણવીરે યશરાજ ફિલ્મ્સની બીજી ફિલ્મ ‘લેડીઝ વર્સસ રિકી બહલ’ પણ કરી હતી, જેમાં પરિણીતીને સાઇડ કૅરૅક્ટર તરીકે લૉન્ચ કરવામાં આવી હતી. રણવીર હવે યશરાજમાં પગ પ્રસરાવવા માંડ્યો હતો. કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક સુશાંત તેની જગ્યા બનાવવા માંડ્યો હતો એટલે રણવીર સિંહનો પક્ષ લેનારાઓ પણ બહાર આવી ગયા હતા.

કેવી ગેમ રમાઈ?

‘શુદ્ધ દેશી રોમૅન્સ’નું કામ ચાલુ હતું એ દરમ્યાન સુશાંત સિંહ રાજપૂતની ડિમાન્ડ જબરદસ્ત રીતે વધવા લાગી હતી. કહેવાય છે કે સુશાંત સિંહની ‘કાઇપો છે’ જોઈને સંજય લીલા ભણસાલીએ નક્કી કરી લીધું હતું કે તેઓ હવે ‘રામ-લીલા’માં સુશાંતને લેશે. ‘કાઇપો છે’ રિલીઝ થયા પછી બન્ને વચ્ચે મીટિંગ પણ થઈ અને સુશાંત પણ ભણસાલી સાથે કામ કરવા ઉત્સુક હતો, પણ તેને આ ઑફર આવી ત્યાં સુધીમાં સુશાંતે યશરાજ ફિલ્મ્સનો કૉન્ટ્રૅક્ટ સાઇન કરી લીધો હતો. સુશાંતે યશરાજમાં વાત કરી એટલે યશરાજે આ આખી ઑફરને પોતાના હાથમાં લઈ લીધી અને સુશાંતને એમાંથી વચ્ચેથી હટી જવાનું કહ્યું. સુશાંતને એવું જ લાગ્યું હતું કે જેકાંઈ થઈ રહ્યું છે નૅચરલી પોતાના હિતમાં જ થાય છે, પણ અહીં ગેમ રમાઈ રહી હતી. ‘રામ-લીલા’માં ઑલરેડી ફાઇનલ થઈ ગયેલી દીપિકા પાદુકોણની આંગળીના સહારે આદિત્ય ચોપડા રણવીર સિંહને પ્રમોટ કરવા માંડ્યા હતા. કહે છે કે ભણસાલી અને ચોપડા વચ્ચે મીટિંગ થઈ જેમાં આદિત્યએ ફેસ-ટુ-ફેસ પણ રણવીરને જબરદસ્ત પ્રમોટ કર્યો. રણવીરને પ્રમોટ કરવામાં આવ્યો ત્યારે તે પણ સુશાંતની જેમ યશરાજ સાથે કૉન્ટ્રૅક્ટથી જોડાયેલો હતો. જોકે અહીં આદિત્યની ઇચ્છા હતી કે રણવીર આગળ વધે એટલે તેણે કૉન્ટ્રૅક્ટની કોઈ ડીલને વચ્ચે આવવા દીધી નહીં અને સુશાંતને સીધી ન્યુઝપેપરમાંથી ખબર પડી કે તેને આવેલી ઑફરવાળી ફિલ્મ હવે રણવીર સિંહ કરે છે. ફિલ્મ-ક્રિટિક કમાલ ખાને કહ્યું કે ‘જ્યારે સુશાંતને ખબર પડી કે ‘રામ-લીલા’ તેના હાથમાંથી ગઈ ત્યારે તેણે આદિત્ય ચોપડા સાથે ઝઘડો કરવાના મૂડથી વાત કરી, પણ આદિત્યએ તેને એ સમયે એવું કહીને શાંત કરી દીધો કે અત્યારે હું તને ધ્યાનમાં રાખીને વાણી કપૂર સાથેની ફિલ્મ ‘બેફિકરે’ લખું છું અને આ ફિલ્મ હું જ ડિરેક્ટ કરીશ.’

‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ અને ‘મહોબ્બતેં’ જેવી ફિલ્મના રાઇટર-ડિરેક્ટરની ફિલ્મ મળતી હોય તો થોડી ધીરજ રાખવી જોઈએ. સુશાંત ફરી શાંત થઈ ગયો અને એ દરમ્યાન આમિર ખાન અને વિધુ વિનોદ ચોપડાએ સુશાંતને એક નાનકડા રોલ માટે ‘પીકે’ની ઑફર આપી. અહીં મુદ્દો એ આવે છે કે ‘પીકે’ કરવાની હા શું કામ પાડવામાં આવી જ્યારે કૉન્ટ્રૅક્ટ તો હજી અકબંધ જ હતો?

ચોર-ચોર, ભાઈ-ભાઈ

હા, આવું જ ચાલે છે બૉલીવુડમાં. કોણ ઑફર લઈને આવે છે અને ઑફર કેવી છે એ જોવામાં આવે છે તો ના પાડવાથી પોતાને કેવું ડૅમેજ થશે એ પણ પહેલાં જોવામાં આવે છે. આમિર ખાન જેવું નામ અને રાજકુમાર હીરાણી જેવા સુપરસ્ટાર ડિરેક્ટરને ના પાડવાથી પોતાના બૅનરને પ્રૉબ્લેમ થઈ શકે એવું ધારીને યશરાજ જ નહીં, ધર્મા પણ માની જાય અને બીજાં બૅનર પણ કૉન્ટ્રૅક્ટ ભૂલી જાય. આ જ બન્યું સુશાંત સાથે. જો એ ફિલ્મમાં રોલ મોટો હોત તો બીજા આર્ટિસ્ટનાં નામ આપવામાં આવ્યાં હોત, બીજાને પ્રમોટ કરવામાં આવ્યો હોત, પણ અહીં તો આખી ફિલ્મમાં માંડ ૨૦ મિનિટનું કામ હતું. સુશાંતને પરમિશન આપી દેવામાં આવી અને ‘પીકે’ રિલીઝ થઈ, પણ ‘પીકે’ની આડશમાં વધુ એક ગેમ રમાઈ ગઈ.

‘પીકે’ કરવાની પરમિશન આપીને યશરાજ ફિલ્મ્સે ‘બેફિકરે’ રણવીરના ખોળામાં મૂકી દીધી. કહેવાયું પણ એવું કે ‘રામ-લીલા’ અને એના પછી આવેલી ‘ગુંડે’ હિટ છે એટલે અત્યારે રણવીરની ડિમાન્ડ છે. સુશાંતે એ સમયે ઉધામા મચાવ્યા હતા એટલે પ્રોડક્શન-હાઉસે તેને ફિલ્મ ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’નું નામ આપી દીધું. આ ફિલ્મ રણવીર સિંહે કરવાની ના પાડી દીધી એટલે નાછૂટકે એ ફિલ્મ સુશાંત પાસે પહોંચી હતી. સુશાંતને આ ફિલ્મ કરવી નહોતી એટલે આંબા-આમલી દેખાડીને તેને કહેવામાં આવ્યું કે આ ફિલ્મથી બંગાલી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તારી ધમાકેદાર એન્ટ્રી થશે. જોકે એવું થયું નહીં અને ફિલ્મે બૉક્સ-ઑફિસ પર પહેલા જ દિવસે દમ તોડી દીધો. સુશાંતને એની કરીઅરની સૌથી મોટી તક આ જ ગાળામાં મળી હતી ‘એમએસ ધોની’, જેને માટે માત્ર અરુણ પાંડે જ નહીં, અક્ષયકુમાર અને મહેન્દ્ર સિંહ ધોનીએ પણ યશરાજ પાસે ડિમાન્ડ કરી અને એ બન્નેની સામે શિંગડાં ભરાવવાનું કોઈ પ્રોડક્શન-હાઉસ સ્વીકારે નહીં. નાછૂટકે હા પાડવામાં આવી, પણ એ હા પહેલાં પોતાના ફેવરિટ ઍક્ટરને પ્રમોટ કરવાનું કામ તો થયું જ થયું, પણ સુશાંતના સદ્નસીબે એ ડિરેક્ટરની જ નહીં, ધોનીની પણ પહેલી અને અંતિમ પસંદગી હતી. નીતિ સ્પષ્ટ થઈ રહી હતી કે સાચવો, બસ સાચવો. ટૅલન્ટને ગોળી મારીને પણ સંબંધો સાચવો.

એક જ મુદ્રાલેખ

ફિલ્મ-ઇન્ડસ્ટ્રી એવી ગ્લૅમર ઇન્ડસ્ટ્રી છે જ્યાં વારંવાર ચાન્સ મળી શકે છે. દરેક ગ્લૅમર ઇન્ડસ્ટ્રીમાં સંબંધો અને સગાવાદ કામ નથી લાગતાં. જોઈ લો ક્રિકેટ. સુનીલ ગાવસકરનો દીકરો હોવા છતાં રોહનને ચાન્સ નથી જ મળ્યો. સંદીપ પાટીલનો દીકરો પણ સગાવાદનો લાભ વારંવાર નથી લઈ શકતો, પણ બૉલીવુડમાં આ થઈ શકે છે અને એટલે જ અર્જુન કપૂરને એકધારી સુપરફ્લૉપ પછી પણ કામ મળી જાય છે અને પાંચ-પાંચ હથોડા માથે માર્યા પછી પણ ડિરેક્ટર સિર્દ્ધાથ આનંદની ‘વૉર’માં કામ કરવા માટે હૃતિક રોશન અને ટાઇગર શ્રોફ જેવા સ્ટાર મળી જાય છે. બૉલીવુડનો એક જ મુદ્રાલેખ છે. તમે કોની આડશમાં બેઠા છો અને કોના કૅમ્પ સાથે જોડાયેલા છો. વિજય આચાર્ય અતિ વાહિયાત એવી ‘ધૂમ ૩’ બનાવ્યા પછી ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ બનાવે તો પણ એમાં કામ કરવા આમિર ખાન અને અમિતાભ બચ્ચન આવી જાય એનું કારણ માત્ર એક જ છે, નેપોટિઝમ. જો તમે નેપોટિઝમનો એક જ અર્થ કરતા હો સગાવાદ, તો એ બૉલીવુડને લાગુ નથી પડતો. ચાપલૂસી અને ચમચાગીરી પણ નેપોટિઝમમાં સામેલ થાય છે અને જો એ તમને આવડતાં હોય તો તમને તકલીફ ઓછી પડે છે.

 બૉલીવુડના બહુ જાણીતા ગુજરાતી મ્યુઝિક-કમ્પોઝર ઑફ ધ રેકૉર્ડ ‘મિડ-ડે’ને કહે છે, ‘એકધારા હિટ આપ્યા પછી પણ મને ચાન્સ નથી આપવામાં આવતો એનું કારણ એક જ છે, હું દરરોજ સવારે એ કૅમ્પમાં કુર્નિશ બજાવવા માટે નથી જતો.’

સુશાંતને પણ કુર્નિશ બજાવતાં નહોતું આવડતું. તે દરરોજ યશરાજ કે ધર્મા પ્રોડક્શન્સમાં જઈને સલામી નહોતો ભરતો. તેને કામથી મતલબ હતો અને તેને કૉન્ટ્રૅક્ટ હવે ખૂંચવા માંડ્યો હતો. કૉન્ટ્રૅક્ટ તોડવાનું કામ તેને માટે આસાન નહોતું. અગાઉ અનેક લોકોએ કૉન્ટ્રૅક્ટ તોડ્યા હતા જેમને ઇન્ડસ્ટ્રીમાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા એના દાખલા આંખ સામે હતા એટલે તે લડતો-ઝઘડતો, પણ તેની લડાઈ અને ઝઘડાનું પરિણામ એ આવ્યું કે બહારથી તેને સાઇન કરવાનું બંધ કરવામાં આવ્યું, તો જેકોઈએ તેને સાઇન કરી લીધો હતો એ લોકોએ પણ ફિલ્મમાંથી તેને રિપ્લેસ કરી નાખ્યો અને કાં તો ફિલ્મ ચાલુ જ ન કરી. પહેલાં વાત ફિલ્મ ‘રૉ’ની.

‘રૉ’માં સુશાંત સિંહ રાજપૂતને ઇન્ટ્રોડ્યુસ કરતું પોસ્ટર પણ ઑફિશ્યલી ડિક્લેર કરી દેવામાં આવ્યું અને સલમાન ખાનની મધ્યસ્થી સાથે યશરાજ ફિલ્મ્સના પ્રેશર વચ્ચે ‘રૉ’માંથી રાતોરાત તેને કાઢીને જૉન એબ્રાહમને લઈ લેવામાં આવ્યો. એવી આર્ગ્યુમેન્ટ થઈ કે જૉન એબ્રાહમ આવશે તો બજેટ વધશે તો એ વધારાનું પેમેન્ટ આપવાની પણ તૈયારી આ સગાવાદીઓએ દેખાડી હતી. વાત જે ફિલ્મ ક્યારેય ચાલુ ન થઈ એવી ‘ધી રાઇફલમૅન’ની. અબાડન્સિયા એન્ટરટેઇનમેન્ટે બે વર્ષ સુધી ‘ધી રાઇફલમૅન’ની વાત કરી, પણ ફિલ્મનું શૂટિંગ ચાલુ જ ન થયું. એમાં પણ સલમાન ખાન અને ટી-સિરીઝ નડી ગયાં હોવાનું કહેવાય છે. સુશાંતની હાલત એવી કરી દેવામાં આવી કે તે કામ માટે ખરેખર ટળવળવા માંડ્યો હતો. આ જ હાલત કરે છે સૌકોઈની વલાવાદીઓ. પોતાના ફેવરિટ માટે રસ્તો સાફ કરવાની નીતિ પણ નેપોટિઝમમાં ઊડીને આંખે વળગે છે.

ઓછા બાલ, જય ગોપાલ...

જેટલા ઓછા સ્ટાર ઇન્ડસ્ટ્રીમાં હોય એટલા વધારે લાભ સ્ટાર અને પ્રોડક્શન-હાઉસને પોતાના સગાવાદ અને વહાલાવાદમાં થઈ શકે એ સીધું ગણિત છે. આ જ ગણિત પર સલમાન ખાન પણ સુશાંતને નડી જાય છે અને આ જ હિસાબ સાથે કરણ જોહર પણ કામ કરી લે છે. દરેકને બીજાના ગૉડફાધર બનીને બાળકને જન્મ આપ્યા વિના કમાઉ દીકરાના પાલક પિતા બની જવું છે. કારણ સીધું છે, ઇન્ડસ્ટ્રી પાસે પૈસો પણ છે અને પ્રસિદ્ધિ મબલક છે તથા પૈસો-પ્રસિદ્ધિ છે એટલે પાવર પણ અઢળક છે.

સુશાંત કઈ-કઈ ફિલ્મમાંથી ગયો હતો?: ‘રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘રૉ’, ‘બેફિકરે’, ‘ટુ સ્ટેટ્સ’ ‘હાફ ગર્લફ્રેન્ડ’ અને ‘જયેશભાઈ જોરદાર.’

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2020 08:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK