આર્કિટેક્ચરની એન્ટ્રન્સ એક્ઝામ આપે એ પહેલાં જ 21 વિદ્યાર્થીની એક્ઝિટ

Published: May 25, 2019, 09:28 IST | રશ્મિન શાહ | સુરત

સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભયાનક આગથી બચવા અનેક સ્ટુડન્ટ્સે જીવ બચાવવા ત્રીજા માળેથી છલાંગ મારી

૭૦ કિલોમીટરના એરિયામાંથી ફાયર-ફાઇટર્સને બોલાવાયા
૭૦ કિલોમીટરના એરિયામાંથી ફાયર-ફાઇટર્સને બોલાવાયા

 સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડના સબ-સ્ટેશનમાં ગઈ કાલે બપોરે આગ લાગતાં ૨૧ સ્ટુડન્ટ્સે જીવ ગુમાવ્યા હતા. સબ-સ્ટેશન બિલ્ડિંગના એન્ટ્રન્સ પાસે હોવાથી અને એમાં એકધારા ધડાકા થતાં બિલ્ડિંગના થર્ડ ફ્લોર પર આવેલા ક્લાસિસના સ્ટુડન્ટ્સ ગભરાઈ ગયા હતા અને ભાગદોડ મચી ગઈ હતી. બારી પાસે બેઠેલા કેટલાક સ્ટુડન્ટ્સ બારીની બહાર આવી ગયા હતા, પણ આગ વધતાં અને ધુમાડાનું પ્રમાણ વધી જતાં આ સ્ટુડન્ટ્સે ડરના માર્યા ત્રીજા માળેથી છલાંગ લગાવવાનું શરૂ કરી દીધું હતું જેને લીધે ૧૦થી વધુ સ્ટુડન્ટ્સને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત સ્ટુડન્ટ્સને સુરતની સ્વીમેર હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. સુરતના પોલીસ-કમિશનર સતીશ શર્માએ કહ્યું હતું કે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. ક્લાસિસ એવા જ બિલ્ડિંગમાં કરવામાં આવે જેમાં ફાયર-સેફ્ટીની તમામ સુવિધા હોય. આ ખૂબ ગંભીર ઘટના છે. આ ઘટનાની તપાસ થશે.


બપોરે અઢી વાગ્યે લાગેલી આગમાં અટવાયેલા સ્ટુડન્ટ્સ આ બિલ્ડિંગમાં આર્કિટેક્ચર એન્ટ્રન્સ એક્ઝામની તૈયારીઓ કરાવતા ક્લાસિસ માટે આવતા હતા. એ ઉપરાંત બિલ્ડિંગમાં ડાન્સ અને ઍક્ટિંગના પણ ક્લાસ ચલાવવામાં આવતા હતા. આગ લાગી એ સમયે બિલ્ડિંગમાં ૬૦થી વધારે સ્ટુડન્ટ્સ હતા. ૭ જુલાઈએ થનારી આર્કિટેક્ચરની એન્ટ્રન્સ એક્ઝામની આ સ્ટુડન્ટ્સ તૈયારી કરતા હતા, પણ આ એક્ઝામમાં એ સ્ટુડન્ટ્સ એન્ટર થાય એ પહેલાં જ આગની આ કમનસીબ ઘટનાને કારણે કેટલાક સ્ટુડન્ટ્સે દુનિયામાંથી એક્ઝિટ લેવી પડી.

બધા હતા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ

ગઈ કાલે આગમાં જીવ ગુમાવનાર તમામ સ્ટુડન્ટ્સ બ્રિલિયન્ટ હતા. સુરતના બીજેપીનાં સંસદસભ્ય દર્શના જરદોશે કહ્યું હતું કે ‘આર્કિટેક્ચરમાં જવા માગતા સ્ટુડન્ટ્સ ભણવામાં કેવા હોશિયાર હોય એ સમજી શકાય. આવા સ્ટુડન્ટ્સ અને તેમના પરિવાર સાથે આવી બેદરકારી દાખવવાની ભૂલ કોઈ કરે એ ખરેખર ખૂબ શરમજનક છે. આ અને આવી કોઈ પણ ઘટના સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને હું એનું નિયમિત રિપોર્ટિંગ પણ લેતી રહીશ.’

વડા પ્રધાનનો આક્રોશ

ઘટના પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઑફિશ્યલ ટ્વિટર-અકાઉન્ટ પર શોક-સંદેશો આપતાં કહ્યું હતું કે ‘સુરતમાંની કરુણાંતિકાથી મને આક્રોશ થયો છે. મારી દિલસોજી મૃતકોના પરિવાર સાથે છે. મેં ગુજરાત સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓને અસરગ્રસ્તોને બનતી બધી સહાય પૂરી પાડવાનું જણાવ્યું છે.’

ચાર લાખ રૂપિયાની સહાય જાહેર

ગુજરાત સરકારે પણ ઘટનામાં જીવ ગુમાવનારા સ્ટુડન્ટ્સને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે સમગ્ર ઘટનાની તપાસ ગુજરાતના શહેરી વિકાસ મંત્રાલયના અગ્ર સચિવ મુકેશ પુરીને સોંપી છે અને ૭૨ કલાકમાં રિપોર્ટ આપવાનો ઑર્ડર કર્યો છે.

આગનું કારણ શું?

પ્રાથમિક તારણમાં એવું બહાર આવ્યું છે કે તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ માટે શૉર્ટ સર્કિટ જવાબદાર છે. શૉર્ટ સર્કિટને કારણે સૌથી પહેલાં સબ-સ્ટેશનમાં આગ લાગી અને સબ-સ્ટેશનમાં આગ લાગતાં બિલ્ડિંગના થર્ડ અને ર્ફોથ ફ્લોરની જનરલ લાઇટના વૉલ્ટેજ વધ્યા અને એ ફ્લોર પર આગ લાગી. આગ ઉપરથી નીચેની તરફ આવતાં ટેક્નીકલી પણ એવું બન્યું કે ધુમાડો થર્ડ અને ર્ફોથ ફ્લોર પર વધવા માંડ્યો. આગને કારણે ધુમાડો એટલી હદે વધી ગયો હતો કે કોઈ કશું જોઈ નહોતું શકતું.

૭૦ કિલોમીટરના એરિયામાંથી ફાયર-ફાઇટર્સને બોલાવાયા

આગની ઘટના મોટી હોવાનું જણાતાં ફાયરબ્રિગેડ દ્વારા મેજર-કૉલ જાહેર કરવામાં આવ્યો હતો, જેને લીધે આજુબાજુના ૭૦ કિલોમીટરના એરિયામાંથી ફાયર-ફાઇટરને બોલાવી લેવામાં આવ્યા હતા. તક્ષશિલા આર્કેડની આગ માટે ૧૪ ફાઇટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પેરન્ટ્સના આક્રંદથી ભલભલાનાં કાળજાં કંપી ઊઠ્યા

અનેક વિદ્યાર્થીઓની ડેડ-બૉડી મળી ગઈ છે, પણ માનવામાં આવે છે કે મરણાંક હજી મોટો થઈ શકે છે. શરૂઆતના તબક્કે છલાંગ મારનારા સ્ટુડન્ટ્સને આજુબાજુની હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોવાથી આગની જાણ થયા પછીના પહેલા કલાકમાં તો પેરન્ટ્સ પણ પોતાનાં સંતાનોને શોધવાની દોડધામમાં લાગી ગયાં હતાં, પણ એ પછી મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને બે હૉસ્પિટલમાં જ બાળકોને શિફ્ટ કરવાનો આદેશ આપી દેતાં આ કામ થોડું સરળ બન્યું હતું. જોકે વિહ્વળ બનેલા પેરન્ટ્સનાં આક્રંદ અને તેમની વ્યથા જોઈને ભલભલાની આંખમાં આંસુ આવી જાય એવાં દૃશ્યો સર્જા‍યાં હતાં.

આખો હાઇવે જૅમ
સુરતના સરથાણા જકાતનાકા સામે આવેલું તક્ષશિલા આર્કેડ હાઇવે પરનું બિલ્ડિંગ છે, જેને લીધે હાઇવે પરથી પસાર થતાં તમામ વાહનો પણ ઊભાં રહી ગયાં હતાં. આગ વધતાં એક તબક્કો એવો આવી ગયો કે આખો હાઇવે અને જકાતનાકા પાસે રહેલો ફ્લાયઓવર આખો જૅમ થઈ ગયો અને મુંબઈ તથા વડોદરા તરફ જતાં વાહનો પણ એ જૅમમાં ફસાઈ ગયાં હતાં. સાંજે સાડા છ વાગ્યા સુધી આ જ માહોલ રહેતાં સુરત પોલીસે ખાસ ટીમ બનાવીને ૪૦ કૉન્સ્ટેબલોને ટ્રાફિક જૅમ હટાવવા માટે મોકલવા પડ્યા હતાં, જેમાં રાતે ૮ વાગ્યા પછી પ્રમાણમાં થોડી રાહત થઈ હતી.

હાઇવે પર ઊભેલાં વાહનોમાંથી આ આખી ઘટનાના લાઇવ વિડિયો લેવામાં આવતાં આ ઘટના ન્યુઝ-ચૅનલ પર પહોંચે એ પહેલાં સોશ્યલ મીડિયા પર પહોંચી ગઈ હતી અને સોશ્યલ મીડિયા પર દેકારો બોલી ગયો હતો. ઘટનાની થોડી મિનિટો સુધી તો વાઇરલ થયેલી આ ઘટના કયા શહેરની છે એની તપાસ ચાલી અને એ પછી ખબર પડી કે સુરતના સરથાણામાં આગ લાગી છે.

ફાયર-સેફ્ટીની કોઈ સગવડ નહી

તક્ષશિલા આર્કેડમાં એક પણ પ્રકારની ફાયર-સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવ્યું નહોતું એવું ઑફિશ્યલ સ્ટેટમેન્ટ સુરત ફાયર સ્ટેશનના સિનિયર ફાયર ઑફિસર કે. ડી. વીજળીવાળાએ કર્યું હતું. તેમના કહેવા પ્રમાણે બિલ્ડિંગ એક વખત ખરીદનાર પાર્ટીને સોંપી દેવામાં આવે છે એ પછી એની ફાયર-સેફ્ટીને કોઈ ચકાસતું નથી, પણ જ્યાં સ્ટુડન્ટ્સની અવરજવર રહેવાની હોય ત્યાં આ બધાં કામ દર ત્રણ મહિને થવાં જોઈએ. સુરતમાં છેલ્લા ૬ મહિનામાં આ ચોથી ઘટના બની છે જેમાં ક્લાસિસ હોય એવા બિલ્ડિંગમાં આ પ્રકારે આગ લાગી હોય અને બાળકોના જીવ ગયા હોય. અલબત, ગઈ કાલની ઘટના અગાઉની તમામ ઘટનાઓ કરતાં વિકરાળ છે એ પણ એટલું જ સાચું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK