સુરતનો કાપડ ઉદ્યોગ રાજસ્થાન શિફ્ટ થશે ખરો?

Published: 24th January, 2020 17:09 IST | Mumbai Desk | Mumbai

રાજસ્થાન સરકારને સુરતનો કાપડ ઉદ્યોગ પોતાના રાજ્યમાં આવે તેવી ઇચ્છા છે. સરકારનાં અધિકારીઓએ તાજેતરમાં જ સુરતમાં કાપડના વેપારીઓ સાથે એક બેઠક કરી છે

નોટબંધી અને જીએસટીની ભાંજગડને લીધે કાપડ માર્કેટમાં મંદી છે
નોટબંધી અને જીએસટીની ભાંજગડને લીધે કાપડ માર્કેટમાં મંદી છે

સુરતની ઓળખ સમા ટેક્સ્ટાઇલ ઉદ્યોગો દિશા બદલીને નવું સ્થાન ગ્રહણ કરે તેવા એંધાણ છે. રાજસ્થાન સરકાર તરફથી એવા પ્રયાસ થઇ રહ્યા છે કે સુરતનાં કાપડ વેપારીઓ ગુજરાત છોડીને પોતાના રાજ્યમાં ઉદ્યોગ નાખે. તાજેતરમાં થયેલી એક બેઠકમાં રાજસ્થાન સરકારના સત્તાધિશોએ સુરતના વેપારીઓને પોતાના રાજ્યમાં આવવાનું નિમંત્રણ આપ્યું છે. 

એક સુત્રએ જણાવ્યા અનુસાર સુરતનાં ટેક્સ્ટાઇલ ફેડરેશન સાથે રાજસ્થાનનાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ કોર્પોનાં અધિકારીઓએ બેઠક કરી. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં આવી જ એક બેઠક જયપુરમાં પણ થઇ હતી.નોટબંધી અને જીએસટીની માથાકુટને પગલે સુરતનો કાપડ ઉદ્યોગ મંદ પડ્યો છે. નોટબંધી પછીના સમયમાં તેમાં પચાસ ટકા ઘટાડો થયો છે.  નાના વેપારીઓને જીએસટીની ગુંચે ઘર ભેગા કર્યા છે. મરવાને વાંકે ચાલી રહેલા પણ અઢળક તગડી શક્યતાઓ ધરાવતા કાપડ ઉદ્યોગમાં રાજસ્થાન સરકારને રસ પડ્યો છે.

રાજસ્થાન સરકારે કાપડ ઉદ્યોગકારોને આપેલા આકર્ષણમાં 7 વર્ષ માટે 100 ટકા વિજળી, લેન્ડ ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ અને મૂડી રોકાણ માટે રાજ્યનાં કરમાં 75 ટકા જેટલી સબ્સીડી આપવાની જાહેરાતનો સમાવેશ થાય છે. વળી ઇપીએફ અને ઇએસઆઇમાં સબ્સીડી આપનું વચન પણ આપ્યું છે. હાલમાં તો રાજસ્થાન સરકારે દસ કરોડના મૂડી રોકાણ સામે 8 ટકા વ્યાજની સબ્સીડી આપવાની વાત પણ કરી છે.

રાજસ્થાનનાં અમુક વિસ્તારોમાં ટેક્સ્ટાઇલ ક્લસ્ટર વિકસાવાઇ રહ્યા છે કારણકે આ ઉદ્યોગો ધમધમશે તો રોજગારીની તકોમાં વધારો થશે. રાજસ્થાન હસ્તકલાના કારીગરો કે છાપકામ કરનારા લોકોને પણ કામ મળી રહેશે. બંન્ને પક્ષે 'વીન વીન' પરિસ્થિતિ થશે તો વેપારીઓને રાજસ્થાન તરફ સ્થળાંતર કરવામાં ચોક્કસ રસ પડશે. જો આ સ્થળાંતર થશે તો સુરતનું સિલ્ક સિટી તરીકેનું બિરુદ ફસકશે. વળી ગુજરાતના અર્થતંત્ર માટે હીરા અને કાપડ ઉદ્યોગનો ટેકો બહુ મોટો છે. કાપડ ઉદ્યોગનું સ્થળાંતર ગુજરાત માટે આર્થિક ખોટ ખડી કરશે એ ચોક્કસ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK