સુરતના હીરાના ચાર વેપારીઓની ઇન્ટરસ્ટેટ ઍરલાઇન્સ કાલથી શરૂ

Published: 22nd October, 2014 02:23 IST

બે નાઇન-સીટર પ્લેન આવી ગયાં, બે દિવાળી પછી : પહેલી ફ્લાઇટ ભાવનગરની
રશ્મિન શાહ


ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી ઇન્ટરસ્ટેટ ઍરલાઇન્સ શરૂ કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, પણ એના પર કોઈ નક્કર કામગીરી થઈ નથી ત્યારે સરકારી પ્રોજેક્ટ શરૂ થવાની રાહ જોયા વિના સુરતના ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીના ચાર વેપારીમિત્રોએ સાથે મળીને ડાયમન્ડ ઍરોનૉટિક્સ નામની ઇન્ટરસ્ટેટ પ્રાઇવેટ ઍરલાઇન્સ ઑલરેડી શરૂ કરી દીધી છે અને એનું પહેલું પ્લેન આવતી કાલે સુરતથી ભાવનગર જશે. ડાયમન્ડ ઍરોનૉટિક્સ માટે કંપનીએ નાઇન-સીટર બે પ્લેન પણ ઑલરેડી મગાવી લીધાં છે અને બે પ્લેન દિવાળી પછી આવવાનાં છે. ડાયમન્ડ ઍરોનૉટિક્સના મૅનેજિંગ ડિરેક્ટર ઈશ્વર ધોળકિયાએ કહ્યું હતું કે ‘સુરત હવે ગ્લોબલ સિટી બની ગયું છે અને સુરત સાથે આખા ગુજરાતના લોકો કનેક્ટેડ છે, પણ ઇન્ટરસ્ટેટ ઍરલાઇન્સ ન હોવાથી બહુ તકલીફ પડતી હતી. અમને પણ જ્યારે ભાવનગર કે અમરેલી જવું હોય ત્યારે ટાઇમ બગડવાની અને ટાઇમને કારણે કામ બગડવાની બહુ બીક લાગે. આ બીકને કારણે અમને ઇન્ટરસ્ટેટ ઍરલાઇન્સનો વિચાર આવ્યો અને અમે એ અમલમાં મૂક્યો.’

સુરતની એસઆરકે એક્સપોર્ટ્સના ઈશ્વર ધોળકિયા ઉપરાંત ડાયમન્ડ ઍરોનૉટિક્સમાં ધર્મનંદન ડાયમન્ડ્સના લાલજીભાઈ પટેલ, હરેકૃષ્ણ એક્સપોર્ટ્સના સવજી ધોળકિયા અને સુરતના જાણીતા બિલ્ડર લાલજી બાદશાહ પાર્ટનર છે. ઈશ્વર ધોળકિયાએ કહ્યું હતું કે ‘સુરતમાં મહિનામાં ઓછામાં ઓછાં સો પ્લેન ચાર્ટર કરવામાં આવતાં હોય છે, જે દેખાડે છે કે સુરતથી બહાર જવા માટેની કનેક્ટિવિટીની ડિમાન્ડ કેવી છે. અમે એવિયેશન મિનિસ્ટ્રીમાં આ બાબતે બહુ રજૂઆત કરી, પણ એનું નિરાકરણ નહોતું થતું એટલે ફાઇનલી અમે જ આ સર્વિસ શરૂ કરવાનું નક્કી કરી લીધું.’

ડાયમન્ડ ઍરોનૉટિક્સની સર્વિસ આવતી કાલથી શરૂ થઈ રહી છે, પણ અત્યારથી જ કંપનીના બન્ને પ્લેનનું બાર દિવસ માટે ચાર્ટર્ડ બુકિંગ થઈ ગયું છે. દિવાળી પછી બીજાં બે પ્લેન આવી જશે ત્યારે એ બન્ને પ્લેનને સુરતથી અમરેલી, ભાવનગર, ભુજ, અમદાવાદ અને રાજકોટના રૂટ પર મૂકવામાં આવશે. જે ચાર સુરતીઓએ આ કંપની શરૂ કરી છે તેમને ડાયમન્ડ ઍરોનૉટિક્સમાંથી કોઈ પ્રૉફિટની ઇચ્છા નથી એટલે ટિકિટના રેટ પણ રીઝનેબલ રાખવામાં આવશે એવું તેમનું કહેવું છે. ઈશ્વર ધોળકિયાએ કહ્યું હતું કે સુવિધા મળી રહે એ માટે આ ઍરલાઇન્સ શરૂ કરવામાં આવી છે, બાકી અમે જે ઇન્ડસ્ટ્રીમાં છીએ એમાં પણ અમારી પાસે સમય નથી હોતો.

ડાયમન્ડ ઍરોનૉટિક્સનો અત્યારે સુરત-ભાવનગરનો અંદાજિત રેટ ૪૨૦૦ રૂપિયા હશે, જે લક્ઝરી બસમાં સાતસોથી પંદરસો રૂપિયા છે.

તસવીર : ચેતન વર્મા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK