સુપ્રિયા સુળેની રૅલીને સુપરહિટ બનાવવા એનસીપીના મરણિયા પ્રયાસો

Published: Oct 28, 2012, 04:29 IST

અત્યારના સમયગાળામાં એનસીપીનું લક્ષ્ય આજે ઔરંગાબાદમાં યોજાનારી રૅલી પર કેન્દ્રિત થયેલું છે. રાષ્ટ્રવાદી યુવતી કૉન્ગ્રેસ (આરવાયસી)ની આ પહેલી રાજ્યકક્ષાની રૅલી છે અને એને સુપરહિટ બનાવવા એનસીપી મરણિયા પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે એનસીપીના વડા શરદ પવારની દીકરી સુપ્રિયા સુળેના નેતૃત્વમાં આરવાયસી લૉન્ચ કરવામાં આવી હતી.એનસીપી આ રૅલીને સફળ બનાવવામાં કોઈ કસર છોડવા નથી માગતી. પાર્ટી આ રૅલીમાં એક લાખ વ્યક્તિઓની હાજરી ઇચ્છે છે. પાર્ટીના નેતાઓને આશા છે કે દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછી ૫૦ બસ ભરીને તો લોકો આ રૅલીમાં હાજરી આપવા આવશે.

પક્ષ ઇચ્છે છે કે કોંકણ, ઉત્તર મહારાષ્ટ્ર, વિદર્ભ વિસ્તારના ચંદ્રપુર અથવા તો ગોંદિયા સહિતના મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓ આ રૅલીમાં પ્રતિનિધિ મોકલે.

પક્ષના નેતાઓએ આપેલી માહિતી પ્રમાણે પક્ષના દરેક ડિસ્ટ્રિક્ટ યુનિટ ચીફ અને પ્રધાનોને ફરજિયાતપણે રૅલીમાં હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે, જેથી મહત્તમ હાજરી નોંધાવી શકાય. આ રૅલીમાં ભાગ લેનારી વ્યક્તિઓ અને તેમના પ્રવાસની વિગતોની નાનામાં નાની માહિતી મેળવીને ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય દરેક જિલ્લાના કાફલા સાથે એક લેડી ડૉક્ટર હાજર હોય એવા પ્રયાસો પણ થઈ રહ્યા છે.

એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે આપેલી માહિતી પ્રમાણે ૧૮થી ૨૫ વર્ષની યુવતીઓ માટે આટલી જંગી રૅલીનું દેશમાં પહેલી વખત આયોજન થઈ રહ્યું છે અને આરવાયસીના નેજા હેઠળ દરેક જિલ્લામાં કુલ ૫૦ જેટલી રૅલીઓનું આયોજન થઈ ગયા પછી સમગ્ર વાતાવરણમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો છે.

શું આ પ્રોજેક્ટ સુપ્રિયાને એનસીપીનાં આગામી સર્વોચ્ચ નેતા તરીકે પ્રોજેક્ટ કરવાના ભાગરૂપે છે એવા સવાલના જવાબમાં પક્ષના એક નેતાએ કહ્યું હતું કે ‘એનસીપી પોતાની ઓળખ જાળવી રાખવા માગે છે, જેથી કૉન્ગ્રેસ જેવા વિરોધી પક્ષ સામે લડી શકાય. આ પરિસ્થિતિમાં આંતરિક સત્તાના સંઘર્ષની તો શક્યતા જ નથી. અજિત પવાર અને સુપ્રિયા સુળે વચ્ચે આ મુદ્દે ભારે સ્પષ્ટતા પ્રવર્તે છે.’

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK