સર્વોચ્ચ અદાલતે શિર્ડીમાં પ્રવેશવાની ના પાડીને ઘણું ડહાપણનું કામ કર્યું છે

Published: 16th October, 2014 05:44 IST

ભક્તોને સાંઈબાબામાં ભગવાન દેખાતા હોય તો ભગવાન તરીકે પૂજવાનો તેમને અધિકાર છે. કોઈને એમાં અતિરેક નજરે પડતો હોય તો પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે. વાત એમ છે કેકોમવાદી હિન્દુઓ મુસ્લિમ ફકીરનું હિન્દુકરણ કરી રહ્યા છે અને સનાતની હિન્દુઓને મુસ્લિમ ફકીરને અવતાર તરીકે પૂજવામાં આવે એની સામે વાંધો છે. આમ આ પ્રશ્ન શ્રદ્ધાનો નથી, કોમવાદી રાજકારણનો છેમંતવ્ય-સ્થાન - રમેશ ઓઝા

શિર્ડીના સાંઈબાબા ભગવાનનો અવતાર છે કે નહીં એ વિવાદમાં ન્યાય તોળવાની સર્વોચ્ચ અદાલતે ના પાડી દીધી છે. સર્વોચ્ચ અદાલતોએ અને વડી અદાલતોએ આવી રીતના ઘણા મામલાઓમાં ન્યાય તોળવાની કે આદેશો આપવાની લાલચ રોકવી જોઈએ. અદાલતોનું કામ કાયદાની મર્યાદામાં રહીને ન્યાય તોળવાનું છે. જેને કાયદા સાથે લેવાદેવા નથી અને જે શુદ્ધ શ્રદ્ધાનો કે અશ્રદ્ધાનો વિષય છે એમાં અદાલતો ન્યાય ન તોળી શકે. સમાજમાં ઘણા પ્રશ્ને ચર્ચા ચાલતી રહે છે અને એ દરેક પ્રશ્ને અભિપ્રાયો આપવાની જરૂર હોતી નથી. એ વિવાદ જો વકરે અને કોઈ કાયદો હાથમાં લે તો પોલીસ ગુનો નોંધી શકે છે અને અદાલત સજા કરી શકે છે. એ વિવાદમાં જો કોઈ વિરોધીની બદનક્ષી કરે તો એને માટે પણ કાયદો છે અને એવા ગુનામાં અદાલત ન્યાય કરી શકે. અંગત માન્યતાના સાચા-ખોટાપણામાં અદાલતોએ પડવાનું નથી હોતું. આમ સર્વોચ્ચ અદાલતનો નર્ણિય આવકાર્ય અને અનુકરણીય છે.

દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ હિન્દુઓને સલાહ આપી હતી કે શિર્ડીના સાંઈબાબા એક ફકીર હતા અને તેમને ભગવાન તરીકે કે ભગવાનના અવતાર તરીકે પૂજવા એ ખોટું છે. તેમણે હિન્દુઓને સલાહ આપી હતી કે તેમણે સાંઈબાબાને ભગવાન તરીકે ન પૂજવા જોઈએ અને સાંઈભક્તોને સલાહ આપી હતી કે તેમણે સાંઈબાબાને ભગવાન કે ભગવાનના અવતાર તરીકે પ્રોજેક્ટ ન કરવા જોઈએ. આ પ્રશ્ને ખાસ્સો વિવાદ થયો હતો એટલે વિવાદનો અંત લાવવા સાંઈબાબાના એક ભક્તે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી કરીને માગણી કરી હતી કે અદાલતે દ્વારકાના શંકરાચાર્યને સાંઈબાબા વિશે બોલતાં અટકાવવા જોઈએ. આમાં જાહેર હિત ક્યાં આવ્યું એ પહેલો પ્રશ્ન છે. આમાં કાયદાનો ભંગ ક્યાં થયો એ બીજો પ્રશ્ન છે. દ્વારકાના શંકરાચાર્યનો અભિપ્રાય ધરાવવાનો અને વ્યક્ત કરવાનો અધિકાર એ ત્રીજો પ્રશ્ન છે. સાંઈભક્તોનો સાંઈબાબા માટેનો આદર અને પૂજાનો અધિકાર એ ચોથો પ્રશ્ન છે. આમાં અદાલતની કોઈ ભૂમિકા કોઈ જગ્યાએ બનતી નથી એ વાત અદાલતે અરજકર્તાને જણાવી દીધી છે.

૧૯૯૦ના દાયકામાં રામજન્મભૂમિ આંદોલન ચાલતું હતું ત્યારે શ્રદ્ધા અને કાયદાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. ૧૯૯૨માં હિન્દુ કોમવાદીઓએ બાબરી મસ્જિદ તોડી પાડી એ પછી કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં પ્રેસિડેન્શિયલ રેફરન્સ મોકલ્યો હતો. બંધારણ મુજબ સરકાર કોઈ પ્રશ્ને કાયદાકીય ભૂમિકા ન લઈ શકતી હોય અને મૂંઝવણ અનુભવતી હોય ત્યારે રાષ્ટ્રપતિને કહીને સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય માગે છે. બંધારણમાં આને પ્રેસિડેન્શિયલ રેફરન્સ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. બાબરી મસ્જિદ રામ લલ્લાનું મંદિર તોડીને બાંધવામાં આવી હતી કે પછી એ સ્થળે કોઈ બૌદ્ધ સ્થાપત્ય હતું કે પછી ખાલી જમીન હતી એ એક પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન પાંચસો વર્ષ પહેલાં જો કોઈ ગુનો થયો હોય તો એ ગુનો સુધારી શકાય કે કેમ એ હતો. ત્રીજો પ્રશ્ન ભારતીય રાજ્ય બંધારણ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં કેટલાં વર્ષ પાછળ જઈ શકે? એક રીતે જુઓ તો વર્તમાન ભારતીય રાજ્ય બંધારણ દ્વારા અને બંધારણ પછી અસ્તિત્વમાં આવ્યું છે.

સર્વોચ્ચ અદાલતે બાબરી મસ્જિદ વિશેના પ્રેસિડેન્શિયલ રેફરન્સ માટે જાહેર જનતાનો અભિપ્રાય માગ્યો હતો. હજારોની સંખ્યામાં નાગરિકોએ અને બંધારણવિદોએ પોતાના અંગત અભિપ્રાય આપ્યા હતા. સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે સવાર઼્ગીણ અભ્યાસ કરીને અભિપ્રાય આપ્યો હતો કે વિવાદાસ્પદ સ્થાપત્યની ઐતિહાસિકતા અને સત્યતા નક્કી કરવાનું કામ અદાલતનું નથી. એ વિષય પુરાતત્વ ખાતાનો છે અને એનો અભિપ્રાય પણ ઉપલબ્ધ સાધનો અને પુરાતત્વશાસ્ત્રીઓની સમજ પર આધારિત હોવાનો, આખરી ન હોઈ શકે. આવતી કાલે નવા પુરાવાઓ પણ હાથ લાગી શકે છે અને અભિપ્રાય બદલાઈ શકે છે. ઉપરાંત પુરાતત્વશાસ્ત્રીઓના એકથી વધુ અભિપ્રાય અને એકબીજાની વિરુદ્ધ અભિપ્રાય પણ હોઈ શકે છે. શ્રદ્ધાના વિષયમાં જ્યાં સત્યતા નક્કી કરવી શક્ય નથી અને અદાલતનું એ કામ પણ નથી ત્યાં પાછા જઈને ન્યાય તોળવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. સર્વોચ્ચ અદાલતે ત્યારે કહ્યું હતું કે બંધારણ મુજબ અને વર્તમાન ભારતીય રાજ્યના કાયદાઓ મુજબ વધુમાં વધુ આ જમીન અને એના પરની સંપત્તિના અધિકાર (ટાઇટલ)નો પ્રશ્ન બને છે જેના વિષે ઉત્તર પ્રદેશની અદાલતોમાં ખટલાઓ ચાલી રહ્યા છે જે બન્ને પક્ષને સાંભળીને ન્યાય આપશે.

એ સમયે સર્વોચ્ચ અદાલતના એ નર્ણિયનું સવર્‍ત્ર સ્વાગત કરવામાં આવ્યું હતું એ રીતે સાંઈબાબા વિશેના સર્વોચ્ચ અદાલતના નર્ણિયનું સ્વાગત કરવું જોઈએ. રામેશ્વરથી શ્રીલંકા વચ્ચેના રામસેતુને પણ હિન્દુત્વવાદીઓ શ્રદ્ધાનો અને ઇતિહાસનો વિષય ગણાવે છે. એ જ્યાં સુધી શ્રદ્ધાનો વિષય હોય ત્યાં સુધી કોઈએ કંઈ કહેવાનું રહેતું નથી. એ તેમની અંગત માન્યતા છે અને એવી માન્યતા ધરાવવાનો તેમને અધિકાર છે. એની ઐતિહાસિકતાની વાત કરવામાં આવે ત્યારે પુરાતત્વીય પુરાવાઓની જરૂર પડે છે અને એ પુરાતત્વશાસ્ત્રીઓનો વિષય છે. કોઈ પુરાતત્વશાસ્ત્રીનો અભિપ્રાય આખરી ન હોઈ શકે, પછી ભલે એ ગમે એવો મોટો વિદ્વાન હોય. જે શ્રદ્ધાનો વિષય છે અને ઐતિહાસિકતા અનિિત છે ત્યાં આખરી સત્યનો પ્રશ્ન જ પેદા નથી થતો. પાંચ વર્ષ પહેલાં રામસેતુના મામલામાં પડવાની પણ સર્વોચ્ચ અદાલતે ના પાડી દીધી હતી.

ભક્તોને સાંઈબાબામાં ભગવાન દેખાતા હોય તો ભગવાન તરીકે પૂજવાનો તેમને અધિકાર છે. કોઈને એમાં અતિરેક નજરે પડતો હોય તો પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે. વાત એમ છે કે કોમવાદી હિન્દુઓ મુસ્લિમ ફકીરનું હિન્દુકરણ કરી રહ્યા છે અને સનાતની હિન્દુઓને મુસ્લિમ ફકીરને અવતાર તરીકે પૂજવામાં આવે એની સામે વાંધો છે. આમ આ પ્રશ્ન શ્રદ્ધાનો નથી, કોમવાદી રાજકારણનો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK