Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યા કેસ: દલીલો પૂર્ણ અને સુપ્રીમે નિર્ણય સુરક્ષિત રાખ્યો

અયોધ્યા કેસ: દલીલો પૂર્ણ અને સુપ્રીમે નિર્ણય સુરક્ષિત રાખ્યો

17 October, 2019 03:00 PM IST | નવી દિલ્હી

અયોધ્યા કેસ: દલીલો પૂર્ણ અને સુપ્રીમે નિર્ણય સુરક્ષિત રાખ્યો

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ


દશકાઓથી ચાલી રહેલા અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસની આજે અંતિમ સુનાવણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આજે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા પછી નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હિન્દુ પક્ષ તરફથી નિર્મોહી અખાડા, હિન્દુ મહાસભા, રામજન્મભૂમિ ન્યાસ તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી. જ્યારે મુસ્લિમ પક્ષ તરફથી રાજીવ ધવને તેમની દલીલો રજૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવેમ્બરના પહેલા સપ્તાહમાં આ કેસનો ચુકાદો આવી શકે છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આજે સાંજે ૫ વાગે સુનાવણી ખતમ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ દરેક પક્ષોએ ૪ વાગતા સુધીમાં જ દલીલો પૂર્ણ કરી દીધી હતી. હવે આગામી ૨૩ દિવસ બાદ સુપ્રીમ દ્વારા ચુકાદા પર સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ૧૭ નવેમ્બરે નિવૃત્ત થશે તે પહેલાં ચુકાદો આવી જાય તેવી પ્રબળ સંભાવના છે.

સુપ્રીમ કોર્ટમાં સૌથી અંતમાં મુસ્લિમ પક્ષ તરફથી દલીલો રાખવામાં આવી. હવે સુપ્રીમ કોર્ટે લિખિત સોગંદનામું, મોલ્ડિંગ ઑફ રિલીફને રિલીફમાં જમા કરવા માટે ૩ દિવસનો સમય આપ્યો છે.



આજે છેલ્લા દિવસે પણ બન્ને પક્ષો વચ્ચે ધારદાર દલીલો થઈ હતી. કોર્ટમાં જજોની બેન્ચ સામે મુસ્લિમ પક્ષ (સુન્ની વક્ફ બોર્ડ)ના વકીલે અયોધ્યા સંબંધિત એક નક્શો ફાડી નાખ્યો હતો, જેના પર કોર્ટમાં હોબાળો થઈ ગયો. તેના પછી હિન્દુ મહાસભાના વકીલ અને મુસ્લિમ પક્ષના વકીલે તીખી પ્રતિક્રિયા આપી, જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નારાજગી વ્યક્ત કરી.


૪૦મા દિવસની સુનાવણીમાં હિન્દુ મહાસભાના વકીલ વિકાસસિંહે અયોધ્યા સંબંધિત એક નક્શો બતાવ્યો. આ નક્શો ઓક્સફર્ડના એક પુસ્તકનો ભાગ હતો. આ નક્શો મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને ફાડી નાખ્યો. મળતી માહિતી મુજબ તેમણે નક્શાના પાંચ ટુકડા કરી નાખ્યા.

નક્શો ફાડવાની ઘટના બાદ કોર્ટમાં વકીલો વચ્ચે તણખા ઝર્યા હતા. તેના પર ચીફ જસ્ટિસ સહિત આખી બેન્ચે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે જો વાદવિવાદ આ રીતે ચાલ્યો તો તેઓ ઊઠીને જતા રહેશે. તેના પર હિન્દુ મહાસભાના વકીલે કહ્યું કે તેઓ કોર્ટની ઘણી ઈજ્જત કરે છે અને તેમણે કોર્ટની મર્યાદા ભંગ નથી કરી.


જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે નકશા પરથી લાગે છે કે રામ ચબૂતરો અંદર હતો. આના પર રાજીવ ધવને કહ્યું કે બન્ને તરફ કબ્રસ્તાન છે. ચબૂતરો પણ મસ્જિદનો ભાગ છે. ફક્ત ઇમારત જ નહીં, પરંતુ આખી જગ્યા મસ્જિદનો ભાગ છે.

હિન્દુ અને મુસ્લિમ પક્ષના વકીલોમાં બોલાચાલી

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને આ દરમ્યાન નિર્ણયના અનુવાદ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રામ-જન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિના વકીલ પી. એન. મિશ્રાએ અનુવાદને યોગ્ય ગણાવ્યું અને વધુ એક ફકરો વાંચ્યો, પણ અમે તેમને પહેલાં પણ સાંભળી ચૂક્યા છીએ. બાબર દ્વારા મસ્જિદના નિર્માણ માટે ગ્રાન્ટ અને ભાડું માફ કરવાના દસ્તાવેજ છે. આ અંગે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે ગ્રાન્ટમાંથી તમને માલિકી અધિકારની પુષ્ટિ કેવી રીતે થાય છે? રાજીવ ધવને કહ્યું કે જમીદારી અને ભાડાંના જમાના પ્રમાણે જોવા જઈએ તો જમીનના માલિકને જ ગ્રાન્ટ મળતી હતી. રાજીવ ધવને કહ્યું કે આ લોકોની દલીલો મૂર્ખતા ભરેલી છે કારણ કે તેમને ભૂમિ કાયદા અંગેની કોઈ માહિતી નથી. આ અંગે પીએન મિશ્રાએ કહ્યું કે લૅન્ડ-લૉ પર બે પુસ્તક લખ્યાં છે અને તમે કહી રહ્યા છો કે મને કાયદો નથી ખબર. આ અંગે રાજીવ ધવને કહ્યું કે તમારા પુસ્તકોને સલામ, તેની પર પીએચડી કરી લો.

આ પણ વાંચો : દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત બીજા દિવસે ખરાબઃ યલ્લો લેવલ રેકૉર્ડ થયું

નષ્ટ થઈઃ મુસ્લિમ પક્ષ વકીલ

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે હિન્દુ પક્ષકારોએ કુરાન આધારિત જે પણ દલીલો કરી છે તેમાં કોઈ દમ નથી. રાજીવ ધવને કહ્યું કે અમે અમારી જમીન પર કબજો ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું કે જે દસ્તાવેજોની વાત થઈ રહી છે તેના ચાર અર્થ છે. પહેલો ઉર્દૂ, પછી હિન્દી જે જિલાની તરફથી થયું, પછી ફરી એક હિન્દી જે હાઈ કોર્ટ જસ્ટિસ અગ્રવાલ તરફથી કરાયું. તેમણે કહ્યું કે ૨૦૧૭માં ચોથું ટ્રાન્સલેશન થયું હતું. મુસ્લિમ પક્ષે તેમની દલીલમાં કહ્યું કે ૬ ડિસેમ્બર ૧૯૯૨માં જે નષ્ટ કરવામાં આવી તે અમારી પ્રોપર્ટી હતી. વક્ફ સંપત્તિના મતવલ્લી જ તેના સમારકામના જવાબદાર હોય છે. તેને બોર્ડ જ નક્કી કરે છે. રાજીવ ધવને કહ્યું કે અયોધ્યાને અવધ અથવા ઔધ લખવામાં આવે છે. તેની તપાસ સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ વિશે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે જો અમે તમારા આધારે જોઈએ તો તે માલિકીહકના દસ્તાવેજો નથી.

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2019 03:00 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK