કૃષિ કાયદા પર તમે રોક લગાવશો કે અમે પગલાં ભરીએ?

Published: 12th January, 2021 14:22 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

આંદોલનકારી ખેડૂતોની પડખે સુપ્રીમ: મોદી સરકારની ઝાટકણી કાઢી

સુપ્રીમ કોર્ટે કૃષિ કાનૂનો પર ગઈ કાલે સખત વલણ અપનાવતાં સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે સરકારને સીધો સવાલ કર્યો કે કાનૂનને સ્થગિત કરે છે કે પછી એના પર તે રોક લગાવી દે? કોર્ટે કહ્યું કે ખેડૂતોની ચિંતાઓને કમિટીની સામે રાખવાની જરૂર છે. તેમણે ભૂપૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા આર. એમ. લોઢાની અધ્યક્ષતામાં કમિટી બનાવવાનું સૂચન પણ આપ્યું. લોઢા સ્પૉટ ફિક્સિંગ મામલામાં બનાવાયેલી કમિટીના અધ્યક્ષ પણ હતા. કોર્ટે ખેડૂત આંદોલન પર સરકારના વિવાદને ઉકેલવાની રીત સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારને તીખા સવાલો પણ પૂછ્યા હતા. નોંધનીય છે કે આ મામલાને કાલે ફરીથી સાંભળવામાં આવશે અને એમાં કમિટીના ગઠનને લઈને મોટો નિર્ણય સામે આવી શકે છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે અમે નથી સમજતા કે તમે યોગ્ય રીતે મામલાને હૅન્ડલ કર્યો છે. કોર્ટે કહ્યું કે અમે અત્યારે કાનૂનના મેરિટ પર જઈ રહ્યા નથી, પણ અમારી ચિંતા હાલની ગ્રાઉન્ડ સ્થિતિને લઈને છે જે ખેડૂતોના પ્રદર્શનને કારણે થઈ છે.

ખેડૂત સંગઠનોના વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે અમે ૨૬ જાન્યુઆરીને ટ્રૅક્ટર માર્ચ કરવા જઈ રહ્યા નથી. તેઓએ કહ્યું કે આટલો મહત્ત્વપૂર્ણ કાયદો કેવી રીતે સંસદમાં ચર્ચા વગર ધ્વનિમતથી પાસ કરી દેવાયો.

ચીફ જસ્ટિસે કહ્યું કે અમને ખુશી થઈ છે કે દવેએ આમ કહ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પ્રદર્શનની વિરોધમાં નથી, પણ જો કાનૂન પર રોક લગાવી દેવામાં આવે તો ખેડૂત શું પ્રદર્શન સ્થળથી પોતાના ઘરે પરત જતા રહેશે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખેડૂત કાનૂન પરત ખેંચવા ઇચ્છે છે, જ્યારે સરકાર મુદ્દાઓ પર વાત કરવા માગે છે. અમે અત્યારે કમિટી બનાવીશું અને કમિટીની વાતચીત ચાલુ રહેવા સુધી કાનૂનના અમલ પર અમે સ્ટે મૂકીશું.

જ્યારે સૉલિસિટર જનરલે કમિટી માટે નામની ભલામણ માટે એક દિવસનો સમય માગ્યો તો સીજેઆઇએ કહ્યું કે અમે રિટાયર થઈ રહ્યા છીએ. અમે આદેશ જાહેર કરીશું. એના પર એટર્ની જનરલે કહ્યું કે આદેશને કાલે આપજો, ઉતાવળ ન કરો. તો સીજેઆઇએ કહ્યું કે કેમ નહીં? અમે તમને બહુ લાંબો રસ્તો આપ્યો છે. અમને ધીરજ પર લેક્ચર ન આપો. અમે નક્કી કરીશું કે ક્યારે આદેશ આપવાનો છે. અમે આદેશનો અમુક ભાગ આજે આપી શકીએ છીએ અને બાકીનો કાલે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK