Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ત્રણ જણનાં લગ્ન થાય?

ત્રણ જણનાં લગ્ન થાય?

23 September, 2012 07:56 AM IST |

ત્રણ જણનાં લગ્ન થાય?

ત્રણ જણનાં લગ્ન થાય?




સેજલ પટેલ





સલમાન ખાનના પપ્પા સલીમ ખાન વર્ષોથી બે પત્નીઓ સલમા અને હેલન સાથે એક છત નીચે સુમેળથી રહે છે. તેમનો ધર્મ ભલે એકથી વધુ પત્નીઓ કરવાની છૂટ આપતો હોય, પણ બન્નેને સાથે રાખીને સંવાદિતા સાથે જીવવું એ મોટી વાત છે. પરિણીત ધર્મેન્દ્રએ ધર્મપરિવર્તન કરીને હેમા માલિની સાથે લગ્ન કર્યા, પણ તેઓ ક્યાં બન્ને પત્નીને સાથે રાખી શક્યા? ગુજરાતી ભાષાના કેટલાક સાહિત્યકારો અને મુંબઈના એક રાજકારણી બે પત્નીઓ સાથે સુમેળથી રહે છે, પણ બીજાં લગ્ન માટે તેમણે ધર્મપરિવર્તન ન કરાવ્યું હોય તો આ થ્રી-ઇન-વન જોડાણ ગેરકાયદે છે. અત્યારે આ ચર્ચા માંડવામાં નિમિત્ત બની છે બ્રાઝિલની એક ઘટના, જેમાં એક પુરુષ અને બે સ્ત્રીઓના જોડાણને સિવિલ યુનિયન તરીકે કાયદેસરતા આપવામાં આવી છે.

હવે આ ત્રણ જણ કઈ રીતે આપસમાં હળીમળીને રહે છે એ તો સમય જતાં ખબર પડશે, પણ અહીં નજર કરીએ અમદાવાદ અને અમેરિકાના એક-એક કિસ્સા પર જેમાં એક પુરુષ અને બે સ્ત્રીઓ રાજીખુશીથી સાથે રહે છે. હા, ફરકમાત્ર એટલો કે તેમના આ જોડાણની બહારની દુનિયાને બિલકુલ ખબર નથી. આ બેમાંથી એક કિસ્સામાં તો ત્રણ જણનાં કુલ મળીને જે આઠ બાળકો છે તેમને પણ ખબર નથી. આ બે ઉપરાંત એક કિસ્સો બે પુરુષ અને એક સ્ત્રીનો છે, પણ આ જોડાણ સાડાત્રણ વર્ષ સુધી જ ચાલી શકેલું.



લેસ્બિયન સંબંધો દર્શાવતી શબાના આઝમી અને નંદિતા દાસની ફિલ્મ ‘ફાયર’ ૧૯૯૮માં રિલીઝ થયેલી ત્યારે ઠેર-ઠેર થિયેટરોમાં તોફાનો મચેલાં. ૨૦૦૮માં અભિષેક બચ્ચન અને જૉન એબ્રાહમની ‘દોસ્તાના’ રિલીઝ થઈ ત્યારે હવે જમાનો બદલાઈ ગયો છે અને કેવું-કેવું છડેચોક દર્શાવાય છે એવું કહીને કેટલાકે નાકનાં ટીચકાં ચડાવ્યાં, પણ એકંદરે સમાજમાં થોડોક સ્વીકાર આવી ગયેલો. જોકે ફિલ્મોમાં જે વાત સ્વીકારવામાં આવી છે એને હજી રિયલ લાઇફમાં એટલી નથી સ્વીકારવામાં આવતી. બે સ્ત્રીમિત્રો કે પુરુષમિત્રો પોતાને કપલ તરીકે જાહેર કરીને સુખચેનની જિંદગી જીવી શકે એવું હજીયે બહુ ઓછું બને છે.

એવામાં થોડા દિવસ પહેલાં બ્રાઝિલના સમાચારે શાંત વાતાવરણમાં કાંકરો નાખવાનું કામ કર્યું છે. રિયો ડી જાનેરોમાં છેલ્લાં ત્રણ વરસથી સાથે એક ઘરમાં રહેતાં એક યુવક અને બે યુવતીઓએ તેમની આ યુનિક લિવ-ઇન રિલેશનશિપને નામ આપવાનું નક્કી કર્યું છે એટલું જ નહીં, સાઓ પાઉલોના નોટરીએ તેમના આ જોડાણને સિવિલ યુનિયન તરીકે સ્વીકારીને જબરદસ્ત ખળભળાટ મચાવી દીધો છે. અહીં સવાલ એ થાય કે બે જણ જોડાય એને લગ્ન કહેવાય, પણ ત્રણ જણ લગ્નસંબંધથી જોડાઈ શકે? ત્રણ વ્યક્તિનો લવ-ટ્રાયેન્ગલ જ હોય, જેમાં એક વ્યક્તિને બે જણ ચાહતા હોય ને લગ્ન તો એક જ વ્યક્તિ સાથે થઈ શકે એમ હોવાથી એકે દુખી થઈને છૂટા પડવું જ પડે એવી આપણા સમાજની વણકહી પણ દૃઢ માન્યતા છે.

આપણા સમાજની માનસિકતાની વાત કરીએ તો હજીયે ટૂ ઇઝ કંપની ઍન્ડ થ્રી ઇઝ અ ક્રાઉડ જ છે. એકપત્નીવ્રત/પતિવ્રતના સિદ્ધાંતોવાળા આપણા સમાજમાં શું કદી થ્રી ઇઝ કંપનીનો કૉન્સેપ્ટ સ્વીકાર્ય બની શકે ખરો? એથીયે આગળ વધીને પાયાનો સવાલ એ થાય કે જેમ લગ્નમાં બે વ્યક્તિ એકમેકમાં ઓતપ્રોત થયેલી અને પરસ્પરના પ્રેમમાં તરબોળ થયેલી હોય એવું ત્રણ જણના સંબંધોમાં થવું શક્ય છે? જો થાય તો તેમના સંબંધોનું ડાયનૅમિક્સ કેવું હોય?

બ્રાઝિલ અને એના જેવા પશ્ચિમના દેશોમાં જ આવાં નાટક ચાલે એવું જો તમે વિચારતા હો તો એ સંપૂર્ણ સત્ય નથી. એને વિકૃતિ કહીને વખોડી નાખવી સહેલી છે, પણ ખરેખર આવા એક કરતાં વધુ લોકો સાથે પ્રેમની અનુભૂતિ મહેસૂસ કરનારા લોકોની દાસ્તાન આપણી આસપાસમાં પણ છે જ, માત્ર સમાજના ડરે એ દાસ્તાનો કદી બહાર નથી આવી.

અમદાવાદમાં આવી જ ત્રણ વ્યક્તિઓની એક પ્રેમકથા પાંગરી રહી છે. છેલ્લાં ચાર વરસથી એક જ ઘરમાં એક યુવક અને બે યુવતીઓ સાથે રહે છે. તેમની અંગત લાઇફ ખૂબ જ સુખી અને સંતુષ્ટ છે. માત્ર જો એક વસવસો હોય તો એ જ કે તેઓ પોતાની લાગણી બીજાની જેમ જાહેર નથી કરી શકતાં. અત્યંત નજીકના મિત્રો અને યુવકનાં માતા-પિતા સિવાય તેમની પ્રણયગાથા વિશે કોઈ નથી જાણતું. હા, યુવકનાં માતા-પિતાએ શરૂઆતમાં જબરદસ્ત વિરોધ કયોર્ હતો, પણ આખરે તેમને પણ સમજાઈ ગયું છે કે દીકરાની લાગણીથી વિરુદ્ધ તેઓ નહીં જઈ શકે.

નામ અને ઓળખ છૂપી રાખવાની શરતે તેમની સાથે અમે થોડીક વાત કરી. બે જણને જેમ કપલ કહેવાય એમ આ ત્રણ જણ પોતાને થ્રી-પલ તરીકે ઓળખાવે છે. વાતને સરળતાથી સમજી શકાય એ માટે આપણે તેમનાં નામ પાડી દઈએ. આ સંબંધમાં જે બે છોકરીઓ છે તે બે સગી બહેનો છે - નિધિ અને નિરાલી. જે યુવક સાથે તેઓ સંકળાયેલાં છે તેનું નામ છે વિવેક. વિવેકની વય ૩૬ વર્ષ, નિધિ ૩૬ વર્ષ અને નિરાલી ૩૩ વર્ષની છે. વિવેક અને નિધિ બન્ને કૉલેજકાળથી ક્લાસમેટ્સ હતાં. કૉલેજમાં વિવેકની ઇમેજ ખૂબ જ સીધાસાદા છોકરાની. કોઈની સાથે ફ્લર્ટ કરવાની વાત તો દૂર, લાઇબ્રેરી અને ક્લાસિસમાંથી તેની નજર બીજે ક્યાંય જતી જ નહીં. આ જ કારણોસર નિધિને તે મનોમન ખૂબ પસંદ હતો. ભણવાનું સાથે જ પૂરું થયું અને બન્નેએ એક જ કંપનીમાં ઍપ્રેન્ટિસશિપ માટે જવાનું થયું. ત્યાં ઘનિષ્ઠ સંબંધો બંધાયા. મૅચ્યોર વયે તેમની વચ્ચે ખૂબ જ સ્પેશ્યલ ફ્રેન્ડશિપ બંધાઈ.

આ દરમ્યાન નિધિના ઘરે વિવેકનું અવારનવાર આવવા-જવાનું થતું. એને કારણે વિવેક અને નિરાલી વચ્ચે પણ સારી દોસ્તી થઈ. વચ્ચે એક વાત કહી દઈએ કે વિવેક સિંધી હતો ને નિધિ ગુજરાતી બ્રાહ્મણ. નિધિના ઘરમાં સ્ટ્રિક્ટ વૉર્નિંગ હતી કે લગ્ન તો માત્ર બ્રાહ્મણ સાથે જ થશે. એટલે જ્યારે પણ ઘરમાં વિવેક વિશે વાત થાય ત્યારે નિધિ કહેતી કે ના-ના, તે તો મારો જસ્ટ ફ્રેન્ડ છે. બીજી તરફ નિરાલીને પણ વિવેક પર ક્રશ હતો, એટલે નિધિ જ્યારે કહેતી કે વિવેક તો મારો જસ્ટ ફ્રેન્ડ છે ત્યારે તેને લાગતું કે પોતાની લાઇન ક્લિયર છે.

આ પ્રકારના લુકાછુપીભર્યા સંબંધો લગભગ ચારેક વરસ ચાલ્યા હશે. નિધિ-નિરાલી કોઈક ને કોઈક કારણસર લગ્નની વાત ટાળતાં રહેતાં ને છાનેખૂણે બન્નેનો અફેર વિવેક સાથે જ ચાલતો. બેઉ એકબીજાને પોતાના બૉયફ્રેન્ડ વિશે વાત કરતાં, પણ બૉયફ્રેન્ડ કોણ છે એની સ્પષ્ટતા ન થતી. એક તબક્કે બન્ને વિવેક સાથે કોઈ સંબંધ વિના જ ફિઝિકલ ઇન્ટિમસી સુધી પહોંચી ગયાં. નિરાલી નાની, પણ પેરન્ટ્સ સામે બળવો પોકારવાની બાબતમાં નિધિ કરતાં વધુ હિંમતબાજ. એક દિવસ તેણે વિવેકને કહી દીધું કે હવે બહુ થયું, આપણે ભાગીને લગ્ન કરી લઈએ. આ વાત સાંભળીને વિવેકની દ્વિધા વધી ગઈ. તેણે નિધિ અને નિરાલી બન્નેને મળવાનું બંધ કરી દીધું. લગભગ પંદર દિવસ પછી તેણે બન્ને બહેનોને એકસાથે બોલાવી અને બધી જ વાતની ચોખવટ કરી દીધી. એ દિવસે શું અને કેવી વાત થઈ એ વિશે વિવેક કહે છે, ‘જ્યારે મને લાગ્યું કે હવે લગ્ન બાબતે બેમાંથી કોઈકને પસંદ તો કરવી જ પડશે ત્યારે હું ગભરાઈ ગયેલો. કોને નારાજ કરું? નિધિ અને નિરાલી બન્નેને હું ખૂબ પ્રેમ કરું છું. જે પંદર દિવસ હું છુપાઈ ગયેલો એ દરમ્યાન મેં ખૂબ વિચાર્યું કે હું શું કરું? વાત માત્ર બેમાંથી એકને નારાજ કરવા પૂરતી જ નહોતી, મારી પોતાની લાગણીઓની પણ હતી. મેં ખૂબ તપાસ્યું ને પછી નક્કી કર્યું કે કાં હું બન્નેની સાથે રહીશ, કાં તેઓ મને છોડી દઈ શકે છે. મેં બન્નેને સાથે બોલાવીને સાચી હકીકત કહી દીધી કે હું તમને બન્નેને ખૂબ જ પ્રેમ કરું છું. લગ્ન કરીશ તો બન્ને સાથે, નહીંતર કુંવારો રહીશ. મારી વાત સાંભળીને નિધિએ મને લાફો ઝીંકી દીધેલો અને ઊભી થઈને જતી રહેલી. નિરાલી સાવ જ ભાંગી પડેલી.’

૨૦૦૪માં આ પ્રણયત્રિકોણનો ખુલાસો થયો ત્યાર બાદ બન્ને બહેનોએ વિવેકનું મોઢું પણ નહીં જોવાનું નક્કી કર્યું. નિરાલી કહે છે, ‘અમે લગભગ એક વરસ વિવેક સાથે કોઈ જ સંપર્ક ન રાખ્યો, છતાં તેના વિશે અમારી વચ્ચે ખૂબ વાતો થતી. અમે બન્ને તેની સાથેના અમારા અનુભવ એકબીજા સાથે શૅર કરતાં. ખબર નહીં ક્યારે, પણ અમને બન્નેને લાગવા માંડ્યું કે ખરેખર વિવેક અમને બન્નેને એકસરખો પ્રેમ કરતો હતો, છતાં અમે તેને છોડી દીધો હતો એટલે તેને ભૂલી જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. બન્ને બહેનોનું બ્રેક-અપ સાથે થયેલું એટલે અમારી વચ્ચે ખૂબ સારું બૉન્ડિંગ થવા લાગ્યું, પહેલાં કરતાંય વધારે.’

કૉમન ફ્રેન્ડ થ્રૂ એક બર્થ-ડે પાર્ટીમાં મળવાનું થયું. વિવેક એ વખતે પણ સિંગલ જ હતો. નિધિ ફરી વારની મુલાકાત વિશે કહે છે, ‘આ વખતે અમારી વચ્ચે ખૂબબધી વાતો થઈ. હજીયે તેનું સ્ટૅન્ડ ક્લિયર હતું કે રહીશ તો બન્ને સાથે, બાકી લગ્ન નથી કરવાં. આ મુલાકાત પછીનું લગભગ એક આખું વરસ અમે ચર્ચામાં વિતાવ્યું. અમે ત્રણેય જણ સાથે રહેવા માટે મનથી તૈયાર થઈ રહ્યાં હતાં, પણ સમાજનો ડર હતો. પેરન્ટ્સની મંજૂરીનો તો કોઈ સવાલ જ નહોતો. લગભગ છથી સાત મહિના અમે વિવેકને એકલાં પણ મળતાં અને ત્રણેય સાથે પણ. અમને બન્નેને લાગ્યું કે જ્યારે અમે બન્ને સાથે હોઈએ છીએ ત્યારે વિવેક વધુ રિલૅક્સ્ડ અને હૅપી હોય છે. ને આખરે મેં અને મારી નાની બહેને નક્કી કર્યું કે આપણે બન્ને વિવેક સાથે રહીશું.’

છેક ૨૦૦૭ના વૅલેન્ટાઇન્સ ડેના દિવસે તેમણે આ જનમ પૂરતું તો સાથે જ રહેવાનું ઑફિશ્યલી નક્કી કર્યું. નિધિ કહે છે, ‘એ અમારો ત્રણેયનો ભેગો પહેલો વૅલેન્ટાઇન્સ ડે હતો. એક હોટેલમાં અમે વૅલેન્ટાઇન્સ પાર્ટીમાં જવાનું નક્કી કર્યું. જોકે એમાં કપલ-પાસ જ મળતા હતા એટલે અમે બે કપલ-પાસ ખરીદ્યા. હોટેલ પર પહોંચ્યા પછી પણ એન્ટ્રી પણ કપલ્સની જ હતી. એટલે પહેલાં નિધિ અને વિવેક અંદર ગયાં. પાંચ-સાત મિનિટ પછી વિવેક કામનું બહાનું કાઢીને બહાર આવ્યો ને અમે નવું કપલ બનીને અંદર ગયાં. મને યાદ છે અમારા ટેબલ પર અમે ત્રણેય સાથે બેસીને વાતો કરતાં હતાં એ જોઈને વેઇટરો અને ત્યાંના મૅનેજર સુધ્ધાંની નજરમાં થોડુંક કુતૂહલ હતું.’

લગ્ન થઈ શકે એમ ન હોવાથી ત્રણેયે લગ્ન વિના સાથે રહેવાનું નક્કી તો કરી લીધું, પણ પછી બન્નેના પેરન્ટ્સનો જબરદસ્ત વિરોધ સહન કરવો પડ્યો. વિવેક કહે છે, ‘નિધિ-નિરાલીના પેરન્ટ્સે અમને નથી સ્વીકાર્યા, પણ મારા પેરન્ટ્સ માની ગયા છે. તેઓ ક્યારેક અમારી સાથે આવીને રહે પણ છે. સોસાયટી અને સમાજના લોકો માટે અમે એક બંગલામાં રહેતા બે ભાડૂતો છીએ. નિધિ-નિરાલી બે બહેનો હોવાથી મોટા ભાગના લોકોને ખાસ શંકા નથી જતી.’

લોકોની શંકાથી બચી શકાય, પણ શું ક્યારેય બન્ને બહેનોમાં સરખામણી કે ઈર્ષાને કારણે તકલીફ નથી થતી? તો જવાબમાં વિવેક કહે છે, ‘થતી હતી. શરૂઆતમાં ઘણી વાર નિરાલીને ખોટું લાગી જતું, પણ એ મારી જવાબદારી છે કે હું બેમાંથી કોઈને ક્યારેય ઓછું ન આવવા દઉં. મારા માટે સૌથી સારી વાત એ છે કે હું જેને ચાહું છું તે બે બહેનો છે એટલે તેઓ એકબીજાને પોતાની હરીફ તરીકે નથી જોતી. પ્રેમના પ્રાથમિક તબક્કાઓ પાર કરી ચૂક્યાં છીએ એટલે બાલિશ બાબતો અમારા સંબંધની ઘનિષ્ઠતાને અસર કરે એમ નથી. હા, એક વાત માટે અમે હજીયે ચર્ચા કરી રહ્યાં છીએ. એમાં ત્રણેયના મતોમાં પણ ખૂબ ડિફરન્સ છે, એ છે બાળકો. બાળકો પેદા કરવાં કે નહીં? અમારામાંથી બે જણને બાળક વિના ફૅમિલી અધૂરી લાગે છે, પણ સામાજિક સ્વીકારના પ્રશ્ને અટકી જવાય છે.’

તેમને સાથે બાંધી રાખતી બાબત કઈ છે એ વિશે ત્રણેયને અલગ-અલગ પૂછ્યું તો ત્રણેયનો એક જ જવાબ છે, ‘પ્રેમ.’

સાચે જ કોઈ ફિલ્મની કહાની બની શકે એવી પટકથા આ પ્રણયત્રિકોણમાં છે.

એટલું તો કહેવું પડે કે ગુજરાતના આ થ્રી-પલને લોકોની માન્યતા મળે કે ન મળે, આ પ્રકારનાં પ્રણયજોડકાં છાનેખૂણે અનેક જગ્યાએ પાંગરતાં હશે એ વાતમાં દમ તો છે જ. આ તો હતી વિજાતીય સંબંધોની જ વાત, પણ સજાતીય અને વિજાતીય સંબંધોના તાણાવાણા પણ એકમેકમાં વણાઈ જાય છે એવા સંબંધો પણ આ દુનિયામાં છે. અમેરિકાના અનફન્ડામેન્ટલ ક્રિિયાનિટી નામના એક ઇન્ફૉર્મલ ગ્રુપ માટે ઇન્ટરનેટ પર આર્ટિકલ લખતા અમેરિકન રાઇટર જૉન શોરે થોડાક મહિના પહેલાં ખળભળાવી નાખે એવા સંબંધો ધરાવતી એક મહિલાનો ઇન્ટરવ્યુ લીધો છે. જૉને એક લેખ લખેલો જેનું હાર્દ હતું કે જો કોઈને ઠેસ પહોંચતી ન હોય તો ભગવાનને તમારી સેક્સ્યુઅલિટીથી કોઈ વાંધો નથી હોતો. આ લેખમાં લખાયેલી વાતો વાંચીને એક મહિલા સામે ચાલીને તેમના ત્રણ વ્યક્તિઓના સંબંધના રાઝ જાહેર કરવા પ્રેરાઈ હતી. જોકે તેણે પણ નામ-ઓળખ છુપાવીને જ પોતાની વાત કહેલી.

લગભગ છ પાનાં ભરીને લખાયેલા આ ઇન્ટરવ્યુનો અર્ક જાણીએ.

આ સંબંધમાં પણ એક પુરુષ છે અને બે સ્ત્રીઓ. તેમની ઉંમર ૩૮, ૩૯ અને ૪૧ વર્ષની છે. આખીયે વાતને સરળતાથી સમજવા જે મહિલાએ ઇન્ટરવ્યુ આપ્યો છે તેનું કાલ્પનિક નામ રાખીએ ક્રિસ્ટિના. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ પ્રણયત્રિકોણમાં તેમની સાથે આઠ બાળકો પણ છે. ચાર બાળકો ક્રિસ્ટિનાનાં પહેલાં લગ્નથી થયેલાં છે અને ચાર બાળકો તેનાં બન્ને પાર્ટનરનાં છે. ક્રિસ્ટિના અને તેની ગર્લફ્રેન્ડ સ્કૂલકાળથી સાથે જ ઊછર્યા છે. બન્નેનાં લગ્ન બીજાં પાત્રો સાથે થયાં પછી પણ તેમની દોસ્તી ખૂબ જ ગાઢ રહી. ક્રિસ્ટિનાનાં પહેલા લગ્નનો અનુભવ ખૂબ ખરાબ રહ્યો. મારપીટ અને શંકાથી ત્રાસીને તેણે ડિવૉર્સ લઈ લીધા. આ છૂટા પડવાની પ્રક્રિયામાં ક્રિસ્ટિનાને તેની ગર્લફ્રેન્ડનો ખૂબ સહારો મળ્યો. ઇમોશનલી અંદરથી તૂટી ગયેલી ક્રિસ્ટિનાને તેણે ખૂબ સપોર્ટ કયોર્ ને તેમની દોસ્તી એટલી ગાઢ બનતી ચાલી કે તેઓ એકબીજાથી ફિઝિકલી પણ અટ્રૅક્ટ થવા લાગ્યાં. ક્રિસ્ટિના ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મારા જ્યારે ખૂબ ખરાબ દિવસો ચાલી રહ્યા હતા ત્યારે મને તેનો ખૂબ સાથ મળ્યો. મનની એકેય વાત એકબીજા સામે ન છુપાવવી પડે એટલી નિખાલસતા અમારી વચ્ચે હતી. એક તબક્કે મેં તેને એ પણ જણાવી દીધું કે મને વિજાતીય સંબંધોની પણ હજી ઝંખના છે ને ક્યારેક કલ્પનામાં હું તારા હસબન્ડને જોતી હોઉં છું. મારી વાત સાંભળીને તેણે પણ કહ્યું કે મારો હસબન્ડ પણ ઘણી વાર મને કહે છે કે તેને પણ તારા માટે સ્પેશ્યલ ફીલિંગ્સ છે.’

એમ ક્રિસ્ટિના અને તેની ફ્રેન્ડના હસબન્ડની રિલેશનશિપ પણ શરૂ થઈ. વિદેશોમાં એકસાથે પાર્ટનર્સ સેક્સ માણે એ વાતમાં કોઈ નવાઈ નથી, પણ આ કિસ્સો કંઈક જુદો જ છે. મોટા ભાગના થ્રી-સમ સેક્સસંબંધો ટેમ્પરરી હોય છે. આ સંબંધો લાંબા નથી ચાલતા, પણ ક્રિસ્ટિનાના પાર્ટનર્સ સાથેના સંબંધો છેલ્લાં ત્રણ વરસથી છે. ક્રિસ્ટિના કહે છે, ‘

‘એક વાર અમે ત્રણેયે સાથે સંબંધો રાખ્યા પછી એક વરસ માટે છૂટાં પડવાનું પણ નક્કી કર્યું. જોકે એ વખતે મને, મારી ફ્રેન્ડ અને તેના હસબન્ડને જીવનમાં કંઈક ખૂટતું હોય એવું લાગવા માંડ્યું. આખરે અમે પણ દુનિયાની પરવા કર્યા વિના સાથે રહેવાનું શરૂ કરી દીધું.’

આ નિર્ણય લેતાં પહેલાં આ ત્રણેય વ્યક્તિઓએ અત્યંત નિખાલસ ચર્ચાઓ કરી છે. ક્રિસ્ટિના કહે છે, ‘જ્યારે અમે ત્રણેય જણ એકબીજાને એકદમ યુનિક રીતે ચાહીએ છીએ ત્યારે અમે લૉન્ગ-ટર્મ કમિટેડ રિલેશનશિપમાં જવાનું નક્કી કર્યું અને એક કૉમન મોટું ઘર ખરીદ્યું, જેમાં અમારાં આઠ બાળકો સાથે અમે નવી દુનિયા વસાવી શકીએ. શરૂઆતમાં આ સંબંધોને કારણે અમારા મનની અસલામતીઓની પણ અમે ચર્ચા કરી. જ્યારે તે બે જણ સાથે હોય ત્યારે મને થતું કે તે લોકો તો ઘણાં વષોર્થી મૅરિડ છે, તેમને કદાચ ભવિષ્યમાં મારી જરૂર નહીં રહે. જ્યારે હું અને તેનો હસબન્ડ સાથે હોઈએ ત્યારે મારી ફ્રેન્ડને થતું કે ક્યાંક આ બે જણ મને તો સાઇડલાઇન નહીં કરી દેને? તો જ્યારે હું અને મારી ફ્રેન્ડ સાથે હોઈએ ત્યારે તેના હસબન્ડને થતું કે ક્યાંક આ બેના સજાતીય સંબંધોમાં તેઓ મને અને સંતાનોને તો ભૂલી નહીં જાયને? અમે અમારો સંબંધ જગતથી છુપાવ્યો છે, પણ મનમાં આવતો એકેય વિચાર એકબીજાથી છુપાવ્યો નથી. અમે ત્રણેય એકમેકના પ્રેમમાં એટલાં ઓતપ્રોત થયેલાં છીએ કે બીજી વ્યક્તિના ત્રીજી વ્યક્તિ માટેના પ્રેમ વિશે જાણીને અસલામતી નથી અનુભવતાં.’

તેમના આ સંબંધો સમાજથી નહીં, તેમનાં આઠ બાળકોથી પણ છૂપા છે. ઘરમાં માસ્ટર બેડરૂમ અને એક બેડરૂમ વચ્ચે કનેક્ટિંગ બાથરૂમ છે જે આ પ્રણયત્રિકોણને જોડવાનું કામ કરે છે. ક્રિસ્ટિના કહે છે, ‘બાળકો સામે અમે હજીયે માત્ર બેસ્ટ ફ્રેન્ડ્સ જ છીએ. તેઓ હસબન્ડ-વાઇફ જ છે અને હું તેમની બેસ્ટ ફ્રેન્ડ. મને અંગત રીતે લાગે છે કે સમાજથી અમારા સંબંધો છુપાવવામાં અમને જેટલી તકલીફ નથી પડતી એનાથી અનેકગણી તકલીફ સંતાનોથી છુપાવવામાં થાય છે. મારી ફ્રેન્ડ માને છે કે બાળકો ટીનેજ વટાવી દે એટલે આપણે તેમને કહી દેવું જોઈએ, પણ હું અને તેનો હસબન્ડ આ બાબતે તૈયાર નથી. અમારો એક જ નિયમ છે કે કોઈ પણ અંગત નિર્ણય ત્રણેય વ્યક્તિની સહમતીથી જ લેવાય. મને વિશ્વાસ છે કે સંતાનોને સચ્ચાઈની જાણ કરવા બાબતે પણ અમે ઝડપથી સહમતી સાધીશું.’

આધુનિક યુગમાં મનોરંજન માટેના થ્રી-સમ સેક્સસંબંધોની નવાઈ નથી. પુરુષના લગ્નબાહ્ય સંબંધો હોવાથી પહેલી પત્નીએ મને-કમને બીજી પત્નીને સ્વીકારી લઈને તેઓ એક છત નીચે રહેવા લાગ્યાં હોય એવા ત્રિકોણિયા સંબંધો હવે ઓછા નથી. જોકે એમાંય મોટા ભાગે બન્ને સ્ત્રીઓ માટે સામેવાળી સ્ત્રી મનોમન તો ‘વો’ જ હોય છે. એટલે એવા થ્રી-સમ સંબંધોની ગરિમા જળવાતી નથી. હવે સંબંધોના સમીકરણમાં જે ઉત્ક્રાન્તિ જોવા મળી રહી છે એ અનોખી એટલા માટે છે કે અહીં ત્રણે પાર્ટનર્સ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને સમજે છે.

એકને જ પ્રેમ થાય અને એકની સાથે જ લગ્ન થાય એ માન્યતાને જાણે યુવાપેઢી ફગાવી રહી છે. સાઇકોલૉજિસ્ટો અને રિલેશનશિપ કાઉન્સેલરોએ આવા સંબંધો બાબતે લાલ બત્તી ધરી છે કે શરૂ-શરૂમાં રોમાંચક અને સાહસિક દેખાતા ત્રિકોણિયા સંબંધોમાં દેખાદેખી, ઈર્ષા, સ્વાર્થવૃત્તિ તેમ જ પ્રેમ અને અટેન્શન મેળવવાની હુંસાતુંસીને કારણે સંબંધો લાંબા ચાલે એવી શક્યતાઓ ઓછી છે. જોકે હકીકતમાં તપાસીએ તો માનવસ્વભાવની આ નબળાઈઓ વચ્ચે આવે છે ત્યારે લગ્નજોડકાં પણ ક્યાં ટકે છે?

જાણીતા લેબનીઝ-અમેરિકન વિચારક ખલીલ જિબ્રાનના શબ્દોમાં કહીએ તો સંબંધોને ભીના રાખવા માટે પ્રેમની જરૂર હોય છે. જ્યાં સંબંધોમાં માત્ર પ્રેમ, પ્રેમ અને નિ:સ્વાર્થ પ્રેમ જ હોય ત્યાં જોડકાં, ત્રિકોણિયા કે એથીયે વધુ વ્યક્તિઓનાં સમીકરણો હોય એ અતૂટ બની જાય છે. સવાલ માત્ર એટલો જ છે કે આ સંબંધો રાઇટ ટાઇમે, રાઇટ વ્યક્તિ સાથે, રાઇટ અભિગમથી બંધાયા હોય.

બે પુરુષ અને એક સ્ત્રીનો નિષ્ફળ કેસ

ભલે હિન્દુ ધર્મમાં એકપત્નીત્વ હોય, પણ અન્ય ધમોર્માં બહુપત્નીત્વ સામાન્ય છે એટલે કોઈ પુરુષ બે સ્ત્રીઓ એટલે કે એક કરતાં વધુ પત્નીઓ સાથે રહે એ ઘટના સાવ અસામાન્ય નથી રહી. પણ શું ક્યારેય કોઈ સ્ત્રી બે પુરુષો સાથે આવા ત્રિકોણિયા સંબંધો બાંધી શકે? વડોદરામાં રહેતા આવા ત્રણ મિત્રો લગભગ સાડાત્રણ વરસ સાથે રહીને છૂટા પડી ગયા છે. ૨૦૦૮ની શરૂઆતમાં એક ગુજરાતી કન્યાની સાથે એક ગુજરાતી અને બીજા ક્રિશ્ચિયન યુવકે લિવ-ઇન રિલેશનમાં રહેવાનું શરૂ કરેલું. અલબત્ત, હવે ત્રણેય છૂટા પડી ગયા હોવાથી

જૂના સંબંધોને યાદ કરવાનું તેમને પસંદ નથી.

આ દુખસભર અંતવાળી કહાનીની શરૂઆત તો એક નૉર્મલ લવસ્ટોરીથી જ થયેલી. શેફાલી વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગનું ભણતી હતી ત્યારે ક્રિશ્ચિયન ક્લાસમેટ ઍલન સાથે તેની લવસ્ટોરી શરૂ થઈ. જુદા ધમોર્ને કારણે ઘરમાં વિરોધ થવા છતાં

બન્ને અડીખમ રહ્યાં. નૉર્મલ પ્રેમી-પ્રેમિકાઓ વચ્ચે થતા ઝઘડા અને રિસામણાં-મનામણાં તેમની વચ્ચે પણ થતાં. શેફાલી આ લવઅફેરમાં ગળાડૂબ હતી ત્યારે તેને જબરદસ્ત આઘાત પમાડે એવી સચ્ચાઈ જાણવા મળી. તેનો બૉયફ્રેન્ડ ઍલન બાયસેક્સ્યુઅલ હતો અને તેને એક સજાતીય પાર્ટનર પણ હતો. હકીકત જાણ્યા પછી પણ શેફાલી આ સંબંધમાંથી બહાર નીકળી ન શકી. થોડો સમય તેણે ઍલનથી દૂર રહેવાની કોશિશ કરી, પણ નાકામ રહી. ઍલનની સાથે તેનો સજાતીય પાર્ટનર મનીષ પણ શેફાલીની કાળજી લેવા લાગ્યો. ગુજરાતી કનેક્શનને કારણે તેમને બન્નેને પણ ફાવી ગયું. એક તબક્કે એક્સપરિમેન્ટના નામે ત્રણેએ સાથે શારીરિક સંબંધો બાંધવાનું પણ શરૂ કરી દીધું. શેફાલી કહે છે, ‘મારા પેરન્ટ્સ બૅન્ગલોર રહેતા હોવાથી ઘરમાં રોજેરોજ અમને ટોકવાવાળું કોઈ નહોતું. મનીષના પેરન્ટ્સ પણ બહારગામ રહેતા હતા એટલે સગવડ ખાતર ત્રણેએ સાથે લિવ-ઇન રિલેશનમાં રહેવાનું શરૂ કરી દીધું. અલબત્ત, સાથે રહેવાથી શું થશે એનો કોઈ લાંબો વિચાર કયોર્ નહોતો. અમે માત્ર એટલું જ નક્કી કરેલું કે જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં આસપાસમાં ઝાઝું ભળવું નહીં. જોકે તે બે જણને તો ખાસ વાંધો આવતો નહીં, પણ લોકોની મારા તરફની દૃષ્ટિ બદલાઈ ગયેલી. ઑફિસવાળા કોઈ ફ્રેન્ડને ઘરે બોલાવી ન શકાય. બોલાવું તો હું એકલી જ હોઉં એનું ધ્યાન રાખવું પડે. લગ્ન થયાં છે કે નહીં એવું કોઈ પૂછે ત્યારે શું જવાબ આપવો એ મુશ્કેલ થઈ જતો.’

શું આ માનસિક દ્વિધાને કારણે આ સંબંધોનો અંત આવી ગયો? ના. શેફાલી કહે છે, ‘આ બધી અડચણોને તો કદાચ હું ઓવરકમ કરી શકતી હતી, પણ બે વરસના સહજીવન પછી બાળકના મુદ્દે અમારી વચ્ચે મોટા મતભેદો થયા હતા. મને ફૅમિલી-લાઇફ તો જીવવી જ હતી. એક તબક્કે હું અમારા ત્રણેયના સંબંધો જાહેર કરી દેવા પણ તૈયાર હતી, પરંતુ વાત ત્યાં અટકતી નહોતી. ઍલન અને મનીષ નહોતા ઇચ્છતા કે અમે બાળકની જવાબદારી ઉઠાવીએ, જ્યારે મારા માટે ફૅમિલી-ફીલિંગ મસ્ટ હતી. એ વિના મને ખૂબ અધૂરું-અધૂરું લાગતું હતું. પરસ્પર પ્રેમ હોવો ઠીક છે, પણ એને પરિવાર ન બનાવી શકતા હોવાની ગૂંગળામણ મારાથી સહ્ય નહોતી; જ્યારે એ લોકોનો સવાલ હતો કે બાળક આવે તો તેને કોનું નામ આપવું?’

સંબંધ તોડવાની પહેલ કોણે કરી? શેફાલી કહે છે, ‘અમે સાથે રહ્યાં એ દરમ્યાન ઘણી પૉઝિટિવ મેમરીઝ મને મળી છે. દુખ હોય તો ફક્ત એક જ વાતનું કે મેં પરિવાર શરૂ કરવાની જીદ કરી ત્યારે બન્નેમાંથી કોઈ નમ્યું નહીં. ઊલટાનું તેમણે અમારા સંબંધોની સામે તેમના સજાતીય સંબંધોને જ પસંદ કર્યા.’

છેલ્લા આઠ મહિનાથી શેફાલી અલગ રહે છે. ત્રીસીમાં પ્રવેશ્યા પછી હવે કોઈ નવા સંબંધની તલાશમાં છે.
Whatsapp-channel Whatsapp-channel

23 September, 2012 07:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK