Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > આ ટ્રેન નથી, ત્રણ ડબ્બાવાળી બસ છે

આ ટ્રેન નથી, ત્રણ ડબ્બાવાળી બસ છે

23 September, 2012 07:53 AM IST |

આ ટ્રેન નથી, ત્રણ ડબ્બાવાળી બસ છે

આ ટ્રેન નથી, ત્રણ ડબ્બાવાળી બસ છે




સેજલ પટેલ





મુંબઈથી અમદાવાદ કે રાજકોટ જવું હોય, ટ્રેનમાં રિઝર્વેશન મળતું ન હોય ત્યારે જખ મારીને બસમાં મુસાફરી કરવી જ પડે. એવા સમયે એક નાની પણ ખૂબ મહત્વની સમસ્યા નડે તે એ કે બસમાં મનફાવે ત્યારે પેટ હળવું કરવા ન જઈ શકાય. ડ્રાઇવર જ્યાં અને જ્યારે ઊભી રાખે એ ડેસ્ટિનેશન પર તમને ઇચ્છા હોય કે ન હોય, પીપી-છીછીની ક્રિયાઓ પતાવી જ નાખવી પડે; નહીંતર અધવચ્ચે જો લઘુ-ગુરુશંકા લાગી તો દુમ દબાવીને બેસી રહેવું પડે.

ખેર, હજી થોડા દિવસ પહેલાં જ કર્ણાટક સરકારે ભારતની સૌથી લાંબી વૉલ્વો બસ લૉન્ચ કરી છે જેમાં આ સમસ્યાનું સમાધાન એટલે કે ટૉઇલેટ પણ છે. અલબત્ત, આ ટૉઇલેટ ઇમર્જન્સી માટે જ છે. બસની સીટોની વચ્ચે જ એક નાની ખોબચી છે જેમાં ઇંગ્લિશ કમોડની વ્યવસ્થા છે. લિમિટેડ પાણીવાળા આ ટૉઇલેટને યુઝ કર્યા પછી કેમિકલથી જંતુરહિત કરવામાં આવતું હોવાથી એને કેમિકલ ટૉઇલેટ પણ કહે છે. બૅન્ગલોરથી મૈસુર વચ્ચે દોડતી સેન્ટ્રલી એસી બસમાં ઇનહાઉસ પૅન્ટ્રી પણ છે એટલે ટ્રેનની જેમ જ આ બસમાં પણ લિમિટેડ નાસ્તા ગરમાગરમ મળી શકે છે. આપણી સામાન્ય વૉલ્વો બસ લગભગ ૪૦થી ૪૩ ફૂટ લાંબી હોય છે, પણ કર્ણાટકમાં શરૂ થયેલી આ નવી વૉલ્વો ૪૭ ફૂટ લાંબી છે અને એમાં માત્ર ૪૧ સીટ જ છે એટલે મુસાફરી પણ એકદમ મોકળાશવાળી થાય છે.



ભારતની આ સૌથી લાંબી બસ ગણાય છે; પણ બૉસ, વિશ્વના બસ-જગતમાં ડોકિયું કરીએ તો આપણી સૌથી લાંબી બસ પણ એની સામે રમકડા જેવી જ લાગશે. ગયા અઠવાડિયે બસ-જગતમાં જર્મનીએ એક નવો રેકૉર્ડ બનાવ્યો છે સૌથી લાંબી બસનો જે પૂરા ૧૦૧ ફૂટ લાંબી છે. ૨૫૬ લોકો આરામથી બેસી શકે એવી પાંચ બારણાં ધરાવતી આ બસ જાણે અલગ-અલગ ત્રણ ડબ્બા જોડીને બનાવી હોય એવી રચના ધરાવે છે જેથી વળાંક લેતી વખતે આસાની રહે છે.

ઑટોટ્રામ એક્સ્ટ્રા ગ્રૅન્ડ નામની આ મેગા બસ માત્ર લંબાઈમાં જ વધુ છે, બાકી મોટા ભાગની ડિઝાઇન ૩૯ ફૂટની બસ જેવી જ છે. સૌથી સારી વાત એ છે કે આ ટ્રેન ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે અને જ્યારે વીજળી ન હોય ત્યારે હાઇબ્રિડ એન્જિનથી પણ ચાલી શકે છે. જર્મનીની ફ્રૉનહૉફર ઇન્સ્ટિટ્યૂટ ફૉર ટ્રાફિક ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સના એન્જિનિયરોએ ૧૦૦ લાખ ડૉલર (આશરે ૫૦ અબજ રૂપિયા)ના ખર્ચે બનાવેલી આ બસમાં યુનિક કમ્યુટર સ્ટિયરિંગ સિસ્ટમ હોવાથી ત્રણેય ભાગનું બૅલેન્સિંગ સેન્ટ્રલી કન્ટ્રોલ થઈ શકે છે. આમ જોઈએ તો બસને ત્રણ ડબ્બાની ટ્રેન જ કહેવાય, પણ એ સાદા રસ્તા પર કોઈ ટ્રૅક બનાવ્યા વિના ચાલી શકે છે. ચીને શાંઘાઈ અને બીજિંગ શહેર માટે આ મેગા બસોનો ઑલરેડી ઑર્ડર આપી દીધો છે, કારણ કે વધતી વસ્તીને કારણે ચીને ટ્રાન્સપોર્ટ માટે આવી જાયન્ટ વ્યવસ્થાઓ કરવી જરૂરી છે. ચીનમાં ઑલરેડી ટૂ-ફોલ્ડ ધરાવતી ૮૨ ફૂટ લાંબી ડબલ ડબ્બાવાળી થ્ફ્ભ્૬૨૫૦ઞ્ નામની સુપરબસ ફરે છે જે ૫૦થી ૮૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. ચીનની સરકારે આ બસો લૉન્ચ કરીને બસોની ફ્રીક્વન્સી ઘટાડી હોવા છતાં લોકલ મુસાફરી માટે કોઈ મુશ્કેલી નથી પડતી.

જોકે જર્મનીની આ નવી રેકૉર્ડબ્રેક મેગા બસને પાટનગર બર્લિનમાં ફેરવવાની પરવાનગી નથી મળી, કેમ કે આવી વિશાળકાય બસ ફેરવવા માટે રસ્તાઓ પણ એટલા લાંબા-પહોળા હોવા જોઈએ. બર્લિનના આ હાલ છે તો બૉમ્બેમાં આવી બસ આવે એવું સપનું પણ જોઈ શકાય ખરું?

બસ માત્ર કમ્યુટિંગનું સાધન જ નથી રહી. એમાં પણ કેટલાક લોકોની ક્રીએટિવિટી કામે લાગી છે. ૨૦૦૭માં વિશ્વ પર આર્થિક સંકડામણે ભીંસ લીધેલી ત્યારે ટૉમ કેનેડી અને તેના પાંચ સાથીઓએ મળીને એકના માથે બીજી બસ ઊંધી ચોંટાડી હોય એવી ટૉપ્સી બસ તૈયાર કરેલી. અમેરિકન આર્થિક સ્થિતિનું એમાં નિરૂપણ કરવામાં આવેલું. આ બસ નૉર્થ અમેરિકામાં આવેલી જ્યુઇશ એન્વાયર્નમેન્ટલ એજ્યુકેશન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ-બસ તરીકે લગભગ ચારેક વરસ સુધી વપરાઈ. એન્વાયર્નમેન્ટના સંરક્ષણના ઉદાહરણરૂપે આ બસ રેસ્ટોરાંઓમાં વપરાયેલા અને વેસ્ટ તરીકે ફેંકી દેવામાં આવતા વેજિટેબલ ઑઇલ પર ચાલતી હતી. ગયા વર્ષે આ બસ અને એના કૉન્સેપ્ટને બતાવવાની અમેરિકાનાં વિવિધ શહેરોમાં ટૂર પણ નીકળેલી.

સ્કૂલ-બસોની બાબતમાં જપાનની કૉમિક કે ઍનિમલ થીમ પર આધારિત જાતજાતની બસ ખૂબ ફેમસ છે. અહીં પાન્ડા, લાયન, ટાઇગર કે મિકી માઉસ શેપની મિડિયમ સાઇઝની સ્કૂલ-બસ ધૂમ મચાવે છે. ચીન સ્કૂલ-બસની બાબતમાં થોડુંક ઍડ્વાન્સ્ડ છે. અહીં બસની મુસાફરીમાં જ વિદ્યાર્થીઓના ક્લાસ ચાલુ થઈ જાય છે. કેટલીક બસોમાં અંદર જ કમ્પ્યુટર્સ ઇન્સ્ટૉલ કરેલાં હોય છે.

જપાનમાં જમીન પર ચાલે અને પાણીમાં તરે એવી બોટ-બસની પણ બોલબાલા છે. એનું નામ છે એમ્ફિબિયસ બસ. માઉન્ટ ફુજીની મુલાકાત લેવા જાઓ તો તમને આવી દોડતી-તરતી બસનો ભેટો થઈ જશે. ફુજી પર્વતની આસપાસના ફુજી ફાઇવ લેક વિસ્તારમાં ખાસ સહેલાણીઓ માટે આવી બસ છે જે જમીન પર ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક અને પાણીમાં ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી દોટ લગાવે છે. આ બસ રસ્તા પર દોડતાં-દોડતાં જ તળાવમાં કૂદીને તરવા લાગી જાય છે. ૩૨થી ૫૦ મુસાફરોની કૅપેસિટીવાળી આ બસ હવે યુરોપના અન્ય દેશોના ટૂરિસ્ટ પૉઇન્ટ્સ પર પણ ક્યાંક-ક્યાંક જોવા મળી જાય છે.

આપણે અહીં વિશ્વની સૌથી લાંબી બસની વાત કરેલી, પણ નાનામાં નાની બસ પણ કેવડી હોય એની કલ્પના ફોક્સવૅગન કંપનીએ કરી છે. સ્કૂટરની સાઇડકાર તરીકે એણે બસના શેપની કાર જૉઇન કરી છે. અલબત્ત, એને બસનો દરજ્જો નથી મળ્યો એટલે એ વિશ્વની સૌથી નાની બસ હોવા છતાં એનો ખિતાબ અંકે કરી શકી નથી.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2012 07:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK